Magazines

બાળકોને બેહિસાબ સ્વતંત્રતા આપવાની જરૂર છે

By GS TEAM
22 Nov 20252 mins read
બાળકોને બેહિસાબ સ્વતંત્રતા આપવાની જરૂર છે

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

બાળક આવતીકાલે શું બનશે તેની ચિંતામાં આપણે આજે પણ તે કશુંક છે તે ભૂલી જઈએ છીએ.

 - સ્ટાસીયા તાઉસ્કર 

અ ચ્છા, આજે બાળક શું છે ? તો જવાબ છે, બાળક આજે-અત્યારે અગાધ વિસ્મયલોક અને અપરંપાર કલ્પનાલોકનો માનદ નાગરિક છે. તેથી જ આપણે બાળકોના કલ્પનાલોકને શબ્દો-શાસ્ત્રોની સાંકળથી બાંધવાનો નથી અને તેના વિસ્મયને વસ્તુઓ અને તથ્યોના બોધથી છૂંદવાનો નથી. માગદા ગર્બર તો કહે છે કે આપણે બાળકોને જે શીખવીએ છીએ, તે તેની શીખવાની સહજ પ્રક્રિયામાં અવરોધ રૂપ છે. કદાચ જીવનની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને ઊંડાઈની અનુભૂતિ અને અભિવ્યક્તિ માટે મન, બુદ્ધિ, શબ્દોની ભાષા પર્યાપ્ત નથી. રૂસો કહેતા, 'વાસ્તવલોક  સીમિત છે, કલ્પનાલોક અસીમ છે.' તેથી જ કાવ્યમાં ઇતિહાસ કરતા વધારે માનવીય સત્ય હોય છે.

લોરીસ માલાગુઝી (ઈ.સ. ૧૯૨૦-૧૯૯૪) નામના એક આત્મવાન શિક્ષણ-મનોવિજ્ઞાની હતા. તેમની એક 'નો વે. ધ હન્ડ્રેડ ઈઝ ધેર' નામની એક મૂળ ઈટાલિયન કવિતા છે. તેમાં બાળકના અંતરલોકની વાત છે. તેને સારરૂપ જોઈએ. તે કહે છે કે બાળકો પાસે વ્યક્ત થવાની સો ભાષાઓ છે, સો હાથ, સો રમવા, બોલવા, સાંભળવા, વિચારવાની, ગાવાની રીતો છે. અરે, સો સ્વપ્નનગરી અને વિશ્વો પણ છે. પણ કમનસીબે શિક્ષણના વિદ્વાનો અને સંસ્કૃતિના વડીલોએ બાળકોના મન અને દેહને વિખુટા પાડી દીધા છે. તે બધા  બાળકોને કહે છે; હાથો વિના વિચારો, મન વિના કામ કરો, બોલ્યા વિના સાંભળો, મોજ વિના સમજો, પ્રેમ અને જાદુને ઈસ્ટર અને ક્રિસ્મસ માટે જ  બાકી રાખો. તો ક્યારેક તેઓ બાળકોને સમજાવે છે કે રમવું અને કામ કરવું, વિસ્મય અને  વાસ્તવિકતા, વિજ્ઞાન અને કલ્પના, આકાશ અને પૃથ્વી, બુદ્ધિ અને સ્વપ્ન અલગ-અલગ છે- એક નથી. અરે, ક્યારેક તેઓ સાવ સામે વિશ્વ છે તેને શોધવાનું કહે છે. આમ આ રીતે વિદ્વાનો અને વડીલો  બાળકોના  ૯૯ ચોરી લે છે. પણ જીદ્દી બાળકો માનતા નથી અને કહે છે, આ જૂઠ છે અમે ન માનીએ.' સો છે, છે, અને છે જ !

આપણે બાળકને બિનશરતી સ્નેહ અને બેહિસાબ સ્વાતંત્ર્ય આપવાની જરૂર છે. ચાલો, આપણે બાળકોને  ૨+૨=૫  કરવાનો અને બંધાયેલ  રસ્તે ન ચાલવાનો અધિકાર આપીએ. ભલેને બાળકોના;  પંખીને  ત્રણ પાંખો હોય, મેઘધનુષને ૨૧ રંગો હોય, વાનરને પીંછા હોય, મોરને પુંછડી હોય અને તેમના ચિત્રમાં સૂર્ય ચોરસ હોય તો શું ?  ચાલો, બાળકને સર્જનાત્મક વિદ્રોહનો અવકાશ અને રચનાત્મક ઉડાનનું આકાશ આપીએ. તેમને ઊંઘવા ખોળો, ઉઠવા ગીત,ઉગવા ખેતર અને ઉડવા આકાશ આપીએ. બાળકને તેમના મૌલિક કક્કો-બારખડી બોલવાનો અધિકાર આપીએ.

બાળકોની મશહૂર પત્રિકા 'ચકમક'માં જ્ઞાનપીઠ વિજેતા ગુલઝાર સાહેબની 'અગર-મગર' નામની કોલમમાં બાળકો તેમને સવાલ પૂછતા તેઓ જવાબ આપતા: 

માલવિન્દ્ર કૌર (હરિયાણા) : ચીંટિયાં હર વક્ત કિસકી તલાશ મેં રહેતી હૈ? 

ગુલઝાર : હાથી કી ! ઉસકે કાનમે કુછ કહેના હૈ ઉન્હેં.