શહેરી ગર્જના અને રોમહર્ષણ ચિત્રાંકનો
રસવલ્લરી - સુધા ભટ્ટ
- કલાકારનું કામ કંઈક સાબિત કરવાનું નહિ; શોધ કરવાનું છે
ચિત્રલિપિને જો આપણે ચિત્ર કહીએ તો એનાથી શરૂ કરી ભીંત ચિત્રો, ગુફા ચિત્રો અને લોકકળાથી ભરપૂર ઐતિહાસિક પુરાવાઓ સુધી આપણી નજર પહોંચે. આજના અત્યાધુનિક યુગમાં શ્વસતી અને સતત આગળ વધતી યુવા કલાકારોની પેઢી ભલે નિત નવતર વિચારે, અમલમાં મૂકે અને કેનવાસ પર મોડર્ન આર્ટ કે અમૂર્ત કળાને રસળતી કરે પણ તેમની ઉપરે ય પ્રાચીન કળાની સુદ્રઢ અસર છે. અજંતા, ઇલોરા, એલિફન્ટા જેવી અનેક ગુફાઓમાં પ્રાપ્ત થતા કળા ખજાનાથી તેઓ ખાસ્સા પ્રભાવિત છે. ટાંચા સાધનો છતાં વિચારશીલ કળાકારોએ સર્જેલ કળાકૃતિઓ કોઈ ચમત્કારથી કમ નથી.
સમયથી આગળ વિચારનાર એ કળાકારોના કળાકર્મમાં જે વૈવિધ્ય હતું જે નવા નવા 'કન્સેપ્ટ' તેઓ લાવ્યા, જે તેમનું 'વિઝન' હતું તેનાથી આજના યુવા કલાકારો અવગત પણ થયા અને રોમાંચિત પણ. વધુ સૌભાગ્યની ક્ષણ તો ત્યારે આવે છે જ્યારે આધુનિક યુવા કલાકારો સમયથી પાછળ જોઈ, વર્તમાનમાં મહેનત કરી ભાવિમાં ડોકિયું કરવાની ખેવના ધરાવે છે. આવા જ એક તરોતાજા કલાકાર છે - અમદાવાદના રાકેશ પટેલ કે જેમની પ્રયોગશીલતાને દાદ દેવી પડે. બાળવયથી જ કળા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાએ, તેમને પીંછી ધોતાં ધોતાં મોટેરાં સ્વપ્નો એટલી તીવ્રતાથી બતાવ્યા કે બધું જ પડતું મૂકી તેમણે કલાસાધના પૂર્ણ કરી અને સપ્તનીક ફાઇન આર્ટમાં અનુસ્નાતકની ડિગ્રી પણ હાંસલ કરી.
નિરીક્ષણયુક્ત કળા સાથેનો સતત વાર્તાલાપ, સચોટ અભિવ્યક્તિ, ઉત્તમ પરિણામ
રાકેશ એટલે જ પૂર્ણચન્દ્ર. ચન્દ્રની જેમ સોળે કળાએ એમની મહેનત રંગ લાવી અને સમાજના પ્રત્યેક વર્ગના બાળકોના તેમણે રૂપચિત્રો (પોટ્રેટ) કર્યા. 'ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટ' રાકેશે નિર્દોષ બાળકોની આંખમાં આંખ પરોવી તેમની અભિવ્યક્તિને સુપેરે ઝીલી તેમનાં ચિત્રોમાં નાવીન્ય ઉમેર્યું. બાળકોના નાક- નકશા, કેશ, તોફાની આંખો, મુસ્કુરાતા હોઠ અને કંઈક કહેતો ચહેરો અદ્દલ ઝીલ્યાં. કેનવાસ પર એક્રેલિકના સરળ લસરકા, ઘેરા રંગો અને ઝીણી વિગતોએ એ ચિત્રોને બોલકા કર્યા. આટલેથી સંતોષ માને એ સાચો કલાકાર નહિ. સતત નવી શોધની ઝંખના, કોઈ કળા તેમની પેટર્ન ન બની જાય એની કાળજીએ આ કલાકાર સતત સંચરતા જ રહ્યા. દેશ- વિદેશની કલાયાત્રાએ તેમને નવી શોધો પ્રત્યે દોર્યા.
વડીલ ચિત્રકારો પાસેથી શીખતા રહ્યા અને 'ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા' ન્યાયે કળામાં વિષયાંતર (ટ્રાન્સફોર્મેશન) રૂપાંતર કરવા શહેરના કળાના મક્કા ગણાતા ગુજરી બજારમાંથી પણ ખૂબ પ્રેરણા લઈ, છેક શૂન્યથી વિચારી, ઊંચા વિચારો સાથે ઉર્ધ્વગતિ પામવા મથતા રહ્યા. તેમાં ભંગારમાંથી પોટ્રેટ કરી તે ફ્રેમમાં અરીસો મૂકી ભાવકને તેની ખરી ઓળખ અપાવી. કમ્પ્યૂટરની સર્કિટો જેમ તેમ વિખરાયેલી હતી તેને ઉપરથી જોતાં જ રાકેશને એમાંથી એક નગર દેખાયું અને એમાંથી શહેરી ગર્જના સંભળાઈ. બસ, વાત બની ગઈ. લાકડા પર મિક્સ મિડિયા તરીકે એને ગોઠવી અલગ અલગ રંગો, આકારો અને આકૃતિઓનું એક નવું પ્રકાશિત વિશ્વ ઉભું કરી દીધું. હવે વારો છે રસિકોનો. બોલો, તમને આમાં શું દેખાય છે ? હાથી, ખુરશી, સોનેરી વૃક્ષના કલ્પનો પણ અપ્રતીમ ! રંગ વૈવિધ્ય અને તેની ઝાયકા તો ક્યા કહેના !
ચિત્ર સહજતાથી કોરા કાગળ પર ઉતરે તે સાચી કળા
નવા મિડિયમમાં વિવિધ ધાતુ, વાયર, વાપરી બનાવાયેલા તેમના ચિત્રોમાં કાઇનેટિક (ગતિ) આર્ટ વર્કનો અહેસાસ થાય ! પ્રત્યેક સવારે નવું સ્વપ્ન જોતો કલાકાર પાછો ન પડે. નવી ઓળખ, નવી ભાષા સાથે મહત્ત્વકાંક્ષાઓ વધતી જાય તો અવશ્ય નવાં સર્જન થાય. લખી રાખો સામી ભીંત પર - સફળતા માટે કોઈ શોર્ટ કટ નથી. કેનવાસરૂપી આ દુનિયાના કલાકારોને સતત આવકારે છે. એમાં જ કળાની યથાર્થતા અને નિજાનંદ છે - પ્રેરણાના પિયૂષ. પરંપરાગત અને ડિજિટલ આર્ટ. બન્નેને ચાહતા રાકેશે હેરિટેજને દીપાવવા હામ ભીડી છે. એ જ તો ભાવક સાથે સંવાદ છે. એમાં જ નવા વિચારો ઘૂંટાય અને નવી નક્કોર કળાનો અર્ક ઉતરે પોતાની જાતની શોધ ત્યાં પૂર્ણ થાય.
ગૃહસ્થ જીવનમાં પણ પૂર્ણમ ઇદમ અને પરિપકવતાનો ભાવ અનુભવાય જ્યારે રોમે રોમ કળાના કણોને આત્મસાત કરતી સહધર્મચારિણી રોમા અલગ છતાં લગોલગ ઉભી રહી પોતાના નોખા કળાવિશ્વમાં રમમાણ રહે અને પૂર્ણપણે આનંદનો સ્રોત બની રહે. વિશ્વભ્રમણ કળા અભ્યાસ, અનુભવ અને પ્રયોગોમાં એકબીજાનું પૂરક એવું આ દંપતી અદ્વૈતભાવ અનુભવે જ ને !રોમા પટેલ પણ બાળવયની કળાને ચાહતા રહ્યાં છે. આરંભે લેન્ડસ્કેપમાં સ્વયમ રેળાયા પછી માછલીઓનાં રંગીન અને સળવળતા વિશ્વમાં તેમની પ્રતિભા પાંગરી કેનવાસનું પોત, એક્રેલિક રંગો, ઘાટી ઘેરી રંગછટામાં તેઓ મઝાથી મહાલ્યા અને સાદ્યંત પ્રવાહમાં જોશપૂર્વક છવાયા. અચાનક એક દિ' માછલીઓ રોમાના કેનવાસ જળમાંથી ગાયબ થઈ ગઈ અને કેટલાક અજાણ્યા સ્વરૂપો ઉભરી આવ્યાં.
અમૂર્ત ચિત્રોમાં છે પોતાની ખોજ કરવાનો મોકો અને લ્હાવો
પોતાની અમૂર્ત (એબ્સ્ટ્રેક્ટ) કળા સાથે કામ પાર પાડતા રોમા માને છે કે આ કળા પાછળ વિચારવાનું ન હોય જેમ માંહ્યલો કહે અને લસરકા કેનવાસ પર ઉતરે એની સાથે સંવાદ સાધી પોતાની લાગણીને એની સાથે જોડવાની હોય. ભાવ સાથે જોડાઈએ તો ફલક પર અભિવ્યક્તિ ઉતરે અને ભાવક એને પોતાની રીતે પોતાના ભાવવિશ્વ સાથે જોડે. આ કળામાં આકાર છે, રંગવૈવિધ્ય છે પરંતુ ભાષા નથી. જેમ શાસ્ત્રીય સંગીતમાં સમજણ ન પડતી હોય તો ય ડોલાય છે તેમ આમાંથી મઝા લેવાય. અમૂર્ત કળાનું ખુલ્લું આકાશ પોતાની રીતે એને સમજવાની હોય. વિચારોને, કલ્પનાને કોઈ હદ નથી.
એમાં પ્રાણી, પંખી, માનવ લેન્ડસ્કેપ, કુદરતના તત્ત્વો, અવકાશી નઝારો- કંઈ પણ કલ્પી શકો. દર્શક મઝા માણે એટલે ઘણું ક્યારેક કલાકાર પોતાની ભાષા સમજી ન શકે અને જેટલા જોનારા એટલાં એનાં સ્વરૂપો ! એ જ તો ખૂબી છે. રોમા એક્રેલિક રંગને પ્રક્રિયા કરી વાપરે છે. તેનું પોત તૈયાર કરી, સૂકવી તેને ઓપ આપે આ બન્ને કલાકારોને ઘેરા રંગ ગમે છે અને રેખા કે ચિત્ર માટે કોલસો પ્રિય છે. ખૂબ સંશોધન અને અભ્યાસથી બહાર આવતી આ અઘરી કળાઓ બન્નેને હસ્તગત હોઈ એમાં નિપુણતાથી નાવીન્ય લાવવાની ખાંખત તેમનામાં છે. તેમાં જ પૂર્ણાનંદ છે.
લસરકો:
ચિત્રકાર મહાન હોતો નથી. મહાન તો ઉંચા સ્તરની કળા પ્રત્યેનું એનું વળગણ હોય છે.