Get The App

પોલ વોલ્ટના સહારે પિતાના અરમાનોની ઊંચાઈ પાર કરી રહેલો આર્મન્ડ ડુપ્લાન્ટિસ

Sport ફન્ડા - રામકૃષ્ણ પંડિત

- અમેરિકામાં જન્મેલા સ્વિડનના 20 વર્ષના એથ્લીટે બે સપ્તાહમાં બે વખત વિશ્વવિક્રમ તોડીને ખળભળાટ મચાવ્યો છે

Updated: Feb 23rd, 2020

GS TEAM

Google News
Google News
પોલ વોલ્ટના સહારે પિતાના અરમાનોની ઊંચાઈ પાર કરી રહેલો આર્મન્ડ ડુપ્લાન્ટિસ 1 - image


અમેરિકન પિતા અને સ્વિડિશ માતાએ ગળથૂથીમાંથી જ આર્મન્ડમાં સ્પોર્ટ્સના સંસ્કારોનું સિંચન કર્યું 

રમતની દુનિયામાં અત્યાર સુધી એવા ઘણા મહારથીઓ આવી ચૂક્યા છે કે જેમણે પોતાની પ્રતિભાના બળે એટએટલી ઊંચાઈએ સર કરી છે, જે આજે સીમાચિહ્ન તરીકે દુનિયાની સામે છે. આ સીમાચિહ્નોને ભૂતકાળની ભવ્યતાના મહિનામંડિત સ્તંભો તરીકે જોવામાં આવે છે, પણ હકીકતમાં એ આવનારી પેઢી માટે પડકાર છે. આ પડકારો જ રમતની દુનિયાને ધબકતી રાખે છે. તેમાં જ જ્યારે સીમાચિહ્નોને કોઈ પાર કરે છે, ત્યારે તે માઈલસ્ટોન મેનને આવકારવા માટે દુનિયા થનગની ઉઠે છે અને ત્યાર બાદ તેના નવા સીમાચિહ્નોની  ઊંચાઈ કેટલી હશે તેની ઈંતેજારી રોમાંચને ઔર વધારી દે છે. 

સ્વિડનના ૨૦ વર્ષીય એથ્લીટ આર્મન્ડ  ડુપ્લાન્ટિસે વાંસ કુદકો એટલે કે પોલ વોલ્ટની રમતમાં સનસનાટી મચાવી છે. પોલ વોલ્ટની રમત ખેલાડીની શારીરિક ક્ષમતાની સાથે માનસિક મક્કમતાની આકરી કસોટી કરે છે, તેમાં ય આ રમત એવી છે કે, જેમાં ખેલાડીને ઈજાનું જોખમ સૌથી વધુ રહેલું છે, જેના કારણે જ્યારે પોલ વોલ્ટમાં કોઈ રેકોર્ડ તૂટે છે, ત્યારે રમત જગતમાં તેની વિશેષ નોંધ લેવાય છે. યુવાનીના ઉંબરે ડગ માંડી રહેલા આર્મન્ડે પોલ વોલ્ટમાં છ વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડી નાંખવાની સિદ્ધિ હાંસલ કરતાં એથ્લેટિક્સ જગતને અચંબામાં નાંખી દીધું છે.

પોલ વોલ્ટના રનઅપ પર દોડતાં આર્મન્ડના નિર્ભૂલ પર્ફોમન્સ અને પોલની મદદથી ૬.૧૮ મીટર એટલે કે ૨૦ ફિટથી વધુ ઊંચાઈને પાર કરવાની સિદ્ધિ પર એથ્લેટિક્સના દિગ્ગજો આફરીન પોકારી ઉઠયા છે. સ્વીડનના યુવા ખેલાડીની સફળતાની વિશેષતા એ છે કે, તેણે ટૂંકા ગાળામાં જે પ્રકારના પર્ફોમન્સ સાથે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે, તેનાથી તે રાતોરાત વિશ્વવિખ્યાત બની ગયો છે. હવે જ્યારે ગણતરીના મહિનાઓમાં જ પૃથ્વી પરનો સૌથી મોટો રમતોત્સવ એટલે કે ઓલિમ્પિક યોજાવાના છે, ત્યારે આર્મન્ડ તેના પર્ફોમન્સ થકી ઓલિમ્પિક સુવર્ણની ઊંચાઈને હાંસલ કરવા માટે થનગની રહ્યો છે. 

વિશ્વ એથ્લેટિક્સમાં પોતાના મોસાળ સ્વિડનને ગૌરવ અપાવી રહેલા આર્મન્ડનો જન્મ અમેરિકાના લ્યુસિયાનામાં આવેલા લોફિઈટમાં રહેતા ડુપ્લાન્ટિસ પરિવારમાં ત્રીજા પુત્ર તરીકે થયો હતો. આર્મન્ડના પિતા ગ્રેગ પોતે અચ્છા પોલ વોલ્ટર રહી ચૂક્યા હતા. જ્યારે તેની સ્વિડીશ માતા હેલેના હ્યુલ્યુન્ડ પણ હેપ્ટાથ્લોનની રમતમાં માહેર હતી. તે વોલીબોલ રમતમાં પણ કુશળ હતી. લ્યુસિયાના યુનિવસટીમાં ગ્રેગ અને હેલેના સાથે ભણતા અને સાથે રમતાં. જેના કારણે બંને વચ્ચે સહજતાથી દોસ્તી બંધાઈ ગઈ, જે આગળ જતાં લગ્નમાં પરીણમી. ગ્રેગના પિતા બોબના એક દોસ્ત હાઈસ્કૂલના એથ્લેટિક્સ કોચ હતા. જેના પગલે ગ્રેગને પોલ વોલ્ટનું કોચિંગ મળ્યું.

ગ્રેગ તેમના જમાનામાં રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવવાની ક્ષમતા ધરાવતા હતા. યુરોપીયન પ્રવાસમાં એક ઈવેન્ટમાં તેમણે ૫.૮૦ મીટરનો પોલ વોલ્ટ જમ્પ લગાવ્યો હતો, જે તે સમયના અમેરિકી ધોરણો અનુસાર તો ઓલિમ્પિક ટીમમા સ્થાન મેળવવા માટે પુરતો હતો. જોકે ૧૯૯૬ના એટલાન્ટા ઓલિમ્પિક અગાઉ જ્યારે યુએસ ટ્રાયલ્સ યોજાઈ, ત્યારે તેમાં ગ્રેગ તેમના પર્ફોેમન્સને દોહરાવી ન શક્યા અને ૫.૭૦ મીટરની ઊંચાઈ ક્લિયર કરી શક્યા અને છઠ્ઠા સ્થાને રહ્યા. ઓલિમ્પિકની તક હાથમાંથી સરી ગઈ, તે પછી તેમણે ઘર-પરિવાર તરફ અને કોચિંગ તરફ ધ્યાન આપવા માંડયું.

ડુપ્લાન્ટિસ પરિવારના ત્રણ પુત્રો એન્દ્રેસ, એન્ટોનિયો અને આર્મન્ડને માટે રમતનું મેદાન સ્વાભાવિક રીતે ઘરમાં જ હતું. માતા-પિતાએ તેમના પુત્રોને ગળથૂથીમાંથી સ્પોર્ટ્સના સંસ્કાર આપ્યા અને તેનું પરિણામ થોડા જ વર્ષોમાં જોવા મળ્યું. એન્દ્રેસે પિતાના પગલે પોલ વોલ્ટની રમત પસંદ કરી, જ્યારે એન્ટોનિયોને બેઝબોલની રમત અપનાવી. મોટા ભાઈ એન્દ્રેસને પોલ વોલ્ટની પ્રેક્ટિસ કરતો જોઈને આર્મન્ડ પણ તેની તરફ આકર્ષાયો અને બાળપણમાં તે એન્દ્રેસનો પોલ ઉપાડીને ફરતો રહેતો. આ સાથે તેની પોલ વોલ્ટની સફર શરુ થઈ. 

પિતાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા એન્દ્રેસે બે વખત વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરની સફળતાને પગલે એન્દ્રેસને મળતાં મેડલ્સ અને ટ્રોફીઓની ચમક આર્મન્ડની આંખો અંજાઈ જતી. તે પોતે પણ મોટાભાઈની જેમ પોલ વોલ્ટમાં સફળતા મેળવવાના સપના જોતો. ઘણી વખત તે મોટાભાઈની સાથે પ્રેક્ટિસ કરવા પહોંર્ચી જતો. ગ્રેગનું ધ્યાન આર્મન્ડ પર ખાસ નહતું કારણ કે એન્દ્રેસની કારકિર્દી છેક આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી હતી. આ દરમિયાન આર્મન્ડની પ્રતિભાને નિખારવામાં તેની માતા હેલેનને મહત્વની ભૂમિકા ભજવી. આમ પણ પરિવારમાં સૌથી નાના પુત્રને માટે માતાનો વાત્સલ્યભર્યો ખોળો છોડવો સૌથી કપરો હોય છે.

લ્યુસિયાનામાં ઉછરી રહેલા નાનકડા આર્મન્ડ ખુબ જ અસરકારક રીતે પોલ વોલ્ટની ઈવેન્ટમાં ભાગ લીધો. નાની ઉંમરે તેની નિપૂર્ણતા અને કુશળતા જોઈને બધા ચકિત થઈ જતાં. સ્થાનિક સ્તરની સ્પર્ધામાં તો તે લાજવાબ દેખાવ કરતો. ૧૩ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તો તેણે આઠ વખત એજ ગુ્રપ પોલ વોલ્ટમાં વિશ્વવિક્રમ સર્જી દીધા હતા. ૧૬ વર્ષની ઉંમરે તેણે અમેરિકાની યુથ ટીમમાં સ્થાન મેળવી લીધું અને કોલંબિયામાં યોજાયેલી વર્લ્ડ યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને પહેલા જ પ્રયાસમાં ૫.૩૦ મીટરનું અંતર ક્લિયર કરતાં સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી. 

ઘર-પરિવારમાં તેમજ મિત્ર વર્તુળમાં આર્મન્ડને 'મોન્ડો'ના હૂલામણા નામથી બોલાવવામાં આવે છે. એન્દ્રસની કારકિર્દી એક સ્તરે જઈને અટકી ગઈ, જે પછી તેના પિતા ગ્રેગે તેમનું સમગ્ર ધ્યાન આર્મન્ડ પર કેન્દ્રિત કર્યું. આર્મન્ડની માતા સ્વિડનની હોવાથી તેની પાસે અમેરિકા અને સ્વિડન એમ બંનેની નાગરિકતા હતી. તેણે પોતાની માતાના દેશને ગૌરવ અપાવવાનું નક્કી કર્યું અને સ્વિડિશ ખેલાડી તરીકે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી. ૧૬ વર્ષની ઉંમરે તેણે સમવયસ્ક ખેલાડીઓમાં વિશ્વવિક્રમ સ્થાપિત કરતાં પોલની મદદથી ૫.૪૯ મીટર ઊંચી છલાંગ લગાવી. તેણે વર્લ્ડ જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પોલ વોલ્ટમાં કાંસ્ય સફળતા હાંસલ કરી. જોકે વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો સિલસિલો તો જારી રહેવા પામ્યો.

માતા પાસેથી ફિટનેસ અને પિતા પાસેથી પોલ વોલ્ટની ટેકનિક શીખેલા આર્મન્ડે ૨૦૧૭માં ૫.૭૫ મીટરની ઉંચાઈ ક્લિયર કરતાં જુનિયર પોલ વોલ્ટમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યોે. જોકે તેને આ રેકોર્ડમાં સૌથી વધુ આનંદ તેના પિતાના રેકોર્ડને તોડવાનો હતો. તેના પિતા ગ્રેગની કારકિર્દીનું શ્રેષ્ઠ પર્ફોમન્સ ૫.૭૦ મીટરનું હતુ, જ્યારે અરમાન્ડે તેમના કરતાં ૦.૦૫ મીટર વધુ અંતર ક્લિયર કર્યું હતુ. અહીંથી ગ્રેગને લાગવા માંડયું કે, તેમનો પુત્ર આવનારા દિવસોમાં પોલ વોલ્ટમાં ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરશે.

૨૦૧૮નું વર્ષ આર્મન્ડની કારકિર્દીમાં એટલા માટે નિર્ણાયક બની રહ્યું કે, અહીંથી તેણે સીનિયર પોલ વોલ્ટિંગમાં મેડલ જીતવાનો સિલસિલો શરુ કર્યો. આ વર્ષે તેણે વર્લ્ડ જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૬.૦૫ મીટરની ઊંચાઈને સફળતાપૂર્વક પાર કરી બતાવીને સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો. જ્યારે યુરોપના ટોચના પોલવોલ્ટર્સની વર્ષે આ ટીન એજરે બર્લિનમાં યોજાયેલી યુરોપીયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડન સફળતા મેળવી બતાવી. 

કારકિર્દીમાં પહેલી વખત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલા ૧૯ વર્ષીય આર્મન્ડ ડુપ્લાન્ટિસે સિલ્વર સફળતા હાંસલ કરી. અમેરિકાના ડિફેન્ડિંગ ચેમ્પિયન એથ્લિટ સેમ કેન્ડ્રિક્સ અને અરમાન્ડે ૫.૯૭ મીટરની ઉંચાઈ પાર કરી હતી. જોકે તેઓ ૬.૦૨ મીટરની ઉંચાઈ પાર કરી ન શક્યા. સેમે બે જ ટ્રાયલ્સ લીધી, જ્યારે આર્મન્ડે ત્રીજી ટ્રાયલ લેવાનું બીડું ઝડપ્યું પણ તે નિષ્ફળ રહ્યો અને પોલ વોલ્ટના નિયમ અનુસાર સેમને ગોલ્ડ મેડલ વિજેતા જાહેર કરવામાં આવ્યો. વર્લ્ડ ચેમ્પિયનશિપના અનુભવથી આર્મન્ડ વધુ  ઘડાયો.

ઓલિમ્પિક વર્ષના પ્રારંભે તેણે માતાની સલાહ પ્રમાણે ગણતરીની સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું અને પોલેન્ડના ટોરન ખાતે ૬.૧૭ મીટરનું અંતર ક્લિયર કરતાં છ વર્ષ જૂના ફ્રેન્ચ એથ્લીટ રેનાઉડ લાવિલેનિના ૬.૧૬ મીટરના વિશ્વવિક્રમને તોડી નાંખ્યો. આર્મન્ડ માત્ર આટલેથી ન અટક્યો. તેણે બીજા સપ્તાહે સ્કોટલેન્ડમાં રમાયેલી ચેમ્પિયનશિપમાં પોતાના જ વિશ્વવિક્રમમાં ૦.૦૧ મીટરનો સુધારો કરીને ઈતિહાસ રચી દીધો. હવે જ્યારે ટોકિયો ઓલિમ્પિકના પડઘમ સંભળાવા લાગ્યા છે, ત્યારે આર્મન્ડની આ સિદ્ધિને મહત્વની માનવામાં આવે છે અનેેે હવે તે પોલ વોલ્ટના વર્લ્ડ રેકોર્ડને કેટલી ઉંચાઈએ લઈ જાય છે, તે પર દુનિયા મીટ માંડીને બેઠી છે.

Tags :