વિશાલનો લગ્નોત્સવ વિલંબમાં ?
હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી
- વિશાલ કદાચ પહેલીવાર મમ્મી પર ખિજાયો. 'વડોદરા રશ્મિને કેમ ફોન કર્યો ? એને દોડાદોડ કરાવવાની જરૂર હતી ?'
પેથાભાઈના ઘર પાસે કેટલાક સાધુબાવા પૈસા ઉઘરાવવા માટે દબંગ મચાવી રહ્યા હતા ત્યારે વિશાલ તેમની સાથે જીભાજોડી કરવા જતાં એક બાવાએ તેના ખભા પર એના હાથમાંનો ચીપિયો ફટકાર્યો હતો. ફેન્ટા અને દાદીમા એને પરાણે ઘરમાં ખેંચી ગયા હતા.
પ્રોફેસર પ્યારેલાલના એ સમયે અચાનક આગમનથી ધમાલ મચાવતા બાવાઓને પોલીસ બોલાવવાની ધમકી આપતાં બાવાઓ ગાળગલોચ કરતાં ભાગી ગયા હતા. વિશાલને ખભા પર સાધુના ચીપિયાનો ઘા વાગવાથી સોજો આવી ગયો હતો.
આખા પરિવારમાં ધ્રાસકો પડી ગયો હતો કે સાધુઓ શાપ આપીને ગયા પછી શી આફત આવશે ?
પ્રોફેસર પ્યારેલાલે તેમને ખાસ્સી ધીરજ આપીને સમજાવ્યા હતા કે તમે જરાય મૂંઝાશો નહિ. કશી જ અલવલ થશે નહિ. કોઇ મુશ્કેલી ઊભી નહિ થાય. સાધુસંતો શાપ દે નહિ અને ઢોંગી ધુતારા બાવાઓનો શાપ લાગે નહિ.
ધર્મ પિતા સમાન પ્રોફેસર પ્યારેલાલની અખૂટ ધીરજથી પેથાભાઈને અને ખાસ તો પટલાણીને હાશ થઇ ગઇ હતી...
ફેન્ટા વિશાલને ઘરમાં લઈ ગઈ. એના ખભા પર સોજો આવેલો જોતાં એ ગભરાઈ ગઈ હતી. એણે વિશાલને ખભે પીડા ન થાય તેમ સાચવીને દાદાના પલંગમાં સુવાડી દીધો.
વિશાલ ઝાઝી ચિંતામાં નહોતો. ખભા પર આવેલો થોડોક સોજો તો બે દિવસમાં મટી જશે એવી ધીરજથી એ દાદાના પલંગમાં આડો પડયો હતો.
પટલાણી, બાબલો, ફેન્ટા એની આસપાસ એને ઘેરીને ઊભાં હતાં.
વિશાલ આત્મવિશ્વાસથી બોલતો હોય તેમ કહી રહ્યો હતો : 'કશી ચિંતા કરશો નહિ. બે દિવસમાં તો હું સાજો સમો થઇ જઈશ અને ઓફિસે પણ જવા માંડીશ.'
પેથાભાઈના ફોનથી ડોક્ટર આવી ગયા હતા. એ ફિઝિયોથેરેપીના ડોક્ટર નહોતા, પણ વિશાલના ખભાનું નિરીક્ષણ કરીને 'એક અઠવાડિયું આરામ કરવો પડશે.' એમ કહી સોજો ઉતારવાની ટેબ્લેટનાં નામ સૂચવીને વિદાય થયા.
પટલાણીને ફિકર પેઠી. વિશાલ ઓફિસે જવાની જીદ કરશે તો ? ખભાને વધારે નુકસાન થાય તો ? એણે મૃદુતાથી વિશાલને સમજાવતાં કહ્યું : 'વિશાલ, બેટા ! હમણાં કશે જવાનું નથી. બરાબર આરામ કર.'
પેથાભાઈએ પણ તેને સમજાવ્યો. 'વિશાલ, ઓફિસે નહિ જવાની ડોક્ટરની ખાસ સલાહ છે. એક અઠવાડિયું તું ઓફિસે નહિ જાય તો ઓફિસ બંધ નહિ થઇ જાય.
ઘરમાં આવી થોડીક રકઝક ચાલતી હતી તેવામાં ફેન્ટાનો મોબાઇલ રણક્યો. 'હું આવું છું' એટલા શબ્દો પછી તરત ફોન કટ થઇ ગયો.
વિશાલને જરા જિજ્ઞાાસા થઈ - 'કોનો ફોન હતો ?'
ફેન્ટા બોલવામાં ગલવાઈ. 'કંઇ નહિ..'
વિશાલને એના જવાબથી સંતોષ થયો નહિ. 'એકદમ ફોન કેમ કટ થઇ ગયો ?'
ફેન્ટાએ ના છૂટકે ગભરાતાં ગભરાતાં કહ્યું - 'વડોદરાથી રશ્મિ આવે છે.'
વિશાલ કદાચ પહેલીવાર મમ્મી પર ખિજાયો. 'વડોદરા રશ્મિને કેમ ફોન કર્યો ? એને દોડાદોડ કરાવવાની જરૂર હતી ?'
પટલાણીએ વાત વાળી લીધી : 'વિશાલ, રશ્મિને અને એના મમ્મી-પપ્પાને જરાક સમાચાર તો આપવા જોઇએ ને ? એમને સમાચાર ના આપીએ તો ખોટું લાગે. એમને આપણે પારકાં ગણ્યાનો વસ વસો થાય.'
બાબલો તરત જ 'કોમેન્ટ' (ટીકા) કરી ઊઠયો : 'રશ્મિ અહીં આવીને શું કરવાની હતી ? ઘરમાં ખાલી ભીડ... વિશાલને આરામ કરવા દેવાને બદલે...'
'તું ચૂપ રહે' પટલાણીએ એને જરા ધમકાવ્યો. એમની કોઠા સૂઝથી જ એમને સમજાઈ ગયું હતું. રશ્મિ જો આવે તો ભલે વિશાલ થોડોક ખિજાય. પણ એને રશ્મિ નજીક હોવાથી જરૂર રાહત થાય... લગ્ન પહેલાં જુવાન છોકરા છોકરીને પરસ્પરની કંપની મળે તો એમનાં હૈયાં કેવાં ગૂંજી ઊઠે તે એમને કોઠા સૂઝથી અને અનુભવથી ખબર હતી.
બાબલો પરેશાન હતો - એના સ્વભાવ મુજબ એને તો વિશાલનાં લગ્ન કરોડપતિની દીકરી સાથે જોવાની હોંશ અને એમાંથી આગળ જતાં નોકરીમાં લાભ થાય તેવી ગણતરી હતી તે ફોગટ ગઇ તેનો ગુસ્સો હતો.
એણે ફેન્ટાને જરા કટાક્ષમાં પૂછયું : 'રશ્મિ અહીં આવીને રોકાવાની હશે ને ?'
'ખબર નહિ. એ આવે પછી વાત થાય.'
'લગ્ન પહેલાં રશ્મિ આપણે ઘેર રહે તો.. તો 'ચૂપ રહીશ ?' પટલાણીનો ઘાંટો સાંભળી બાબલો દુભાઇને જતો રહ્યો.
રશ્મિ આવી રહી છે એ વિશાલને ગમ્યું ય ખરું અને ના ય ગમ્યું. જુવાન હૈયામાં, પરસ્પર વિરોધી તરંગો ઊછળી રહ્યા.
ઘરમાં રશ્મિ ક્યારે આવશે, શું કહેશે, કરશે તેની જિજ્ઞાાસા હતી. એની રાહ જોવાતી હતી - સાંજે આવશે ? બીજે દિવસે સવારે ?
આવી મનઘડંત અટકળોની વચમાં જ રશ્મિ કારમાં આવી પહોંચી. બારણે રીંગ વગાડી. ફેન્ટા એને ભેટી પડી. રશ્મિનો પહેલો જ સવાલ : 'વિશાલ ક્યાં છે ?'
'તું ઘરમાં આવ તો ખરી ? કશી ચિંતાનું કારણ નથી.' એમ કહેતી ફેન્ટા રશ્મિને વિશાલના પલંગ પાસે દોરી ગઈ.
વિશાલ જાગતો જ હતો. જરા આરામમાં હતો. રશ્મિ એને જોતાં જ ગાડાંની જેમ એની પાસે દોડીને પલંગ પર બેસી એના ખભા પર માથું ઢાળી દીધું.
'વિશાલ, આ શું થઇ ગયું તને ?' એટલું બોલતાં તો મોતી ખરવા માંડયાં.
વિશાલે એને પોતાની નજીક ખેંચીને એનું લલાટ ચૂમી લીધું.
કુંવારા પ્રેમની પરિભાષા પરસ્પર સમજાઈ ગઈ.
ફેન્ટાએ એ દ્રશ્ય જોયું, પટલાણીએ પણ જોયું ના જોયું કર્યું. સાસુ વહુ બંનેને સંતોષ થયો કે હવે વિશાલ જલદી સારો થઇ જશે.
રશ્મિએ કટકે કટકે બધી જાણકારી મેળવી લીધી.
વિશાલે જરા વિવેકનો ડોળ કરતાં કહ્યું : 'તું નાહક એકદમ શું દોડી આવી ? મને ખાસ ઇજા થઇ નથી. બેચાર દિવસનો સવાલ છે...'
'વિશાલ, તારો ખભો બરાબર સાજો ના થાય ત્યાં સુધી હું જવાની નથી. ભલે મારી વગોવણી થાય.'
વિશાલ જરા ચોંકી ગયો. લગ્ન પહેલાં રશ્મિ સાસરે રહે, એ એને જરા અજુગતું લાગ્યું. કદાચ એની ય ટીકા થાય.
ફેન્ટા અને પટલાણી કશું બોલ્યા નહિ. પણ વિમાસણમાં પડયાં...
રશ્મિએ વડોદરા ફોન પણ કરી દીધો. પોતે વિશાલ સાજો ના થાય ત્યાં સુધી અમદાવાદ વિશાલ પાસે રહેવાની છે એ વાત મક્કમતાથી કરી દીધી.
વડોદરાથી - 'ર્ં.ણ.દ નો જવાબ આવી ગયો.
રશ્મિને જે અપેક્ષા હતી તે જ સાચી ઠરી. ફેન્ટાએ હવે રશ્મિ આગળ વિશાલ માટે ફરિયાદ કરી : 'રશ્મિ, વિશાલ'નો ખભો હજી સાજો થયો નથી અને ઓફિસે જવાની ઉતાવળ કરે છે.'
પટલાણીએ પણ ટેકો કર્યો : 'જાણે એના વિના ઓફિસ બંધ થઇ જવાની હશે.'
રશ્મિ કશું બોલી નહીં. સાસુ વહુનાં ગયાં પછી એણે વિશાલની લગોલગ એનું મુખ ધરી કહ્યું : 'વિશાલ, મારી એક વાત માનીશ ?'
'ક્યારે નથી માની ?'
'પણ મેં ક્યારેય તને કહી જ ક્યાં છે ? એમ બોલતા એ હસી પડી.
રશ્મિએ લાડથી કહ્યું, 'જો વિશાલ તારે આઠ દિવસ સુધી ઓફિસે જવાનું નથી. અને હું અહીં તારી પાસે જ રહીશ. તું કાઢી મૂકીશ તો ય નહિં જાઉં.'
વિશાલનો પ્રેમ ઊભરાઇ ગયો. રશ્મિએ તેની છાતી પર માથું ઢાળી દીધું.