'મુંબઇના મલબારહીલનું 'ટાવર ઓફ સાઇલેન્સ'યાને પારસી કબ્રસ્તાન'
પારસી ઑન સ્ટેમ્પ - હસિત મહેતા
પારસીઓ પૃથ્વી,જળ અને અગ્નિને, અર્થાત્ કુદરતી સંપતિને ઇશ્વરની દેન માને છે. આથી તેઓ પર્યાવરણની જાળવણી કરવામાં જ ઇશ્વરની આરાધના જૂએ છે
પારસીઓનું મૂળ વતન ઇરાન. પારસી ધર્મના સ્થાપક અષો જરથુષ્ટ, જેનો અર્થ થાય છે 'સોનેરો ઊંટોનો માલિક'. આ જરથુષ્ટએ શ્રીમદ્ ભગવત ગીતા જેવો જ કર્મયોગનો ઉપદેશ આપ્યો છે. ઇશ્વર એક છે, જીવ કર્મથી બંધાયેલો છે. મન,વચન,કર્મથી જ જીવની સદ્ગતિ થાય છે - એમ આ ધર્મ માને છે. તેમનું ધર્મસ્થળ 'અગિયારી' છે, ધર્મચિહ્ન 'અગ્નિ'(આતશ)છે, ધર્મગુરુ 'મોબેદ', અથવા 'દસ્તુર' છે, ધર્મતીર્થ 'ઉદવાડા' (દક્ષિણ ગુજરાતના વલસાડ પાસેનું શહેર) છે, ધર્મ તહેવાર 'પતેતી' છે અને ધર્મ સંસ્કાર (અંતિમ સંસ્કાર) માટેની જગ્યા 'ટાવર ઓફ સાઇલેંસ', યાને કી 'દખમા' છે.
દરઅસલ પારસીઓ પૃથ્વી,જળ અને અગ્નિને, અર્થાત્ કુદરતી સંપતિને ઇશ્વરની દેન માને છે. આથી તેઓ પર્યાવરણની જાળવણી કરવામાં જ ઇશ્વરની આરાધના જૂએ છે. સો એ સો ટકા શિક્ષિત, સંપૂર્ણ સૌમ્ય અને ઉચ્ચ સંસ્કારી પારસીઓ વસ્તીમાં ખૂબ જ ઓછા, પરંતુ ધર્મ-સંસ્કારે ખૂબ જ વિકાસશીલ પ્રજા તરીકે દુનિયાભરમાં પંકાયેલા છે. આથી જ તેઓ જીવતે જીવત તો ઠીક, પરંતુ મૃત્યુ બાદ પણ કોઇને ય નુકશાન ન પહોંચે તેવી પરંપરાઓ સ્થાપિત કરતા ગયા છે.
પૃથ્વી, જળ અને અગ્નિને પવિત્ર માનતા પારસીઓ પોતાના મૃતદેહથી આ જગતતત્ત્વોને અભડાવવા માંગતા નથી. તેથીજસ્તો તેઓ મૃતદેહને અગ્નિ સંસ્કાર નથી આપતા, દફન સંસ્કાર પણ નથી કરાવતા. જીવતા જીવ ભલે કોઇના કામે આવી ન શકે, પરંતુ મરેલા માણસનું શરીર જો કોઇનો ખોરાક બની શકે તો તેમાં મરણ જનારના શેષ જીવનની ધન્યતા જૂએ છે.
એક રીતે પારસીઓની આ પ્રકારની અંતિમ ક્રિયાની પરંપરા આશ્વર્યજનક છે. પરંતુ તે પછવાડેની એમની ભાવના અને ફિલોસોફી જોઇએ તો ખ્યાલ આવે કે આ ભણેલી-ગણેલી પ્રજા જીવનને કેટલાં ઊંચા સ્થાનેથી નિહાળી રહી છે. પારસીઓનું કબ્રસ્તાન કે સ્મશાન એટલે 'દખમા' અને 'દખમા' એટલે 'ટાવર ઓફ સાઇલેન્સ'.
આ 'ટાવર ઓફ સાઇલેન્સ' એટલે મૃતદેહોનો કૂવો. એક ગોળાકાર ઊંડી ને ઊંચી ઇમારત જ જોઇ લ્યો. જેની ઉપર શબને ખુલ્લું મૂકી દેવાનું. એટલે કે મૃતદેહને જળ, અગ્નિ કે ધરતીને બદલે ખુલ્લા આકાશને સોંપી દેવાનો. એ પછી ધીમે-ધીમે ગીધ જેવા માંસભક્ષી પક્ષીઓ આવતા જાય અને પેલા શબને કોચતા જાય, ખાતા જાય અને ખતમ કરતા જાય.
મુંબઇના મલબાર હીલ વિસ્તારમાં આવેલું જૂનું પુરાણું 'ટાવર ઓફ સાઇલેન્સ' અંગ્રેજ સમયમાં એક પોસ્ટકાર્ડના ચિત્ર તરીકે સ્થાન પામ્યું હતું. અંગ્રેજોના ટપાલ વિભાગે પોતાના એક પ્રાઇવેટ પોસ્ટકાર્ડ ઉપર આ 'ટાવર ઓફ સાઇલેન્સ'ના મુખ્યદ્વારને બ્લેક એન્ડ વ્હાઇટના કળાત્મક પોઝમાં છાપ્યું છે. એક માન્યતા એવી છે કે મુંબઇનું આ પારસી કબ્રસ્તાન ૧૯મી સદીની શરૂઆતમાં બંધાયેલું છે.
આમે ય ઇરાનથી સ્થળાંતર કરીને ભારત આવેલી પારસી કોમ દિવ બંદરે ઉતરી અને પછી સંજાણ બંદરે ઠરીઠામ થયા પછી જો સૌથી વધુ ફેલાયેલી હોય તો તે મુંબઇ શહેરમાં. આજે ગુજરાતના જ નહીં, પરંતુ ભારતભરના પારસીઓ પૈકી ૭૦%થી વધુ મુંબઇમાં જ વસે છે. આથી સ્વાભાવિક છે કે મુંબઇમાં પારસીઓના ધર્મસ્થાનો, સોસાયટીઓ અને દખમાઓ સૌથી વધારે હોવાના . તેમની આ પ્રકારની અંતિમ સંસ્કારની વિધિને 'તોખ મિનાશની' કહેવામાં આવે છે.
આજે તો ચોતરફ ગીધ પક્ષીઓ પણ પારસીઓની જેમ લઘુમતિમાં આવી ગયા છે. આથી ખુલ્લામાં પક્ષીઓને ખાવા મુકી દીધેલા મૃતદેહોનો ઘણા દિવસોથી નિકાલ થતો નથી. એ સમસ્યા પારસીઓ માટે માથાનો દુ:ખાવો બની ગઇ છે. આથી ક્યારેક તેઓને દફનાવી દેવાના નવા વિચારો પણ ઉભા થયા છે, જેના ઘણા વિવાદ પણ થાય છે. છતાં હજુ પણ આ પરંપરા જાળવીને પારસીઓએ પોતાના ધર્મસંસ્કારોને પોષ્યાં છે.