ધીરે ધીરે મચલ એ જીભ-એ-બેકરાર...
અર્વાચિંતનમ્ - પરેશ વ્યાસ
ફાસ્ટ ફૂડના ટ્રમ્પ અપ્રતિમ ચાહક છે. એગ્સ બીકન બર્ગર કે મીટલોફ ઓહિયા કરી જાય છે. બટાકાની વેફર્સ એમને અતિ પ્રિય છે. તેઓ પિત્ઝા ખાય છે ત્યારે માત્ર એનું ટોપિંગ જ ખાય છે
ટ્રમ્પ સાહેબ કાલે અમદાવાદ પધારશે. અમદાવાદમાં ચણાતી એ દીવાલનો વિવાદ દિવસોનાં દિવસોથી ચાલી રહ્યો છે. કહે છે કે તંત્ર ગરીબી ઉપર ઢાંકપિછોડો કરી રહ્યું છે. ટીકાકારો તો આ તાયફામાં થનાર બેફામ ખર્ચની તરફ આંગળી ચિંધી રહ્યા છે. આંગળી કરી રહ્યા છે એવું ય કહી શકાય. જો કે આંગળી ચીંધવી અને આંગળી કરવી એ બેમાં તાત્વિક ફેર છે.
સમર્થનકારો કહે છે કે મહેમાનગતિ એ આપણી સંસ્કૃતિ છે. આઈ મીન - સ્વર્ગ ભૂલાવું શામળા- એવું આપણે કહીએ છીએ. અમેરિકા ભૂલાવું ટ્રમ્પડા એવું કહેવું જો કે અજુગતું લાગે. પણ ટ્રમ્પની મુલાકાતથી ઘણું સારું ય થશે. ન્યુક્લીઅર પાવર પ્લાન્ટ માટે નવી ટેકનોલોજી અંગે સમજૂતી થશે. વ્યાપારધંધો તો વધશે જ. લાભ તો થશે જ. પણ એની વાત નથી કરવી. આપણે વાત એવી કરીશું કે આ ટ્રમ્પ સાહેબ આવશે તો શું ખાશે ? શું પીશે ? તેઓ ચા-કોફી પીતા નથી. દારૂને તો અડતા ય નથી. નશો એમને પસંદ નથી. પણ તેઓ ડાયેટ કોકનાં શોખીન છે. ચોવીસ કલાકમાં બાર બાટલી ય ગટગટાવી જાય ! ફાસ્ટ ફૂડના તેઓ અપ્રતિમ ચાહક છે.
એગ્સ બીકન બર્ગર કે મીટલોફ ઓહિયા કરી જાય છે. બટાકાની વેફર્સ એમને અતિ પ્રિય છે. તેઓ પિત્ઝા ખાય છે ત્યારે માત્ર એનું ટોપિંગ જ ખાય છે, નીચેનો પિત્ઝા રોટલો ખાતા નથી. ખાધા પછી મોઢું મીઠું કરવા ચેરી વેનિલા આઈસક્રીમ અને ચોકોલેટ કેક ખાવું એમને ગમે છે. ટૂંકમાં એમને ચા, કોફી, દારૂનું વ્યસન નથી (વેરી ગૂડ વેરી ગૂડ); પણ બાકી બધી ન ખાવા લાયક તમામ ચીજ વસ્તુઓ તેઓ ઝાપટે છે (વેરી બેડ વેરી બેડ). અને અમને એટલે જ મોદી સાહેબનાં આ ભાઈબંધ જરાય ગમતા નથી. હે મોદી સાહેબ, તમે ખાતાં નહીં અને એમને (આવું આવું) ખાવા દેતાં નહીં. અમારી આપને નમસ્તે ભરી અપીલ છે.
ફાસ્ટ ફૂડ શું કામ ? સમય નથી. સમય કેમ નથી ? કારણ કે દોડાદોડ છે. રોજની દોડાદોડમાં આપણે આપણી તંદુરસ્તી સાથે ખિલવાડ કરીએ છીએ. ધીમા પડો, સાહેબ સ્લો કૂકિંગ એટલે ? ઓછા તાપે રસોઈ બનાવવી તે. ખાદ્ય પદાર્થોનાં સર્વે પોષક તત્વો સલામત રહે અને સ્વાદ તો અપરંપાર. થોડી તૈયારી આગલાં દિવસે કરી રાખવી આવશ્યક છે. શાકભાજી સુધારી, ઢાંકીને ફ્રિજમાં મૂકી રાખી શકાય. કઠોળ કરવા હોય તો પલાળીને રાખી શકાય. ચણા, રાજમા કે મગ પછી ધીમે ધીમે વરાળથી બફાતા જાય. લીલો મસાલો જ્યાં સુધી ઉપલબ્ધ છે ત્યાં સુધી વાપરવો હિતાવહ છે. ઘરમાં માત્ર એકાદ વ્યક્તિ જ રાંધે એવું શું કામ ? પતિ છાપું વાંચે અને પત્ની રાંધે, એવું શા માટે ? ઝાઝા હાથ રળિયામણા. ઘરનો ધણી વટાણા શું કામ ન છોલી આપે ? પણ મસાલો તો એક જ કરે તો સારું, નહીં તો ઝાઝા રસોઈયા રસોઈ બગાડે ! અને આપણે રહ્યાં ગુજરાતી.
તેલ વિના આપણને ના ચાલે. કોઈ ઓલિવ ઓઈલ જેવાં ફેન્સી તેલ શા માટે ? એ ડાયેટિંગ માટે નથી.અને એને ગરમ કરીએ તો ઊલટાનું મુશ્કેલી વધે. આપણું શિંગતેલ સારું. પણ એક કંજુસની જેમ વાપરવું. રાંધવાની પેણીમાં ખાદ્ય પદાર્થ ચોંટે નહીં એટલું જ. મુશ્કેલી એ છે કે આપણી જીભને તેલનો જ સ્વાદ આવે છે. શાકભાજી કે અનાજનો ઓરિજિનલ સ્વાદ તો આપણે ભૂલી જ ગયા છે. આપણે ક્યાં હવે ચાવી ચાવીને ખાઈએ છીએ તે આપણે સ્વાદને પારખી શકીએ ? રાંધેલું દિવસમાં એક જ વાર અને ફળફળાદિ દિવસમાં ઈચ્છો એટલી વાર. અને રાંધવા માટે રાઈસ કૂકર હંમેશા હરફનમૌલા લાગ્યું છે. હરફન મૌલા એટલે દરેક કામમાં કુશળ.
ક્રિકેટની ભાષામાં કહીએ તો ઓલરાઉન્ડર. ધીરજ રાખો તો રાઈસ કૂકરમાં સઘળું રાંધી શકાય. પ્રવાસમાં ય લઇ જઇ શકાય. કોઈ કોઈ મોંઘી હોટલ્સમાં હવે રસોઈ કરવાની પણ જોગવાઈ હોય છે. કેવું સરસ ? પતિ પત્ની હનીમૂન માટે જાય તો રસોઈ કરતા કરતા અલકમલકની વાતો કરે અને પછી સાથે જમે.
અમેરિકન સમાજ નેતા અને લેખક જોએલ ઓસ્ટીન સરસ વાત કરે છે. તમારું સ્વાસ્થ્ય સારું હોય, પ્રેમ કરવા માટે તમારી પોતાની વ્યક્તિઓ તમારા જીવનમાં હોય તો તમે ભાગ્યશાળી છો. ધીમા પડો અને જીવનની નાની નાની વસ્તુઓનો આનંદ માણો. ઇતિ !