બેટા, એક જ ઈચ્છા છે મારી... કે તું ડૉક્ટર બને, ને દુ:ખિયારાંનાં દુ:ખડાં હરે ! બોલ, સાકાર કરીશ તારી આ જનેતાના સ્વપ્નને ? - દયાબહેન
ઝાકળઝંઝા - પરાજિત પટેલ
ભગવાનને તો મેં જોયા નથી, પણ સાચું કહું, મા ? તું છે મારો ભગવાન ! મા જો જે, મારા ગલોફામાં ફોરતા તારા ધાવણને ઉજાળીશ, મા !! - સુમિત
'હું બેઠી છું ને, બેટા ! તું શું ચિંતા કરે છે ? ભણ તું તારે ભણવું હોય એટલું ! પણ એક વાત કરું, દીકરા ?'
'કહે, મા !'
'મારી એક ઈચ્છા છે...'
'શી ?'
'તું ડૉક્ટર બને, લોકોનાં દુ:ખડાં હરે અને દીનહીનોની સેવા તો કરે ! બોલ, બનીશ ડૉક્ટર !'
'બનીશ... જરૂર બનીશ, મા ! તું જ મારા માટે સર્વ કાંઈ છે ! તું મા જ નથી, મારો બાપ પણ છે. ભગવાનને તો મેં જોયા નથી, પણ મા, એક વાત કહું ?'
'કહી નાખ, સુમિત બેટા !'
'મા, તું જ છે મારો ભગવાન, તારામાં જ મને ભગવાનની ઝાંખી થાય છે... બાપ તો આપણને છોડીને ગયા છે... મારા માટે તો તું જ બધું છો, મા ! પણ મને એક સવાલ થાય છે...'
'શો ?'
'એક તો આપણે ભાડાના મકાનમાં રહીએ છીએ... બેન્ક બેલેન્સ કે આવક જેવું તો છે જ નહિ ! ને મા, ડૉક્ટરનું ભણવાનું તો ખર્ચાળ હોય ! શી રીતે મેડીકલમાં મોકલીશ મને ? તારું એ સપનું શી રીતે સાકાર થશે ?' સુમિતે જમીનની સ્તર પર ઊભા રહીને કડવી વાસ્તવિકતાની વાત કરી ! બાપ ? એ તો છોડીને ચાલ્યા ગયા છે... ને મા ? માતો દયાની દેવી છે ! નામ પણ દયા છે... જગતના ચોકમાં એકલી ખડી રહીને વરવી વાસ્તવિકતા સાથે લડે છે ! ખબર છે બારમાં ધોરણમાં ભણતા સુમિતને ! સપના રચવાથી વાસ્તવિકતા બદલાતી નથી ! આશાના સેવનથી કડવી હકીકતો નાશ પામતી નથી ! હા એક વાત છે... માનું નામ છે દયા ! દિલની ય દયાળું છે, ને માનસિક હિંમત પણ એટલી જ છે એનામાં ! વાસ્તવિકતાનો ભયાનક ભોરીંગ ફેણ ચઢાવીને બેઠો છે, આર્થિક અભાવની દુનિયામાં જીવવાનું છે ! આવક નથી. મા કયાંક કપડાં-વાસણ કરવા જાય એટલું ! બાકી મોટો ખર્ચ ? દાકતરી લાઈનનો અતિ ખર્ચાળ ! શી રીતે પહોંચી વળશે મા ?
ને દયા બોલી ઊઠી :
'હું બેઠી છું ને ! ચિંતા ન કર, બેટા ! ઉપરવાળા પર મને પૂરો વિશ્વાસ છે ! બસ એ જ આપણી આકાંક્ષા પૂરી કરશે હું બેઠી છું ને વાઘણ જેવી ! મારા દીકરા માટે બધું જ કરી છુંટીશ ! લોકોનાં ઠામવાસણ ને કપડાં ધોવા કામ કરીશ, કોકને ત્યાં રસોઈ બનાવવા જઈશ, પણ તને લાચાર તો નહિ જ બનવા દઉં ! દીકરા, મારી તો એક જ ઝંખના છે.
મારી તને ડૉક્ટર બનેલો જોવો છે. ગળામાં સ્ટેથોસ્કોપ લગાવીને કોઈનું દુ:ખ હરતો જોવો છે ! મારે તને સમાજમાં માન-સન્માનથી નવાજતો જોવો છે ! મારે ડૉક્ટરની મા બનવું છે ! આપણી પાસે પૈસા નથી, વાત સાચી ! આવકની બાબતમાં આપણે લાચાર છીએ, વાત સાચી ! આપણે ભાડાના ઘરમાં રહીએ છીએ, ને માંડ ખાધા ભેળાં થઈએ છીએ, વાત સાચી ! પણ દીકરા, સૌથી સાચી એક વાત પણ સાંભળી લે, કે એક જનેતા પોતાના દીકરાનું સપનું સાકાર કરવા માટે બધું જ કરી છુટે છે !
હું મા છું બેટા ! તું હોનહાર દીકરો છે, કાયમ શાળમાં પ્રથમ નંબરે આપે છે ... તો પછી તારા માટે હું મોટું સપનું શા માટે ન રચું ? જા, મચી પડ ભણવામાં ! તારા તેજ દિમાગને ધાર કાઢ, દીકરા ! મારે તને ડૉક્ટર બનેલો જોવો છે, એટલે જોવો છે ! યાદ રાખ, બેટા !' આ મારું સપનું છે, એક મુરતી વલવલતી - કકળતા કાળજાવાળી જનેતાનું સપનું છે... બસ, એક જ વાત ધ્યાનમાં રાખ, તારે ડૉક્ટર બનવાનું છે ! તારી આ સ્વપ્નશીલ છતાં લાચારીમાં તરબોળ માની માગણી ગણ તો માગણી, ઈચ્છા ગણે તો ઈચ્છા, ને તને ઊંચા શિખર પર બેઠેલો જોવા ઝંખતી માનું સપનું ગણે તો સપનું, પણ તારે એ પૂર્ણ કરવાનું છે, લાગી જા બેટા, તારા શિક્ષણમાં... લગાવ લગની, પેટાવ ઈચ્છઓનો અગ્નિ, દુઆ છે, આ તારી માની ! તું ઊંચાઈનો અધિપતિ જરૂર બનીશ !
સુમિત તો સાંભળી રહ્યો !
આશ્ચર્ય પામતો રહ્યો !
અચરજથી આંખો પહોંળી કરતો રહ્યો !
ક્યાંથી ફૂટે છે આ શબ્દો ? માના મુખમાંથી... પોતાના દીકરા માટે અને એક ઓછું ભણેલી મા, જ્યારે પોતાના લાડકા દીકરા માટે ઈચ્છાઓનાં પંખી ઊડાડવા મુખ ખોલે છે તારે જ્ઞાાનની દેવી સરસ્વતી સ્વયં એની જિહ્વા પર બેસણા કરી દે છે !
ભલે મા !
ભલે માની જનેતા !
તારા અંતરની આશા આ જ છે , તો મારૂ પણ કર્તવ્ય એ જ બની જાય છે ! ને સુમિતે ભગવાનના ગોખ સમક્ષ જઈને જલતા દીવાની સાક્ષીએ સંકલ્પ કર્યો ! હે મારા પ્રભુ, માની ઈચ્છા, એજ મારું કર્તવ્ય બની રહેશે ! મારી સહાય કરજે ! માના સ્વપ્નને સાકાર કરવા માટે હું મહેનત કરવામાં પાછી પાની નહિ કરું, છતાં મારી જનેતાને તારી કૃપા-અનહદ કૃપાનો બેરર ચેક મોકલતો રહેજે, પ્રભુ!
તો દીકરાના વિકાસ માટે સ્વપ્નમયી બની ગયેલ એક દુ:ખિયારી મા નામે દયા પણ હાથ જોડીને કહી રહી હતી : 'હે મારા ત્રિલોકનાથ વિષ્ણુ, મારા દીકરાના ભણતરના માર્ગને સરળ બનાવી દેજે !' મારા અંતરની ભોમકામાં ઉગેલી ઈચ્છાઓને પૂરી કરવા મારા કાર્યમાં તારી અમાપ મહેરનો વરસાદ વરસાવતો રહેજે પ્રભુ ! તારા દર્શન કરવા જરૂર આવી જઈશ, મારા શામળિયા પ્રભુ !
ભીની ભીની આંખો.
સપનાંથી સજેલી આંખો.
દીકરો ! માનવંતો મોભાદાર માણસ બને એ માટે સતત ઝંખનાનાં ઝાડ ઉગાડતી આંખો !
આગળ વધ, બેટા !
લક્ષ્યને વિંધી નાખ, બેટા !
ઊંચાઈને લાડ લડાવી લે, બેટા !
કર, મારું સપનું સાકાર કર ! જા, મારી દુઆ છે... એક જનેતાના હૈયાના ઊંડાણમાંથી નીકળેલા આશીર્વાદ છે : 'તું ડૉક્ટર બનીશ, બનીશ.. જરૂર બનીશ !'
- અને બન્યું પણ એમ જ. ધોરણ બારની પરીક્ષામાં સુમિત ફર્સ્ટ કલાસ સાથે ઉત્તીર્ણ થઈ ગયો, ને એક મેડીકલ કોલેજમાં તેને એડમીશન મળી ગયું.
લાગી છે રે લગન !
સુમિત ભણવામાં થઈ ગયો છે રે મગન'
એના દિલમાં જલી રહ્યો આતશ : 'મારે ડૉક્ટર બનવું છે, માના આકાશી સપનાને ધરતી પર ઉતારવું છે. આજથી કરી નાખું છું આળસને અલગ ! વ્યર્થ ટાઈમ બગાડવાનું, આજથી બંધ ! મેડીકલની જે તે લાઈનના ભારેખમ ગ્રંથો સાથે જાતને જોડી દેવાની ! વ્યર્થની ગપ્પાં બાજી બંધ ! કામ સિવાયની કોઈપણ વાત બંધ ! નાટક કે સિનેમા જોવાનું બંધ ! મિત્રો સાથે નિરર્થક તડાકા મારવાનું બંધ !'
કોઈ કહે છે, 'જોઈ લો, પેલો બેઠો, એ કિતાબનો કીડો છે !'
કોઈ કહે છે : 'જુઓ, જુઓ, પેલા ભણેશરીને જુઓ ! વાંચવા સિવાયની વાત પર એમણે પ્રતિબંધ મુકી દીધો છે!'
વાતો ગમે તેવી થાય, પોતાના માટે ગમે તેવા વિશેષણો ભલે વપરાય, પણ મક્કમ છે સુમિત ! બસ, તેને એક જ વાત યાદ છે, માએ ચીંધેલી ડૉક્ટર બનવાની વાત ! એ મા છે ! દયાની દેવી છે, ભગવાન કરતાં ય કદાચ મા
ઉપર હું વધારે શ્રદ્ધા ધરાવું છું ! વિશ્વાસ છે મને મા પર ! એના કર્ણપટે એક ના એક શબ્દો અને વાક્યો અથડાય છે ! 'બેટા, મચી પડ તારા ભણતર માટે ! ડૂબી જા જ્ઞાાનના ઊંડાણમાં !' 'બેટા, આગળ વધ... અને આસમાનની ઊંચાઈનો સ્પર્શ કર !' 'બેટા, ઊંચાઈની ટોચને લાડ લડાવી લે !'ડૉક્ટર બન, માનું નામ ઉજાળ, સમાજનું નામ ઉજાળ... અને વતન ભોમકાનું નામ રોશન કર ! ગળામાં સ્ટેથોસ્કોપ ભરાવીને કોઈનાં દુ:ખ હરતો ડૉકટર બનેલો મારે તને જોવો છે ! મારી આંખો એ માટે તલસી રહી છે ! અને આ શબ્દો અને વાક્યો રાતદિન એની આસપાસ ફર્યા કરે છે, ગૂંજ્યા કરે છે !
- અને જ્યારે લાસ્ટ યરની પરીક્ષાનું પરિણામ આવી ગયું અને ડિગ્રીનો મૂલ્યવાન કાગળ તેા હાથમાં આવ્યો ત્યારે તેના મુખમાંથી થોડાક શબ્દો નીકળી પડયા : 'માં યે સબકુછ હૈ, તેરે નામ ' ને ઘેર આવીને પ્રથમ કામ એણે આ કર્યું: માના ચરણમાં ડિગ્રીનો કાગળ મુકવાનું.... એના હાથને ચૂમી લેવાનું ! હર્ષિત થયેલી દયાની દેવી જેવાં દયા બહેન એક જ વાક્ય બોલ્યાં : 'હવે તું ડૉક્ટર છે, બેટા ! મારા ત્રિલોકીનાથ વિષ્ણુએ મારી અરજીને ધ્યાનમાં લીધી છે ! બેટા, હવેતારો કસોટી કાળ શરૂ થાય છે. આગળ વધ. પગથિયાં ચઢવા માંડ. મંઝીલો તને સાદ દઈ રહી છે. સિદ્ધિનાં ઊંચેરાં શિખર તારી રાહ જોઈ રહ્યા છે. અગ્ર ગમન કર. ગો એ હેડ... અને દુ:ખિયારાં જીવોને સેવાનો યજ્ઞા શરૂ
કર, બેટા !'
'હું એમ જ કરીશ માય ગુડ મોમ ? તું જ છે મારો ભગવાન.... ને ભગવાનના આદેશનો અનાદર તો ના જ થાય ને ! તારા ચરણોમાં તો મારી સફળતાનું રાઝ છે. માવડી !!'
સેવા કરે,
યજ્ઞા માંડ.
દુ:ખિયારાંની વહારે થા...
દુ:ખપીડિતો ના દર્દ હરી લે !
કારણ ?
તું ડૉક્ટર છે !
ડૉક્ટર તો ફરિશ્તો છે ! બને તો ફરિશ્તો બનજે !
સૂરજ નહિ બને તો ચાલશે, દીવો બનીને અઢળક અજવાળાં પાથરજે દુ:ખિયારાંના માર્ગમાં !
નામ-ઠામ તથા ફેરફાર સાથેની જરૂરી આ સાવ સાચી કથાની અમદાવાદના. પૂર્વ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી દયાની દેવી સમાન નાયકિકા દયાને હવે કોઈકનું રસોડું કરવા જવું પડતું નથી ! કોઈના ઠામવાસણ, કચરાપોતા કે કપડાં ધોવા જવું પડતું નથી ! પૈસો - પૈસો પોતાના દીકરાના ભણતર પાછળ ખર્ચનાર દયાના પરસેવાના ટીપા આજે તો ઉગી ચૂકયાં છે ! ને એક ઘટાદાર વૃક્ષ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. છતા દયાબહેન નવરાં નથી બેસતા ! પોતાના ઘરનું સ્વપ્ન હજી પૂરું કરવાનું છે !.... ને આમ છતાંય તેઓ સાડીઓ પરની ડિઝાઈનની ફૂલગુંથણી તથા ભરતકામના કારખાનામાં નિયમિત પણે નોકરી કરે છે.. કશા જ અફસોસ વગર !