Get The App

હે મારી સોના ઈંઢોણી રૂપા બેડલું રે

સોના વાટકડી રે - નીલેશ પંડયા

Updated: Feb 22nd, 2020

GS TEAM

Google News
Google News
હે મારી સોના ઈંઢોણી રૂપા બેડલું રે 1 - image


હે મારી સોના ઈંઢોણી રૂપા બેડલું રે

હે પાણી ગ્યા'તાં રાધાજી નાર રે

સરખી સાહેલી મેણાં બોલિયાં રે

હે રાણી સારે ઉજમ પાણી સાંચર્યાં રે

હે તારો પરણ્યો પાડોશણ ઘેર રે,

હે દિવસ ઊગે ને ઘેર આવશે રે.

                  હે મારી સોના...

હે રિંસે ભર્યાં રાધાજી ઘેર આવિયાં રે,

હે ઘેર આવીને દીધાં ઓરડિયાનાં બારણાં રે,

હે દીધાં મેડી કેરાં બારણાં રે.

                  હે મારી સોના...

હે જાવ જાવ રે ઝવેર સામી મેડીએ રે,

હે તિયાં હીરના હિંડોળા એને ઘેર રે,

હે ભોજન કરીને ઘેર આવજો રે.

                  હે મારી સોના...

હે રાણી નથી રે દીધાં રે અમને નોતરાં રે,

હે રાણી નથી રે રિયાં અમે ક્યાંય રાત રે,

હે વનમાં ગોવાળિયે રોકિયા રે

                  હે મારી સોના...

આજે કોઈ સાચી-ખોટી વાતનો પ્રચાર-પ્રસાર કરવા માટે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, સોશિયલ મીડિયા જેવાં પ્લેટફોર્મ છે તો અગાઉ લોકગીત-લોકવાર્તા એ ભૂમિકા ભજવતાં.  આજે ગામ આખાની ચોવટ માટે આપણી પાસે વ્હોટ્સએપ, ફેસબૂક, ટ્વિટર-વગેરે છે એમ અગાઉ ગામના પાદરના ઓટલા, કોઈની ડેલી કે ગામના ચોરા હતા! આજે આપણાં વ્હોટ્સએપ ગૃપ જે કામ કરે છે એ અગાઉ કૂવા, સરોવર, નદી જેવાં જળસ્ત્રોત પર થતું. અર્થાત્ પ્લેટફોર્મ બદલાયાં છે માનવ સ્વભાવ યથાવત છે. ત્યારેય સાચી-ખોટી વાતો, અફવાઓ, આઘી-પાછી થતી, આજેય થાય છે!

'હે મારી સોના ઈંઢોણી...' લોકગીતનાં પાત્રો રાધા ને કાન છે પણ વાસ્તવમાં એમાં બરસાનાની રાધા ને ગોકુળ-મથુરાવાળા કાનની વાત નથી, જનસામાન્યના દંપતીની કથા છે ને યુગયુગાંતર સુધી સાચું પડે એવું કથાનક એમાં છે. વાત એમ છે કે રાધાજી હોંશે હોંશે કૂવે-સરોવરે કે નદીએ પાણી ભરવા ગયાં તો એક સાહેલીએ મેણું માર્યું કે તારો પતિ તો પાડોશણને ઘેર પડયો પાથર્યો રહે છે, છેક દિવસ ઊગે ત્યારે ઘેર આવે છે! રાધાને રિંસ ચડી, ઘેર જઈ પોતાને ઓરડામાં બંધ કરી દીધાં, કૃષ્ણ જયારે ઘેર આવ્યા ત્યારે રાધાએ કહી દીધું કે અહીં શું છે? સામી મેડીએ જાવ, ત્યાં હીરના હિંડોળા છે, ભાવતાં ભોજન છે...! પુરૂષોત્તમને રદિયો દેવો પડયો કે સામેના ઘેરથી મને કોઈ નોતરું નથી આવ્યું હું શા માટે ત્યાં ભોજન લેવા જાઉં? મારું રાત્રિ રોકાણ તો વનમાં હતું કેમકે ગોવાળિયાઓએ મને રોકી લીધો હતો.

લોકના જીવનમાં બનતી નાની મોટી બિનાઓ લોકનાયકોના જીવનમાં આરોપિત કરી દેવાથી લોકો ખૂબ જ ગંભીરતાથી એ બાબતે વિચારે ને એમાંથી ફલિત થતા બોધનું અનુસરણ કરે એવા શુભાશયથી રાધા-કાન, સીતા-રામ, પાર્વતી-શિવનાં જોડલાંને લોકકવિ લોકગીતનાં પાત્રો બનાવે દે છે.

આપણું લોકગીત હ્યુમન નેચર-બિહેવિયરનું બયાન કરે છે. એક સ્ત્રીનો સ્વભાવ છે કોઈ વિશે આડી અવળી વાતો ફેલાવવાનો,બીજી નારી પોતાના પતિની વિરુદ્ધની વાતો માનીને એના પર શંકા દ્રઢ કરે છે એ એનો સ્વભાવ ને પતિ ખુલાસા તો કરે છે, જો એ સાચા હોય તો સારું, નહીં તો પુરૂષોનો પણ સ્વભાવ હોય છે કોઈના હીરના હિંડોળે હીંચકવાનો...!

Tags :