Get The App

ચિત્તના કૅમેરામાંથી શબ્દની પ્રિન્ટ કાઢશો નહીં !

જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

Updated: Feb 22nd, 2020

GS TEAM

Google News
Google News
ચિત્તના કૅમેરામાંથી શબ્દની પ્રિન્ટ કાઢશો નહીં ! 1 - image


આપણે ઇન્દ્રિયોનું મુખ બાહ્યજગત તરફ રહેતું હોય છે. આંખ બાહ્ય ઘટનાઓને નજરોનજર નિહાળતી હોય છે. કાન આસપાસના અવાજો, શબ્દો અને વાર્તાલાપોને ઝીલતું હોય છે, જીભમાં તો સ્વાદની અવિરત દોડધામ ચાલતી હોય છે. સ્પર્શ એના સુખ માટે ફાંફાં મારતું હોય છે. આમ ઇન્દ્રિયો તમારી આસપાસના બહારી જગત સાથે સંકળાયેલી હોય છે અને એ બહારના જગતનો સંદેશો જેવો મનને મળે કે તરત જ તત્કાળ કે તત્ક્ષણ એનું શબ્દમાં રૂપાંતર થતું હોય છે. આમ તો આ સાહજિક પ્રક્રિયા છે, પરંતુ આ સાહજિક પ્રક્રિયા એ માનવીના જીવનને એવું ઘેરી લીધું છે કે પછી એનું જગત બાહ્ય ચીજવસ્તુઓ, ચિત્તને મળતો સંદેશો અને એ સંદેશાનું શબ્દમાં થતું રૂપાંતર - એમ સતત વણથંભ્યું વાણીચક્ર ચાલ્યા કરે છે.

શબ્દોનો ઉડાઉ સોદાગર બની ગયેલો માનવી આજે તો શબ્દોની તોતિંગ દિવાલની વચ્ચે કેદ થઇ ગયો છે. સંદેશાની ઝડપી આપ-લે અથવા તો ઇન્ટરનેટ કે સોશિયલ મિડિયાને કારણે માણસ સતત બાહ્ય પરિસ્થિતિ વચ્ચે જીવતો હોય છે. બાહ્ય ઘટનાઓના આઘાત-પ્રત્યાઘાત અવિરતપણે ઝેલતો હોય છે. એ જરૂરી વિગતોની સાથે કેટલીય બિનજરૂરી, વ્યર્થ બાબતોને અને આંખો મીંચીને 'ફોરવર્ડ' કરેલી સામગ્રીને જોતો હોય છે. આ બધી બાબતો એના ચિત્તને સતત ઉત્તેજિત કરતી હોય છે અને એ ઉત્તેજના પામેલું ચિત્ત શબ્દો દ્વારા બહાર પ્રગટ થતું હોય છે. જાણે શબ્દો જ માનવીના વિચારનો આધાર, લાગણી પ્રગટ કરવાનો સહારો, જરૂરી કે બિનજરૂરી બાબતો પર અભિપ્રાય આપવાનું માધ્યમ બની ગયા છે. જાણે ભવસાગર તરવા માટે શબ્દની નૌકામાં માણસ નીકળ્યો ન હોય !

આ શબ્દોનો ઉપયોગ ઘણી વાર અર્થ વિના કરવામાં આવતો હોય છે. કેટલીય વ્યક્તિઓ શબ્દોનો મૂશળધાર વરસાદ વરસાવતી હોય છે અને છતાં આપણું મન એના એકેય શબ્દથી સહેજે ભીંજાતું નથી. કેટલીક વ્યક્તિઓ શબ્દને લાક્ષણિક રીતે પ્રગટ કરીને આપણા ચિત્તને ચમત્કૃતિ આપતી હોય છે, પરંતુ ચિત્તને આનંદ આપી શકતી નથી. ક્યાંક શબ્દો માત્ર ઔપચારિકતા માટે બોલાતા હોય છે. માણસના જીવનમાં 'થેંક યૂ', 'સોરી', 'વેલકમ' અને 'ગુડબાય' જેવાં શબ્દો એ કેટલીબધી વખત બોલાતો હોય છે. ક્યારેક એ જરૂરી હોય છે, પરંતુ ઘણીવાર એની જરૂર હોતી નથી.

જ્યારે કેટલીક વ્યક્તિઓને તમે એના શરીરની વ્યાધિ વિશે પૂછો કે તમને ડાયાબિટીસ કેટલો રહે છે, એમના કુટુંબમાં કેટલી વ્યક્તિઓને ડાયાબિટીસ થયો છે, એમનો વારસો એમને પિતા કે માતા કોની પાસેથી મળ્યો ? એમના ભાઇ-બહેનો કેટલાને ડાયાબિટીસ છે ? અને એમને ડાયાબિટીસ ક્યારથી શરૂ થયો, ત્યારથી માંડીને છેક અત્યાર સુધીની વાત કરે છે અને સાથોસાથ બીજા લોકોને ડાયાબિટીસથી આંખમાં અને શરીરનાં અંગો પર કેવી અસર થઇ છે તેની વિગતે ચર્ચા કરે છે અને ત્યારબાદ છેલ્લે પોતાના ડાયાબિટીસની વાત કરે છે.

આ આખુ ય 'ડાયાબિટીસ-પુરાણ' વર્ણવતી વખતે એ તમારા ચહેરા સામે જોતા નથી, પણ એમની નજર શબ્દોના ધોધ પર ઠરેલી હોય છે. માનવી એના જીવનમાં જે શબ્દો બોલે છે, એને ટેપરેકોર્ડરમાં મૂકે, તો ખ્યાલ આવે કે એણે શબ્દોની કેટલી બધી 'છેડતી' કરી છે અથવા તો મિથ્યાપ્રલાપ કર્યો છે. નિશાળના અભ્યાસકાળ દરમિયાન પ્રેસી (સંક્ષેપીકરણ) આવતું હતું, પણ એનું જીવનમાં કશું રૂપાંતર થતું નથી.

આથી તો યોગી અરવિંદ જેવાને કહેવું પડયું કે 'શબ્દ એ તો પ્રેત માત્ર છે, જો તે તમારા હૃદયની વાત કહેતું ન હોય તો.'

કઠરૂદ્રોપનિષદ (૩૧-૩૨)ના ઋષિએ એક શ્લોકમાં કહ્યું છે,

निमित्तं किंचिदाश्रित्य खलु शब्दः प्रवर्तते ।

यतो वाचो निवर्तन्तेनिमित्तानामभावतः ॥

निर्विशेषे परानन्दे कथं शब्दः प्रवर्तते ।

'શબ્દની પ્રવૃત્તિ કોઇ નિમિત્તને કારણે થતી હોય છે. પરમ તત્ત્વમાં નિમિત્તનો જ અભાવ હોવાથી વાણી ત્યાંથી પાછી ફરે છે. જે નિર્વિશેષ, પરમ આનંદરૂપ બ્રહ્મ છે, ત્યાં શબ્દની પ્રવૃત્તિ કઇ રીતે હોઇ શકે ?'

હજારો વર્ષ પહેલાં શબ્દની પ્રવૃત્તિ કોઇ નિમિત્તને લઇને થાય છે એમ કહેવલાયું. વળી પરમની અનુભૂતિમાં આવા કોઇ નિમિત્તની આવશ્યકતા હોતી નથી. એમ પણ ભારપૂર્વક કહ્યું. બહાર કશું જોઇને કે સ્પર્શીને તમે પરમ તત્ત્વને પામી શકતા નથી. આથી પરમતત્ત્વ માટે ઉચ્ચારાયેલી વાણી વ્યર્થ બનીને પાછી ફરે છે. આનું કારણ એ છે કે નિવિશેષ, પરમ આનંદરૂપ બ્રહ્મ છે, ત્યાં શબ્દની પ્રવૃત્તિ કઇ રીતે હોઇ શકે ? અર્થાત્ શબ્દથી  તમે પરમ આનંદરૂપ બ્રહ્મનો અનુભવ કરી શકતા નથી.

'કઠરૂદ્રોપનિષદ'ની આ ગાથા આપણે સાવ વિસરી ગયા અને પરમ તત્ત્વને લગતી પ્રવૃત્તિઓમાં વાણીનું મહિમાગાન કરવા લાગ્યા. વાણીથી એની વાતો કરવી, ગીતોથી એને સજાવવી, આવેશથી એને ઉચ્ચારવી - આવું બધું થવા લાગ્યું. ક્યારેક તો આવી વાતો આક્રોશથી અથવા તો વાણીની ગર્જના દ્વારા કરવામાં આવી. આથી એ જ વિચિત્ર પરિસ્થિતિ એ ઊભી થઇ કે અહીં શબ્દોનો સ્પર્શ થતો રહ્યો. સંગીતનો સ્પર્શ થતો રહ્યો. વક્તાનો હાવભાવ દ્રષ્ટિસમક્ષ રહ્યો, પરંતુ એ મૂળ વાત વિસરાઇ ગઇ કે પરમતત્ત્વના અનુભવને માટે શબ્દોના તડાકા કે ભડાકાની જરૂર નથી. હકીકત તો એ છે કે ચિત્તમાંથી શબ્દ આથમી જાય છે, ત્યારે તમે પરમને સ્પર્શી શકો છો. જ્યાં સુધી શબ્દોથી ઘેરાયેલા છો, ત્યાં સુધી પરમને સ્પર્શવાની કોઇ શક્યતા નથી. કારણ કે જેમ બધી ચીજવસ્તુઓને શબ્દોનું રૂપ આપો છો, એમ આ પરમ આનંદરૂપ બ્રહ્મને પણ શબ્દને રૂપ આપવા જતા તમે ક્યાંક અવળે માર્ગે રખડી પડશો.

પરમની પ્રાપ્તિ માટે પહેલાં તો શબ્દોના કોલાહલથી દૂર જવું પડશે. શબ્દોના કોલાહલ વચ્ચે જીવતા માણસના કાનને ક્યાંથી પેલા પરમનો અવાજ સંભળાય ! શબ્દોના કોલાહલની આદત તો એટલી બધી વિકસી ગઇ છે કે વ્યક્તિ ગામના ચોરે બેસીને સામી વ્યક્તિની સાથે ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરી અંગે આવેશપૂર્ણ દલીલો અને સામસામી ચર્ચા કરતો હોય છે.

આ શબ્દોનો પ્રેમ તો એટલો વિકસ્યો કે લગ્નોમાં પૂર્વે પરિવારજનો સાથે મળીને મધુરકંઠે લગ્નગીતો ગાતા હતા, ત્યાં આજે ડી.જે. દ્વારા શબ્દો, અવાજો અને સંગીતની કાન ફાડી નાખે એવી કુસ્તી ખેલાય છે. મોટા ભાગની વ્યક્તિઓને શબ્દ બોલવાની ચળ આવતી હોય છે અને તેથી જ એમનું મન શાંત રહી શકતા નથી અને બીજાની શાંતિમાં ખલેલ પાડયા વિના રહી શકતું નથી. આથી હવે આપણે એક પ્રયોગ ભણી જઇએ અને તે પ્રયોગ એ છે કે બહારના જગતનું તમારા ચિત્ત દ્વારા શબ્દોથી થતું રૂપાંતર કે પ્રગટીકરણ અટકાવીએ.

કોઇ રમણીય કુદરતી દ્રશ્ય જુઓ અને બસ એને નિ:શબ્દ બનીને માણતા રહો. આંખથી એ દ્રશ્યને મનમાં મઢી દો. પણ શબ્દથી એને પ્રગટ કરીને એની રમણીયતા ઓછી ન કરશો. આવી રીતે મનમાં મઢી રાખેલું એ રમણીય દ્રશ્ય ક્યારેક શાંતિની પળોએ મનમાં એને જુઓ અને ફરી માણો. શબ્દને કારણે તો એ માણેલંા સૌંદર્ય એક જ વખત વ્યક્ત થશે, જ્યારે મનમાં રાખેલું એ સૌંદર્ય તમે વારંવાર મન:ચક્ષુથી જોઇ શકશો. પણ માનવીના મનમાં એટલી બધી બાબતોનો ખડલો હોય છે કે આવાં દ્રશ્યો સંઘરવાનો એને વિચાર જ આવતો નથી.

કવિવર રવીન્દ્રનાથની ઉત્તમ પંક્તિઓમાં પ્રગટતું સૌંદર્ય અનુુભવીને મનમાં સંઘરી રાખે છે. ક્યારેક વિષાદમાં હો, ક્યારેક દુ:ખમાં હો, ત્યારે આવી પંક્તિઓ અને આવાં દ્રશ્યો તમને એ સ્થિતિમાંથી બહાર કાઢશે. અફસોસ એટલો જ છે કે માનવી એના મનમાં વસતાં સૌંદર્યને પાન કરતા શીખ્યો જ નહીં. ક્યારેક તમે સફર કરતા હો અને શાંતિથી આંખો બંધ કરીને પૂર્વે અનુભવેલા કોઇ રમણીય દ્રશ્યને જુઓ તો ખ્યાલ આવશે કે હૈયું કેટલું બધું ભરાઇ જાય છે. મન પર પડેલા કેટલાય ખોટા લિસોટાઓ ભૂંસાઇ જાય છે.

આને માટે પહેલી શરત એ છે કે તમારે તમારા ચિત્તને શબ્દવિહીન શાંતિનું વાતાવરણ આપવું પડશે. જો શબ્દ પ્રગટયો તો ઉપાધિ સર્જાશે. અર્થાત્ દરેક બાબતને શબ્દમાં વર્ણવવાની આદત છોડવી પડશે. એને બદલે બહારની દુનિયા જોવી પડશે અને આમ થશે તો જ તમારા ચિત્તને ધ્યાન લાગશે એમ કહેતો નથી, પરંતુ તમારુ ચિત્ત પ્રાથમિક ભૂમિકા રૂપે શાંતિમાં સ્થિર થશે, તમારું મન શબ્દોથી દૂર જઇને મૌન બની રહેશે અને શાંતિનો એવો એક ભીતરી આલ્હાદક અનુભવ થશે કે જે મન પૂર્વે દોડતું હતું, કૂદતું કે ઊછળતું હતું, જે સતત બહારની બાજુએ ફોક્સ કરીને બેઠું હતું એ મન હવે એના કૅમેરામાં બહારની ચીજવસ્તુઓને ઝડપશે ખરું, પરંતુ એનું શબ્દમાં રૂપાંતર નહીં કરે અને પછી જુઓ કે ચિત્તમાં કેવી નીરવ શાંતિનો અનુભવ થાય છે.

Tags :