અભિનેતાપણું સાર્થક કરો છો, ખરાં ને ?
પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ
એમ કહેવાય છે કે એક નાટક પડદાં આગળ ભજવાય છે તો બીજું નાટક પડદાં પાછળ ખેલાતું હોય છે. એથીય વધારે રંગભૂમિની દુનિયામાં તખ્તા ઉપર અને તખ્તાની બહાર ઘણી ઘટનાઓ બનતી હોય છે. એમાં પણ 'માણ્યું તેનું સ્મરણ કરવું, એ ય છે એક લ્હાણું' એ પંક્તિ મુજબ વારંવાર મારું ચિત્ત ગુજરાતની જુની રંગભૂમિના તખ્તા પર જતું હોય છે. એ જમાનામાં કેવાં નાટયશોખીનો હશે એની તો આજે આપણે કલ્પના જ કરવાની રહી.
એ સમયે બાલીવાલ થિયેટરમાં 'ર'માંડલિક' નામનું નાટક ભજવાતું. એ નાટક જોવા માટે હિંદુઓ ઉપરાંત વહોરા, મેમણ, ખોજા વગેરે પ્રેક્ષકોથી થિયેટર ઉભરાઈ જતું હતું. 'રા'માંડલિક'માં એક મરાઠી નાટકમાં મા. કૃષ્ણ રા'માંડલિકની દાસી મોંઘી તરીકે સુંદર અભિનય કરતો હતો. નાટયજગતમાં એમણે દરજીકામ કરીને પ્રારંભ કર્યો. 'સૂર્યકુમારી' અને 'સ્વદેશ સેવા' જેવાં નાટકો કર્યા. પછી 'રા'માંડલિક'માં મોંઘી તરીકે એવો ભાવવાહી અભિનય કર્યો કે તેઓ નાટયજગતમાં 'મોંઘી'ના નામે ઓળખાવા લાગ્યા હતા.
આ મરાઠી નટ 'મોંઘી'ની અભિનય કલા પર પ્રેક્ષકો વાહવાહ બોલતા હતા અને ત્યારબાદ નાટય રસિયા વહોરા કોમના પ્રેક્ષકો ગોખલે હોટલ કે જે પછી રામભરોસે હોટલ બની, ત્યાં સુધી ફૂટપાથ પર ઊભા રહી જતા. પોતાના હાથમાં બદામ- પિસ્તાના પડીકા રાખતા અને એમની એટલી જ ઇચ્છા રહેતી કે મા. કૃષ્ણા એમના હાથમાંથી એ પડીકું લઈ લે, તો થઈ જઈએ. મા. કૃષ્ણા હાથ મોં ધોઈ, કપડાં બદલીને, લટકતી ચાલે બહાર નીકળતી ત્યારે એમની સામે બધા બદામ- પિસ્તાના પડીકાં ધરતાં. જેનું પડીકું કૃષ્ણા પોતાના હાથથી લે, તે પોતાને ભાગ્યશાળી માનતો અને એના સુકોમળ સ્પર્શનું જીવનભર સ્મરણ કરતો.
એ જમાનામાં મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ નાટયકાર રામ ગણેશ ગડકરીએ એમનું પ્રાથમિક શિક્ષણ ગુજરાતી માધ્યમમાં લીધું હતું. તેઓ કવિ કલાપીના પરમ ભક્ત હતા અને જ્યારે વ્યથિત હોય, ત્યારે કલાપીના કાવ્યો વાંચીને મનની શાંતિ મેળવતા હતા અને ઘણીવાર એમનાં કાવ્યોમાં એટલા બધા તલ્લીન થઈ જતાં કે તેઓ બોલી ઉઠતા, 'આવો કવિ કદી થશે જ નહીં.' કલાપીનો 'કેકારવ' તો એમને કંઠસ્થ હતો. એવી જ રીતે આ મરાઠી નાટયકાર કવિ ન્હાનાલાલના 'જયા જયંત' અને 'ઇન્દુકુમાર'ના આશક હતા. કવિ ન્હાનાલાલની પ્રત્યેક કૃતિ માટે એમના ખૂબ માન અને મમતા હતા. એમણે અંતકાળે કવિ ન્હાનાલાલની 'ઉષા' કૃતિ વાંચવા માટે તીવ્ર જિજ્ઞાાસા દાખવી હતી, પરંતુ એમની એ ઇચ્છા પૂર્ણ થાય તે પહેલાં ક્રૂર કાળે એમને ઝડપી લીધા.
માસ્ટર વસંત નાયકે એક પ્રસંગ એવો નોંધ્યો છે કે એમની કંપની અમદાવાદમાં હતી, ત્યારે કંપનીના કેટલાક કલાકારોને સાબરમતી આશ્રમમાં જઈને મહાત્મા ગાંધીજીનું દર્શન કરવાનું મન થયું. પ્રસિદ્ધ અભિનેતા મોહન લાલા અને માસ્ટર વસંત તથા બીજા સાથીઓ ગાંધીજીને મળવા માટે ગયા. ગાંધીજીની સાંજની પ્રાર્થના પછી તેઓ એમને મળવા ગયા, ત્યારે ગાંધીજીએ એમને પૂછ્યું, 'ભાઈઓ તમે કોણ છો ?'
કલાકારોએ પોતાની ઓળખ આપતા કહ્યું : 'અમે રંગભૂમિના નટો છીએ.'
ગાંધીજી હસ્યા અને બોલ્યા, 'ભાઈ, તમે તો 'અભિનેતા'. શું 'અભિનેતા' 'નેતા'ના દર્શને આવે ? તમને તો લોકો પૈસા ખર્ચી, ઉજાગરા વેઠી, ખાસ સમય કાઢી જોવા માટે પડાપડી કરે છે, ખરું ને ! તમે સમાજને ધારો એ રીતે સુપંથે દોરી શકો છો. જ્યારે અમને મળવા માટે નથી સમય આપવો પડતો નથી કે નથી પૈસાનો વ્યય કરવો પડતો. હું તો માત્ર નેતા જ, પણ તમે તો અભિનેતા છો, એ અભિનેતાપણું સાર્થક કરો છો ખરાં ને ?'
મહાત્મા ગાંધીજીની અભિનેતાની વ્યાખ્યા સાંભળીને વિખ્યાત કલાકાર મોહન લાલાની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી.
ચાર દાયકા સુધી ગુજરાતી રંગભૂમિના કુશળ નટ, કાબેલ દિગ્દર્શક અને અચ્છા સંગીતજ્ઞા તરીકે દેશી નાટક સમાજમાં મહેસાણા જિલ્લાના ઉંબરી ગામમાં ૧૯૦૬ની ૧૦મી માર્ચે જન્મેલા કાસમભાઈ મીરે રંગભૂમિ પર મહત્ત્વની કામગીરી બજાવી. લોકો એમને મીરજાતિના ગણતા હતા પરંતુ હકીકતમાં તેઓ શાહબુદ્દીન ઘોરીના વંશજો હતા. વહીવંચાના ઇતિહાસમાંથી એમની ૨૫ ઉપરાંત પેઢીઓના વડવાઓનાં નામ મળતા હતા અને તેમના પૂર્વજો ધોરી વંશના બાદશાહના પતન પછી મીર કોમ સાથે ભળી ગયા હતા.
કાસમ મીરના ઘર આંગણે આઠ ભેંસો ઝુલતી હતી. મોસમ પ્રમાણે ખેતરમાં પાક ઉતરતો હતો. કુદરતને ખોળે સંતોષી જીવન જીવતા હતા ત્યારે માંડ ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ કરેલા કાસમભાઈને નિશાળે જવું ગમતું નહતું. એકવાર એમની જ્ઞાાતિના બે છોકરાઓ લગ્નપ્રસંગમાં કિંમતી વસ્ત્રો પહેરીને આવ્યા. આ બંને એક નાટક કંપનીમાં નોકરીમાં હતા, ત્યારથી નાટક કંપનીમાં કામ કરવાનો કાસીમભાઈને અભરખો જાગ્યો.આને માટે જાણીતા નટ ગગુજીની પુત્રી ઇચ્છાબાઈ સાથે એમણે લગ્ન કર્યા અને શ્રી દેશી નાટક સમાજ કંપનીમાં જોડાયાં.
નોકરી મળતાં મનોકામના સિદ્ધ થઈ એનો આનંદ હતો, પરંતુ પગારમાં માત્ર કંપનીના રસોડે ભોજન કરવાનું અને સવારે અપાતી સંગીતની તાલીમમાં બાળમંડળી સાથે ગાવાનું. કાસીમ મીરને વારસામાં સૂરીલો કંઠ મળ્યો હતો અને એથી છ મહિના સુધી એમણે બાળનટોની મંડળીના તખ્તા પર આવવાની તક આપવામાં આવી. એમાં પણ ગાતાં બાળવૃંદની હારમાં છેક છેલ્લે ઉભા રહીને ગાવાનું કે જ્યાં ભાગ્યે જ પ્રેક્ષકોની નજર પડતી. પણ કાસીમ મીરને પોતાના સૂરીલા કંઠમાં શ્રદ્ધા હતી તેથી એ છેક છેલ્લે સુધી એમનો અવાજ પહોંચાડી શકતા. પરિણામે છ મહિના બાદ પગારના ત્રણ રૂપિયાથી શ્રીગણેશ થયા.
૧૯૩૬માં એમના પ્રથમ પત્નીના અવસાનનો તાર મળ્યો ત્યારે શ્રી દેશી નાટક સમાજના ઉપક્રમે તેઓ નાટક ભજવી રહ્યા હતા પણ પૂરી સ્વસ્થતાથી તેમણે નાટકમાંનું શૃંગારનું દ્રશ્ય ભજવીને અદાકારનો ધર્મ સાર્થક કર્યો. ૧૯૩૮માં એમનાં બીજા લગ્ન નક્કી થયા પરંતુ 'વડીલોને વાંકે'ના ઉપરાઉપરી પ્રયોગોને કારણે વધારે રજા મળી શકે તેમ ન હોવાથી મુંબઈથી તેઓ બારોબાર લગ્નમંડપમાં ગયા અને એ જ રીતે ત્યાંથી શ્રી દેશી નાટક સમાજમાં પહોંચી ગયા. આ નાટકમાં તેઓ અભિનય, સંગીત અને દિગ્દર્શન એમ ત્રણ પ્રકારની જવાબદારી સંભાળતા હતા.
કાસમભાઈ અને અભિનેત્રી મોતીબાઈની આ અભિનય બેલડીએ શ્રી દેશી નાટક સમાજમાં ૧૫ વર્ષ સુધી ઉત્કૃષ્ટ અભિનય આપ્યો હતો. વિવિધ નાટકના ગીતોમાં અનેક 'વન્સમોર' મેળવ્યા હતા અને ગ્રામોફોન કંપનીએ એ ગીતોની રેકર્ડ ઉતારી હતી.
કાસમ મીરે ૫૦ નવાં નાટકોનું દિગ્દર્શન, ૫૧ નવાં નાટકોમાં અભિનય, ૪૧ નાટકોમાં સંગીત- દિગ્દર્શન, અંદાજે ૧૨૦૦ ગીતોની તરજોનુંસર્જન, નાટકોમાં ૮૦૦૦થી અધિક વખત અભિનય આપ્યો. ૧૯૫૩ સુધી રંગભૂમિ પર અભિનય કર્યો. ૧૯૫૪માં માત્ર દિગ્દર્શન સંભાળવાનું ચાલુ રાખ્યું.
૧૯૬૧ના વર્ષ માટે કાસમભાઈ મીરની સિદ્ધિઓ માટે તેમને રાષ્ટ્રપતિચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૬૯ની ૨૮મી ઑક્ટોબરે તેમનું અવસાન થયું હતું.
એ સમયે 'રંગીલો રાજ્જા' નામનું નાટક ભારે વિવાદ જગાવનારું બન્યું હતું. એમાં શબ્દશ્લેષનો ભરપૂર ઉપયોગ થયો હતો. વાહિયાત મુક્કાબાજી, ધક્કાબાજી અને ખેંચાખેંચ જોવા મળતી હતી. એમાં વનલતાબહેનનો અભિનય સુંદર હતો. જયંતિ પટેલે અવાજને ઘૂંટી ઘૂંટીને એવો ઘેરો બનાવ્યો હતો કે સહુને છગન રોમિયોની યાદ આવી જાતી. એના સિદ્ધહસ્ત અભિનેતા હીરાભાઈનો અભિનય પણ સારો હતો.
આ નાટકને જોઈને કનૈયાલાલ મુનશીએ એમ કહ્યું હતું કે, 'આ નાટકે ગુજરાતને હસાવ્યું છે, જેથી આવા નાટકો ગુજરાતે વધાવી લેવા જોઈએ', 'કાકાની શશી'થી વિવાદ જગાવનાર મુનશીના આ નિવેદનો એ પણ મોટો વિવાદ જગાવ્યો.
નાટયવિદોએ કહ્યું કે, 'ગુજરાતને આવા નાટકો લખી- ભજવીને હસાવી શકાતું હોય, તો તે ગુજરાતનું દુર્ભાગ્ય કહેવાય.'
ગુજરાતને 'અમે બધાં' જેવી સુંદર હાસ્યરસથી પૂર્ણ લાંબી નવલકથા આપનાર શ્રી ધનસુખલાલ મહેતાએ આ નાટકનું ભાષાંતર કર્યું હતું, એ પણ નોંધપાત્ર કહેવાય.
ગુજરાતને પારસી નાટક મંડળીઓ પૂર્વે અંગ્રેજીના રાજ્યકાળમાં અને દેશી રજવાડાંઓના સમયમાં 'ભવાઈ' સિવાય મનોરંજનનું બીજું કોઈ માધ્યમ નહોતું. એમ માનવામાં આવે છે કે ગુજરાતમાં અને એમાં પણ મુખ્યત્વે તો ગ્રામ વિસ્તારોમાં જ ભવાઈ બતાવતી હતી. આને ભવાઈની મર્યાદા માનવામાં આવે છે. પણ હકીકત એ છે કે છેક ૧૮૭૮માં એક ભવાઈ મંડળીએ આફ્રિકામાં ભવાઈના વેશો ભજવ્યા હતા. ઉત્તર ગુજરાતના વીરપુર ગામના વતની શ્રી ઉમેદરામ નાયક એમના પુત્રો શ્રી કસ્તૂરદાસ, દુર્લભરામ અને કિશોર તેમજ શિવરામ રામશંકર અને બીજા પાંચ ભવાઈ ભજવનારા કલાકારોનું એક જૂથ દેશી વહાણમાં બેસીને મુંબઈથી આફ્રિકા ગયું હતું.
આ સમયે ભવાઈને આફ્રિકાની દિશા દેખાડનાર મૂળ કચ્છના એવા મુંબઈવાસી જયરામ સવાલી હતા અને આ ભવાઈ મંડળીએ જંગબાર, દારેસલામ, ભાગમોયા, મુસુંબી, મોમ્બાસા જેવા સ્થળોએ ભવાઈના વેશો અને રામલીલાના પ્રયોગો કર્યા હતા. એ સમયનો ઇતિહાસ કહે છે કે, પ્રથમ પ્રવાસની સફળતાથી પ્રેરાઈને થોડા થોડા વર્ષના અંતરે ત્રણેકવાર આફ્રિકાનો પ્રવાસ કર્યો અને સારી એવી કમાણી થઈ અને એ રીતે આફ્રિકામાં ગુજરાતની લોકભવાઈએ પ્રવેશ મેળવ્યો.
ક્ષણનો સાક્ષાત્કાર
માનવી જીવનમાં ગુલાબ શોધે છે. સુખ પામવાની એની અતિ તિવ્ર ઝંખના છે. સુખપ્રાપ્તિ માટે તલસાટ છે. સુખપ્રાપ્તિ થતાં ગાઢ આનંદ અનુભવે છે. સુખનું વિરોધી છે દુ:ખ. કોઈ હાનિ પહોંચાડે, અપમાનિત કરે કે કટુવચન કહે તો એના દિલમાં કાંટા ભોંકાય છે. આમ એ સુખ અને દુ:ખને ગુલાબ અને કાંટાને અલગ અલગ જુએ છે. ગુલાબની ઝંખના રાખે છે, કાંટાનો અજંપો હોય છે, પરંતુ સમય જતાં એને સમજાય છે કે જીવનની એક જ ડાળી પર ગુલાબ છે અને એની સાથે જ કાંટા છે. એ ગુલાબ જુએ છે અને પછી તરત એને કાંટા દેખાય છે. એ સુખ પામે છે અને એની સાથોસાથ એને દુ:ખ નજરે પડે છે.
પહેલાં જે સાવ ભિન્ન અને વિપરીત લાગતું હતું, એ હવે એક લાગે છે. એક જ ડાળી પર સુખ અને દુ:ખ ઘસાતા જોવા મળે છે અને વિચાર કરે છે કે આ ડાળી ઊગી એની સાથોસાથ જ આ કાંટા ય ઉગ્યા છે ! અને ગુલાબ પણ ઉગ્યું છે ! જીવનની તરાહ પણ એવી છે કે, કાંટા ઉગે છે અને સાથે ગુલાબ પણ ઉગે છે. જીવનમાં દુ:ખ આવે છે અને એની પાછળ સુખ આવતું હોય છે. રાત્રિના અંધકારની પાછળ દિવસનું પ્રભાત આવતું હોય છે. ઘણીવાર તો સુખનો પડછાયો દુ:ખ હોય છે. સુખ અને દુ:ખને અલગ જોવાની જરૂર નથી, એને બદલવાની જરૂર નથી. એને એક સાથે જોવાની જરૂર છે. પ્રત્યેક સુખ અને દુ:ખ સંયુક્ત છે જાણે એક સિક્કાની બે બાજુ.
ઊંચા પહાડ પરથી કલકલ નિનાદે વહેતા ઝરણાં જેવું આપણું જીવન છે. એ ઝરણાંને ક્યારેક મોકળાશથી મુક્તપણે વહેવા મળે છે અને ક્યારેક કાંટા, ઝાંખરા, પથરાં, ઉબડખાબડ જમીન - એ બધાની વચ્ચેથી વહેવું પડે છે. ક્યારેક એ વેગથી આગળ ધસે છે, તો ક્યારેક એને થંભી જવું પડે છે. ક્યારેક પાછી પછડાટ પણ ખાવી પડે છે અને છતાં એ આગળ વધતું રહે છે. જીવનની ગતિ પણ આ પ્રકારે જ છે કે ક્યારેક એને સુંવાળી અનુકૂળતા મળે તો ક્યારેક માત્ર કઠોર અવરોધ મળે. ક્યારેક સુખની મીઠી લાગણીનો અનુભવ થાય, તો ક્યારેક દુ:ખનો આઘાત સહેવો પડે. પણ વહેવું એ એનું કર્તવ્ય છે અને એ એનું કર્તવ્ય બજાવે જાય છે.
મનઝરૂખો
અમેરિકાના એલાબામા રાજ્યના મોબીલે શહેરમાં જન્મેલા (૨૦૧૧) ટિમ કૂકના પિતા ડોનાલ્ડ બંદર પર કામ કરતા હતા. અને માતા ગેરાલ્ડીન ફાર્મસીમાં નોકરી કરતા હતા. એપલ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ટિમ કૂક વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીના સી.ઇ.ઓ. હોવા છતાં જીવનના નિર્ણયો લેવામાં સદૈવ પોતાના દિલના અવાજને મહત્ત્વ આપે છે.
ઓર્બન યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને ૧૯૮૨માં તેઓ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરીંગમાં ગ્રેજ્યુએટ થયા. સ્વાભાવિક રીતે જ સહુએ એમને એન્જિનિયરિંગના ક્ષેત્રે જઈને કારકિર્દી બનાવવાનું કહ્યું, પણ ટિમ કૂકને એન્જિનિયર બનવાને બદલે બિઝનેસમેન થવાની તીવ્ર ઇચ્છા હતી. આથી એમણે એમ.બી.એ. થવાનો નિર્ણય લીધો અને ૧૯૮૮માં ડયૂક યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને એ એમબીએ થયા. એ પછી બાર વર્ષ એમણે વિખ્યાત આઇ.બી.એમ. કંપનીમાં કામ કર્યું, પણ એમના દિલને લાગ્યું કે ઘણું થયું, હવે કોઈ નવી કંપનીમાં જવું જોઈએ. આથી કોમ્પેક કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટનો હોદ્દો મેળવ્યો અને હજી આ કંપનીમાં છ મહિના વિતાવ્યા હતા ત્યાં જ એક વિશિષ્ટ ઘટના બની.
એપલ કંપનીના સંસ્થાપક સ્ટીવ જોબ્સ સાથે મળવાનું બન્યું. બંને વચ્ચે પાંચેક મિનિટ વાતચીત થઈ પણ ટિમ કૂકને સ્ટીવ જોબ્સની સાથે કામ કરવું એટલું બધું પસંદ પડયું કે, આ પાંચેક મિનિટની વાતચીતમાં એમના દિલમાંથી અવાજ આવ્યો અને એમણે એપલ કંપનીમાં કામ કરવાનું સ્વીકાર્યું.
આજે ટિમ કૂક કહે છે કે, આ દિલના અવાજને અનુસરીને કોમ્પેક કંપનીમાંથી એપલ કંપનીમાં આવ્યો, તે મેં મારા જીવનમાં લીધેલો શ્રેષ્ઠ નિર્ણય છે. આને કારણે મને સર્જનાત્મક જિનિયસ સાથે કામ કરવાની તક મળી અને અમેરિકાની આ મહાન કંપનીને આગળ વધારનાર એક્ઝિક્યુટીવ ટીમમાં સ્થાન મળ્યું.