Get The App

કળિયુગની ઘટનાઓનું પાકું સરનામું સતયુગમાં મળે છે !

ખુલ્લા બારણે ટકોરા - ખલીલ ધનતેજવી

Updated: Feb 22nd, 2020

GS TEAM

Google News
Google News
કળિયુગની ઘટનાઓનું પાકું સરનામું સતયુગમાં મળે છે ! 1 - image


માનવકૃત્યથી યુગ વખણાયો છે અને માનવકૃત્યથી યુગ વગોવાયો છે ! કોઇ યુગ માનવ વિહોણો નથી. અને જ્યાં માણસ હોય ત્યાં ઉથલપાથલ થયા વગર રહી શકે નહિ !  માનવ ઉત્પતિ પહેલા સૃષ્ટિનું નિર્માણ થઇ ચુક્યુ હતું

જન્મથી મરણ સુધીના તમામ વિધિવિધાનોમાં આધુનિકતા જોવા મળે છે. આપણા વાણીવર્તનમાં અને આપણી રહેણીકરણીમાં  આધુનિકતા આવી છે. આપણા પહેરવેશમાં અને ચાલઢાલમાં પણ નવો આવિર્ભાવ જોવા મળે છે

આપણા પૌરાણિક શાસ્ત્રોએ આપણને ચાર યુગનો પરિચય કરાવ્યો છે ! સતયુગ, કળિયુગ, દ્વાપર અને ત્રેતા ! બસ આ ચાર યુગને આપણે નામ સરનામા સાથે ઓળખીએ છીએ ! એ ચારે યુગની લાક્ષણિકતાથી આપણને પરિચિત કરાવ્યા છે ! યુગ આવે છે ને જાય છે. યુગ બદલાયા કરે છે ! પણ એ બદલાવ ઉપર મુજબના ચારે ચાર યુગો પૂરતો સીમિત રહે છે. આ યુગો ચકડોળની જેમ ફરતા ફરતા પાછા ત્યાને ત્યાંજ આવી જાય છે !

પણ અત્યારે જે ચાલે છે એ યુગનો પરિચય શાસ્ત્રો પાસે નથી, અથવા વર્તમાન યુગ શાસ્ત્રોની પૂર્ણાહુતિ પછી પેદા થયો હોય એમ લાગે છે. હવે આપણને પાંચમા સાવ અજાણ્યા યુગમાંથી પસાર થતા હોવાની અનુભૂતિ તો થાય છે. વર્તમાન યુગની ખાસિયત અને લાક્ષણિકતા નોંખી હોવાનું તો સમજાય છે, પણ આ યુગની ઓળખ અથવા કળિયુગ સતયુગ જેવા નામકરણથી આપણે અપરિચિત છીએ.

વર્તમાન યુગને કયા યુગના નામે ઓળખીશું? હજારો લાખો વર્ષ પહેલા સમાજ રચનાની પ્રથમ વર્ષગાંઠના દિવસે જ ઉપર મુજબના ચારે ચાર યુગનો પરિચય કરાવ્યો એ જે તે વખતે સંતોષજનક રીતે આપણે સ્વીકારી લીધો. પણ એ બધાથી અલિપ્ત વર્તમાન યુગ આ વાતને સ્વીકારવા તૈયાર નથી ! કારણ કે સતયુગ અને કળિયુગ, યુગ તરીકે નોખા છે. પણ એમની લાક્ષણિકાને નોખી કહી શકાય નહિ ! પહેલી મુંઝવણ તો એ કે સતયુગ કોને કહેવો અને કળિયુગ કોને કહેવાય અને એની અવધિ કેટલી એ વિશેની ચોખવટ નિષ્ઠાપૂર્વક થઈ હોય એમ લાગતું નથી !

કામની દ્રષ્ટિએ પણ સતયુગ અને કળિયુગ નોખા ન પડતાં હોય તો સતયુગને સારોે યુગ અને કળિયુગને ખરાબ યુગ કહેવાનો આપણને કોઈ અધિકાર નથી, જે ઘટનાઓના કારણે આપણે કળિયુગને ખરાબ યુગ કહીએ છીએ એવી ઘટનાઓના પાકા સરનામા સતયુગમાંથી મળે છે! તો સતયુગ જ સારો યુગ હતો એમ કઈ રીતે કહી શકાય ? બહુ આઘા ન જઈએ અને રામાયણ મહાભારત યુગથી તપાસ કરીએ તો એજ, યુગમાં સીતાનું હરણ થયું હતુ ને ભીષણ યુધ્ધ સર્જાયુ હતુને એ જ યુગમાં દ્રૌપદીના ચીરહરણ થયા હતા અને એને કારણે કુરૂક્ષેત્રમાં કૌરવો પાંડવો વચ્ચે ભીષણ યુધ્ધ સર્જાયુ જે મહાભારત યુધ્ધ તરીકે ઓળખાયુ ? આવી નકારાત્મક ઓળખ ધરાવતા યુગને સતયુગ કહેવાય ખરૂં ? મોહમાયા, જમીન જાગીર, શક્તિપ્રદર્શન, સત્તાની સાઠમારી વિગેરે આજે બને છે તેવું દરેક યુગમાં બન્યું છે તો સતયુગ કોને કહેવાય? રામાયણ અને મહાભારત યુગમાં સતયુગનાં દર્શન થતા નથી.

તો એ પહેલાનાં યુગોના સરનામા છે આપણી પાસે ? મહાભારત યુધ્ધનાં ચાર મજબૂત પુરાવા છે આપણી પાસે ! એક તો ગીતા, બીજું લાક્ષાગૃહ, ત્રીજુ સુદર્શન ચક્ર અને અર્જુનનો ગ્લાનિભાવ ઉપજાવતો આંતરિક વિવાદ ! એની સામે કળિયુગનો પરચો આપણને આદિકાળથી મળે છે. આ બધું એમ માનવા મજબુર કરે છે કે આપણે યુગોને ચકડોળની જેમ ફરતા માનીએ છીએ, એ પણ સાચું નથી. સાચું એ છે કે કળિયુગ સ્થિતપ્રજ્ઞાતાની જેમ કાળને ચોટી ગયો છે. એટલે કે યુગોને ફરવા માટેનો રસ્તો રોકીને એ બેઠો છે. અનાદિકાળથી આજ પ્રયંત જે બનતું આવ્યું છે એ જોતાં કળિયુગને શાશ્વત કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી! આવા ઘોર કળિયુગમાં પણ વચ્ચે વચ્ચે ક્યારેક સતયુગ ડોકિયા કરી જતુ હોય છે. જે સત અસત માટે આપણને બે ઘડી વિચારવાની પ્રેરણા આપી  જાય છે !

નાનપણમાં નિશાળમાં ભણતા હતા ત્યારે માબાપની કાવડ ઊંચકીને ફરતા શ્રવણની વાર્તા સાચી હતી, એ વાર્તા આજે પણ ઉદાહરણ રૂપે પ્રયોજતી રહે છે ! રાતના અંધારામાં નદી કિનારે પાણી ભરવા ગયેલા શ્રવણ પર રાજા દશરથ શિકાર સમજીને બાણ મારે છે ને શ્રવણ મૃત્યુ પામે છે. શ્રવણ આંધળા માબાપનો એકનો એક પુત્ર હતો. શ્રાવણના માબાપે દશરથને શ્રાપ આપ્યા ત્યા સુધીની વાર્તાનો પરિચય થયો. ઈતિહાકારોને આ વાત ગળે ઉતરતી નથી. ઈતિહાસવિદ આને પૌરાણિક ઘટના કહે છે. ઐતિહાસિક ઘટના નહિ ! ગમે તે પણ આ પ્રસંગ યુગને નોખા પાડતો પ્રસંગ છે.

આજના શ્રવણો માબાપની કાવડ ઊંચકવાને બદલે માબાપને ઘરડા ઘરમાં નાખી આવે છે ! રામાયણ અને મહાભારત યુગમાં વડીલોની આજ્ઞાાનો આદર કરવામાં આવતો હોવાથી જ રામને વનવાસ વેઠવો પડયો અને અર્જુનને ગ્લાનિબોધનો વિષાદ વેઠવો પડયો ! કદાચ એ યુગને જ સતયુગ કહેવામાં આવ્યો છે ! માબાપની આજ્ઞાાનું પાલન કરાવતા આ યુગને સો સો સલામો ઓછી પડે !

ગુણદોષ માટે કોઈપણ યુગને પૂર્ણતા પ્રાપ્ત નથી. કોઈપણ યુગ સંપૂર્ણ દોષિત પણ નથી અને સંપૂર્ણ નિર્દોષ પણ નથી ! યુગાન્તરોથી એક ધારી પરિસ્થિતિ ચાલી આવે છે. યુગ બદલાયો, યુગોનું નામકરણ પણ થયું, પરંતુ અમુક યુગમાં જ અમુક પ્રકારની ઘટના બની એમ છાતી ઠોકીને કહી શકાય નહિ ! દરેક પ્રકારની ઘટનાઓ દરેક યુગમાં સર્જાઈ હોવાનું જાણવા મળ્યુ છે. એ માટે સંપૂર્ણ પણે યુગને જવાબદાર ઠેરવી શકાય નહિ ! માણસ જ જવાબદાર છે. માનવકૃત્યથી યુગ વખણાયો છે અને માનવકૃત્યથી યુગ વગોવાયો છે ! કોઇ યુગ માનવ વિહોણો નથી.

અને જ્યાં માણસ હોય ત્યાં ઉથલપાથલ થયા વગર રહી શકે નહિ !  માનવ ઉત્પતિ પહેલા સૃષ્ટિનું નિર્માણ થઇ ચુક્યુ હતું. ધરતી અને ધરતી ઉપરના તમામ નદીનાળા, સરોવરો, પશુ-પક્ષીઓ અને અનેક પ્રકારના જીવજંતુઓ ઉત્પન્ન થઇ ચુક્યા હતા ! પણ એ બધાની નોંધ તો માણસના આગમન પછી જ લેવાઇ ! આજે જે ડાળ પર કોઇ પક્ષી બેઠું હોય એ ડાળ પર કાલે બીજું પક્ષી આવીને બેસી જાય એ સામે કોઇને કશો વાંધો નથી.  માણસ આવ્યો અને સાથે માલિકી ભાવપણ લઇને આવ્યો. માણસે, ગમે ત્યા રાતવાસો કરવાને બદલે કોઇ એક જગ્યા નિશ્ચિત કરી અને પોતાને ખપ પૂરતી જગ્યા એણે  આંતરી !  પછી એ જગ્યા દિવસે દિવસે વિસ્તરતી ગઇ એમાંથી વિસ્તારવાદ પ્રગટયો.

એ વિસ્તારવાદના કારણે સરહદોનું નિર્માણ થયું ! માનવના આગમન પહેલા સૃષ્ટિમાં કોઇ હદ કે કોઇ સરહદ નહોતી. ત્યારે કોઇપણ જીવ ગમે ત્યાં જઇ શકે અને ગમે ત્યાં રહી શકે !  ગમે તે કૃત્ય કરી શકે. એમાં પાપ કે પૂણ્યની ભાવના નહોતી. માણસના આગમન પછી પાપ અને  પૂણ્યની વિભાવનાઓની અનુભૂતિ થઇ ! કાયદા-કાનૂન બન્યા, અદાલતો આવી, ન્યાય અન્યાયના ફેસલા થવા માંડયા. આ બધુ ને આવું બધુ દરેક યુગમાં થોડું થોડું ઉમેરાતુ ગયું ને એ રીતે રહેણીકરણી પણ બદલાતી ગઇ ને એ માટે કોઇ એક યુગને જવાબદાર ન ઠેરવી શકાય !  મૂળ પ્રશ્ન એ કે  યુગ આવ્યો ક્યાંથી ? માણસો દ્વારા જ યુગનિર્માણ થયું છે ને માણસે જ યુગની માવજત કરી છે ને યુગને વિકૃત બનાવનાર પણ માણસ જ છે! 

આજે આપણે વિજ્ઞાાનયુગમાં જીવી રહ્યા છીએ ! ટેકનોલોજીએ ઘણું બધું નવું આપ્યુ છે તો પારંપારિક કહેવાય એવું ઘણું બધું આપણી પાસેથી ઝૂંટવી પણ લીધું છે. સૌથી મોટી વાત તો એ છે કે, વાતેવાતે ચોંકી ઉઠતા માણસ પાસેથી અચંબો આંચકી લીધો છે. માણસને હવે કોઇ વાતે અચંબો થતો નથી !  મોબાઇલ નામનુ તાવીજ એના હાથમાં આવ્યા પછી કોઇપણ ઘટના એને અચંબિત કરી શકતી નથી ! શિક્ષણ વધ્યું છે. સગવડો વધી છે. સમજદારીનો વિકાસ થયો છે. માણસ વધુ સમજદાર બન્યો છે. વૈશ્વિક ઘટનાઓથી સતત માહિતગાર રહેવાની સહુલતો એને હાથવગી થઇ ગઇ છે. આ યુગને વાહનયુગ પણ કહી શકાય. લાંબા અંતરના પ્રવાસોનો એને હવે થાક લાગતો નથી ! સામંતવાદના સ્થાને સમાજવાદની સ્થાપના થઇ શકી છે.

માણસ હવે ગુલામીમાંથી મુક્ત થઇને સમાજવાદી રસમ મુજબ સ્વતંત્રતા ભોગવી શકે છે. છતાં એ સ્થિતિ ભ્રામક લાગે એવી અનેક ઘટનાઓ સામે આવે છે. સમાજવાદમાં જીવતો માણસ સામંતવાદથી તો મુક્ત થઇ શક્યો છે પરંતુ ઊંચનીચ, જાતિવાદ, અંધશ્રધ્ધા જેવા દૂષણો હજી એના ગળે વળગેલા જોવા મળે છે. હજી પણ આભડછેટની માવજત કરવામાં આવે છે. કોમવાદે માઝા મુકી છે. પરિણામે સમય અગાઉ કરતાં વધુ લોહિયાળ બન્યો છે !  યૂ ટયૂબ અને ગૂગલે પોતાના બારેબાર બારણા ઉઘાડા મૂક્યા હોવા છતાં અને માણસ અવકાશી ગ્રહોને વીંછળતો થયો હોવા છતાં માણસ અંધશ્રધ્ધામાંથી બહાર આવી શક્યો નથી.

અંધશ્રધ્ધા બહુ મોટુ અને બહુ જૂનું દૂષણ છે. એ સમાપ્ત થઇ ચૂકેલા પાછલા યુગોમાંથી વારસાગત દૂષણ છે. ભલભલા યુગાન્તરો પણ અંધશ્રધ્ધાનો વાળ વાંકો કરી શક્યા નથી. આજે પણ આશારામ અને નિત્યાનંદ જેવા લંપટ સંતો પૂજનીય કહેવાય છે.  નિર્મલબાબા અને પંજાબના બાબા રામ રહીમ વિઘ્નહર્તા માનવામાં આવે છે. આપણે સંપૂર્ણપણે આધુનિક યુગમાં જીવીએ છીએ. આધુનિકતા સમાજ જીવનના દરેક ક્ષેત્રે પ્રસરી ચૂકી છે. કોઇ એવું ક્ષેત્ર નથી કે જ્યાં  આધુનિકતાએ પગલા ના પાડયા હોય !  જન્મથી મરણ સુધીના તમામ વિધિવિધાનોમાં આધુનિકતા જોવા મળે છે. આપણા વાણીવર્તનમાં અને આપણી રહેણીકરણીમાં  આધુનિકતા આવી છે.

આપણા પહેરવેશમાં અને ચાલઢાલમાં પણ નવો આવિર્ભાવ જોવા મળે છે. આગતાસ્વાગતાની રસમ પણ આધુનિક રંગેરંગાઇ ચૂકી છે.!  વેપારધંધામાં પણ આધુનિક વહેવાર જોવા મળે છે. ખરબચડી દુકાનોએ શોરૂમનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો છે અને મોલકલ્ચરનું સ્ટેટ્સ પણ પ્રાપ્ત કરી લીધું છે. નોકરી હવે ગુમાસ્તાગીરીમાંથી મુક્ત થઇને સ્ટેટસ સિમ્બોલ બની ગઇ છે ! આધુનિકતાને આટલા દરજ્જે પહોંચાડીને હવે એનું અપમાન કરવાનું આપણને શોભે નહિ!  આધુનિકતા દ્વારા આપણને જીવનની વાસ્તવિકતાનો પરિચય થયો હોય એ પછી પણ ઢોંગી બાપુઓ સામે અદબવાળીને નતમસ્તકે ઊભા થઇ જઇએ છીએ ત્યારે આપણી આધુનિકતા મોઢું સંતાડવા ફાંફા મારતી થઇ જાય છે. જેણે આપણા જીવનને સુંદરતા અર્પણ કરી હોય એવી આધુનિકતાની અવગણના એ આધુનિકતાનું અપમાન છે. એમાં આપણી સમજદારીને પણ લાંછન લાગે છે ! 

કદી અંતિમ સફરના ને કદી બારાતના માણસ,

રહે છે એક માણસમા અનેરી જાતના માણસ ! 

Tags :