મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ સર્જનશીલતાને અવકાશ
મેનેજમેન્ટ - ધવલ મહેતા
પીટર સેનજીએ લર્નીંગ ઓર્ગેનાઈઝેશનની પરિકલ્પના કરી છે જેના મૂળમાં સીસ્ટમ આધારિત ટીમ વર્ક તથા લર્નીંગ વ્યવસ્થાતંત્રની રચના છે
આપણે એમ માનીએ છીએ કે સર્જનશીલતા એટલે કે ક્રીએટીવીટી માત્ર કળા (સાહિત્ય, સંગીત, એક્ટીંગ, ચિત્રકામ, નૃત્ય વગેરે)માં કે વિજ્ઞાાનમાં જ હોય છે પરંતુ આ માન્યતા સાચી નથી. જીવનના દરેક ક્ષેત્રમાં સર્જનશીલતાને અવકાશ છે. મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ સર્જનશીલતાને પૂરો અવકાશ છે.
મેનેજમેન્ટના વિચારકોએ જુદા જુદા વ્યવસ્થાતંત્રોની રચના કરી છે જેમાં મેટ્રીક્ષ વ્યવસ્થાતંત્રનો પણ સમાવેશ થાય છે. જગતભરમાં જાણીતી એઝીયા બ્રાઉન બોધરીએ મેટ્રીક્ષ વ્યવસ્થાતંત્રને વ્યવહારમાં મુકીને પોતાની સફળતા સાબીત કરી છે. આ વ્યવસ્થાતંત્ર તથા બીલીપત્રના ત્રણ પાંદડા જેવું શેમરોક વ્યવસ્થાતંત્ર પણ મેનેજમેન્ટની નવી શોધો છે. વળી અમેરીકાના મેનેજમેન્ટ ચિંતક પીટર સેનજીએ લર્નીંગ ઓર્ગેનાઈઝેશનની પરિકલ્પના કરી છે જેના મૂળમાં સીસ્ટમ આધારિત ટીમ વર્ક તથા લર્નીંગ વ્યવસ્થાતંત્રની રચના છે. મેક્સવેબર નામના સમાજશાસ્ત્રીએ બ્યુરોક્રેટીક (અમલદારશાહી) વ્યવસ્થાતંત્ર પર ઊંડાણથી અભ્યાસ કર્યો અને આ પ્રથાને બીરદાવી હતી.
સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ :
ઈ.સ. ૧૯૭૦ અને તે બાદ છેલ્લા પચાસ વર્ષથી મેનેજમેન્ટ ક્ષેત્રમાં વ્યૂહાત્મક સંચાલન (સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ)ના વિચારી શોધ થઈ છે અને તેના જ્ઞાાન વિના હવે કોઈ અદ્યતન બીઝનેસ લાંબાગાળા સુધી સફળ થઈ શકે તેમ નથી. તે પહેલા કંપનીઓ લાંબાગાળાના આયોજનમાં માનતી. કંપનીઓમાં લાંબાગાળાના ખાસ ડીપાર્ટમેન્ટસ પણ હતા. આને લોંગરેન્જ પ્લાનીંગ - લાંબાગાળાના આયોજનની વ્યૂહરચના માટેનું ડીપાર્ટમેન્ટ કે સેકશન કહેવાતું. હવે લોગરેન્જ પ્લાનીંગનું સ્થાન વ્યૂહાત્મક સંચાલને લીધું છે. જેમાં કંપની પોતાના વીઝન અને મીશન ઘડે છે, પોતાની મર્મસ્થ કુશળતા (કોર કોમ્પીટન્સ)ને ઓળખીને તેને ધારદાર તથા અભેદ બનાવે છે અને સ્વોટ પૃથક્કરણ કરીને પોતાની વ્યૂહરચના ઘડે છે.
સ્વોટ એટલે કંપનીની સ્ટ્રેન્ટસ (તાકાતો), વીકનેસીઝ (નબળાઈઓ કે મર્યાદાઓ), ઓર્પોચ્યુનીટી (કંપની માટેની તકો) અને થ્રેટસ એટલે કંપની માટે વર્તમાન કે ભવિષ્યમાં ઉભા થનારા ભયોનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ. સ્વોટ પૃથક્કરણને કંપનીઓ જે વ્યૂહરચનાનું ઘડતર કરે છે જે તેને બહુધા સફળતા અપાવે છે. હાર્વડ યુનિવર્સીટીમાં ૧૯૭૦માં અને તે પહેલાં બીઝનેસ પોલીસી ફોર્મ્યુલેશનના બે કોર્સીઝ ભણાવાતા તેને બદલે હવે બીઝનેસ સ્ટ્રેટેજીનો કોર્સ ભણાવવામાં આવે છે.
મેનેજમેન્ટ ચિંતકો :
ઉદ્યોગ જગતમાં ઉદ્યોગકારને અર્થશાસ્ત્રીનો 'હીરો' બનાવનાર શુમ્પીટર અર્થશાસ્ત્રી હતા. તેમણે મેનેજમેન્ટમાં નવા ઉદ્યોગો સ્થાપનારનું મહત્વ પીછાવ્યું અને વધાર્યું. તે પહેલા મેનેજમેન્ટમાં પદ્ધતિસરનું ચિંતન ફ્રાંસના હેન્રી ફેયોલ અને અમેરીકાના ફ્રેડરીક ટેલરે ઈ.સ. ૧૮૭૦ના ગાળામાં શરૂ કરેલું. તે પહેલા મેનેજમેન્ટનો એક સ્વતંત્ર વિષય તરીકે ઉદય જ થયો ન હતો. મેનેજમેન્ટ વિષયના ઉદયના લગભગ ૧૦૦ વર્ષ પહેલા અર્થશાસ્ત્રનો જન્મ ઈ.સ. ૧૭૭૬માં યાદવ સ્મીથના ધ વેલ્થ ઓફ નેશન્સ નામના પુસ્તક દ્વારા થઈ ચૂક્યો હતો. યોગાનુયોગ અમેરીકાને પણ ઈસ. ૧૭૭૬માં જ બ્રીટનથી સ્વતંત્રતા મળી હતી અને મેનેજમેન્ટ વિષયનું મુખ્ય પંડાલ અમેરીકાના ઉપર કથિત ફેડરીક ટેલરે કર્યું જેને તેમણે 'સાયન્ટીફીક મેનેજમેન્ટ' નામ આપ્યું. ત્યાર પછી મેનેજમેન્ટ ક્ષેત્રના ચિંતકો મનોવિજ્ઞાાન, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્રમાંથી અને અર્થશાસ્ત્રમાંથી મેનેજમેન્ટમાં પ્રવેશ્યા. મેનેજમેન્ટ ક્ષેત્રમાં સમાજશાસ્ત્રી મેક્સવેબરનો બહુ મોટો ફાળો છે.
સ્ટેક હોલ્ડર્સનો વિચાર :
કોઈપણ કંપનીએ પોતાના શેરહોલ્ડર્સના હિતો માટે જ કામ કરવાનું છે અને દરેક કંપનીના મેનેજરનું કામ શેરહોલ્ડર્સનો નફો મહત્તમ થાય તે જ જોવાનું છે તે વિચાર (કન્સેપ્ટ) અને આધાર પ્રેકટીસ વર્ષો સુધી ચાલ્યો હવે મેનેજમેન્ટના જેને અગત્યની નવી શોધ કરી શકાય તે કંપનીના સ્ટેક હોલ્ડર્સ (હિત ધારકો)નો વિચાર છે. આ નવા વિચાર પ્રમાણે કંપનીના મેનેજરોએ માત્ર શેર હોલ્ડર્સના જ હિતો વિચારવાના નથી પરંતુ કંપનીના અન્ય હિત ધારકો જેમ કે શ્રમિકો, ટ્રેડ યુનિયન, મેનેજરો, સમુદાય, ગ્રાહકો, સપ્લાયર્સ, સરકાર, વગેરેના હિતો વિષે પણ વિચારવાનું છે અને કંપનીના જુદા જુદા હિતધારકોના હીતો વચ્ચે સંતુલન (ઈક્વીલીબ્રીયમ) સાધવાનું છે અને તે ઉપરાંત કંપનીએ પર્યાવરણની સુરક્ષા કરવાની છે. અલબત હજી બહુ ઓછી કંપનીઓ સ્ટેકહોલ્ડર્સના હિતો અને શેરહોલ્ડર્સના હિતો વચ્ચે સંતુલન સાધે છે.
મોટીવેશન :
મેનેજમેન્ટ ક્ષેત્રમાં મોટીવેશનનો કન્સેપ્ટ (વિચાર) અતિ અગત્યનો છે. 'કર્મચારીગણને' 'મોટીવેટ' કર્યા વિના તેઓ ઉત્સાહપૂર્વક કામ ના કરે અને જો તેઓ ઉત્સાહપૂર્વક કામ ના કરે તો કંપનીની ઉત્પાદકતા ના વધે. આથી મેનેજમેન્ટ ક્ષેત્રમાં અબ્રાહમ માસ્લો, ફ્રેડરીક હર્ઝબર્ગ અને ડેવીડ મેકલીલેડે કામદારોના અને મેનેજરોના પોઝીટીવ મોટીવેશન અને તેને પરીણામે ઉભા થતા કાર્ય સંતોષ (જોબ સંતોષ) પર ઊંડુ કામ કર્યું. મેસ્લોએ જણાવ્યું કે માણસ માત્રને સૌથી વધુ સંતોષ ધન દ્વારા નહીં, ઉંચા મોભા દ્વારા નહીં પરંતુ તેને તે સેલ્ફ ફ્યુલફીલમેન્ટ એટલે કે કામ દ્વારા આત્મસંતુષ્ટી થાય તે દ્વારા મળે છે માટે દરેક કંપનીએ કામદાર કે મેનેજરના કામને રસ પડે તેવું (ઈન્ટરેસ્ટીંગ) અને તેની શક્તિઓને ચેલેન્જ કરે તેવું બનાવવું અને સોંપવું. આમાં વ્યક્તિને મળતા મહેનતાણા પર ભાર નથી પરંતુ સંપૂર્ણ માનવીનું સમગ્રદર્શી ચિંતન છે. કામને કેવી રીતે રસપ્રદ બનાવવું તેની અનેક ટેકનીકો (જોબ એનર્ર્લાજમેન્ટ, જોબ એનરીચમેન્ટ, જોબ રોટેશન, જોબ ટ્રાન્સફર વગેરે) મેનેજમેન્ટ ક્ષેત્રમાં શોધાઈ છે. આ ક્ષેત્રમાં ડેવીડ મેકલીલેન્ડે એચીવમેન્ટ મોટીવેશન અને ડગ્લાસ મેકગ્રેગરે થીયરી એક્સ અને થીયરી વાયની રચના કરીને મેનેજમેન્ટ ચિંતનને માત્ર ઉત્પાદકતાકેન્દ્રી નહીં પરંતુ માનવકેન્દ્રી બનાવ્યું.
મેનેજમેન્ટની એક અગત્યની શોધ ગ્લોબલ કંપનીની છે જે અનેક દેશોના અનેક પ્રોડક્સ કે સર્વીસીઝમાં ઉત્પાદન કરે છે અને જગતના કોઈપણ ભાગમાં વેચે છે.