''મા-બાપ પાસે વાત્સલ્ય મંગાય, 'દયાની ભીખ' નહીં તમારું 'હઠપરિવર્તન' થાય ત્યારે અમને બોલાવજો.''- પ્રખરની માતા-પિતાને વિનંતી.
કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
''સ્ત્રીને લગ્નના હોદ્દાથી ઓળખવી એ તેનું અપમાન છે. સ્ત્રી એ નથી હોતી 'ત્યક્તા' કે નથી હોતી વિધવા, સ્ત્રી એ સ્ત્રી હોય છે. તેના સ્ત્રીત્વનો આદર થવો જોઈએ''
પ્રખરના ઘરમાં જાણે સોપો પડી ગયો હતો...પણ પ્રખર ? એના ચહેરા પર નહોતી રોષની રેખા કે નહોતો કશો અકળાટ-ઉકળાટનો ભાવ ! તોફાનો વચ્ચે સપડાયેલી કોઈ નૌકાના નાખુદાની અદાથી એ ઊભો હતો....સ્વસ્થતાપૂર્વક !
પરંતુ એક કોડભર્યો યુવક પોતાની જીવનસંગિની સાથે ગૃહપ્રવેશ કરે, ત્યારે પુષ્પવર્ષાને બદલે વ્યંગબાણોથી એનું સ્વાગત થાય, એ જોઈને દક્ષિણાના મનમાં શું થતું હશે, એની કલ્પના માત્રથી પ્રખર ચિંતિત હતો. પ્રખર અને દક્ષિણાને ગળામાં પહેરેલાં હાર સાથે ઘરમાં પ્રવેશતાં જોઈને તેના પપ્પા યશવંતરાય સમજી ગયા હતા કે પ્રખરે એક ત્યક્તા સાથે લગ્ન કરી લીધાં છે....
યશવંતરાયે પ્રખરને ઘરના બારણા આગળ જ રોકી દીધો હતો અને પ્રખરની મમ્મી સરિતાદેવીને બૂમ મારી બોલાવ્યાં હતાં...પ્રખર અને દક્ષિણાને જોઈને સરિતાદેવીના ગુસ્સાનો પાર ન રહ્યો....તેમણે કહ્યું : ''પ્રખરના પપ્પા, તમે જોયું તમારા દીકરાએ આ ઉમ્મરે આપણને નીચું જોવડાવ્યું. મને તો લાગે છે કે કોલેજના ભણતરે એનામાં વિવેકનો છાંટો રહેવા દીધો નથી, નહીં તો આમ હૈયાફૂટયાની જેમ કોઈ ભણેલો માણસ વર્તે ? જેના બજારમાં 'ઓન' બોલાતા હોય એવા શેર કોઈ નાખી દીધાના ભાવે વેચી મારે એવું કૃત્ય આપણા 'નવાબ સાહેબે' કર્યું છે...!'' કેટકેટલી બાધા-બંધણીઓ બાદ આપણા પ્રખરનો જન્મ થયો હતો ! કેટલા લાડકોડથી આપણે એને ઉછેર્યો.... ભણાવ્યો.... ગણાવ્યો.....અને પ્રખર પણ એટલો જ શાણો, સંસ્કારી, આજ્ઞાાંકિત હતો....એકાએક એને આ શું સૂઝ્યું ?
એણે એકાએક દક્ષિણા સાથે લગ્ન કરતાં પહેલાં એ પણ ન વિચાર્યું કે મારાં મમ્મી-પપ્પા સાથે વાતચીત કરી એમની સલાહ લઈ લઉં ? આ તો મારા કરમ ફૂટયાં... કે મારો એકનો એક દીકરો એક ત્યક્તા સાથે લગ્ન કરી તેને ઘરમાં લાવ્યો છે. - કહીને જોર જોરથી સરિતાદેવી રડવા લાગ્યાં હતાં. યશવંતરાયે તેમને છાનાં રાખવા માટે પાણીનો ગ્લાસ આગળ ધર્યો અને બોલ્યા : ''સરિતા, તમે શાંત થઈ જાઓ. તમને બી.પી. વધી જશે. એક દિવસ તમે જોજો પ્રખરને તેના આ લગ્ન કર્યાનો પસ્તાવો જરૂર થશે...હું તો માનવતો હતો કે આપણો પ્રખર શાંત અને સંસ્કારી છે, પણ આ તો મીંઢો, બનાવટી...પ્રપંચખોર નીકળ્યો....''
પણ પ્રખર તો પ્રખર જ હતો. પસ્તાવો તો થાય માણસને પોતાના દુષ્કૃત્યનો, પણ પ્રખરે તો મૈત્રીના ખોળામાં લાગણીનાં ફૂલ અર્પિત કર્યાં હતાં, દક્ષિણાનો સ્વીકાર કરીને ! પોતાનો મિત્ર લક્ષણ ઉપકૃત થાય એના કરતાં જવાબદારી મુક્ત બનીને હળવોફૂલ થાય એ જ પ્રખરનું લક્ષ્ય હતું.
પ્રખર સાથે જ્યારે દક્ષિણા સાસરે જવા વિદાય થઈ, ત્યારે તેની વિધવા માતા અને તેના મોટાભાઈ લક્ષણને કેટલી બધી શાંતિનો અનુભવ થયો હતો ! ટેક્સીનું બારણું ખૂલ્યું અને પોતાનાં વૃદ્ધ સાસુમાના આશીર્વાદ લઈને પ્રખર લક્ષણ તરફ વળ્યો...તેને ભેટયો....અને લક્ષણ મન મૂકીને રડયો. પ્રખરે દક્ષિણાને અપનાવીને આખા કુટુંબના માથેથી જવાબદારીનો ભાર ઉતારી નાખ્યો હતો.દક્ષિણાની આંખમાંથી શ્રાવણનાં નીર વહી રહ્યાં હતાં. અને સઘળાં સ્વજન રડતી આંખે ધીમે-ધીમે ગતિ પકડતી ટેક્સી તરફ મીટ માંડીને ઊભાં હતાં.
દક્ષિણાને વળાવીને લક્ષણ પલંગ પર આડો પડયો. સામે જ પોતાના સ્વર્ગસ્થ પિતાજીની તસવીર દેખાતી હતી. બે મૂંગી આંખો જાણે કહી રહી હતી : ''દીકરા, મારી ગાય જેવી ભોળી પુત્રીને ઠારીને તેં બહુ મોટા પુણ્યનું કામ કર્યું છે. મારા આશીર્વાદથી તારું તમામ દેવું સમાપ્ત થઈ જશે અને હું સુખેથી જીવી શકીશ.''
છેલ્લાં પાંચ વર્ષમાં લક્ષણ, દક્ષિણા અને તેની વૃદ્ધ માતા પર શું-શું નથી વીત્યું ?
મોટાભાઈ વિચક્ષણનો સ્વભાવ તો ઘણો જ સારો, પણ વિફરેલી વાઘણ જેવાં સાક્ષીભાભી આગળ એમનું કશું જ ન ચાલે. પપ્પાજીના અવસાન પછી નાના ભાઈ લક્ષણ, નાનીબેન દક્ષિણા અને વૃદ્ધ માતાની જવાબદારી મોટાભાઈ વિચક્ષણ પર આવી પડી હતી. વિચક્ષણની કમાણી મર્યાદિત હતી, છતાં ઓવર ટાઇમ કામ કરીને એ ઘરની જવાબદારીઓ પરિપૂર્ણ કરતો હતો. પણ સાક્ષીભાભીને 'એકસ્ટ્રા' લોકોનો ભાર ગમતો નહોતો. પોતાના પતિને તે કહેતી : ''વિચક્ષણ, કાન ખોલીને સાંભળી લે. મારા ઘરને મારે 'પાંજરાપોળ' નથી બનાવવું. મારી જવાનીનાં ઉત્તમ વર્ષો હું આમ વેડફવા નથી માગતી. ઘરમાં માથે પડેલાં આ ત્રણેય જણને ઠેકાણે પાડવાની ગોઠવણ કર. તારી મમ્મીને મોકલી દે ગામડે, લક્ષણને સવારની કોલેજમાં દાખલ કરી કામે ચઢાવી દે અને નવરી બેઠી કપડાં ફાડતી દક્ષિણાને સાસરે મોકલી દે, એટલે બધા જ પ્રશ્નો પતી જાય. દક્ષિણા સાસરે ના જાય ત્યાં સુધી હું નોકરને છૂટો કરું છું. એક ગૃહિણી બનવાની તાલીમ એને આપવી પડશે.''
દક્ષિણા ખરેખર તો 'માથે પડેલી' નહોતી. સ્નાતક થયા બાદ નોકરી ન મળતાં અડોશ-પડોશનાં બાળકોને ટયૂશન આપી તેણે નાનકડી આવક પણ ઊભી કરી લીધી હતી. લક્ષણ પણ રજાને દિવસે નાનાં-મોટાં છૂટક કામ કરીને મોટાભાઈ વિચક્ષણને મદદરૂપ થતો હતો. પણ સાક્ષીભાભીને મન નોકરી એટલે નોટોનું બંડલ. પાંચસો-હજાર રૂપિયાની તેમને મન કશી કિંમત નહોતી.
દક્ષિણાની ગૃહિણીની સઘન તાલીમમાં જ્ઞાાનને ગૌણ અને સહનશીલતાના સબકને મોખરાનું સ્થાન હતું. પહેલો સિદ્ધાંત આધુનિક કપડાંનો ત્યાગ....સાક્ષીભાભીના જૂનાં વસ્ત્રો હરખાતે મોંઢે પહેરવાનાં....ઘરમાં કચરા-પોતાં ઘસીને કરવાનાં, બિછાનાની ચાદરો, તકિયાનાં કવર ઊડીને આંખે બાઝે એવાં ચોખ્ખાં ધોવાનાં, આ બધું પત્યા પછી મમ્મીને રસોઈમાં મદદ કરવાની. ગૃહિણી બનવા માટે રસોઈ કરતાં તો આવડવી જ જોઈએ ને ! સાક્ષીભાભીની તાલીમ કડક હતી, પરંતુ એ તો દક્ષિણાના ઉજ્જવળ ભવિષ્ય માટે છે તેમ સાક્ષી માનતી હતી.
દક્ષિણા રૂપાળી હતી, પણ ગરીબ ઘરની એટલે જ્ઞાાતિમાં તેનું જલદી ગોઠવાતું નહોતું. વિચક્ષણ જ્ઞાાતિજનોથી બહુ પરિચિત નહોતો અને સાક્ષી ભાભીના ત્રાસમાંથી છોડાવવા દક્ષિણાની મમ્મી તેને જલદી પરણાવી દેવા ઇચ્છતાં હતાં. એ તકનો લાભ લઈને સાક્ષીભાભીએ પોતાના ભાઈના ફેશનેબલ મિત્ર સાથે દક્ષિણાની સગાઈની વાત ઘરમાં કોઈનેય પૂછ્યા સિવાય આગળ ચલાવી અને લગ્નની તારીખ પણ નક્કી કરી નાખી.
દક્ષિણાના ફેશનેબલ પતિ રોચકે પોતાના બિઝનેસ વિષે મોટી-મોટી વાતો કરી હતી, પરંતુ હકીકતમાં એ સાવ બેકાર હતો. બનાવટી સર્ટિફિકેટો લાવીને બેન્કોમાંથી લોનો મેળવતો અને જે કાંઈ પૈસા તેનાથી મોજમજા કરતો હતો. જાતજાતનાં જપ્તી વોરંટોની બજવણી તેના પર થઈ ચૂકી હતી.
પોતાની દીકરીને ઓછું ન આવે એટલે દક્ષિણાની મમ્મીએ પોતાની જિંદગીના એકમાત્ર આર્થિક સહારા જેવા પાંચ તોલાના દાગીના તેને લગ્નપ્રસંગે આપ્યા હતા. દક્ષિણાના પતિ રોચકે બિઝનેસમાં ખોટ જવાના બહાના હેઠળ એ પણ તેની પાસેથી પડાવી લીધા અને પોતાના પિયરમાંથી વધુ પૈસા લઈ આવવા માટે મારઝૂડ શરૂ કરી દીધી હતી. દક્ષિણાએ વિચક્ષણ પાસે આવીને પોતાની કરૂણ કથની રજૂ કરી મદદ માટે વિનંતી કરી હતી. પણ મોટાભાઈ વિચક્ષણનો હાથ ભીડમાં હોવાને કારણે તેઓ મદદ કરી શકતા નહોતા. અને અંતે દક્ષિણાને રોચકે ઘરમાંથી કાઢી મૂકી હતી.
દક્ષિણાને પાછી આવેલી જોઈને સાક્ષીભાભીનો મિજાજ છટક્યો હતો. દક્ષિણાનું ચારિત્ર્ય સારું નથી, એટલે તેનો પતિ 'સંઘરવા' તૈયાર નથી, એવી બનાવટી વાત ઊભી કરીને દક્ષિણાને પોતે ઘરમાં રાખવા માગતી નથી એવી જીદ પકડી હતી. દક્ષિણાનો ભાઈ લક્ષણ અને વૃદ્ધ માતાને ગળે આ વાત ઊતરતી નહોતી, એટલે તેમણે દક્ષિણાનો બચાવ કરવાની કોશિશ કરી હતી.
પરિણામે ઉશ્કેરાયેલાં સાક્ષીભાભીએ મધરાતે એ ત્રણેયને ઘરની બહાર કાઢી મુક્યાં હતાં...અને રેલવે સ્ટેશન પર રાત વિતાવીને પોતાની ત્યક્તા બહેન અને વિધવા માતાને લઈને લક્ષણ પોતાને ગામ ગયો હતો. અને વર્ષોથી બંધ રહેતાં ઘરની સાફસૂફી કરાવી પોતાના પિતાના એક મિત્રની મદદથી ચીજવસ્તુઓ વસાવીને ત્યાં રહેવાનું શરૂ કર્યું હતું.
મોટાભાઈ વિચક્ષણની ઇચ્છા હોવા છતાં સાક્ષીભાભીની સરમુખત્યારશાહી સામે તેઓ બંડ પોકારી શક્યાં નહોતા. અને અંતે લક્ષણે પોતાના એક મિત્રને ત્યાં રહીને અભ્યાસ પૂરો કરવો પડયો હતો.
લક્ષણ પ્રખરની સાથે એક જ કોલેજમાં ભણતો હતો. તેના ચહેરા પર સદાય ઉદાસીપણા અને ચિંતાનાં વાદળ ઘેરાયેલાં જોઈને પ્રખરે લક્ષણને સોગંદપૂર્વક તેના દુ:ખનું કારણ જણાવવાની વિનંતી કરી હતી.
પ્રખરે પોતાના મામાની મદદથી લક્ષણને કલાર્કની નોકરી અપાવી હતી. તેને કારણે લક્ષણના જીવનમાં વળી પાછી આનંદની ક્ષણ શરૂ થઈ હતી. એણે ઘર ભાડે રાખ્યું હતું અને ગામડેથી પોતાની માતા અને બહેન દક્ષિણાને શહેરમાં તેડી લાવ્યો હતો. પ્રખરના ઉપકારથી દક્ષિણા અને તેની મમ્મી ગદ્ગદ્ થઈ ગયાં હતાં. અને એક દિવસ લક્ષણની મમ્મીએ પ્રખરને કહ્યું હતું : ''દીકરા, હવે એક બીજો ઉપકાર મારી ઉપર કર. દક્ષિણાને છૂટાછેડા મળી ગયા છે. તેને લાયક કોઈ છોકરો શોધી કાઢ બાકી તો ગરીબ માની ત્યક્તા છોકરીને કોણ અપનાવે ?''
અને એ પછી પ્રખરે દક્ષિણા માટે છોકરો જોવાનું ચાલુ કર્યું હતું. દક્ષિણાનું રૂપ, સંસ્કાર અને અભ્યાસ જોઈને ઘણા યુવકો લગ્ન કરવા તૈયાર થઈ જતાં હતાં, પણ દક્ષિણા ત્યક્તા છે જાણીને બધાં પોતાનો અભિપ્રાય બહાનાં કાઢીને બદલી નાખતા હતા. અને 'પંદર દિવસ પછી જવાબ આપીશ...' એમ કરીને વિદાય થતાં હતાં. દક્ષિણાની મમ્મી એ પંદર દિવસની પ્રતીક્ષા કર્યા કરતાં હતાં...પરંતુ એ પંદર દિવસ કદી પૂરા જ નહોતા થતાં.
એક દિવસ પ્રખરે દક્ષિણાની મમ્મીને કહ્યું હતું : ''મમ્મીજી દક્ષિણા માટે એક છોકરો મને પસંદ પડયો છે.''
દક્ષિણાની મમ્મી રાજીનાં રેડ થઈ ગયાં હતાં. બે દિવસ પછી દક્ષિણાની મુલાકાત એક છોકરા સાથે કરાવવાનું કારણ બનાવી પ્રખરે એક મંદિરમાં ભગવાનની સાક્ષીએ લગ્ન કરી કોર્ટમાં લગ્નની નોંધણી પણ કરાવી લીધી હતી. દક્ષિણાને આ વાત ગુપ્ત રાખવાની તેણે વિનંતી કરી હતી.
અઠવાડિયા પછી પ્રખર સરસ મજાનાં વસ્ત્રોમાં સજ્જ થઈ મિત્ર લક્ષણને ઘેર પહોંચવા નીકળ્યો હતો. એણે અગાઉથી દક્ષિણાને ફોન કરી તૈયાર રહેવા જણાવ્યું હતું.
પ્રખર ભાડાની ટેકસીમાં લક્ષણને ઘેર પહોંચ્યા પછી સીધો જ લક્ષણની વૃદ્ધ માતાને મળ્યો હતો. અને કહ્યું હતું : ''આપની દીકરી દક્ષિણા માટે મૂરતીઓ મળી ગયો છે ! ''
''અરે ! તારા મોંઢામાં બેટા ઘી સાકર. એની સાથે મારી જલ્દી મુલાકાત કરાવી દે.'' - દક્ષિણાની મમ્મીએ કહ્યું હતું.
'શોધવા જવાની જરૂર નથી, સાસુમા, દક્ષિણાનો જીવનસાથી આપની સામે જ ઉભો છે.' કહી પ્રખરે વૃદ્ધ સાસુમાના ચરણ સ્પર્શ કર્યો હતો.
દક્ષિણાની મમ્મીની આંખોમાં અસ્ખલિત અશ્રુધારા વહી રહી હતી. એમણે રડતાં-રડતાં કહ્યું : ''બેટા, તારી મારા પુત્ર લક્ષણ સાથેની મૈત્રી તો કૃષ્ણ-સુદામાની મૈત્રીથી પણ મોંઘેરી છે. તેં એક ત્યક્તાને અપનાવીને અમારી ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે.'' અને દક્ષિણાના ઘરમાં આનંદ સાગર હિલોળે ચઢ્યો હતો. પ્રખરની ઇચ્છા જાણી દક્ષિણાની મમ્મીએ તેને તાત્કાલિક વળાવી હતી.
પ્રખર ઘેર પહોંચ્યો ત્યારે એક 'ત્યક્તા' સાથે લગ્ન કરવા બદલ તેને અપમાનિત કર્યો હતો. પણ પ્રખરે દ્રઢતાપૂર્વક કહ્યું હતું : ''મમ્મી, સ્ત્રીને માત્ર લગ્નના હોદ્દાથી ઓળખવી એ તેનું અપમાન છે. સ્ત્રીએ, નથી હોતી ત્યક્તા કે નથી હોતી વિધવા, સ્ત્રી એ સ્ત્રી છે અને તેના સ્ત્રીત્વનો આદર થવો જોઈએ. મેં એક 'ત્યક્તા' સાથે લગ્ન નથી કર્યું, પણ એક સ્ત્રી સાથે લગ્ન કર્યું છે. એક નારી થઈને તમે આ વાત કેમ સ્વીકારતાં નથી ? તમે દક્ષિણાને સન્માનપૂર્ણ રીતે નહીં અપનાવો, ત્યાં સુધી મને પણ 'ત્યક્ત' પુત્ર જ ગણજો. મા-બાપ પાસે વાત્સલ્ય મંગાય, દયાની ભીખ નહીં. તમારું 'હઠપરિવર્તન' થાય ત્યારે અમને બોલાવજો ! હું દક્ષિણાનો માત્ર પતિ નથી, રક્ષક પણ છું, એ વાત યાદ રાખી, હાલ પૂરતી અહીંથી વિદાય લઉં છું, કશાય દુ:ખ વગર !
અને પ્રખર દક્ષિણા સાથે ભાડાની ટેક્સીમાં હોટેલમાં રોકાવા માટે વિદાય થયો હતો. એક નારીની વેદના દૂર કરવા મિત્ર ધર્મ અદા કરનાર પ્રખરને ચારે દિશાઓ ''કુર્યાત્ સદા મંગલમ્''ના આશીર્વાદ પાઠવી રહી હતી.