Get The App

ભલે પધાર્યા ડોનાલ્ડ ટ્રમ્પ: હવે ''હિન્દી અમેરિકી ભાઈ ભાઈ'' !

હોરાઈઝન - ભવેન કચ્છી

Updated: Feb 23rd, 2020

GS TEAM

Google News
Google News
ભલે પધાર્યા ડોનાલ્ડ ટ્રમ્પ: હવે ''હિન્દી અમેરિકી ભાઈ ભાઈ'' ! 1 - image


અમેરીકા પણ ભારતના પ્રભાવને સ્વીકારે છે બાકી એક જમાનામાં ત્યાંના અખબારોમાં ભારત માટે ફકરા જેટલું પણ સ્થાન નહોતું અપાતું

એક જમાનામાં સોવિયેત યુનિયન ભારતનું મોડેલ હતું ... અમેરિકા સાથેની મિત્રતાનો ઉદય  નરસિંહ રાવના મુક્ત અર્થતંત્ર સાથે થયો 

ભારત એટલે શું તે જાણવાની અમેરિકા અને પશ્ચિમના ગોરા દેશોએ ક્યારેય પરવા જ નહોતી કરી. તેઓની ગુરુતા ગ્રંથી તો એવી કે જાણે આપણે અસ્પૃશ્ય હોઈએ. ભારત એટલે મદારીનો  દેશ,ત્રીજા વિશ્વનો દેશ અને આફ્રિકાના કોઈ પછાત દેશની પ્રતિકૃતિ તે જ રીતે જોવાતો હતો. આપણા દેશની સંસ્કૃતિ અને જગદગુરુ બનવાની સંપદાનો પરિચય વિશ્વને કોઈ નેતાએ  નહોતો કરાવ્યો.  એક અબજથી વધુ વસ્તીનો ગ્રાહકવર્ગ અને સતત નવું અપનાવી ખર્ચ કરવાની માનસિકતા ધરાવતો વિશ્વમાં ક્યાંયે જોવા  ન મળે તેવા મધ્યમ વર્ગના મિજાજની ધંધો કરીને મજા માણવી  હોય તો અમારી શરતે આવો તેવી ખુમારી પણ કોઈએ નહોતી બતાવી.દેશના નાગરિકોને કદાચ  હજુ એ નથી સમજાયું કે 'દેશ બદલ રહા હૈ ' પણ અમેરિકા, ચીન, રશિયા, ફ્રાંસ, બ્રિટન, જર્મની અને ઇઝરાયેલ જેવા દેશો અને તેના નેતાઓ પામી ગયા છે કે 'ભારત બદલ રહા હૈ.'

મોદીના ટીકાકારોએ પણ ખેલદિલીથી એટલું તો સ્વીકારવું જ પડે કે અમેરિકા સહીત વિશ્વના સુપર દેશોના ધુરંધર નેતાઓ અને કોર્પોરેટ જાયન્ટસને  મોદી 'જગા ભી મૈ બતાઉંગા ઔર સમય ભી મૈ તય કરુંગા'ની અદામાં ભારતમાં આમંત્રણ આપે તેનાથી વિશ્વ મંચ પર એક અભિપ્રાય બંધાયેલો તો જોઈ શકાય છે કે 'બંદેમેં દમ હૈ.' બાકી આજે કોઈ નાના અમથા સ્થાનિક  વીઆઈપીને પણ ઘેર આમંત્રણ તો આપી જુઓ. એ વાત ખરી કે 'નો લંચ ઈઝ ફ્રી લંચ' પણ આપણી જોડે લંચ લેવા કોઈ સાથે બેસવા તૈયાર થાય તે પણ એક ઉપલબ્ધી તો કહેવાય જ.

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ હ્યુસ્ટનમાં યોજાયેલ 'હાઉડી મોદી' કાર્યક્રમમાં જાય અને હાથમાં હાથ મિલાવી સ્ટેડીયમ ફરતું ચક્કર લગાવે તે ખરેખર તો ટ્રમ્પ અને અમેરિકાને માટે ભારતની પરિક્રમાનું પુણ્યની મહત્તા સમજાઈ તે રીતે જ જોવું જોઈએ. હવે ટ્રમ્પ કહે છે કે વળતી દોસ્તી નિભાવવા હું ભારત જઈ રહ્યો છું. અમેરિકા કે ચીનના કોઈપણ પ્રમુખ દોસ્તી નિભાવવા અમદાવાદની સડક પર કાર રોડ શો કે રીવર ફ્રન્ટના બગીચામાં હિંડોળે ઝૂલવા તૈયાર થાય તેવા બાળગોઠિયા થોડા છે. આ  તેઓની  રાજનીતિ  હોય તો પણ ભારતનું વજન વધ્યું છે તે રીતે હરખાવવા જેવું છે. હવે તો આ મંદી અને બેરોજગારીના માહોલમાં પણ ભારત વિશ્વના ટોચના પાંચ અર્થતંત્રમાં સ્થાન ધરાવતું થયું છે તે સમાચાર ટ્રમ્પ , જિનપીંગ, મર્કેલ, જોન્સન અને માક્રોનના હાથમાં આપણા પહેલા તેઓના ટેબલ પર પહોંચ્યા હશે.

અમેરિકાના પ્રમુખ ભારતમાં આવે તે કંઈ નવી વાત નથી પણ ટ્રમ્પ (અગાઉ ઓબામા) કેવા ઉમળકા અને મોકળાશ અને હરખથી  મોદીને મળે છે અને ભારત આવે છે તે એક નવી ક્ષિતિજ કહી શકાય. ભારત પછાત અને અસંસ્કૃત દેશ છે તેવી ગુરુતા ગ્રંથી સાથે તેઓ જાણે આપણા પર ઉપકાર કરતા હોય તેવા માનસ સાથે નથી આવતા. ભારતની અમારે પણ જરૂર છે અને તેઓના નેતા મોદી  જોડે ખભે ખભા મિલાવી વિશ્વ મીડિયામાં ફોટો ચમકે તો નાનમ નથી અનુભવતા. ગ્રુપ સેવન દેશો ભારતને તેઓના 'ઇનર સર્કલ'માં સ્થાન આપે છે. 'વસુધૈવ કુટુંબકમ'ની ભારતીય સંસ્કૃતિનો ખ્યાલ આપતી મોદીની પાઠશાળામાં વિશ્વના નેતાઓને વિશ્વનું હિત છુપાયેલું છે તે સમજાવવા લાગ્યું છે. 

અમેરિકા અને ભારતના સંબંધ આમ જોઈએ તો છેલ્લા બે દાયકાથી જ ક્રમશ: ખીલતા જાય છે. 

ભારતના પ્રથમ વડાપ્રધાન નહેરુ તેમના કાર્યકાળ દરમ્યાન 'હિન્દી ચીની ભાઈ ભાઈ' વહેમમાં જ રહ્યા અને ચીને ભારત સામે જ ખંધાઈ બતાવતા યુદ્ધ છેડેલું. નહેરુને રાજકીય અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં  લાગેલી આ મોટી થપ્પડ હતી.  તે પછી પણ નહેરુએ અમેરિકાની નારાજગી વહોરી વધુ એક કોમ્યુનિસ્ટ એવા સોવિયેત યુનિયન જોડે  ઘનિષ્ઠતા કેળવી. તે અરસાથી જ અમેરિકા અને સોવિયેત યુનિયન જેવા બે સુપર પાવર દેશો વચ્ચે વિશ્વના દેશો સમર્થક તરીકે વહેંચાઇ ગયા હતા. નહેરુ એવું ઈચ્છતા હતા કે  દેશ  અમેરિકાની મુડીવાદી  અર્થ વ્યવસ્થાના પ્રભાવ હેઠળ ન આવે. ભારતમાં સોવિયેત સામયિકો તે જમાનામાં ચળકતા લીસા કાગળો પ્રિન્ટ થઈને મફતના ભાવે ઘેર ઘેર પહોંચતા.

ભારતીય આવૃત્તિમાં નહેરુ અને રશિયાના નેતાઓની મુખપૃષ્ઠ તસ્વીરો શોભતી હતી. ભારતના પુસ્તકાલયોમાં પણ સોવિયેત દેશના  સાહિત્યકારો, ચિંતકોના  ભારતની જુદી જુદી ભાષાઓમાં ભાષાંતર થયેલા પુસ્તકો મોટી સંખ્યામાં હોઈ અમેરિકા કરતા સોવિયેત સંતો, ફિલસૂફો અને ગરીબીમાંથી ઉત્થાન પામેલાઓનીની થીમનો જનમાનસ પર પ્રભાવ રહેતો.ઘણા ફિલ્મ કલાકાર, કસબીઓ અને સર્જકો સામ્યવાદી વિચારસરણીથી પ્રભાવિત બન્યા. ભારતની ચીન અને સોવિયેત યુનિયન જોડેની દોસ્તીએ જ જનમાનસને શ્રીમંતો, મુડીવાદી અને ઉદ્યોગપતિઓ, ખાનગી સેકટર અને સાહસથી દુર રાખ્યું.જાણે પૈસા કમાવવા અને ઉપભોગવાદી બનવું તે છેક ૧૯૯૨ સુધી તત્કાલીન નવી-જૂની પેઢીને દોષની લાગણી અર્પતું હતું. આ જ કારણે  ભારતમાં  યુનિયનોની બોલબાલા હતી.  માલિકો પરત્વે કોઈને સોફ્ટ કોર્નર નહોતો. 

અમેરિકા તરફી દેશો અને સોવિયેત રશિયાના પ્રભાવ હેઠળના દેશો વચ્ચે બે સામસામે ધ્રુવ જેટલું અંતર હતું. નહેરુ પછી ઇન્દિરા ગાંધીએ સુકાન સંભાળ્યું. નહેરુ તેમના  સોવિયેત તરફી સૈદ્ધાંતિક ઝોકને લીધે અમેરિકાથી દુર રહ્યા તો ઇન્દિરા ગાંધી અમેરિકા કે રશિયાની શેહથી દુર પોતાની રીતે ભારત દેશના ભાવિ માટે નિર્ણય લેતા થયા.આ જ કારણે 'લોખંડી  મહિલા', 'ઇન્ડિયા ઇઝ ઇન્દિરા' અને 'દુર્ગા'નું બિરુદ પામ્યા. અમેરિકા કે રશિયાને વિશ્વાસમાં લીધા વગર ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કર્યું. અમેરિકા અને તત્કાલીન પ્રમુખ રીચાર્ડ નિકસન ધુંઆપુઆ થઇ ગયા હતા.

તે પછી ૧૯૭૪માં પરમાણુ પરીક્ષણ કરીને તો તેમણે હદ કરી દીધી. અમેરિકાએ ભારત જોડેનો વેપાર નિયંત્રિત કરી દીધો હતો. ઇન્દિરાએ ચુંટણી જીતવા  ગરીબ કેન્દ્રિત 'ગરીબી હટાવ' જ સૂત્ર જ અપનાવ્યું હોઈ રશિયાનું મોડલ અનુકૂળ હતું. ૧૯૭૦ના દાયકામાં દેશના યુવાનોને લાગ્યું કે  ખરી આથક પ્રગતિ અને મુક્ત સર્જનાત્મકતા અમેરિકામાં જ સ્થાયી થવાથી આવશે અને અમેરિકા સ્વપ્ન દેશ બનવા લાગ્યો. 

'મેડ ઇન જાપાન' પ્રોડક્ટસ અને અમેરિકાનો ક્રેઝ જામતો ગયો. હોલીવુડની ફિલ્મો અને પોપ સંગીત, ગાયકો અને અંગ્રેજી ભાષાનું ચલન વધ્યું. રશિયા તે રીતે નવી પેઢીને આકર્ષી શકે તેમ નહોતું. બાળ સાહિત્યમાં પણ મિકી માઉસ, ટોમ એન્ડ જેરીથી માંડી ગીતોનો પ્રભાવ વધતો ચાલ્યો. અમેરિકા અને પશ્ચિમના દેશોનું આક્રમણ સ્ટેટસ હોય તેમ સ્વીકાર્યું. રશિયા અને ચીન જેવા દેશ રાજકારણ ,હરીફ દેશો સામેની વ્યુહાત્મકતા અને આર્થિક રીતે ખુબ સદ્ધર  જ હતા અને છે પણ અમેરિકા 'કન્ટ્રી ઓફ ઈમીગ્રન્ટસ' તરીકે છવાતું ગયું. 'મેલ્ટીંગ પોઈન્ટ ઓફ વર્લ્ડ'પણ કહેવાય છે. 

૧૯૯૨માં નરસિહ રાવ વડાપ્રધાન અને ડો. મનમોહન સિંહ નાણાપ્રધાન બન્યા અને ભારત ખરા અર્થમાં મુક્ત અર્થતંત્ર બન્યું. હવે અમેરિકા  અને પશ્ચિમના દેશોનું મોડલ સહજતાથી આકાર પામવા માંડયું. અમેરિકાએ છેડેલ તે જ અરસાના ગલ્ફ યુદ્ધે ભારતમાં ખાનગી ટીવી ચેનલોના યુગને પણ જન્મ આપ્યો. મલ્ટીનેશનલ બ્રાંડ, ફ્રેન્ચાઇઝી, રીટેઈલ અને શેર બજારમાં જનપ્રવાહ જોડાયો. ભારતનો પણ પ્રભાવ જોઇને તેમજ ડો .મનમોહન સિંહનું આગળ જતા નેતૃત્વ પ્રભાવી હોઈ અમેરિકાને ભારતમાં રસ પડયો.  ચીનને સ્ટેલમેટ કરવા ભારતનો ઉપયોગ કરવાનું અમેરિકાને ફાવતું હતું.

ભારતને સકારાત્મક ઉર્જા માટે પરમાણુ ઉત્પાદન કરવા દેવાની છૂટ આપવા અમેરિકાએ ભારતને વિશ્વ મંચ પર ટેકો આપ્યો. તેવી જ રીતે યુનાઈટેડ નેશન્સ સિક્યોરીટી કાઉન્સીલના સભ્ય બનવા પણ અમેરિકાનો ટેકો છે. ૧૯૮૦ સુધી અમેરિકા ખુલ્લેઆમ પાકિસ્તાનની તરફદારી કરતુ હતું. વચ્ચેના વર્ષો તેઓ તટસ્થ હતા પણ હવે મોદીના શાસન બાદ અમેરિકા પાકિસ્તાનને ભારત ખુશ થાય તે રીતે દબડાવે છે. આતંકવાદીઓને ઠેકાણે પાડવા દબાણ કરે છે. ભારતની વૈશ્વિક તાકાત તો કદાચ ન કહેવાય પણ  પ્રતિભા તરીકે અને ભાવિ ટોપ પાંચ દેશો તરીકે નજર અંદાજ કરી શકાય તેમ નથી તેવું અમેરિકા સહીત વિશ્વ પણ માનવા લાગ્યું છે.

અમેરિકામાં આઈટી અને કમ્યુટર એન્જીનીયરોમાં ભારતીયોનું મોટું પ્રદાન છે. ગુગલ,માઈક્રોસોફ્ટ અને આઇબીએમ ના સીઈઓ ભારતીય છે. ફાર્મસી ,બેન્કિંગથી નાસા સુધી ભારતીયો ટોપ પર છે. ભારતમાં પણ અમેરિકાનું કલ્ચર અને મોડેલ અપનાવાય છે તો અમેરિકા અને પશ્ચિમના દેશો ભારતીયોની નિષ્ઠા અને પ્રામાણિકતા તેમજ આધ્યાત્મિકતાથી પ્રેરતા જાય છે.મોદી તે માટેના પરફેક્ટ એમ્બેસેડર પુરવાર થયા છે.  તેમણે વિશ્વના નેતાઓનું દિલ જીત્યું છે તેમાં બેમત નથી. ભારત તો એ જ હતું પણ મોદીએ ભારતને શો કેસ માંથી વિશ્વને બખૂબી કુનેહથી બતાવ્યું છે.ભારત હવે અમેરિકા અને રશિયા જોડે તેની ઈચ્છા પ્રમાણે બંને જોડે સંબંધ રાખી શકે તેવી સ્થિતિમાં આવતું જાય છે.  કોઈ શરત કે કોઈ નારાજ થાય તેની પરવા કરવાની ભારતને જરૂર નથી.   

ભારતને હવે હળવાશથી લેવાય તેવો દેશ નથી. મોદીએ વિશ્વ મંચ પર ભારતને ફોર્થ ગિયરમાં લઇ જતું ડ્રાઈવિંગ કર્યું છે. હવે ટ્રમ્પ પણ વારી ગયા છે. જો કે ભારત જોડે વ્યાપારી કરાર આ મુલાકાતે તેઓ નહીં કરે તેવો મેસેજ આપીને ટ્રમ્પે એવો મેસેજ પણ આપી દીધો છે કે હું એ હદે લાગણીમાં ઓળઘોળ થઇ જાઉં તેવો પણ નથી.લોકપ્રિયતા અને મતપેટી એકબીજાની વધતી હોય તેવા 'ગીવ એન્ડ ટેક' સંબધમાં ટ્રમ્પને વાંધો નથી...'ભલે પધાર્યા ડોનાલ્ડ ટ્રમ્પ ..'

Tags :