નગરદેવતા કર્ણમુક્તેશ્વર મહાદેવ
રસવલ્લરી - સુધા ભટ્ટ
રાજા કર્ણદેવે બે શિવાલયો બંધાવ્યા કર્ણેશ્વર અને કર્ણમુક્તેશ્વર
ઐતિહાસિક શહેર અમદાવાદનું નામાભિધાન અનેકવાર બદલાયું છે. 'હેરિટેજ સિટી'નો દરજ્જો મળ્યા પછી આ શહેરના માન-પાન અને શાન વધી ગયા છે અને તેથી જ કદાચ અહીં છૂપાયેલા પ્રાચીન કળાના દ્યોતક- સ્થાપત્યો, શિલ્પો, ચિત્રો આદિ આળસ મરડીને બેઠાં થયા છે. રસિકો પણ દ્રષ્ટિ અજવાળીને નવેસરથી કાંઈક નવું પ્રાચીન (!) જડી આવે એની રાહમાં પાંપણ પાથરીને બેઠા છે. દરેક વસાહત સાથે જે બનતું આવ્યું છે તે અમદાવાદે પણ અનુભવ્યું છે. સમયના ચક્રના આવર્તનો સાથે ભૌગોલિક રીતે તો ઇમારતો જ્યાંની ત્યાં જ રહે, પરંતુ તેની 'સ્કાયલાઇન' બદલાતી રહે.
શેને આભારી છે આ બધું ? બદલાતી રાજ્ય વ્યવસ્થા અને 'મારે તેની તલવાર' ન્યાયે નગરના શિરે પંજો મૂકીને, છાતી ફૂલાવીને, હવામાં હાથ વીંઝીને 'હવે અહીંનો રાજા હું'ની ઘોષણા કરતા નિત નવા રાજાઓ, પેશ્વાઓ, બાદશાહો અને અંગ્રેજ અમલદારોના અમલ દરમ્યાન શહેરે પોતાની સિકલ બદલ્યે રાખી. ઇ.સ. ૯૫૭ના ગાળામાં પ્રાચીન આશાવલ્લીના રાજવી આશાભીલને પરાસ્ત કરી પાટણપતિ સોલંકી રાજા કર્ણદેવે હાંસલ કરેલા નગરને કર્ણાવતી નામ આપ્યું જે આશાપલ્લીની પશ્ચિમ બાજુએ વિસ્તર્યું કાળક્રમે અહમદશાહ બાદશાહ સામ્રાજ્ય ફેલાવી ઉત્તર તરફ વધ્યા અને સમગ્ર શહેરને નામ મળ્યું અહમદાબાદ અને હવે લોકજીભે ચડયું છે તે નામ છે અમદાવાદ.
સુગમ્ય કર્ણમુક્તેશ્વર- પ્રાચીન કર્ણાવતીનું એક વિરલ સ્મારક
વિશાળ વૃક્ષો, અખૂટ વનરાજીથી ઘેરાયેલા આ મંદિરનો બાગ પણ અનુપમ હતો. ઇતિહાસકાર શ્રી રત્નમણીરાવ જોટેના મતે તો આ આખુંય નગર વૃક્ષોથી રક્ષાયેલું હતું અને એમાં ય શાહીબાગનો સુંદર બગીચો અને કર્ણમુક્તેશ્વરનું ઉદ્યાન એ તો કર્ણાવતીની શાન હતા. વચલા દવલા વર્ષોની વીતકકથા અને વ્યથાને વિસારે પાડવા, ઉજ્જડને વિરાન દીસતા આ પરિસરને હવે નવેસરથી સજાવવા આ જૂની અને મોંઘી મિરાત કટિબદ્ધ છે પંખીઓના માળાઓમાં કલરવ કરતા બચ્ચાંઓને આવકારવા. હા... ઠીક અનુમાન બાંધ્યું ! પીપળા, વડ, બિલી અને આસોપાલવના છોડવા આ પરિસરમાં મ્હાલી રહ્યાં છે જે વિકસિત વૃક્ષો થવા થનગની રહ્યા છે. પેલા વેરણ થઈ ગયેલા બગીચા, ધર્મશાળા, વાવ અને કૂવાનો નાશ થઈ જમીનમાં ગરકાવ થઈ ગયેલા તે આજે પણ મહાદેવના પટાંગણમાં ખોદકામ કરતા ભૂતકાલીન ભવ્યતાને ઉજાગર કરતા અવશેષો પ્રાપ્ત થાય છે.
તો શું થયું'તું આ શ્રી સ્થળને ? કેમનો'ક લૂણો લાગેલો એને ? આમ તો, આ શિવાલયના નિભાવ માટે રાજા કર્ણદેવે અને રાજપુત્ર જયસિંહે જમીનો દાનમાં આપી મંદિર સાચવવા વહીવટ કરેલો. વળી, તે પરંપરાને તે પછીના ગુજરાતના સુલતાનો, મોગલો અને મરાઠા પેશ્વાઓએ જીવંત રાખેલી અને આ સ્થાપત્યને સાચવેલું, પરંતુ મરાઠા યુગના અસ્ત કાળ, અંગ્રેજ શાસનના ઉદયકાળ દરમ્યાન જે રાજકીય અસ્થિરતા સર્જાઈ તેને પરિણામે આ શિવાલય ઝાંખુ પડયું. તે તેની ભવ્યતા ગુમાવતું ચાલ્યું અને તેનો દરજ્જો પણ ઓઝપાયો.
કર્ણમુક્તેશ્વરના સ્થાપત્યને પેશ્વાઓએ સાચવ્યું - મઠાર્યું પણ...
આ મંદિરના સ્થાપત્યની મહત્તા સમાજ સમક્ષ રૂબરૂ થવાના કારણોમાં વિદ્વાનો અને ચન્દ્ર પરમાર જેવા લેખકોનો સક્રિય રસ જવાબદાર છે. હજારેક વર્ષોથી અમદાવાદમાં શિવ ઉપાસનાનું પ્રમાણ આપે છે. પ્રાચીનતમ કર્ણમુક્તેશ્વર મહાદેવ નગરદેવતા કર્ણમુક્તેશ્વર મહાદેવનો મહિમા મોટો છે. મોટા યાત્રાધામ તરીકે વિકસેલા આ મંદિરે નગરવિકાસમાં અને સમૃદ્ધિમાં સિંહફાળો નોંધાવ્યો છે. માણેકચોક વાળી માણેક નદીની ઉત્તરેથી મંદિરમાં જવા એક ટૂકો 'ભોંયરા રસ્તો' હતો નદીમાં સ્નાન કરી સાધુ- સંતો, ભક્તો ભીનાવસ્ત્રે શિવલિંગ પૂજવા જતા. મંદિરની અતિ પ્રાચીન પડાળીબંધ બાંધણી આજે પણ વિદ્યમાન છે.
પડાળી એટલે કે ઓસરીમાં રંગીન સાદા સોળ સ્તંભો સોહે છે. આ થાંભલાઓ ઉપર કોઈ જ કોતરણી નકશી કે ભીંતચિત્રો નથી કારણ કે તે ઇંટ, ચૂના વગેરેથી જ બનેલા છે ને તેની ઉપર આ કલાકર્મ શક્ય નથી પરંતુ તેની ગોઠવણી અને તેના પ્રદાન વિશે તો આપણે જાણવું જ પડે ને ! હા, શિવજી સંગ અનુસંધાન કરાવતા નંદી ગર્ભગૃહ તરફ દ્રષ્ટિ કરતા અચૂક દેખાય જે ૩ ફિટ ઠ ૨ ફિટ ઉંચાઈના છે. મંદિર પરિસરમાં ગર્ભગૃહ, શિવલિંગ તેમજ બહારના છૂટા અવશેષો સિવાય કંઈ બચ્યું નથી. ગર્ભગૃહનો જિર્ણોદ્ધાર થયેલો છે જે નિહાળી તેના ભવ્ય ભૂતકાળને વિધિપુરઃસર જાણવાની ઉત્કંઠા રોકી શકાય કેમની ક ?
લસરકો:
મહાદેવનું મહામંદિર ઉજાગર કરે,
મહા સંસ્કૃતિ અને સ્થાપત્યને.
વિદ્વાન શ્રી કે.કા. શાસ્ત્રી તથા ડૉ. હરિલાલ ગોદાનીના મતાનુસાર..
સોલંકી રાજા કર્ણદેવ બહુ જ મહત્ત્વકાંક્ષી હોવાને કારણે તેમણે અમદાવાદના કોચરબ નામના વિસ્તારમાં જયંતીદેવીની સ્થાપનાવાળું મંદિર કરાવ્યું. સારંગપુર દરવાજા નજીક કર્ણમુક્તેશ્વર શિવાલય બંધાવ્યું. અને દક્ષિણે કર્ણાવતીની શોભા સમાન કર્ણસાગર તળાવ કરાવ્યું અને ચાણસ્મા નજીક કર્ણેશ્વર મહાદેવની રચના કરાવી. સંભવતઃ કર્ણસાગર એ જ સુબદ્ધ કાંકરિયા તળાવ હોઈ શકે જે કર્ણાવતીની ઓળખ અને શોભા બની રહ્યું છે. પ્રભાસ પાટણના વાયવ્ય ખૂણે ફરતા પગથિયાવાળું પ્રાચીન તળાવ જોઈને ખ્યાલ આવે કે એવા જ નમૂના સ્વરૂપ કાંકરિયું સલ્તનત સમયનું નહિ પરંતુ સોલંકી યુગનું જ સંભવી શકે. કાંકરિયામાં નગીના વાડી, બાગ, મહેલ આદિ સલ્તનત કાળમાં જ ઉમેરાયા એમ સ્વીકારવામાં કોઈ બાધ નથી. વિદ્વાનો તો કર્ણમુક્તેશ્વર મહાદેવને સ્થાપત્યની દ્રષ્ટિએ સોલંકીકાળનું જ માને છે. બાદશાહ શાસન દરમ્યાન એ બચી રહ્યું છે અને છેલ્લા હજારેક વર્ષોથી એનું અસ્તિત્વ ટકી રહ્યું છે. રાજા કર્ણદેવે સ્થાપેલા અન્ય ધર્મસ્થાનોના અવશેષો સંસ્કાર કેન્દ્રની સ્થાપનાટાણે જમીનમાં ધરબાયેલા મળી આવ્યા હતા. આજે પણ એ ભગ્ન અવશેષો ભો. જે. વિદ્યાભવનના પ્રાંગણમાં જોવા મળે છે જેને ડૉ. હરિપ્રસાદ દેસાઈએ અર્પણ કર્યા હતા એ બધાના શિરમોર સમું શ્રી કર્ણમુક્તેશ્વર મહાદેવ પ્રાચીન સંસ્કૃતિની સ્મૃતિ જાળવતું હાલ અદ્દલ સ્વરૂપે અટલ ઉભું છે. પ્રસ્તુત મહાદેવ સોલંકી યુગમાં ગુજરાતમાં પાંગરેલી શિલ્પકળાના ઉત્તમ પ્રતીક સમ એક ભવ્ય દેવાલય નગરીના મધ્યસ્થાને હતું જેને ફરતા ઉદ્યાનો, ધર્મશાળાઓ, વાવ, કૂવા ઇત્યાદિને કારણે ગુજરાતનું મહત્ત્વનું શિવાલય બની રહ્યું છે.