સફળતાની સરહદો ઓળંગતો મેક્સિકન ફૂટબોલર એલન પુલીડો
Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત
2016માં એલન અપહરણકારોની ચુંગાલમાંથી આબાદ છુટી ગયો હતો: મેક્સિકોના મેજિકલ સ્ટ્રાઈકરને કરારબદ્ધ કરવા અમેરિકી કલબે અંદાજે ૧ કરોડ ડોલરનો ખર્ચ કર્યો છે
જિંદગીના સફરની પ્રત્યેક કદમ પર પડકારોની હારમાળાની હાજરી હોય છે. જે સતત આગળ વધવાના ઈરાદાની કસોટી કરતાં રહે છે. જ્યાં સુધી પડકારોનો સામનો કરવાની જિંદાદિલી સાબૂત રહે છે, ત્યાં સુધી સફળતાના નવા-નવા આયામો સુધી પહોંચવાની શક્યતા રહે છે, જેને વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ પડકારનો સામનો કરવાની હિંમત જ જતી રહે છે, તે પળથી જ જિંદગીની-વિકાસની ગતિ અટકી જાય છે. પડકારોમાંથી પસાર થવાની ઘટના એટલે અનુભવ. જે જિંદગીની સફરનું ઘડતર કરે છે. વીતી ગયેલા સમયના આનંદમય સંભારણાને વાગોળતા રહેવું એ મનુષ્યસહજ સ્વભાવ છે. જ્યારે ક્યારેય મળેલી નિષ્ફળતા કે કડવા અનુભવને સ્મરણમાં રાખવાની ક્ષમતા જૂજ મહારથીઓમાં હોય છે. હકીકત એ છે કે, આનંદમય સંભારણા કરતાં કડવા અનુભવની જિંદગી પર ઘણી ઘેરી અસર હોય છે. આ જ અનુભવો વ્યક્તિત્વનું ઘડતર કરે છે, તેની સાથે સાથે ઈરાદાને મક્કમ બનાવે છે.
મેક્સિકોના ફૂટબોલર એલમ પુલિડોએ અમેરિકાની ભૂમિ પર નવી ઊંચાઈઓની તલાશ શરુ કરી છે. એક ફૂટબોલર તરીકે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા પુલિડોની જિંદગી મોતને લગોલગની સફર ખેડતા આગળ વધી છે અને હચમચાવી દે તેવા અનુભવો છતાં તેણે ક્યારેય પોતાની હિંમતને તૂટવા દીધી નથી. ગમે તેવી પરિસ્થિતિ આવે પણ તેનો મક્કમતાથી સામનો કરવો, પછી તે ફૂટબોલનું મેદાન હોય કે જિંદગીનું ! આ એકમાત્ર ધ્યેય એલનનો રહ્યો છે અને એટલે જ તે દરેક વિધ્નમાંથી સાંગોપાંગ પાર ઉતર્યો છે.
ટેકનોલોજી અને વિશિષ્ટ કોચિંગના અભાવ છતાં દક્ષિણ અમેરિકાએ માત્રને માત્ર સખત મહેનત અને પ્રતિભાના જોરે ફૂટબોલ જગત પર પોતાનું આગવું પ્રભુત્વ સાબિત કર્યું છે. બ્રાઝિલ અને આર્જેન્ટીના જેવા ધુરંધરોની હાજરીમાં મેક્સિકોએ પણ લાંબી રેસના ઘોડા તરીકેની પોતાની ઓળખને બરકરાર રાખવામાં સફળતા મેળવી છે, જેમાં એલન પુલિડો જેવા ખેલાડીઓની સખત મહેનત રહેલી છે. કલબ કક્ષાના ફૂટબોલમાં ૨૦ વર્ષ અને આંતરરાષ્ટ્રીય સીનિયર લેવલના ફૂટબોલમાં છ વર્ષની કારકિર્દી ધરાવતા એલને કલબ ફૂટબોલમાં ૬૫થી વધુ ગોલ ફટકાર્યા છે. જ્યારે જુનિયર અને સીનિયર લેવલના આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં તેના ગોલની સંખ્યા ૨૦ની નજીક પહોંચી ગઈ છે.
ફૂટબોલર તરીકેની વિશિષ્ટ પ્રતિભાને સહારે એલને તેના પોતાના વર્તમાનની સાથે સાથે પરીવારનું ભવિષ્ય પણ સુધારી દીધું છે. મેક્સિકોમાં ગુનેગારોના અડ્ડા સમાન તામાઉલિપાસ રાજ્યમાં આવેલા સીઉડાડ વિક્ટોરિયામાં જન્મેલા એલનનું બાળપણ સાધારણ પરિવારમાં પસાર થયું. આસ-પાસના વાતાવરણમાં ફેલાયેલા સામાજીક પ્રદૂષણનો પ્રભાવમાંથી એલન ચમત્કારિક રીતે બચી રહ્યો. તેના પિતા અર્માન્ડો અને માતા નુરિયાને તેની ચિંતા રહેતી અને તેને કુસંગતથી બચાવવા માટે જ તેમણે તેને ફૂટબોલના મેદાનમાં રમતો મૂક્યો.
ફૂટબોલે તેની પ્રતિભાને નિખારવાની સાથે તેની સામે એવો પડકાર મૂક્યો કે, જેના કારણે આસ-પાસના કિશોરોને લોભાવે તેવા પ્રલોભનો તરફ એલને ધ્યાન પણ ન આપ્યું. તેમાંય નાના ભાઈ અર્માન્ડો પુલિડોને સાચવીને લાવવા-લઈ જવાની જવાબદારી આવી પડતાં તે વધુ પરિપક્વ બન્યો. ફૂટબોલના મેદાન પર બાળપણ અને કિશોરાવસ્થાનો મોટોભાગ પસાર કરનારા પુલિડોની વિશિષ્ટ પ્રતિભાની ચમક સ્થાનિક સ્તરે તેનો પ્રભાવ બતાવવા માંડી, જેના કારણે તેણે રાષ્ટ્રીય સ્તરના તેના સમવયસ્કોની વચ્ચે સ્પર્ધાની તક મળી અને અહીંથી તેની સત્તાવાર ફૂટબોલર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો.
એલન પુલિડોમાં ગોલ ફટકારવાની વિશિષ્ટ કુશળતા હતી. ડિફેન્ડરો અને ગોલકિપરોને મહાત કરવામાં એલન લાજવાબ હતો. બોલ પર તે ખુબ જ સહજતાથી પ્રભુત્વ મેળવી લેતો અને તેની નૈસર્ગિક પ્રતિભા નિષ્ણાત કોચિસના માર્ગદર્શન અને સતત તાલીમને કારણે વધુને વધુ નિખરવા માંડી. આ જ કારણે યુવાનીમાં ડગ માંડી રહેલા એલનને કરારબદ્ધ કરવા માટે મેક્સિકોની ટોચની કલબો ઉત્સુક હતી.તે પોતે પણ વૈશ્વિક સ્તરે બદનામીના દાગ સમાન સીઉડાડ વિક્ટોરિયાને છોડી દેવા માટે કટિબદ્ધ હતો અને ૧૭ વર્ષની વયે તેને ટાઈગર યુએએનએલ કલબમાં તક મળી.
નવી કલબમાં પોતાના માટે અલગ સ્થાન બનાવતા એલનને સમય લાગ્યો. જોકે, મેક્સિકોના મેટ્રોપોલિટન વિસ્તારમાં આવેલી કલબની સાથેના કરારને કારણે તેની આથક હાલતમાં ઘણો સુધારો થયો, તેની સાથે સાથે તેને શાંત અને સલામત વિસ્તારની હૂંફ મળી. નવી ટીમના પરિવારમાં તે સહજતાથી ગોઠવાઈ ગયો અને ત્યાર બાદ તેને ટાઈગર્સની જ સીનિયર ટીમમાં તક મળી. આ પછી તેણે લેવડિએકોસ અને ઓલિમ્પિયાકોસ જેવી પ્રતિષ્ઠિત કલબ તરફથી પણ મેક્સિકોની લીગમાં ધૂમ મચાવી.
ગોલ મશીન તરીકે ઝંઝાવાત જગાવનારા એલનમાં બધાને નવો સિતારો ચમકતો દેખાતો. તેના બોલ કન્ટ્રોલ અને પાવરફૂલ કીક પર માત્ર સ્થાનિક ચાહકો જ નહી, પણ ફૂટબોલ કોચીસ અને કોમેન્ટેટર્સ પણ આફરીન પોકારી ઉઠતાં. કલબ ફૂટબોલની સફળતાના પગલે મેક્સિકોએ તેને પહેલા ૨૦ વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓની અને ત્યાર બાદ ૨૩ વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓની ટીમમાં સ્થાન આપ્યું. આખરે ૨૩ વર્ષની ઉંમરે તેને રાષ્ટ્રીય સીનિયર ટીમમાં સ્થાન મળ્યું અને ૨૦૧૪ના ફિફા વિશ્વ કપ માટેની ટીમમાં પણ તેની પસંદગી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય ફૂટબોલમાં ભારે નામ અને દામ કમાઈને સેલિબ્રિટી બની ચૂકેલા એલન પુલિનો પર કેટલાક ગુનેગારોની પણ નજર હતી. ચોરી-લૂંટફાટ અને અપહરણ કરીને જંગી રકમની માંગણી જેવી ઘટનાઓ મેક્સિકોના કેટલાક વિસ્તારો નવીન નહતા લેખાતી અને આ ટોચનો ફૂટબોલર તામાઉલિપાસમાં જ રહેતો હતો.
૨૦૧૬ના ઉનાળાની તુમાં મોડી સાંજે એક પાર્ટીમાં એલન પરત ફરી રહ્યો હતો, ત્યારે હાઈવે પર સૂમસામ જગ્યાએ તેની કારનો ઓવરટેક એક મોટી વેન જેવી ગાડીએ કર્યો અને અચાનક બ્રેક મારી. એલન કંઈ સમજે તે પહેલા કેટલાક હથિયારબંધ બુકાનીધારીઓએ તેને ઘેરી લીધો. હવે તેની પાસે શરણાગતિ સિવાય કોઈ વિકલ્પ નહતો. અપહરણકારો એલનને લઈ ગયા પણ તેની ગર્લફ્રેન્ડને છોડી મૂકી. જેણે પોલીસને અને તેના ઘરના સભ્યોને આ બાબતની જાણકારી આપી. પોલીસે તો તેની કાર્યવાહી ચાલુ રાખી, પણ અપહરણના બે દિવસ બાદ એલને તેના પર નજર રાખી રહેલા એકમાત્ર અપહરણકાર પાસેથી બંદૂક છીનવી લીધી અને ત્યાર બાદ તે જાતે જ આઝાદ થઈ ગયો. આ પછી તેણે પોલીસને ફોન કરીને પોતાનું સ્થળ જણાવી દીધું.
પોલીસ સમયસર ત્યાં પહોંચી ગઈ અને એક અપહરણકારની ધરપકડ કરવામાં આવી, ત્યારે બાકીના તો ભાગી ગયા, પણ એલન હેમખેમ છુટી ગયો. આ ઘટના બાદ તેણે સલામતી પર વિશેષ ધ્યાન આપવા માંડયું. તેની સાથે સાથે ઘર પણ બદલી નાંખ્યું. ઓગસ્ટ, ૨૦૧૯માં મેક્સિકન કલબ ગ્વાદલહારા કલબના ઓફિસિઅલ્સે તેનો સંપર્ક કર્યો અને તેને જંગી રકમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. અપહરણની ઘટના બાદ એલનની જિંદગીમાં ઘણો બદલાવ આવ્યો પણ તેની રમત પર તેની જરાપણ અસર ન થઈ.
ચાર વર્ષ સુધી લગલગાટ ગ્વાદલહારા કલબ તરફથી રમનારા એલનને અમેરિકાની મેજર લીગ સોકરની કેન્સાસ સિટી સ્પોટગે ૯૫ લાખ ડોલરની ફી સાથે પોતાની ટીમમાં સામેલ કરી લીધો. એલન હવે મેક્સિકોની બહાર નીકળવા માંગતો હતો અને તેણે આ તકને ઝડપી લીધી. અમેરિકામાં કેન્સાસ તરફથી તેણે બે મેચમાં બે ગોલ ફટકાર્યા છે. જોકે, કોરોના વાઈરસના કારણે અચાનક જ વિશ્વભરમાં થઈ રહેલી તાળાબંધીની અસર અમેરિકાની લીગ પર પણ જોવા મળી. હાલમાં એલન અન્ય ફૂટબોલર્સની જેમ પરિવારની સાથે સમય વિતાવી રહ્યો છે. જોકે આવનારા સમયમા તે અમેરિકાની મેજર લીગમાં ખળભળાટ મચાવશે તે નક્કી લાગી રહ્યું છે. તે માને છે કે, જિંદગીનો દરેક અનુભવ કંઈકને કંઈક શીખવાડીને જાય છે. જેઓ તે પાઠને ભૂલી જાય છે, તેમને ફરી-ફરીને તે અનુભવમાંથી પસાર થવું પડે છે.