Get The App

શકરાભાઇ ભૂલા પડયા - ક્યાં ?

હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી

Updated: Mar 21st, 2020

GS TEAM

Google News
Google News
શકરાભાઇ ભૂલા પડયા - ક્યાં ? 1 - image


શાણીમામી અને શાકરમામા (ભાણેજજમાઇ એમને શાકરમામા કહેતો હતો.) ઘણાં વર્ષે ન્યુઝીલેન્ડથી ભારત આવેલા ભાણેજ-જમાઇને ખુશખુશ થઇ ગયા. રાજેશ અને રાગિણી પરણીને થોડાં જસમયમાં ન્યુઝીલેન્ડ જતાં રહ્યાં હતાં. કોઇક સંબંધીના સહારાથી ત્યાં સેટલ થઇ ગયા હતાં. ન્યુઝીલેન્ડનું કલ્ચર વેશ-ભાષા વગેરેમાં થોડું ઘણું વરતાતું હતું ખરું. પણ ગુજરાતી સંસ્કાર અકબંધ રહ્યા હતા.

શકરાભાઇ ભાવપૂર્વક રાજેશને ભેટી પડયા: 'રાજેશ, કેટલાં વર્ષે આવ્યો ?'

'મામા, અગિયાર વર્ષ તો ખરાં જ. લગ્ન પછી ગુજરાતમાં આવ્યાં જ નહોતાં ને એટલે સાતેક દિવસની રજા મેળવીને આવ્યા છીએ. મામા, હવે તમારે ઘેર ધામા !'

શાણીબહેન કહે: 'ભઇ, ગમે ત્યારે તમે બંને આવો ને ! બારણા તમારે માટે ખુલ્લાં જ છે.'

રાગિણીએ સાથે ખેંચી આણેલી બેગ કાઢી: 'મામી ! આ બધું તમારે માટે છે.'

'અરે, આટલું બધું ?' ઊલટું અમારે તમને આપવાનું હોય !

ખરેખર તો મામી બેગ જોઇને પોરસાઇ જ ગયાં હતાં. પણ શિષ્ટાચાર તો કરવો જ પડે.

એવામાં પરી રમતી રમતી આવી. એ નવા માણસોને જોઇ સંકોચાઇ ગઇ. 'બા'ની પાસે જતી રહી. શાણી મામીએ ખુલાસો કર્યો કે આ આપણા મુન્નાની (વિજય) બેબી. તમારા ગયા પછી એનો જન્મ થયો. આઠનવ વરસની થઇ ગઇ.

રાજેશે તેની સાથે શેકહેન્ડ કર્યા: 'તું મને ઓળખે છે ?'

પરીએ ડોકું ધુણાવ્યું. મંજરીએ વાત વાળી દીધી: 'તમારાં ગયાં પછી તો એનો જન્મ થયો. એટલે એ ક્યાંથી ઓળખે ?'

બધાં નિરાંતે મામાનું ઘર પરાયું ના લાગતું હોય તેમ હીંચકા પર, ખુરશીમાં, ગોઠવાઇ ગયાં. નિરાંતે દસબાર વર્ષ સુધી સંઘરી મૂકેલી અવનવી વાતો ચાલી.

રાજેશે કહ્યું: 'મામા, જુઓ ! અમે લગ્ન પછી હનીમુન માટે ક્યાંય બહાર જઇ શક્યા નથી. તરત જ નોકરીનો કોલ આવ્યો. અને અમે લગ્ન પત્યાં ત્યાં તો ન્યુઝીલેન્ડમાં જોતરાઇ ગયાં. કેટલાં વર્ષ વીતી ગયાં ! હવે તો અડધા કરતાંય વધારે જિંદગી વીતી ગઇ. પણ અમને થયું કે જૂનું વતન યાદ કરીને ત્યાં મામા-મામીને ઘેર રહીને આસપાસનું આપણું અમદાવાદ કેવું થઇ ગયું છે જોઇ લઇએ. અમને હવે ખાણીપીણી કરતાં દેવમંદિરોમાં વધારે રસ છે. જાત જાતનું પેટમાં જમા કરી દીધું છે. અલબત્ત એ ય બાકી રાખવુ ંનથી. અહીંની ખાણીપીણી ભૂલાય કાંઇ ?'

દિવસ આખો અમનચમનમાં પૂરો થઇ ગયો. બીજે દિવસે સવારે રાજેશ અને રાગિની બંને તૈયાર થઇને કહે: 'શાકરમામા, અમે જરા આમતેમ લટાર મારીએ. રાગિણીને  મંદિરોમાં દર્શન કરવાની ઈચ્છા છે.'

શકરાભાઇ ખુશ થઇ ગયા. 'ફાઇન આઇડિયા.. હું તમારી સાથે આવીશ. અહીંનાં મોટાં મંદિરોનાં દર્શન કરજો.'

રાજેશ અને રાગિણી બંને મામાની 'ઓફર'થી ભડકી ગયા. એમને તો બંનેએ એકલાં એકલાં ચારપાંચ દિવસની છુટ્ટીમાં રંગરેલિયાં કરવા હતાં.

શાણીબહેને શકરાભાઇને રોક્યા: 'એમને એકલા ફરવા દો. નરી આંખે પોતે વતન તો જુએ. અને મંદિરો ક્યાં એમનાં અજાણ્યાં છે ?'

'પણ શકરાભાઇનો ઉત્સાહ ભાણેજજમાઇને પોતે સાથે રહીને દર્શન કરાવ્યાનો લહાવો  લેવો હતો.

રાજેશે આગ્રહપૂર્વક ના પાડી: 'મામા, અમે બધું જોયું છે. બધું યાદ છે.'

'પણ હું સાથે હોઉં તો ફેર પડે ને ? આપણે સાથે જ જઇશું. મને પણ દર્શનનો લાભ મળશે.'

શાણીબહેન અકળાઇ ગયાં 'મંદિરે જવાનો તો એમને કાયમનો કંટાળો. તહેવારના કારણે શાણીબહેન પરાણે આગ્રહ કરીને સાથે ઘસડી જાય અને હવે એકદમ એમને ભગવાનનાં દર્શનનું શૂર ચડયું.'

શાણીબહેનના રોક્યા એ રોકાયા નહિ. 'એમને અહીં બધું અજાણ્યું લાગે. હજી નવાંનવાં છે. ચાલો હું સાથે જ આવું છું. મંદિરોમાં ફેરવીશ.'

શકરાભાઇએ ડ્રાયવરને આદેશ કર્યો: 'મંદિરે લઇ લ્યો.'

'કો ન સા મંદિર ?'

શકરાભાઇ અચાનક સવાલથી મૂંઝાયા. એમને મંદિરો વિશે માહિતીમાં મીંડુ હતું.

રાજેશે જ કહ્યું.. 'ભદ્રકાળી મંદિરે લઇ લ્યો.'

ભદ્રના મંદિર સુધી તો કારમાં જવાય તેમ નહોતું. શકરાભાઈ કહે - 'રાજેશ ! થોડું ચાલવું પડશે.' મંદિરની જગ્યા બદલાઈ ગઈ લાગે છે.

મંદિરના આસપાસનો માહોલ નવો થઈ ગયો હતો. શકરાભાઈને એની કશી માહિતી નહોતી.

ભાણેજ જમાઈ અને વહુ મૂંઝાઈ રહ્યાં હતાં. એમને તો છુટ્ટાં નિરાંતે રસ્તા પર મોજ લેતાં લેતાં ઘૂમવું હતું. નવા રસ્તા જોવા હતા. પણ મામા એમની પકડમાંથી છોડે ત્યારે ને ? એ પોતે મંદિરના જાણે ગાઈડ હોય તેમ એ પોતે કેટલાં વર્ષોથી એ મંદિરે આવતાં, અને નારિયેળ વધેરતાં... અને એવી બીજી બધી ભાણેજ જમાઈને ફાલતુ લાગે તેવી વાતોથી બોર (ર્મિી) કરી રહ્યા હતા.

ભદ્રકાળીનાં મંદિરે દર્શન કર્યા પછી કહે, 'હવે આપણે બીજા એક સરસ મંદિરમાં જઈએ ત્યાં બહુ ભીડ હોય છે હોં ! ચંપલ માટે સાવધાની રાખવી પડે.' રાજેશ હા એ હા કર્યા કરતો હતો. રાગિણી અકળાવા માંડી હતી. એ રાજેશને ઈશારા કર્યા કરતી હતી કે મામાના પકડમાંથી છૂટીએ.

પણ મામાને તો ભાણેજ જમાઈ અને વહુને દર્શન કરાવીને મોક્ષની લાલસા જગાડવાની તમન્ના હતી.

શકરાભાઈ સાથે ત્રીજા મંદિરે તો રાજેશે કહી જ દીધું... 'મામા ! હવે બસ. બહુ દર્શન કર્યા. મોડું થઈ ગયું હજી અમારે બીજા કામ છે.'

મામાએ એમને અનિચ્છાએ પરાણે મંદિરોની 'બલા'થી મુક્ત કર્યા.

બીજે દિવસે શાકરમામા એવા જ ઉત્સાહમાં હતા ભાણેજ જમાઈને આખું શહેર બતાવી દેવાની અને ગૌરવ લેવાની ઈચ્છા હતી.

સવારે રાજેશે કહ્યું: 'મામા ! અત્યારે રશ્મિને એની માસીને ત્યાં મળવા જવું છે. બહુ દૂર નથી. અમે જઈ આવીએ.'

શાકરમામા કહે: 'ભલેને ! ત્યાં થઈને આપણે હવેલીએ જઈશું.'

શાણીબહેને એમને પડકાર્યા: 'રાગિણીની માસીને ત્યાં તમારું શું દાટયું છે.'

શકરાભાઈ કહે: 'ત્યાંથી એક મંદિર ગણપતિદાદાનું છે ત્યાં લઈ જઈશ.' બધા દેવોનાં દર્શન કરે તો ખરા આવો લહાવો એમને ક્યારે મળવાનો હતો.

'લહાવો ?' એ શબ્દથી રાજેશને તો અકળામણ થઈ ગઈ.

શકરાભાઈ કહે: 'તમે તૈયાર રહો, હું મુન્ના પાસે કાર જરા સ્ટાર્ટ કરાવું ડ્રાઈવર આવે ત્યાં સુધી...'

એમ કહી એ ઝડપથી મુન્ના પાસે ગયા. એ દરમ્યાન રાગિણીની ઈશારતથી બંને જણાં રિક્ષામાં નીકળી પડયા.

શંકરમામા પાછા આવીને કહે - 'પેલાં બે ક્યાં ગયા ?' ડ્રાયવર...

'એ બંને તો ગયા, એમને મોડું થતું હતું.'

'પણ એ અજાણ્યા ક્યાંક ભૂલા પડશે તો ?'

મંજરીએ જરા હસીને કહ્યું: 'પપ્પા ! એ ભૂલા નહિ પડે. ભૂલા તો તમે નવા જમાનાની જિંદગીમાં પડયા છો.'

શકરાભાઈ બાઘાની જેમ જોતા રહી ગયા.

Tags :