પારસી અનસંગહીરો: ડૉ.જીલ્લા
પારસી ઑન સ્ટેમ્પ - હસિત મહેતા
ડૉ.જીલ્લાના જીવન ઉપર પ્લેટોની ફીલોસોફીએ ગહેરી અસર કરી હતી. તેમનું ખ્યાત સ્લોગન 'અભણ રહેવા કરતા અજન્મ(જન્મવું જ નહીં) રહેવું સારું' તેઓ બોલતા અને લખતા પણ.
નવસારીના એક પારસી સજ્જને પોતાના માત્ર ૬૭ વર્ષના જીવનમાં ૫૮ પુસ્તકો લખીને ઑરલ હેલ્થ અવેરનેસ ક્ષેત્રે પાયોનિયર પ્રદાન કર્યું છે. દંત ચિકિત્સા, દંત અભ્યાસ અને દાંતના રોગો માટે અવનવા સંશોધનો કરતાં રહેલા આ પારસી ડૉક્ટરનું નામ કીંખુશરુ દોરાબજી જીલ્લા હતું. ડૉ.કે.ડી.જીલ્લા એટલે ગુજરાતના પાયોનિયર ઓફ ઓરલ હેલ્થ અવેરનેસ.
આમ તો ડૉ.જીલ્લા જ્યારે ડૉક્ટર નહોતા ત્યારથી દાંતના રોગોના સંશોધનમાં ખૂંપી ગયા હતા. એ વખતે એમની ઉંમર માત્ર ૧૬ વર્ષની, એ વખતે એમનું ભણતર માત્ર ૯મી પાસ, એ વખતે એમની દશા એક ભયંકર દાંતપીડીત દર્દીની. નાની ઉંમરમાં પોતાને થયેલા દાંતના રોગોથી છૂટકારો મેળવવા એમણે ઘણાં દાક્તરો, વૈદરાજાઓ અને ઘરઘથ્થું ઉપાયોને અજમાવી જોએલા, પરંતુ દા'ડોના વળતા છેવટે એમણે જાતે જ દંતરોગ અને ચિકિત્સા વિશે વાંચવા માંડયુ. પહેલાં તો નવસારી આસપાસની, અને પાછળથી ગુજરાત-મુંબઇની અનેક લાયબ્રેરીઓમાં ખાંખાખોળા કરતા રહેલાં ડૉ.જીલ્લાએ ૧૯૦૯થી જુદા જુદા છાપાઓમાં લેખો લખવા માંડયા. હજુ તો તેઓ દાંતના એક સાદા દર્દી જ હતા, ત્યાં નવસારીમાં ડૉ.એચ.માણેકજીની ડેન્ટલ ક્લીનીકમાં એમને દાંતના દર્દીઓને તપાસવાનો અને સમજવાનો મોકો પણ મળ્યો, એટલે તેમનો આત્મવિશ્વાસ વધ્યો. એ પછી તેઓ કલકત્તામાં બનેલી ભારતની પ્રથમ ડેન્ટલ કૉલેજમાં ભણવા ગયા, ત્યાંથી ૧૯૧૩માં ડૉક્ટર બન્યા. ભારતમાં ફાધર ઓફ ડેન્ટીસ્ટ્રી તરીકે પોંખાયેલા ડૉ.આર.અહેમદ સાથે ૧૫ વર્ષ પ્રેક્ટીસ કરીને તેઓ કલકત્તાથી નવસારી પરત આવ્યા, તે છેક ૧૯૬૦માં, અવસાન પર્યંત તેમણે નવસારીને જ દંત ચિકિત્સાનું રીસર્ચ સેન્ટર બનાવ્યું હતું. એ જમાનામાં નવસારી એટલે ગુજરાતમાં દંતરોગોનું પાટનગર અને ડૉ.જીલ્લા એટલે દંત ચિકિત્સા માટેના ગુજરાતી અવતારપુરુષ.
કારણ કે આ એક જણે ૧૮૯૩ થી ૧૯૬૦ દરમ્યાનના જીવનકાર્યમાં દંત રોગો વિશેના ૫૮ પુસ્તકો લખ્યાં છે, એમાંય બાવન તો સીધેસીધા ગુજરાતી ભાષામાં. એ પણ સાવ સાદી, સરળ અને શીરાની જેમ ગળે ઉતરી જાય એવી અભિવ્યક્તિમાં. માત્ર ગુજરાતમાં તો શું, ભારતભરની સ્થાનિક ભાષાઓમાં આવો કોઇ એક વ્યક્તિ નથી, જેણે દંતરોગો વિશે આટલું સંશોધન કર્યું હોય, કે પછી આટલા પુસ્તકો લખ્યાં હોય. 'દાંત અને મોઢાના રોગો'જેવા સરળ ટાઇટલ હેઠળ લખાયેલાં આ પુસ્તકોમાં ડૉ.જીલ્લાએ દંત કાવ્યો, ટૂચકાઓ, કહેવતો, રૂઢીપ્રયોગો વગેરે માત્ર ઉમેર્યા નહીં, પરંતુ ઉપજાવ્યા પણ છે. આ પુસ્તકો એ વાતની સાબિતી આપે છે કે ડૉ. જીલ્લા દાંતના રોગોમાં જેટલા એક્સપર્ટ છે, એથી વધુ અદ્દલ પારસી ગુજરાતી ભાષાના કવિ પણ છે.
૧૯૦૯થી છાપાઓમાં ઑરલ હેલ્થ વિશે લેખો લખતા થયેલાં ડૉ. જીલ્લાએ પોતાનું પહેલું પુસ્તક તો છેક ૧૯૨૧માં બહાર પાડયું હતું, અને માત્ર ચાળીસ વર્ષમાં તેમણે આ વિષયના ૫૮ પુસ્તકો લખ્યાં, જે આજે વડોદરાના ડેન્ટલ મ્યુઝીયમમાં પૂરેપૂરા સચવાયેલા છે. ગુજરાતનું જ નહીં, પરંતુ ભારતભરનું આ એકમાત્ર ડેન્ટલ મ્યુઝીયમ છે, જેમાં દાંતની સમજણ, ડેન્ટલ હીસ્ટ્રી, તે વિશેના ફોટોગ્રાફ્સ, સાધનો, રેપ્લિકાઓ, ટપાલ ટીકીટો, કરન્સી નોટો અને સિક્કાઓનો અણમોલ ખજાનો પ્રદર્શિત થયો છે. આ મ્યુઝીયમના સ્થાપક ડૉ.યોગેશ ચંદારાણાના પ્રયત્નોથી જ ડૉ.જીલ્લાના સ્મરણમાં ઇન્ડિયન ડેન્ટલ એસોશિએશને પ્રતિવર્ષની પહેલી ઓગષ્ટને નેશનલ ઓરલ હેલ્થ ડે તરીકે ઉજવવાનું ઠરાવ્યું છે.આ વિશ્વવિખ્યાત ડેન્ટલ મ્યુઝીયમના પ્રવેશદ્વારે જ ડૉ.કે.ડી.જીલ્લાના સોનેરી સૂત્રો સમાન ડેન્ટલ સ્લોગન સ્વાગત કરતા લટકાયેલાં છે.
ડૉ.જીલ્લાના જીવન ઉપર ગ્રેટ ફિલસૂફ પ્લેટોની ફીલોસોફીએ ગહેરી અસર કરી હતી. તેમનું ખ્યાત સ્લોગન 'અભણ રહેવા કરતા અજન્મ(જન્મવું જ નહીં) રહેવું સારું' તેઓ વારેવારે બોલતા અને લખતા પણ. વડોદરાના મ્યુઝીયમમાં ડૉ.જીલ્લાને મળેલા માન-સન્માનો, તેમના દુર્લભ ફોટોગ્રાફ્સ અને પુસ્તકોને ખૂબ સરસ રીતે ડીસ્પ્લે કરીને એમને સાચી શ્રદ્ધાંજલિ અપાઇ છે. હમણાં-હમણાંમાં નવસારી શહેરે પણ પોતાના એક મોટા ચોક(સર્કલ)ના નામ સાથે ડૉ.જીલ્લાનું સ્મરણ સાંકળ્યું છે. આજે તેમના અવસાનના પચાસ-સાહીઠ વર્ષો પછી ડૉ.જીલ્લાના અમૂલ્ય જીવનકાર્યનું મૂલ્ય અને મૂલ્યાંકન થવા લાગ્યું છે.
કદાચ એટલેજસ્તો ગયા વર્ષે ઇન્ડિયન ડેન્ટલ એસોશિએશનની ગુજરાત શાખાએ ભારતીય ટપાલ વિભાગની પાછળ પડી-પડીને ડૉ.જીલ્લાની એક સ્પેશ્યલ'માય સ્ટેમ્' પ્રસિદ્ધ કરાવી છે. આ નિમિત્તે ટપાલખાતાએ બહાર પાડેલા એક સ્પેશ્યલ કવર (વિશેષ આવરણ) ઉપર ડૉ.જીલ્લાનો પારસી ટોપી, પારસી ચશ્મા અને પારસી મોંકળાવાળો અદ્દલ પારસી ક્લોઝ-અપ ખૂબ જ કળાત્મક રીતે છાપ્યો છે. ગુજરાતના આ અનસંગ હીરોને ઓળખવામાં આપણે હંમેશની જેમ, આ વખતે પણ ઘણું મોડું કર્યું છે, પણ કર્યું તો છે જ !!!