Get The App

ગાંધી ટોપી પહેરનારને સરકાર દેશદ્રોહી કેમ કહે છે? કારણ કે ખાદીની ટોપીમાં વિદેશી સરકારને રાજકારણની ગંધ આવે છે

- મકરન્દ મહેતા .

Updated: Mar 21st, 2020

GS TEAM

Google News
Google News
ગાંધી ટોપી પહેરનારને સરકાર દેશદ્રોહી કેમ કહે છે? કારણ કે ખાદીની ટોપીમાં વિદેશી સરકારને રાજકારણની ગંધ આવે છે 1 - image


૩૧ જુલાઇ ૧૯૨૧ના અંકમાં પ્રજાબંધુએ લખ્યું છે કે , 

(ભાગ: ૧૨): પ્રજાબંધુ અને અસહકારનું આંદોલન 

(૧૯૨૦-૧૯૨૨)

અસહકારનાં આંદોલન વખતે અમેરિકાએ ભજવેલી ભૂમિકા, ન્યુયોર્ક શહેરમાં અમેરિકનોએ સભાઓ ભરીને હિંદી લડતને ટેકો જાહેર કર્યો હતો

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઈતિહાસ વિશ્વની અભૂતપૂર્વ ઘટના છે. તેનો વિશ્વસનીય અને સીલસીલાબંધ દસ્તાવેજી ઈતિહાસ જાણવા માટે પ્રજાબંધુના જૂના અંકો ખાણ સમાન છે. જેમ કે ૧૯૩૦ના માર્ચ-એપ્રિલની દાંડીકૂચની યાત્રા તે અંગે પ્રજાબંધુએ મહત્ત્વની માહિતી પૂરી પાડી હતી. વળી ગુજરાત સમાચારના તા. ૧૨ માર્ચ ૨૦૨૦ના અંકમાં પણ દાંડીકૂચ વિષયક ખૂબ રસપ્રદ અને માહિતીસભર લેખ છે. પણ આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું. તેની વિગતો પ્રજાબંધુ અને ગુજરાત સમાચારને જોડવામાં મદદરૂપ છે.

ગાંધીજીના નેતૃત્વ હેઠળ પ્રજાએ રોલેટ એક્ટ અને જલીયાવાલા બાગ હત્યાકાંડ સામે પ્રચંડ આંદોલન ગજવ્યું હતું, અને તેમાં હિંદુ અને મુસ્લીમો જોડાયા હતા. સ્ત્રી, પુરૂષ, વિદ્યાર્થીઓ, બાળકો, ખેડૂતો, આદિવાસીઓ, દલિતો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કવિઓ, સાહિત્યકારો, બૌદ્ધિકો અને અભણો - એમ તમામ નાત-જાત-કોમના સ્ત્રીપુરૂષોએ તેમાં ભાગ લીધો હતો. અસહકારનાં આંદોલન પરત્વે પ્રજાબંધુએ નાનીમોટી ઘટનાઓ તથા ફોટોગ્રાફો દર્શાવીને પ્રજાને જાગૃત કરવામાં પાછી પાની કરી ન હતી.

માત્ર રાજકીય લડત જ નહીં, ચરખો, રેંટીયો, હાથકાંતણ, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, હિન્દુ-મુસ્લિમ એકતા અને વિકેટીંગ, અદાલતો અને સરકારી નોકરીઓનો બહીષ્કાર, વિદેશી માલની હોળી વગેરે તમામ પાસાંઓને આવરી લઈને પ્રજાબંધુએ જે અખબારી માહિતી આપી તેમજ એડીટોરીયલ્સ દ્વારા આંદોલનની નૈતિક અને રાજકીય ફિલોસોફી વ્યક્ત કરી તેનો અખબારી આલમમાં બીજો જોટો જડવો મુશ્કેલ છે. આ આંદોલન દરમિયાન જ ડીસેમ્બર ૧૯૨૧માં અમદાવાદમાં ભરાયેલા કોંગ્રેસ અધિવેશનની વાત તો પ્રજાબંધુએ અદ્ભૂત રીતે કરી હતી. વળી એણે તદ્દન નવી વાતો કરી હતી.

જેમકે અસહકારનાં આંદોલન વખતે અમેરિકાએ ભજવેલી ભૂમિકા. ન્યુયોર્ક શહેરમાં અમેરિકનોએ સભાઓ ભરીને હિંદી લડતને ટેકો જાહેર કર્યો હતો. પ્રજાબંધુએ સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તર પર હિંદનાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં ઉર ધબકાર ઝીલ્યા હતા. તેની વાત કરીશું. મોટે ભાગે પ્રજાબંધુએ પૂરી પાડેલી માહિતી તેમજ વૈચારીક ભૂમિકા અત્રે દર્શાવીશું.

''સ્વરાજ્યને ચરણે લક્ષ્મીની રેલંછેલ'' 

અસહકારનું આંદોલન જ્યારે પૂરજોશમાં હતું ત્યારે પ્રજાબંધુએ એના તા. ૩ જુલાઈ ૧૯૨૧ના અંકમાં ''સ્વરાજ્યને ચરણે લક્ષ્મીની રેલંછેલ'' શીર્ષક હેઠળ લખ્યું: ''સ્વરાજ્ય માટે ગુજરાતની પ્રજા જામીનજાગીર, જર ઝવેરાત અને નાણાંની કૂરબાની આપી રહી છે. અમદાવાદ, નડીયાદ, રાજકોટ, વડોદરા, સુરત, નવસારી એમ સઘળે સ્થળોએ સ્ત્રીઓ ફંડફાળા ઉઘરાવે છે અને રેંટીયા અને ખાદીને ઉત્તેજન આપે છે. લાહોરવાળા શ્રીમતી સરલાદેવી ચોધરાણીએ સ્વરાજ્ય ભંડોળમાં એમનું તમામ ઝવેરાત ન્યોછાવર કરી દીધું છે અને સરકારી ચાંદ પરત કર્યો છે...'' જોહાનિસબર્ગનાં પાટીદારોએ ૯૦૦૦ શીલીંગનો અને ખત્રીઓએ ૧૦૦૦ શીલીંગનો ફાળો મોકલાવ્યો છે. વલ્લભભાઈ પટેલે એમનાં ભાષણમાં જણાવ્યું છે કે વઢવાણનાં એક પાટીદાર ગૃહસ્થે ૧ લાખ રૂપિયાની જમીન સ્વરાજ્ય ફંડમાં આપી છે.

ગાંધીજીએ બે સૂચના આપી છે:

પરદેશી કાપડ જાહેરમાં બાળી નાંખવું કે ગરીબોને વહેંચી દેવું

ત્યાર બાદ તા. ૧૦ જુલાઈ ૧૯૨૧નો અંક: ''મહાત્મા ગાંધીજીના આદર્શને ઊંચકી લઈને દેશની પ્રજાએ તેનો જે જવાબ આપ્યો છે તે ગાંધીજીની અપૂર્વ લડત પ્રત્યેનો પ્રેમ છે. તેને પ્રતાપે દેશમાં ૨૦ લાખ રેંટીયા ફરતા થયા છે. તા. ૩૦ જુન સુધીમાં તિલક સ્વરાજ્ય ફંડમાં ૮૦ લાખ રૂપિયા ભરાઈ ગયા છે.'' આજ અંકમાં લખ્યું છે: ''ગાંધીજીએ બે સૂચનાઓ કરી છે, અને તેની અસર વિરાટ જનતા ઉપર થઈ છે. કાં તો પરદેશી કાપડ જાહેરમાં બાળી નાંખવું, અથવા તો તે ગરીબોને વહેંચી દેવું. પણ અમે માનીએ છીએ કે બાળી નાંખવા કરતાં ગરીબોને આપવું તે વધારે સારૂં કાર્ય છે, કારણ કે તેનાંથી કંગાળ સ્ત્રીપુરૂષો અને બાળકોના શરીર ઢંકાશે.''

ધેર ઈઝ નો સ્વરાજ વિધાઉટ સ્વદેશી

તા. ૧૭ જુલાઈ ૧૯૨૧ના અંકમાં પ્રજાબંધુએ અંગ્રેજીમાં એકદમ અસરકારક એડિટોરીયલ ''સ્વરાજ અને સ્વદેશી'' પ્રગટ કર્યું. એણે લખ્યું: ''ધેર ઈઝ નો સ્વરાજ વીધાઉટ સ્વદેશી. સ્વરાજ એન્ડ સ્વદેશી ગો હેન્ડ ઈન હેન્ડ'' (સ્વદેશી વગર સ્વરાજ હાંસલ થઈ શકશે નહીં. સ્વદેશી અને સ્વરાજ્ય એક જ છે). તા. ૩૧ જુલાઈ ૧૯૨૧નો અંક મઝાનો છે. ''ગાંધી ટોપીથી સરકાર કેમ ભડકે છે ? ગાંધી કેપ પહેરનારને સરકાર દેશદ્રોહી કેમ કહે છે ? કારણ કે ખાદીની ટોપીમાં વિદેશી સરકારને રાજકારણની ગંધ આવે છે.'' આજ અંકમાં પ્રેમાભાઈ હોલમાં વલ્લભભાઈ પટેલ અને દાદાસાહેબ માવલંકરે આપેલા પ્રવચનોનો સાર છે. 

હિંદનાં દિલ અને દિમાગમાં અત્યારે અસંતોષની જ્વાલા સળગી રહી છે

પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પરાધીન, હિંદે ઈંગ્લેંડને કરેલી મદદનાં બદલામાં બ્રિટને હિંદને ૧૯૧૯માં રોલેકટ એક્ટ અને જલિયાવાલા બાગના હત્યાકાંડની 'ભેટ' આપી હતી. પ્રજાબંધુએ તેનો વિરોધ કરતાં 

૧ ઓગસ્ટ ૧૯૨૦ના અંકમાં લખ્યું: ''આ સરકાર આપેલા વચનોનો છડેચોક ભંગ કરી રહી છે. એણે સેંકડો નિર્દોષ સત્યાગ્રહીઓને અમૃતસરમાં હણ્યા છે અને ખિલાફતની અખંડતાનો ભંગ કર્યો છે. આ વચનોનો ભંગ પહેલી વાર જ કર્યો નથી. તેથી જ તેની સામે ધારાસભામાં પ્રજાસભ્યોએ વિરોધ કર્યો છે. હિંદનાં દિલ-દિમાગમાં અત્યારે અસંતોષની જ્વાલા સળગી રહી છે. શાંત રીતે અસહકાર વૃત્તિને અમલમાં મુકવા માટે શ્રીયુત ગાંધી પ્રયાસો કરી રહ્યા છે તે સર્વથા યોગ્ય છે. પ્રજાનો સમજુ વર્ગ આ લડતને જરૂર ટેકો આપશે.''

પુરૂષોએ ખાદીનું પહેરણ અને ખાદીની ટોપી ધારણ કર્યા હતા અને સ્ત્રીઓ સફેદ ખાદીની સાડીમાં સજ્જ હતી

અમદાવાદમાં અપૂર્વ સરઘસ નીકળ્યું હતું 

''અમદાવાદમાં લોકમાન્ય તિલકની પુણ્યતિથિ: વિદેશી કાપડની થયેલી હોળી: શુદ્ધ ખાદી પોષાકમાં નીકળેલ ભવ્ય સરઘસ.'' તે મુજબ તા. ૧ ઓગસ્ટ ૧૯૨૧ના રોજ સવારે સાડા સાત વાગે અમદાવાદમાં અપૂર્વ સરઘસ નીકળ્યું હતું. ગુજરાત મહાવિદ્યાલયમાં આચાર્યશ્રી ગીડવાણીજીએ વિદ્યાલયનું પ્રાર્થના મંદિર ચરખાના ચિન્હવાળી ધજાઓ તથા તોરણોથી શણગારવામાં આવ્યું હતું. અને વચ્ચે મર્હુમ દાદાભાઈ નવરોજી, લોકમાન્ય તીલક તથા શ્રીયુત ગોખલેની તસ્વીરો હારતોરાથી શણગારી ગોઠવવામાં આવી હતી. અગરબત્તીનો ધૂપ કરવામાં આવ્યો હતો. આચાર્યશ્રી ગીડવાણીજી આવી પહોંચતા સંગીત શરૂ થયું હતું અને તે પછી મી. આથવલેએ લો. તીલકને પ્રાર્થના કરતાં જણાવ્યું હતું કે આપને સ્વર્ગે સીધાવ્યાને બરાબર એક વર્ષ થયું છે, પણ આપની ખોટ મહાત્માજી પુરી પાડી રહ્યા છે. ત્યારબાદ શ્રીયુત નરહરી પરીખ અને શ્રીયુત ગણેશ વાસુદેવ માવલંકર બોલ્યા હતા અને અસહકાર આંદોલનની ભૂમિકા પૂરી પાડી હતી. ત્યાર બાદ સભામાં મુક્ત રીતે ચર્ચા થઈ હતી. સાંજે પાંચ વાગે સ્ટેશન સામે આવેલ મણીલાલ મેન્શનમાંથી ખાદીના પોષાકમાં સજ્જ થએલા હજારો વિદ્યાર્થીઓનું લાંબુ સરઘસ નીકળ્યું હતું. પુરૂષોએ ખાદીનું પહેરણ અને ખાદીની ટોપી ધારણ કર્યા હતા અને સ્ત્રીઓ સફેદ ખાદીની સાડીમાં સજ્જ હતી. સરઘસ પાંચકુવા દરવાજા, રીચી રોડ અને ત્રણ દરવાજે થઈને ખાનપુર દરવાજા બહાર નદી કિનારે ગયું હતું. માર્ગમાં સ્વયંસેવકો 'મહાત્મા ગાંધીની જય બોલાવતા હતા.

આજે તો આમાનું કશું જ રહ્યું નથી. જમાનો બદલાઈ રહ્યો છે. પણ એક સમયે જ્યારે સમગ્ર દેશ ગરીબ અને ગુલામ હતો તે સમયે સ્ત્રીપુરૂષો અને બાળકો લોકલડતમાં ઝઝૂમ્યા હતા. ભલે સમગ્ર દેશ ગરીબ હતો. આજની જેમ મોબાઈલ અને ટી.વી. તો શું, રેડીયો, ટેલીફોન અને ઈલેક્ટ્રીક પંખો પણ નહોતો. આમ છતાં ગૌરવપૂર્વક જીવન જીવવા માટે તે સમયની પ્રજા પાસે નૈતિક મૂલ્યો, ધ્યેય અને આદર્શો તો હતા ! પ્રજાબંધુ માત્ર માહિતીપત્ર નહોતું, એ વૈચારીક પત્ર હતું. એ ગાંધીવાદી મૂલ્યોને વરેલું હતું. અસહકારના આંદોલનમાંથી તો ગુજરાત વિદ્યાપીઠનો જન્મ થયેલો.

બરાબર ૧૦૦ વર્ષ થયાં ! આજે પણ પ્રજાબંધુ અને ગુજરાત સમાચારનો ઈતિહાસ જરા મનન કરવા જેવો અને વાગોળવા જેવો છે.

Tags :