કુંતાસરના ઠેકાણે દેવળ બંધાવ્યું હોય તો ભારે શોભે
ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ
તેદિ' મોતીચંદ અમીચંદની મુંબઇની પેઢી ચીન, જાપાન અને ઇંગ્લેન્ડ સાથે વણજુ કરતી હતી. મોતીચંદ અમીચંદના કરોડોની સંપત્તિના માલિકમાં લેખા જોતાં થતાં.
અહિંસાનો આહલેક જગાવી જગતને ક્રૂરતામાંથી કરૂણા તરફ દોરનારને તારનાર ચોવીસ સિધ્ધોનાં જ્યાં બેસણાં છે. એવા સિધ્ધાચલ (શત્રુંજય) પર્વત પર પૂર્વમાં પ્રગટેલા સૂર્યનાં કેસર વરણાં કિરણો દદડી રહ્યાં છે. પડતા તેજપુંજને ઝીલતાં શિખરબંધ દેરાસરો ઝગારા દઇ રહ્યાં છે. તપીઆ અને જપીઆ જૈન મુનિવરોના તપોબળે જ્યાં દયા અને દિલાવરીના દીવડા અંખડ અજવાળાં પાથરી રહ્યાં છે એવી તીર્થભૂમિના પગથારે મુંબઇ નગરીનો માલેતુજાર મોતીશાહ શેઠ ધીરાં ધીરાં ડગલાં દઇ રહ્યો છે. ભેળા અમદાવાદના નગરશ્રેષ્ઠી હઠીભાઇ અને બીજા હેતુ મિત્રો અને સંગાસંબંધીઓ નાતીલાને નાતાદારો વીંટળાઇ શેઠની હારો હાર હાલે છે.
રામ પોળની બારી નામે ઓળખાતી જગ્યા પાસે પહાડમાં ઉંડો કોંતલ મોતીશાહ શેઠની નજરે નીરખ્યો. શેઠનો પગ થંભી ગયો. મોતી શાહની મીટ આસપાસના વાતાવરણને માપવા માંડવી. મનોહર વાતાવરણ મોતી શાહના મનમાં મોજના તોરા બાંધી ગયું. પંડયની પડખોપડખ ભેળાહાલતા હઠીભાઇ શેઠની સામે જોઇને વેણ વદયાઃ
'હઠીભાઇ, આ કુંતાસરના ઠેકાણે દેવળ બંધાવ્યું હોય તો ભારે દીપી ઉઠે.'
શેઠનો મનોભાવ સાંભળીને ડહાપણનો દરિયો લેખાતા હઠીભાઇ હસીને બોલ્યા, 'મોતીશાહ, વાત તો લાખની છે પણ....' એટલા વેણે અટકેલા હઠીભાઇ માથે મીટ માંડીને મોતા શાહે સવાલ કર્યો !
' પણ શું ?'
'ચોથા આરામાં થયેલા ધનનંદનો પણ આ ખાડો પૂરવા સમર્થ નહોતો ત્યારે આવડો કોંતલ પૂરીને ઉપર દેવળ બાંધવાની વાત બઉ મોટી થઇ પડે.' શેઠ હઠીભાઇની વાતને બીજાએ પણ આધાર દીધો.
તે દિ' મોતીચંદ અમીચંદની મુંબઇની પેઢી ચીન, જાપાન અને ઇંગ્લેન્ડ સાથે વણજુ કરતી હતી. મોતીચંદ અમીચંદના કરોડોની સંપત્તિના માલિકમાં લેખા જોતાં થતાં. દરિયાપારના દેશોમાં એની આંટ - આબરૂ અવલ નંબરને આંબતી હતી. કરોડો કમાણી કરી જાણનાર કર્મી - ધર્મી ધનાઢ્યના કરમાં કંજૂસાઇની રેખા તણાયેલી નહોતી. દિલાવરીનો દરિયો દિલમાં આઠેય પહોર ઘૂઘવતો હતો. હેતુ મિત્રોનો મોરાગ જાણી મોતીશાહ શેઠે ધીરેથી કહ્યું.
'હઠીભાઇ ! શુભ મુર્હૂત જોવરાવી આપણે ભૂમિ પૂજન કરવું એ નિરધાર પાક્કો.' એટલું બોલીને પગ પાડયો.
મોતી શાહ શેઠે પાલીતાણામાં પલાંઠી વાળી. શુભ લગ્ને શિલાન્યાસ કર્યો. મોતીશાહ શેઠે મુંબઇની પોતાની વખારો ઉઘડાવી. એમાંથી સીસાની પાટો અને સાકરના કોથળા પાલીતાણા પૂગતા કરવાનાં કપરાં કામ વાણોતરોને સોંપાણા. કુંતાસર નામે ઓળખાતી ખાઇ સાકર અને સીસાને ગળવા બેઠી. કામ ધમધોકાર ઉપાડયું. કારણ કે શેઠને કાળજે એક જ સૂત્ર કોતરાયેલું હતું. 'કર્યું એ કામ, ભજ્યા એ રામ.'
કોંતલ પુરાવીને પહાડના પડેપડ સાંધી દીધા ત્યારે મોતીશાહ શેઠના ચિત પર સંતોષ છવાઇ રહ્યો. તાબડતોબ મંદિરના નકશા મંડયા દોરાવવા એક બે પાંચ એમ કરતાં ત્રણ ભોંનું 'નલિનિલ્ગુલ્મ' નામના વિમાન આકાર જેમાંથી ઉપસે એ દેરાસરનું નિર્માણ કરવાનું કામ આરંભી દીધું. એ જોઇને મોતી શાહના મોબતીલાઓએ પણ આસપાસ દેરાસર નિર્માણ કરાવવાનો મોટો મનોરથ કર્યો. હઠીભાઇ શેઠે પ્રતાપમલ જોઇતા, દિવાન અમરચંદ દમણી તેમજ ગોંધા અને ધોલેરાવાળાએ પણ કામ ઉપાડયાં.
દિવ્ય અને ભવ્ય દેરાસરની રક્ષા માટે ચાર બુરજ વાળો જામો કામી કિલ્લો બંધાવ્યો. બેય બાજુ પોળની રચના કરાવી. વચ્ચો વચ બારી મુકાવી.
પ્રતિષ્ઠા નીજ હસ્તે કરાવવાની કામનાવાળા મોતીશાહ શેઠનો દેહોત્સર્ગ થયો. તેથી મોતીશાહના પુત્ર ખીમચંદ શેઠે પોતાની ઇચ્છાને
પૂર્ણ કરવા બાવન સંઘવીઓના સંઘપતિ બની વિવિધ વિધાનયુક્ત અંજનસલાકા કરી મૂળનાયક ઋષભ દેવ ભગવાનની દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
પુનિત કાર્ય કરી પિતૃતર્પણ કર્યું. ત્યોર સંવત ૧૮૯૩ના મહા માસની વદ રનો દિવસ હતો.
વધુ માહિતી
આ વિશાળ ટુંકમાં કુલ ૧૫ દહેરાં છે. તેમાં ધર્મનાથના દેરાની દીવાલ પર માણેક - રત્નના બે સાથિયા જડેલા છે. શેઠ અરચંદ દમણી (એ) મોતીશાહના દિવાન હતા.
મહાવીર શ્રૂતિ મંડળ 'સુમેરૂ શિખર' નવા વિકાસગૃહ રોડ ઉપર દેશભરના જૈન મંદિરની તસ્વીરોની આર્ટગેલેરીમાં મૂકાયેલી કૃતિઓ ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
તણખો: ' જ્યાં રાજા હોય ત્યાં પ્રજા શબ્દ પ્રયોજાય આપણે ત્યાં લોકશાસનની અર્ધી સદી વીતવા છતાં નેતાઓ લેખકો- પત્રકારો નાગરીકોને 'પ્રજા' તરીકે ઓળખાવે છે. કોઇપણ આઝાદ દેશમાં વસતો માનવી 'નાગરીક' હોય છે. પ્રજા નહીં.'