વરના પિતા 'વર'દાન આપતા હોય એવું સાંભળવા મળ્યું નથી! - અસ્તિત્વ
કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
મારે મોટો હોદ્દો કે તગડો પગાર નથી જોઇતો. મારે મહેલોની સોનેરી શિખરો પર બેસી તૃપ્તિના ઓડકાર ખાતું કાયર કબૂતર નથી બનવું, પણ ગરૂડ બનવું છે
સુખાનંદને બે દીકરા, મોટો અવલોકન અને નાનો અસ્તિત્વ. મોટો દીકરો અવલોકન ખુશામતખોર અને દંભી. કામ ઓછું કરે અને દેખાડો વધુ કરે ! સુખાનંદ અને તેમની પત્ની શ્રાવણી અવલોકન પર ઓળઘોળ થઇ જતાં. તેઓ ગૌરવથી કહેતા: ''અવલોકન તો શ્રવણનો અવતાર છે. વહેલો ઊઠીને એ અમારો ચરણ-સ્પર્શ કરતાં કહે છે: ''માતા-પિતાના ચરણોમાં જ દેવતાઓનો વાસ છે, પછી અન્ય દેવી-દેવતાઓનું પૂજન-ઉપાસના ન કરીએ, શો ફેર પડવાનો હતો ! આ મારા નાનાભાઇ અસ્તિત્વનો દાખલો લો ને ! એ માતા-પિતાને સાદાં વંદન કરી દેવમંદિરે ચાલ્યો જાય છે. ત્યાંથી સીધો વૃદ્ધાશ્રમ અને અનાથાલય જાય છે અને વૃદ્ધો તથા અનાથ બાળકોની સેવામાં એક-દોઢ કલાક વીતાવે છે ! એ આવું જ કરશે તો અમારાં માતા-પિતા વીલમાં તેનું નામ ઉમેરશે પણ નહીં. મેં તો પાણી પહેલાં પાળ બાંધવાનું નક્કી કર્યું છે. ભારતીય મા-બાપોને ઈમાનદાર પુત્રો કરતાં ખુશામતખોર પુત્રો વધુ ગમે છે ! એટલે સંતાનો પણ ડૉળ કરવાનું શીખી જાય છે ! મા-બાપ મનોમન બાળકોની વહાલા-દવલા તરીકે વહેંચણી કરી લે છે. પોતાની રીતે નહીં પણ મા-બાપનો કહ્યાગરો થઇને વર્તનારો પુત્ર તેમને કુળ દીપક લાગે છે. આ વાત હું બરાબર સમજું છું એટલે એમને ભોટ બનાવવાનું સતત ચાલુ રાખું છું !'
અવલોકન હાયર સેકંડરી ધોરણ બારમામાં અભ્યાસ કરતો હતો અને અસ્તિત્વ ધોરણ દસમામાં. અવલોકન ભણવામાં નબળો પણ ગુરુજનોને રિઝવવામાં પાવરધો. સ્કૂલના દરેક વિષયના શિક્ષકની વર્ષગાંઠ યાદ રાખે, અને તેમને ઘેર ભેટસોગાદ અને ગુલદસ્તા લઇ પહોંચી જાય. શાળાના આચાર્યનો પણ પડતો બોલ ઝિલે અને પારિતોષિકો માટે માતા-પિતા તથા અન્ય સગાં-વહાલાં પાસેથી પૈસા ઉઘરાવી આપે. એના દંભથી રિઝેલાં ગુરૂજનો પણ 'માર્કસ-પ્રદાન'માં કૃપાવંત રહેતાં. દર વર્ષે શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું સન્માન અવલોકનને પ્રાપ્ત થતું.
અસ્તિત્વ અભ્યાસમાં તેજસ્વી હતો. એ વિનયશીલ હતો, પણ દંભી નહોતો. ગુરૂજનોની 'કૃપા' એને ખપતી નહોતી. સદાચાર એના જીવનનું લક્ષ્ય હતું. માતા હાથખર્ચી માટે જે કોઇ રકમ આપે તે બચાવી રાખતો અને અનાથાશ્રમના ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થવામાં વાપરતો. મમ્મી-પપ્પાની એ હૃદયથી સેવા કરતો, પણ એની નોંધ લેવડાવવાની પ્રવૃત્તિથી અસ્તિત્વ અળગો રહેતો.
અસ્તિત્વ હાયર સેકંડરી બોર્ડની સાયંસ-સ્ટ્રીમની પરીક્ષામાં બોર્ડમાં પ્રથમ આવ્યો અને અવલોકન એસ.વાય.બી.એ.ની પરીક્ષામાં નાપાસ થયો. એને ઠપકો આપવાને બદલે પપ્પા સુખાનંદે કહ્યું: ''દીકરા, સ્કૂલ-કોલેજ કે યુનિવર્સિટીઓની પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી ઠોઠ ન કહેવાય, પણ મા-બાપની ખરા દિલથી સેવા ન કરે એ ઠોઠ કહેવાય. મારી પાસે એટલી બધી સંપત્તિ છે કે ત્રણ પેઢી બેઠે-બેઠે ખાય તોય ખૂટવાની નથી ! અસ્તિત્વનું ધ્યાન 'સરસ્વતી કૃપા' પર છે, જ્યારે તારું ધ્યાન 'લક્ષ્મી કૃપા' પર છે. સરસ્વતી એને નોકરીઆત બનાવશે, જ્યારે લક્ષ્મી કૃપા તને પાંચમાં પૂછાતો બનાવશે. પૈસા ખર્ચીને પણ તું કોઇ સબળા રાજકારણીને રિઝવજે, રાજકારણમાં તારો ડંકો વાગશે અને તું મંત્રી બનીશ તો તારો નાનો ભાઇ અસ્તિત્વ તને 'સાહેબ' કહીને તારા દરબારમાં હાજર થશે. એટલે મા-બાપ પ્રત્યેની લાગણીની પરીક્ષામાં તું અવ્વલ નંબરે છે. પાસ થવા દિમાગને બહુ કષ્ટ ન આપીશ. મારા તને આશીર્વાદ છે. તમારે 'નોકરીઆત' નથી બનવાનું, નોકરીદાતા બનવાનું છે. આપણી પ્રોડકશન કંપની મબલખ નફો કરે છે, હું તને ભાગીદાર નહીં, પણ કંપનીનો ચેરમેન પણ બનાવીશ.''
પપ્પા સુખાનંદના ઠપકાને બદલે પ્રોત્સાહક વચનોની અવલોકનની ખુશીની કોઇ સીમા ન રહી. એની નજરે તેનો નાનો ભાઇ અસ્તિત્વ મહામૂર્ખ હતો. ઊંબરો પૂજવાને બદલે ડુંગરો પૂજવાની ભૂલ કરી રહ્યો હતો. અસ્તિત્વ એ વાત ભૂલી જાય છે કે ખુશામત તો ખુદાને પણ પ્યારી છે. દૂઝણી ગાયને પંપાળાય, તેની ઉપેક્ષા ન કરાય. આટલી સીધી વાત અસ્તિત્વને ગળે ઉતરતી નથી ! 'હું સુખ નોંતરવામાં કામયાબ થવાનો છું અને અસ્તિત્વને લલાટે નોકરી કરી પેટ ભરવાના દહાડા આવવાના છે.' એવું તે માનતો હતો.
અસ્તિત્વ સિવિલ એન્જિનિયર બન્યો. બી.ઈ.ની પરીક્ષામાં તેને અનેક સુવર્ણચંદ્રકો મળ્યા અને પ્લેસમેન્ટ કેમ્પમાં પણ એને ઊંચા પગારની નોકરીની ઑફર મળી પણ અસ્તિત્વએ તેનો ઈન્કાર કરતાં કહ્યું ''દેશને મજબૂત મકાનો અને ટકાઉ સડકો તથા માર્ગોની જરૂર છે. એની દરકાર રાખે તેવા 'તકલાદી' નહીં પણ દેશભક્ત અધિકારીઓની પણ જરૂર છે. મારે મોટો હોદ્દો કે તગડો પગાર નથી જોઇતો, પણ દેશ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા દાખવવાના મોકાની જરૂર છે. મારે મહેલોના સોનેરી શિખરો પર બેસી તૃપ્તિના ઓડકાર ખાતું કાયર કબૂતર નથી બનવું પણ આભને આંબનાર ગુરુડ બનવું છે. હું કોઇની કૃપાથી નહીં પણ સ્વાવલંબનથી જ મારા જીવનનો માર્ગ બનાવીશ. હું જીવનમાં સુંવાળપને અભિશાપ માનું છું, અને પ્રામાણિકતાના પરસેવાથી ભીંજાએલા ખરબચડા માર્ગને આશીર્વાદ માનું છું. દરેક માણસ માત્ર પોતાના સુખનો વિચાર કરશે તો દેશને સુખી કોણ બનાવશે ?''
પ્લેસમેન્ટ અધિકારીને લાગ્યું કે આ યુવાન જિંદગીમાં રખડી ખાવા સિવાય કશું પામવાનો નથી ! આજના યુગમાં 'પરહિત'નો નહીં, 'સ્વહિત'ને સર્વસ્વ ગણનારા જ લાભ ખાટી જાય છે.. આદર્શોમાં રાચનારાને દેશ-દુનિયાએ શું આપ્યું ? ઝેરનો પ્યાલો, વધસ્તંભ કે છાતી વીંધનારી ગોળીઓ ? પ્રજાજનો આદર્શવાદીઓની પ્રતિમાઓ બનાવે છે, પણ પૂજે છે પોતાને ઉલ્લૂ બનાવનાર નેતાઓને ! પ્રલોભનકારી વાણી એ મતદાતાઓને પ્રવંચિત કરવાનો રામબાણ ઈલાજ છે. બિચારો અસ્તિત્વ ! ભ્રમમાં અટવાઇને પોતાના વિકાસની ઘોર ખોદી રહ્યો છે ! 'ઓ.કે. મિ. અસ્તિત્વ ! ગૂડ બાય ! તમારો આદર્શવાદ તમને પરાજિત કરે ત્યારે અમારી કંપનીનાં દ્વાર ખખડાવજો' - કહીને નોકરીદાતા અધિકારીએ અસ્તિત્વને વિદાય આપી.
અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝળહળતી ફત્તેહ મેળવીને અસ્તિત્વ ઈજનેર તરીકે સરકારી નોકરીમાં જોડાયો. એણે ન લીધું સરકારી ક્વાર્ટર કે ન લીધી જીપની સગવડ. પોતાની મોટરબાઇક પર જ એ ઑફિસે અને ફિલ્ડમાં સુપરવિઝન માટે જતો. એની આવી સાદગી એના ઉપરી અધિકારીઓને ખટકતી. એક દિવસ અસ્તિત્વના બૉસે તેને પોતાના બંગલે ડિનર માટે બોલાવ્યો અને ભોજન બાદ કહ્યું: ''મિ. અસ્તિત્વ, તમે ઑફિસનું વાતાવરણ બગાડી રહ્યા છો. તમને આદર્શ માની ઉપરી, અધિકારીઓને અપાતી સુવિધાઓમાં સરકાર કાપ મૂકશે તો બધા જ અધિકારીઓ નારાજ થશે. તેની માઠી અસર ઑફિસકામ અને વહીવટ પર પડશે. તમે તો અમીર બાપના દીકરા છો, એટલે તમને આવું 'નાટક' કરવાનું પોસાય ! અમે તો ગરીબીમાં ઉછરેલા માણસો છીએ. મા-બાપે પેટે પાટા બાંધીને અમને ભણાવ્યા છે. અમે અમારા સંતાનોને ગરીબી વારસામાં આપવા ઈચ્છતા નથી !''
અસ્તિત્વ થોડી વાર ચૂપ રહ્યો. અને કહ્યું: ''સર, મેં તો માન્યું હતું કે જે રીતે હું કામ કરી રહ્યો છું અને સાદગીથી જીવી રહ્યો છું, એની કદર કરી મારી પીઠ થાબડવા આપે મને બોલાવ્યો હશે ! પણ મારી ગણતરી ઊંધી પડી. મારે જો સુખ-સાહ્યબી જ માણવી હોત તો મારા પપ્પાની કંપનીમાં ડિરેકટર બનીને બેસી જાત ! મારા મોટાભાઇ અવલોકનની કદમબોસી કરી ધાર્યો લાભ મેળવી શકત, ભણવા માટે પરદેશ જઇ શકત, પણ હું માનું છું કે દરેક યુવાને માત્ર પોતાનાં સપનાં સાકાર કરવા દેશનો સાધન તરીકે ઉપયોગ ન કરવો જોઇએ, પણ દેશનાં સપનાં સાકાર કરવા માટે પોતે દેશનું સાધન પણ બનવું જોઇએ. આઝાદીના સંગ્રામમાં કેટકેટલા યુવાનોએ કોલેજનો અભ્યાસ છોડી સ્વાતંત્ર સંગ્રામમાં ઝંપલાવ્યું હતું, સરકારી નોકરીઓને તિલાંતજલિ આપી ભૂખે મરવાનો માર્ગ અપનાવ્યો હતો, એ સહુના ત્યાગ, બલિદાન અને સમર્પણને કારણે આપણે ઊંચા હોદ્દાઓ ભોગવી રહ્યા છીએ. એટલે મને મારા માર્ગેથી ચલિત થવાની સલાહ કૃપા કરી ન આપશો.''
''અમારી સાથે કદમ નહીં મિલાવવાનું પરિણામ તો તમે જાણતા જ હશો'' - બૉસે ચેતવણીના સ્વરમાં કહ્યું:
''હા, ઉપરી અધિકારીની ચમચાગીરી નહીં કરનાર અને ખોટામાં સાથ ન આપનાર માટે બે તલવારો લટકતી રહે છે: એક વારંવાર બદલીની અને બીજી ખોટા આક્ષેપો મૂકી નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની કે કોર્ટ કેસમાં ફસાવવાની. સર, એ બન્ને સજાઓ સત્યના માર્ગે ચાલવામાં ડરાવી શકશે નહીં. ફરી મને આવી ચર્ચા માટે ન બોલાવવાની વિનંતી' - કહીને અસ્તિત્વ ચાલતો થયો હતો.
એ પછી એક અઠવાડિયે એને દૂરના શહેરમાં ટ્રાન્સ્ફર કર્યાનો ઓર્ડર મળ્યો હતો ! કશા જ કચવાટ વગર એણે તરત જ ઓર્ડર સ્વીકારી નવા સ્થળે કામગીરી શરૂ કરી હતી !
અસ્તિત્વની ઈમાનદારીની વાતો એ નવી ઓફિસ સુધી પહોંચી ગઈ હતી. એટલે અસ્તિત્વ ફરજ પર હાજર થયો ત્યારે ઓફિસ સ્ટાફ તેને શંકાની નજરે જોવા લાગ્યો. તેની સાથે 'અસહકાર'નો માર્ગ અપનાવ્યો. મુલાકાતીઓની કાનભંભેરણી કરી તેમને અસ્તિત્વની વિરુદ્ધ ઉશ્કેરવાની પ્રવૃત્તિ શરૂ કરી દીધી ! અવલોકને અંગત રીતે બાંધકામના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. અસ્તિત્વ હવે બાંધકામ ખાતાનો ઈજનેર છે, એ જાણ્યા બાદ એણે સરકારી કામો કરાવી આપવાનાં વચનો આપી 'રોકડી' કરવાનું શરૂ કર્યું હતું... પરંતુ અસ્તિત્વએ અવલોકન જે કામો માટે ભલામણ કરે, તેને મંજૂર ન રાખવાનો ેનિયમ કર્યો હતો. પરિણામે છંછેડાએલા અવલોકને અસ્તિત્વ વિરુદ્ધ અરજીઓ કરાવવાનું શરૂ કરાવી દીધું હતું અને એક ખોટા કેસમાં તેના ઉપરી અધિકારીને લાંચ આપી અસ્તિત્વને સસ્પેન્ડ કરાવ્યો હતો.
છ મહિના સુધી ઈન્કવાયરી ચાલી અને પુરાવાને અભાવે અસ્તિત્વ નિર્દોષ ઠર્યો. એ દરમ્યાન અવલોકને તેને પપ્પાની કંપનીમાં નોકરી આપવાની તૈયારી દર્શાવી હતી પણ અસ્તિત્વને મોટાભાઈની 'દયા' ખપતી નહોતી.
અસ્તિત્વ ફરીથી નોકરી પર હાજર થયો હતો. અગ્નિ પરીક્ષા પછી પણ તે લેશમાત્ર વિચલિત થયો ન હતો. એણે ગરીબોને રોજી-રોટી અપાવવાના કામને પ્રાથમિકતા આપી હતી. નોકરીના સમય બાદ જી.પી.એસ.સી કે યુ.પી.એસ.સી.ની પરીક્ષા માટે તૈયાર કરતા ગરીબ ઉમેદવારોને ભણાવતો. પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરી માટે તેમને ભલામણપત્રો લખી આપતો. પરિણામે ગરીબ યુવાનો અને તેમના માતા-પિતા અસ્તિત્વને દેવદૂત સમાન માનતાં હતાં.
અન્ય કર્મચારીઓ અને અધિકારીઓને અસ્તિત્વની લોકપ્રિયતા ખટકતી હતી. તેથી ખટપટ કરી તેની બદલી કરાવી ત્યારે ગરીબ યુવાનો અને તેમનાં મા-બાપે એક સરઘસ કાઢી અસ્તિત્વની બદલી રોકાવવા માટે ધરણા કર્યા હતા. કેટલાક યુવાનોએ બાંધકામ ખાતાના મંત્રીને રૂબરૂ મળી અસ્તિત્વની એક આદર્શ અધિકારી તરીકે પ્રશંસા કરી હતી. મંત્રીશ્રીએ પણ પોતે 'ગરીબોના બેલી છે' એવું દેખાડવાની તક ઝડપી લઈ અસ્તિત્વની બદલી તાત્કાલિક અસરથી બંધ કરાવી હતી.
અસ્તિત્વના પિતાજી સુખાનંદ પણ પોતાના પુત્રની મહાનતા જોઈ ખુશ થયા હતા. તેને માટે એક ભવ્ય બંગલો ખરીદી એક અમીર કુટુંબની પુત્રી સાથે તેના વિવાહની તૈયારીઓ શરૂ કરી દીધી હતી પણ અસ્તિત્વએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું: ''મને નથી ખપતો વૈભવશાળી બંગલો કે નથી ખપતી વૈભવશાળી પરિવારમાંથી આવનારી જીવનસંગિની. હું સાદગીથી ચૂપચાપ લગ્ન કરી લઈશ, કોઈનેય નિમંત્રિત કર્યા વગર.''
અસ્તિત્વે અનાથાશ્રમના બાળકોનું સેવાકાર્ય ચાલુ રાખ્યું હતું. પોતાના પગારની ત્રીસ ટકા રકમ તે અનાથાશ્રમનાં બાળકો માટે દાનમાં આપતો.
એક સેવાભાવી અને આદર્શવાદી યુવાન તરીકે આશ્રમના વયોવૃદ્ધ સંચાલક કૃષ્ણાનંદને અસ્તિત્વ માટે માન હતું. એવામાં તેઓ બ્રેઈન સ્ટ્રોકનો શિકાર બન્યા. એમના જમણી બાજુનાં અંગો લકવાગ્રસ્ત બન્યાં.
એમને પોતાની અવિવાહિત પુત્રી અભ્યર્થનાની ચિંતા કોરી ખાતી હતી. એમણે અસ્તિત્વને બોલાવીને કહ્યું: ''અસ્તિત્વભાઈ, તમે તમારા બચપણથી આજ સુધી આશ્રમની અનેક રીતે સેવા કરી છે. એક અમીર પિતાના પુત્ર હોવા છતાં સ્વાવલંબી બની આજ લગી જીવ્યા છો. તમારી જાણમાં મધ્યમવર્ગના એવા યુવાનો હશે, જે પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતી મારી પુત્રી અભ્યર્થનાને સ્વીકારવા તૈયાર થશે. ગામડે આવેલાં મારાં ખેતર, ઘર અને મારી તમામ સંપત્તિ હું મારા ભાવિ જમાઈને આપવા તૈયાર છું... અભ્યર્થનાને યોગ્ય મૂરતીઓ મને શોધી આપવાની કૃપા કરો.'' આશ્રમ સંચાલક કૃષ્ણાનંદ રડી પડયા.
એમની વાત સાંભળી અસ્તિત્વે મૌન ધારણ કર્યું... અને વિદાય થતી વખતે કહ્યું: ''ભગવાનમાં વિશ્વાસ રાખજો. તમે અનાથ બાળનારાયણોની સેવા કરી છે એટલે ભગવાન કૃપા અને કરુણા તમારી પર અવશ્ય વરસશે.''
એ પછી પંદર દિવસ સુધી અસ્તિત્વ કૃષ્ણાનંદને મળ્યો નહોતો. એણે કોર્ટની રાહે અભ્યર્થના સાથે લગ્ન કરી લીધા હતા પણ એ વાત એણે ગુપ્ત રાખી હતી. લગ્ન પછી અભ્યર્થના પોતાના પિતાજી પાસે ચાલી ગઈ હતી એટલે કૃષ્ણાનંદને કશી વાતનો ખ્યાલ આવ્યો નહોતો. એમણે અસ્તિત્વની ગેરહાજરીની ફરિયાદ કરતાં અભ્યર્થનાને કહ્યું હતું: ''દીકરી, વિપત્તિ આવે ત્યારે માણસના સંબંધની
કસોટી થાય છે. મને કલ્પના પણ નહોતી કે અસ્તિત્વ જેવો સેવાભાવી યુવક પલાયનવાદી નીકળી મારી વાતને ઠોકર મારશે.'' અભ્યર્થના તેમની વાત સાંભળી મનોમન હસી રહી હતી.
એક રવિવારે અભ્યર્થના સાથે અસ્તિત્વ પોતાના પપ્પાજી સુખાનંદને મળવા ગયો હતો અને આશ્રમના સંચાલક કૃષ્ણાનંદની પુત્રી અને પોતાની પત્ની તરીકે તેનો પરિચય કરાવ્યો હતો.
સુખાનંદના ગુસ્સાનો પાર નહોતો. એમણે કહ્યું: ''આવા ગરીબ ઘરની પુત્રવધૂ મને ના ખપે.''
અસ્તિત્વએ તરત જ કહ્યું હતું: ''પપ્પાજી, અમીર ઘરની પુત્રીના સસરા બનવાની તક આપની પાસે છે જ. અવલોકનભાઈના લગ્ન કોઈ ધનાઢ્ય પરિવારની દીકરી સાથે કરાવજો.''
'પણ હું તને મારા ઘરમાં ક્યારેય સ્થાન નહીં આપું... પિતાદ્રોહીને આ ઘરમાં રહેવાનો અધિકાર નથી.'
''પપ્પાજી, આપ એક નવો ચીલો પાડો. કન્યાના પિતા લગ્ન દ્વારા કન્યાદાન આપે છે. પણ વરના પિતા 'વર' દાન આપતા હોય એવું સાંભળવા મળ્યું નથી. આપ મારા પિતા તરીકે મારા સસરા કૃષ્ણાનંદને 'વર'દાન આપો. કન્યા સાસરે રહેવા આવે એમ હું મારા સાસરે રહેવા જઈશ. અભ્યર્થનાના પિતા લકવાગ્રસ્ત છે. એમને પુત્ર નથી. એમની પુત્રી પણ હું પડાવી લઉં તો તેમનો અપરાધી કહેવાઉં. હું કૃષ્ણાનંદજીનો 'ઘરજમાઈ' નહીં પણ 'દત્તક પુત્ર' રૂપે તેઓ જીવે ત્યાં સુધી તેમની સાથે રહીશ. આપનો પુત્ર અસ્તિત્વ આપના દાનથી 'વર'દાન રૂપે હવે કૃષ્ણાનંદજીને પ્રદાન કરો - કહી અસ્તિત્વ પિતાજીને પ્રણામ કરી અભ્યર્થના સાથે વિદાય થયો હતો. પુત્રી અભ્યર્થના હજી સુધી આવી નહોતી એટલે કૃષ્ણાનંદ તરસી આંખે તેની વાટ જોતા હતા. અભ્યર્થનાને અસ્તિત્વ સાથે જોઈ લકવાગ્રસ્ત કૃષ્ણાનંદે પૂછ્યું: બેટા અસ્તિત્વ, અભ્યર્થના માટે મૂરતીઓ શોધ્યો ?''
'હા, તેને માટે મૂરતીઓ મળી ગયો, તે હાજર છે.' - અસ્તિત્વે કહ્યું ''ક્યાં છે... મને જલ્દી બતાવ.'' કૃષ્ણાનંદે કહ્યું અને અભ્યર્થનાએ કહ્યું: ''આપના જમાઈ અસ્તિત્વને આશીર્વાદ આપો.''