વિશ્વકવિતા દિવસ નિમિત્તે કવિતા વિશે થોડુંક
અંતરનેટની કવિતા - અનિલ ચાવડા
'આપણે ત્યાં છંદનાં ખોખાં ખૂબ લખાયાં છે, એમાં કવિતાનો પ્રાણ પુરાયો નથી.' છંદ એ શરીર છે, કવિતા તેમાં રહેલો પ્રાણ છે. ઘણી વાર છંદ જળવાયો હોય, અર્થ નિષ્પન્ન થયો હોય, છતાં હૃદયસ્પર્શી કશું ન હોય
લોગઇન
ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઇને રમાડવાની આવડત છે ?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે ?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે ?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે - કદાચ.
- જયન્ત પાઠક
ગ ઇકાલે, ૨૧ માર્ચે વિશ્વકવિતા દિવસ હતો. આ નિમિત્તે થોડી વાત. કેમકે સોશિયલ મીડિયાના આવ્યાથી કવિઓની સંખ્યા દરિયાકાંઠે મોજું અથડાયાં પછી ફીણ ઉત્પન્ન થાય એમ થઇ છે. સોશિયલ મીડિયાનાં મોજાંમાં આ ફીણ ક્યાં લગી ટકશે, કોને ખબર ? પણ એક વાત ચોક્કસ કે આમાં ઘણા મજબૂત અવાજો પણ છે. સોશિયલ મીડિયાનો મોટો આભાર એ કે કવિતાની લોકો સુધી પહોંચાડવામાં સુગમતા કરી આપી. ક્યારેક આ મોટો ઉપકાર અપકાર પણ સાબિત થાય છે.
કવિ જે લખે તે કવિતા ? કે જે કવિતા લખે તે કવિ ? કવિતા ખરેખર છે શું ? પ્રાસની લયબદ્ધ ગોઠવણ ? ગાઈ શકાય તે ? અલંકારનો સારી રીતે ઓળીપપો કર્યો હોય તે ? કંઇક અર્થ નીકળતો હોય તે ? છંદોબદ્ધ લખાય તે ? તો પછી અછંદસ શું છે ? આમ તો કવિતા લખવી સાવ સહેલી છે. માત્ર સારી કવિતા લખવી અઘરી છે. થોડાઘણા છંદ શીખીને કંઇ પણ કવિતામાં ખપાવી શકાય. હરિકૃષ્ણ પાઠકે એકવાર સરસ વિધાન કરેલું, 'આપણે ત્યાં છંદનાં ખોખાં ખૂબ લખાયાં છે, એમાં કવિતાનો પ્રાણ પુરાયો નથી.' છંદ એ શરીર છે, કવિતા તેમાં રહેલો પ્રાણ છે.
ઘણી વાર છંદ જળવાયો હોય, અર્થ નિષ્પન્ન થયો હોય, છતાં હૃદયસ્પર્શી કશું ન હોય. આનું કારણ એ કે છંદ એ કવિતા નથી. તો પછી થાય કે એમાંથી અર્થ તો નીકળે છે, છતાં કવિતા કેમ બનતી નથી. ? કદાચ અર્થ પણ કવિતા નથી. એક જાણીતા વિદ્વાને એમ પણ લખેલું કે, 'શબ્દ કાવ્યનું સ્થુળ સાધન છે અને અર્થ સુક્ષ્મ સાધન.' પણ બહુ જીણવટપૂર્વક વિચારીએ તો આ વિધાન સામે પણ પ્રશ્ન થાય. દા.ત., 'તાજમહેલ પર આતંકવાદી હુમલો થયો' એવી હેડલાઈન છાપામાં વાંચીએ ત્યારે એમાંથી અર્થ તો નીકળે છે, પણ એ સમાચાર થયા, કવિતા નથી. મતલબ કે અર્થ પણ કવિતા નથી.
સમાચાર માટે એક ઉક્તિ કહેવાય છે, 'કૂતરું માણસને કરડે એ સમાચાર નથી, પણ માણસ કૂતરાને કરડે એ સમાચાર છે.' કવિતામાં પણ કંઇક 'કદાચ' આવું જ છે. અત્યાર સુધી તમે જે જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, માણ્યું છે, સમજ્યું છે, જે સમજણ તમે સ્વીકારી લીધી છે, એ જ્યારે કોઈ જુદા વિચારથી તૂટે છે, ત્યારે તે કવિતા હોવાની સંભાવના છે. યાદ રાખજો, અહીં માત્ર 'સંભાવના' કહેવાઈ છે. હોય જ એમ નથી કહેવાયું. વળી પ્રશ્ન થાય કે આપણી સમજણ તૂટવાની ઘટના જ કવિતા કહેવાતી હોય તો એવું લય-પ્રાસ-છાંદસ-અછાંદસ વિના પણ થતું હોય છે. માટે કવિતાને જેટલી રીતે સમજીએ એટલી રીત ઓછી છે.
જો કે કવિતાની ઓળખ બાબતે કોઈ પણ તારવણી કરવામાં એક વસ્તુ સમાન છે કે એમાં ભાવની અભિવ્યક્તિ છે, તે છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ, હાઈકુ, સોનેટ કે ગમે તે સ્વરૂપ હોય. ભાવ હોવો જોઇએ. વળી પ્રશ્ન થાય કે આપણી દૈનિક વાતોમાં પણ ભાવ અને ભાવનાઓ તો હોય જ છે ! પણ કવિતામાં તે વિશેષ રસાઇને-ઘૂંટાઈને ભારપૂર્વક આવે છે. તેમાં શબ્દ, અર્થ, રસ, લાઘવ, પ્રાસ, લય-ઢાળ, છટા વગેરે અભિવ્યક્તિ ઉમેરાય છે. જો કે કવિતા વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. કવિતા વિશે જે કહીએ તે બધું જ અમુક અંશે સાચું છે, અને એક રીતે જોઇએ તો બધું જ તેની વ્યાખ્યા કરવામાં ઊણું ઉતરે છે.
કવિતા સંસ્કૃતિની ધરોહર છે. કવિતાના શબ્દએ ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખી છે. જયંત પાઠકે કહ્યું છે તેમ કવિતા નિપજાવવી હોય તો શૂળી પર ચઢવાની હિંમત, અંગારાને હથેળીમાં રમાડવાનું કૌવત, દીવાલમાંથી આરપાર નીકળી જવાની હિકમત, કરોળિયાના જાળામાં બ્રહ્માંડને તરફડતું જોવાની આંખ ને એવું ઘણું જોઇએ.
આટલું હોય તો થઇ શકે - કદાચ જયંત પાઠકે પણ છેલ્લે 'કદાચ' ઉમેર્યું છે. તેમણે જે વાત કરી તે શારિરીક રીતે નથી લેવાની. કોઈ માણસ ચૂલાના અંગારા હાથમાં લઇને રમાડે, પછી કાગળ-કલમ લઇ બેસી જાય તો કવિતા ન થાય. આ બધું તો ચેતનાના સ્તર પણ અનુભવવાનું છે, એ અનુભવ્યા પછીય કવિતાનો શબ્દ મળે તો મળે. કવિતા ઇશ્વરદત્ત હોય, તે સાચું, પણ તે તો માત્ર એકાદ ટકો, બાકી નવ્વાણું ટકા તો પરીશ્રમ જોઇએ. આમ તો હજી ઘણું કવિતા વિશે લખી શકાય, પણ શબ્દ મર્યાદા ધ્યાનમાં રાખીને અહીં અટકીએ.
લોગ આઉટ
કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?
સરોવરો સુકાઈ જાય ?
નદીઓ વહેતી થંભી જાય ?
ડુંગરા ડોલી ઊઠે ?
ઘાસ ઊગતું બંધ થઇ જાય ?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય ?
ના, ના, એવું એવું તો ના થાય -
પણ... પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊંચે ના જાય.
કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
- એટલે કે કશું થાય જ નહીં !
- જયન્ત પાઠક