Get The App

ઉનાળાનાં આશ્ચર્યો .

આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ

Updated: Mar 21st, 2020

GS TEAM

Google News
Google News
ઉનાળાનાં આશ્ચર્યો    . 1 - image


ઉનાળાનું આગમન ઋષિ દુર્વાક્ષા જેવું છે. અભિશાપયુક્ત આશીર્વાદ જેવું ! ઉનાળાની આકરી કસોટી પછી જ મેઘસવારી નીકળતી હોય છે. મેઘ એ ઉનાળાનું પરિણામ છે. 

માર્ચ મહિનાનો ઉંબરો ઓળંગીને આપણે માર્ચની ઓસરીમાં પ્રવેશ્યા છીએ. ફેબુ્રઆરી-જાન્યુઆરીના શીતળતાના ટાપુ વટાવી દીધા છે. ફેબુ્રઆરીના પડખે છુપાયેલી રહી સહી ઠંડી વિદાય માંગી રહી છે. સૂર્યના સાનિધ્યમાં થોડીક તીખાશનો અનુભવ થવા લાગ્યો છે. સૂરજનો કૂમળો સ્પર્શ હવે ઓછો ગમે છે. આ સૂરજ બદલાયો કે શું ? લીમડાય ખર્યાં છે... બોરડીઓ પણ વસ્ત્રવિહિન બની છે... નવપલ્લવથી વનરાજિ સોહી રહી છે. સૂરજની તીખાશ દુર્વાસા જેવી છે. એની તરફ ઉપેક્ષા કરીએ તો પણ એ તીખાશનું કામ મીઠાશ આપવાનું છે. લીમડા આખે અંગે ન્હાઈ ધોઈ સજ્જ થઈ ગયા છે. ચૈત્રની ટીલડીઓ લઈને લીમડો ઊભો ઊભો હરખાય છે. લીમડો તો જાણે ઝબક જ્યોત જેવી મંજરીથી શોભતો વરરાજા !! એના અંગે અંગે આનંદની ઊર્મિઓ છે. પવનના માધ્યમમાં લીમડાનો લય હિલ્લોળાય છે અને લીમડાને ફૂટે છે સંગીત !! લીંબોળીઓ થઈને ઊભી છે લૂણારીઓ !! લીમડો તડકાને ગમે છે કે તડકો લીમડાને જોઈને રાજી થાય છે ? નક્કી નથી કરી શકાતું.

ઉનાળાની કઠોરતા કૂંપળોની આગળ લાચાર છે !! કૂપળોનો જય જયકાર થઈ રહ્યો છે. ચંપો દીવો થઈને ઉભો છે જાણે ! અને આમ્રમંજરીનાં તોરણિયાં લગનગાણે ગુલતાન છે... કોકિલ ટહુકે વાતાવરણ ઘેરાયું છે કે રંગાયું છે ? વસંતનો વૈભવ વ્યાપ્યો છે કે વસંતે વૈભવ સ્થાપ્યો છે ? વસંતના વૈભવનું ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે. થઈ ગયું છે... વસંતરાણીએ પધરામણી કરી છે. એનાં પગલાં પડયાં છે એટલે એનાં માન સન્માન પણ વધી ગયા છે. ઉનાળાની કઠોરતાને કમનીય બનાવવાનું કામ વસંત કરે છે. વસંતે ઉનાળાને રમ્ય બનાવી ભવ્યતાનો પરિચય કરાવ્યો છે. ગરમાળો, ગુલમ્હોર એ બે વૃક્ષો ઉનાળાની પ્રકૃતિના વિશિષ્ટ પ્રતિનિધિઓ છે. આ સમયે બંને વૃક્ષોની કાયા ઉપર પર્ણો નહિ પુષ્પો વધારે શોભે છે. ધ્યાનથી નિહાળીએ તો લાગે કે પુષ્પોનાં વૃક્ષો લાગે છે.

આમ્રવૃક્ષને ગર્ભ રહ્યો છે. જાંબુડા પણ એ જ સ્થિતિમાં છે. સમગ્ર વાતાવરણમાં પુરુષરજ લઈ ઉનાળો નીકળી પડયો છે. એનો મહિમા મોટો છે !! ઉનાળામાં સૌથી વધુ બોલકું કોણ ? ગુલમહોર, ગરમાળો, લીમડો અને આંબો... એ વૃક્ષોના અવાજો ઉનાળાની કાયાને રણઝણાવે છે. તેમની સ્નેહયુક્ત અભિવ્યક્તિ એના છાકને, દોરદમામને પ્રગટ કરે છે. એ વૃક્ષોને તાલી દેવા માટે મોગરા અને શિરીષ પણ તૈયાર છે. મોગરાની ધવલતા જોઈ ગુલમ્હોર રાતોચોળ !! શીમળો પણ રેશમી પુષ્પોની જાજમ પાથરવા સજ્જ બની જાય છે !! મહુડો પણ ભાનભૂલ્યા ઢોલી જેવો ઢોલીડો થઈ જવા આતુર છે. આંબાની કૂખમાં ગર્ભ રહ્યો છે. એ તડકાની પરિભાષા સમજીને પોતાના ગર્ભને મીઠાશનું મહાત્મ્ય શીખવે છે !! પવન ગ્રીષ્મનો વરઘોડો જોઈ ધીમો પડી રહ્યો છે. વરરાજા એવો લીમડો તેની શાલીનતા અક્ષત સાચવી શકતો નથી, એને તો એની ગ્રામ્યતા ભલી !! આ પલટાતી પરિસ્થિતિમાં તડકો પણ લીમડાભાઈની જાનમાં જવા આતુર બની જાય છે !!

તેજનો ધોધ પડે છે કે તડકાનો વરસાદ !! નક્કી કરીને કહેવું મુશ્કેલ !! લીમડાની કવિતા, આંબાની વારતા ગુલમ્હોર - ગરમાળાની વાર્તા, તમારે સાંભળવાં હોય તો ઉનાળાની યાત્રાએ નીકળવું જોઈએ. ઉનાળાની યાત્રામાં જે આસ્વાદનાં દર્શન થશે તેનાથી કંઈ ઓછા ધન્ય નહિ થવાય ! ધન્યતા ધન્યતા અનુભવાશે. લીમડાની તહેનાતમાં હાજર હોય છે ઝાકળકન્યાઓ... એ રાત્રે તૃણાંકરો પર પ્રગટે છે અને સવારે કોઈની નજર પડે તે પહેલાં લીમડાની રટણા કરતી કરતી છૂ થઈ જાય છે. આંબો અને લીમડો બે સ્પર્ધામાં છે. ક્યા વરરાજાનો મહિમા મોટો ? આંબો ફળ દ્વારા પ્રીતિ પામવા કોશિશ કરે છે. જ્યારે લીમડાની નોટનાં બધાં જ પાનાં કોરાં છતાં કવિતાથી ભરેલાં છે !! લીમડાની છાંયામાં મીઠાશ આપે છે ઉનાળો... અને આંબાના ફળની ખટાશનું મીઠાશમાં રૂપાંતરણ કરે છે પણ ઉનાળો !! ઉનાળાનું કેટલું મોટું અચરજ !! પોતે કઠોર પણ એનું ઝરણું મીઠું !! કોયલનો મીઠો સૂર આ ઋતુમાં કેમ સાંભળવા મળતો હશે ?

પૃથ્વીની નસેનસમાં તાવ આવ્યાનો અહેસાસ થાય છે. એનું અંગેઅંગ ધખતું અનુભવાય છે... ઉનાળાનું આગમન ઋષિ દુર્વાક્ષા જેવું છે. અભિશાપયુક્ત આશીર્વાદ જેવું ! ઉનાળાની આકરી કસોટી પછી જ મેઘસવારી નીકળતી હોય છે. મેઘ એ ઉનાળાનું પરિણામ છે. પૃથ્વીની ધૂળ ઉનાળામાં ઊંચે ચઢે અને નીચે ઊતરે... નૃત્ય કરે છે. ઉનાળો એને નચાવે છે. પૃથ્વીના પદાર્થોના છાંયડા ઉનાળાના કારણે નાના નાના મોટા મોટા દેખાય છે. સૂર્ય ઘર તરફ જાય ત્યારે છાયા મોટા અને સૂરજ સામ્રાજ્ય જમાવે ત્યારે છાંયડા નાના... આ ઉનાળાનું અચરજ છે. રાત્રે પૃથ્વીની રેત, નદીની રેત ઠંડી પડે છે એમ કહેવા કરતાં સૂરજનો ડર નહિ રહેવાથી પૃથ્વીને ભય ઓછો લાગે છે... એ ઉનાળાનું પરિણામ છે. ફાગણ મહિનામાં પ્રેમપર્વ ભલે ઉજવાય પણ એ પ્રેમની નોંધ તો ચઈતરની ડાયરીમાંથી હાથ લાગે. પ્રેમપર્વ ભલે ના માણ્યું હોય પણ ચઈતરની ડાયરીને વાંચો એટલે ધન્ય થઈ જવાય.

ક્યારેક પવનની ગતિ દ્રુત, મંથર... લજ્જિલ કન્યા જેવી !! ચૈતરના ગૃહમાં એ શરમની ઓકળિઓ તમને જોવા મળે બપોરે પણ વનસ્પતિ ઉપર વહાલ ઢોળતો દેખાય સૂર્ય !! નદીની રેતમાં ચૈત્રની રાત આત્મીયતા આંજે છે કે એ રેતને આત્મીયતાથી માંજે છે ? એટલે તો એ રેત સૌથી વધુ ઠંડક આપનારી પ્રિયંકર લાગે છે. રેત ઉપરનાં બેસણાં ચૈત્રની રાત્રે સ્વર્ગીય લાગે છે. ચૈત્રની રાત્રિમાં તળાવ, નદીનાં પાણીમાં ચાંદની ખુદ સ્નાન કરવા હેઠે ઊતરે છે. એની સ્નાનવિધિથી પાણી પવિત્ર બની જાય છે.. ચૈત્રની રાત્રિએ જે બહાર નથી નીકળતા તેમને ચૈત્રનો મહિમા નહિ સમજાય... ઈશ્વરને હેઠે ઊતરેલો જોવો હોય તો ચૈત્રની રાત્રિએ બહાર નીકળવું પડે... ચાંદનીના સ્પર્શમાં એ દેખાય... અનુભવાય... ચૈત્રની રાત્રિ દિવસના પ્રેમની ગોઠડી કરી, કહી ઠંડી થઈ જાય છે ત્યારે એમાં ઈશ્વરનો સ્પર્શ હોય છે. ચૈત્ર આવતાં જ દિવસની ડાળ લંબાઈ જાય છે અને કોયલનાં પંચમસૂરો ક્યાંકથી બહાર દોડી આવે છે એના વલયો રચાય છે. એમાંથી તેજવલયો જન્મે છે. ચૈતરમાં આકાશ તમોગુણી દેખાય પણ એના ઊંડાણમાં ગહન શાંતિના દર્શન પણ થાય... તડકાને આવકારો આપનારાનોય તોટો નથી... ખેતરો, શેઢા, વૃક્ષો, સરિતા તો આવકારે પણ પૃથ્વી પણ પટ પાથરીને એને પોકારે છે.

Tags :