વલ્લભભાઈના મહામૂલા સ્મારકનું ઉપેક્ષિત સરનામુ : દેસાઈની હવેલી

- સરદાર @150-હસિત મહેતા
- આજે પણ ત્યાં આવેલી દેસાઈની હવેલીને તેના માલિકોએ સરદાર સ્મૃતિ-સ્મરણની મહામૂલી મૂડી સમજીને અસલ રૂપે સાચવી જાણી છે
- બાકરોલની દેસાઈ હવેલીનો સરદાર ખંડ
બા કરોલ, એક નાનકડું ગામ, જ્યાંની દેસાઈની હવેલી એ શાંતિ, સગવડ અને સફળતાની આશાએ વલ્લભભાઈ રહેવા ગયા, પરંતુ એ પૂરેપૂરી સંતોષાઈ નહીં. ત્યાં એ બધુ તો હતું, પરંતુ વલ્લભભાઈના નસીબમાં સંઘર્ષ જ લખાયો હોય, ગૂમડાંનું અસહ્ય દર્દ સહન કરવાનું હોય, તો પેલી વૈભવી હવેલી તેમાં શું કરે?
આ બાકરોલ આણંદ જિલ્લાનું, વલ્લભવિદ્યાનગરની સીમનું, તેમના વતન કરમસદ કે મોસાળ નડિયાદથી માંડ પંદરેક માઈલે આવેલું, ચરોતરી પાટીદાર ગામ. તેના નામેરી બીજા ગામો દક્ષિણ ગુજરાતે અંકલેશ્વર તાલુકામાં, અમદાવાદ જિલ્લાએ દસક્રોઈમાં, પંચમહાલે કાલોલ નજીક પણ છે. પરંતુ એક સમયે માત્ર ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને સામાન્ય ગૃહઉદ્યોગો ઉપર નભેલું ચરોતરી બાકરોલ જ વલ્લભભાઈના જીવનની એક મોટી ઘટનાનું સાક્ષી છે. આજે તો આણંદ મહાનગરપાલિકાના વિશાળ બાહુપાશમાં બાકરોલ સંકેલાઈ ગયું છે. એ મહાનગરના એક સિમેન્ટીયા- કોંકરેટિયા જંગલ વિસ્તાર જેવું, શહેરીકરણના રસ્તે ચડેલું અર્બનિયું બાકરોલ વલ્લભભાઈના સમયે હતું, તેવું આજે નથી રહ્યું.
ઈ.સ.૧૮૯૮-૯૯ના એ વર્ષો, જ્યારે વલ્લભભાઈએ બાકરોલની દેસાઈની હવેલીમાં વકીલાતનો સધન અભ્યાસ કરવા માટે મિત્રની સાથે રહેવાનું શરૂ કરેલું, ત્યારે બાકરોલ ડાંગર, બાજરી, તમાકું, બટાકા, શક્કરીયા અને બીજા શાકભાજીના પાકથી લહેરાતાં ખેતરોથી ભર્યું-ભર્યું હતું.
આજે પણ ત્યાં આવેલી દેસાઈની હવેલીને તેના માલિકોએ સરદાર સ્મૃતિ-સ્મરણની મહામૂલી મૂડી સમજીને અસલ રૂપે સાચવી જાણી છે. ઑરિજીનલ ટીકવુડના કાર્વિંગવાળા થાંભલા, ચોકઠાં, બારણાં, બારસાખો અને ટોડલાથી શોભતી આ હવેલીનો હેરિટેજ વારસો સમજીને, તેના મૂળરૂપે જાળવી રાખવી, તેને અસલના વખતના ગૌરવવારસા સમી ઉભી રાખવી કાંઈ ખાવાના ખેલ નથી. જૂના મકાનો અને જૂની શૈલીના બાંધકામો માટેની મરામતી ભાંજગડોને પહોંચી વળવી સહેલી નથી. તો યે આજે હવેલીના માલિક ચીમનભાઈ દાદુભાઈ દેસાઈના પૌત્રી બિનીતાબેન અને જમાઈ અહીં રહે છે. તેને મસ્ત રંગરોગાન સાથે જાળવે છે. કારણ કે આ પરિવાર સમજે છે કે વલ્લભભાઈ પટેલ જેવા વીરસપૂત જ્યાં રહ્યાં હોય, એ તો દેશપ્રેમીઓ માટે પ્રસાદીનો મહેલ કહેવાય. આવા ગૌરવ અને ઈતિહાસની મહત્ત્વની રેખાઓ નથી સમજતો આપણો સમાજ, સરકાર અને સરદાર પ્રેમીઓ કે રખેવાળો. વલ્લભભાઈનાં ચશ્મેકદમ ઉપર ચાલવાનો નખરો બતાવતાં રાજકારણીઓને પણ તેની પડી નથી. છતાં સદનસીબે અડીખમ ઉભી છે. બદનસીબે વલ્લભભાઈની આ હવેલી તરફ આજે સહુ કોઈ ઉપેક્ષાએ ઉભા છે.
અન્યથા બાકરોલની દેસાઈ હવેલીના ત્રીજા માળે, એક નાનકડી ઓરડીમાં, નાનકડી બારી અને જાળિયાના સહારે, અંધારિયો, સાંકડો, ઉભો દાદર ચડીને પહોંચીએ ત્યાં મળતી મેડીએ, વલ્લભભાઈએ વકીલાતના અભ્યાસ માટે જે દિવસો ગાળ્યાં હતાં, તેનું મહત્ત્વ સરદારની ગૌરવગાથાનો ઉપાડો લેતાં નેતા-અભિનેતા-લોકનેતાઓને માટે પ્રથમ અગ્રિમતા ન હોત?
આ હવેલીની મેડીવાળી જે રૂમમાં વલ્લભભાઈ વાંચવા રોકાયા હતાં, તેનાં સ્થાપત્યનું સૌંદર્યશાસ્ત્ર અદભૂત છે. એ ઓરડીની દિવાલો ઉપરના અસલના વખતના ભીંતચિત્રો યથાતથ છે. પરદેશી ભાષામાં ફ્રેસ્કો તરીકે ઓળખાતાં આ ભીંતચિત્રોનું ફલક ઘણું મોટું, એકરંગી, કોઈ વાર્તા કે પૌરાણિક કથાનક બોલતું હોય તેવું છે. તેમાં ફૂલપાંદડીની ડીઝાઈનો વચ્ચે માનવપાત્રોની દ્વિપરિમાણીય સંયોજના છે. એ સમયનું ભીંતચિત્ર આજે સવાસો વર્ષના વ્હાણા વહી ગયા પછી પણ મોટી ઍસ્થેટિક્સ વેલ્યું ધરાવતું ધબકી રહ્યું છે.
એકવાર ઈ.સ.૧૯૪૨ના માર્ચની ૯મી તારીખે વલ્લભભાઈ બાકરોલ આવ્યા હતા. એ વખતે આઝાદીની ચળવળ પૂરજોશમાં હતી. હીંદ છોડો આંદોલનનો પવન ફૂંકાયો હતો. વલ્લભભાઈ ૭મીએ હજીરાથી આણંદ આવ્યાં, ૯મીની સવારે બાકરોલમાં અને સાંજે નડિયાદમાં ભાષણો કર્યા. ત્યારે તેઓ બાકરોલમાં પોતાનું ભાષણ પતાવીને સીધા આ દેસાઈની હવેલીએ ગયા હતા, લગભગ તેંતાળીસ વરસ પછી. ત્યાં તેમણે મિત્ર કાશીભાઈના ભાભી દિવાળીબાને બે સવાલ પૂછયા હતા. 'અમુમિયાં ક્યાં છે?' વલ્લભભાઈને એ વાત પાક્કી યાદ હતી કે પ્લીડરની પરીક્ષા વખતે તેઓ જ્યારે દેસાઈની હેવલીમાં ઘરમેળે અભ્યાસ કરતાં હતા, ત્યારે આ હવેલીના ચાકર અમુમિયાં જ એમના કપડાં ધોવાથી માંડીને બધા જ કામો કરી આપતાં હતા. એ જ રીતે તે સમયના હવેલીના રસોઈયા લક્ષ્મીરામને પણ યાદ કરતો સવાલ સરદારે પેલા દિવાળીબાને કર્યો હતો.
'અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.' એ શ્રેયસ્કર સૂત્રને આધારે વલ્લભભાઈએ બાકરોલની હવેલીમાં ગૂમડાંના દર્દ સાથે પ્લીડરની પરીક્ષાની વાંચન-તૈયારી જે સફળતાથી પાર પાડી હતી, તેને તેઓ વર્ષોના વહાણા વહી ગયા પછી પણ ભૂલ્યા નહોતા. આપણે સહુ ભૂલી ગયા. અન્યથા એ જગપ્રસિદ્ધ હવેલી આજે સરદારની સ્મરણ-સ્મારક યાત્રાનો બહુ મોટો પડાવ બની રહી હોત.'








