Magazines

ઇશ્વર બળેલાંને જ કેમ બાળે છે? .

By GS TEAM
21 Jun 20257 mins read
ઇશ્વર બળેલાંને જ કેમ બાળે છે?                     .

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- મહોબ્બતની સીડી તો સટસડાટ ચડી જવાય છે પણ જ્યારે કોઈ કારણસર ઉતરવાનો વારો આવે ત્યારે પગ લથડાવા માંડે છે. પગથિયું ચૂક્યા તો જમીનદોસ્ત

અ નુષ્ઠાનને ખુલ્લામાં બેસવું ગમે છે. પોતાના નાનકડા બગીચાના દરેક છોડને એ ઓળખે છે. પક્ષીઓ પ્રત્યે તેને પ્રેમ છે, એટલે ખિસકોલી પણ નિર્ભયપણે તેના ખોળા સુધી પહોંચી જાય છે. કોયલ પણ જાણે કે અનુષ્ઠાનની પ્રતિક્ષા કરતી હોય તેમ એના આગમન સાથે ટહુકવાનું શરૂ કરી દે છે.

પણ માણસનું હૃદય અંદરથી કેટલું એકલું હોય છે. અનુષ્ઠાનને ખબર છે કે એને કોઈ મળવા આવવાનું નથી છતાં રસ્તા તરફથી એની નજર હટતી નથી. એને યાદ આવ્યા અમૃતાના શબ્દો : 'અનુ, તારે ઘેર આંટો ના મારું તો મને ચેન નથી પડતું. એમ લાગે છે કે તારા વિના મારું જીવન અધૂરું છે. અનુ, આમ તો તું વેપારીનો દીકરો છે પણ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અદ્ભુત છે. બગીચાના પ્રત્યેક છોડ પ્રત્યેનો પ્રેમ, વિવિધ પશુ-પંખીઓ પ્રત્યેનો પ્રેમ... એમાં તું ખોવાયેલો રહે છે. અનુષ્ઠાન, તારી વાણીમાં કવિતા હોય છે. તું બોલે તો ફૂલ ઝરે છે. તારે કોઈ ઊર્મીશીલ કવિને ત્યાં જન્મવું જોઈતું હતું. ભવિષ્યમાં તને તારા પપ્પા વેપારી પેઢી પર બેસાડશે તો એકસોના તું બાર કરીશ. રામ કી ચીડિયા, રામ કા ખેત, ખાઓ ચીડિયા ભર-ભર પેટ' - એવો સંત પ્રકૃતિનો તારો સ્વભાવ એટલે જ મને ગમે છે.'

'બસ, અમૃતા હવે બહુ થયું તારું 'અનુપુરાણ', આવ બેસ. મસાલાવાળી ગરમા-ગરમ ચા નો ઓર્ડર મેં રામુને આપેલો જ છે. રામુ ક્યારની તારી રાહ જોઈને બેઠો છે, જો જે હમણાં પાંચ મિનિટમાં ચા લઈને રામુ હાજર થઈ જશે.'

'હા, અનુષ્ઠાન મને તારી સાથે ચા પીવી ખૂબ ગમે છે. બાકી ઘરે તો હું ચા પીતી જ નથી. મને ખબર છે રામુ ચા લઈને આવે છે પણ બનાવે છે તો તારા મમ્મી વરદાદેવી. તારા પપ્પા દેવમંદિર ગયા છે એટલે મેં મારી ગાડી બહાર મૂકી છે. બાપરે, તારા પપ્પા તો જાણે અગનગોળો. એમના ક્રોધનો જ્વાળામુખી ક્યારે ફાટી નીકળે તે કહેવાંય નહીં. હું તને દરરોજ મળવા આવું છું, એ એમને ગમતું નથી, પણ તારી મમ્મી મારી એડવોકેટ છે. તારા પપ્પાને તેઓ સમજાવતાં રહે છે કે 'અમૃતા એક સારા ઉચ્ચ ખાનદાન પરિવારની એકની એક દીકરી છે. અમીર હોવા છતાં એનામાં જરાપણ ઘમંડ કે આછકલાઈ નથી. સ્વભાવે નમ્ર, મળતાવડી અને સરળ છે. એનો નિર્દોષ ચહેરો મને ગમે છે...' 

વગેરે-વગેરે

'અરે, અમૃતા, તેં તો તારાં પોતાનાં ગુણગાન ચાલુ કરી દીધાં...' અનુષ્ઠાને કહ્યું.

'અરે, ના ભઈ. આ તો તારી મમ્મીએ કરેલા મારા સ્વકાને સાંભળ્યા છે. પણ અનુષ્ઠાન આગળ તારા પપ્પાજીના ડાયલોગ પણ સાંભળવા જેવા છે. તેઓ તારી મમ્મીને ચેતવણી આપીને કડકાઈભર્યા અવાજે કહેતા કે 'વરદા, તારા મનમાં શું ચાલી રહ્યું છે, મને એની ખબર છે. અમૃતા આપણા અનુષ્ઠાન માટે ? ના ભાઈ ના. કેવો રૂપાળો અને પ્રેમાળ આપણો દીકરો અનુષ્ઠાન ! અને ક્યાં અમૃતા ! મારો દીકરો ભગવાનનો માણસ છે. અને અમૃતા શરમ વગરની, શા માટે રોજ આપણા ઘરે અનુષ્ઠાનને મળવા દોડી આવે છે ? કોલેજ પૂરી થઈ એટલે કોલેજની દોસ્તી પણ પૂરી થઈ ગઈ. શા માટે અનુષ્ઠાનની પાછળ પડી છે અમૃતા ? અનુષ્ઠાન જ આપણા માટે સર્વસ્વ છે. એ અત્યંત લાગણીશીલ છે. જ્યાં ઢળવું હોય ત્યાં કશી તપાસ વગર ઢળી પડે. મહોબ્બતની સીડી તો સડસડાટ ચઢી જવાય છે પણ જ્યારે કોઈ કારણસર ઉતરવાનો વારો આવે ત્યારે પગ લથડાવા માંડે છે. પગથિયું ચૂક્યા તો જમીનદોસ્ત ! અમૃતા દરરોજ એને મળવા આવે છે મને તો દાળમાં કંઈક કાળું દેખાય છે !'..... બોલ અનુષ્ઠાન, હવે તને શાંતિ થઈ, તારા પપ્પાજીની વાત સાંભળીને. તું કહે તો કાલથી તને મળવા નહીં આવું. બસ.' કહીને અમૃતા મજાકમાં ઊભી થઈ ગઈ.

'અરે, અમૃતા બેસ, ઊભી કેમ થઈ ગઈ ? મારા પપ્પાને તો દાળમાં કંઈક કાળું દેખાય છે, પણ મને તો એકલી સ્વાદિષ્ટ દાળ જ દેખાય છે. અમૃતા, તું તો લાખોમાં એક છે. જો તારી સાથેની મૈત્રી બે ડગલાં આગળ વધે તો સૌથી વધુ આનંદ મારા મમ્મીને થશે.'

'અનુષ્ઠાન, તું પણ તારી મમ્મી જેવો છે, અતિભાવુક... લાગણીશીલ અને ઉતાવળિયો. પ્રેમ એ સુયોગ પણ છે અને રોગ પણ.... એને સુયોગ બનાવવો હોય તો વ્યક્તિની પરીક્ષા લેતાં આવડવું જોઈએ. તેં લીધી મારી પરીક્ષા ? બસ એમને એમ ભગવાન ભરોસે લાગણીની નદીમાં હોડકું લઈને નીકળી પડયો છે.' કહીને અમૃતા ખડખડાટ હસવા લાગી.

'અમૃતા, હું મજાક નથી કરતો. બેસ અને સાંભળ. તું પણ જુનવાણી વિચાર ધરાવે છે ? આટલાં વર્ષો આપણે સાથે અભ્યાસ કર્યો, અભિન્ન દોસ્ત બન્યા, દરરોજ એકબીજાને મળ્યા વગર ચાલતું નથી... હવે તારી કઈ પરીક્ષા લેવાની બાકી છે ? જવાની એટલે ભૂલો કરવાની ઋતુ. કોઈક ભૂલ ભારે તો પડે સાહસ પર પૂર્ણવિરામ મૂકી દેવાનું ? અમૃતા, હુ ભાવુક છું પણ ભોટ નથી. હું આંખનું કાજળ ગાલે ઘસું તેવો ઉતાવળીયો પણ નથી.' અનુષ્ઠાને આવેશમાં આવીને કહ્યું.

'અનુષ્ઠાન, ભલે તું મને શંકાની નજરે ન જુએ પણ તારા પરિવારને મારા વિશે તપાસ કરવાનો હક ખરો કે નહીં ! તારા પપ્પા પણ તેમની રીતે સાચા છે. અને તેની અઘરી પરીક્ષામાં પાસ થઈને જ ઝંપીશ. ચાલ, અનુષ્ઠાન તારા પપ્પાનો મંદિરેથી પાછા આવવાનો સમય થઈ ગયો છે. હું, તારી રજા લઉં છું.' કહીને અમૃતા પોતાના ઘેર જવા નીકળી ગઈ.

અમૃતા ગઈ, એટલામાં અનુષ્ઠાનનાં પપ્પા આવી પહોંચ્યા. કવિતા વાંચવામાં મશગૂલ અનુષ્ઠાનને એમણે પૂછ્યું : 'બેટા, કોઈ આવ્યું હતું ?'

'અરે પપ્પા, જરા નિરાંતે બેસો તો ખરા. હું તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છું.' અનુષ્ઠાને કહ્યું.

'હું એ પૂછી રહ્યો છું કે અત્યાર સુધી મારી હાજરીમાં અમૃતા તને મળવા આવતી હતી. પણ મારો ફૂંફાડો જોઈ એ ગભરાવા માંડી છે, એટલે મારી ગેરહાજરીનો લાભ લેવાનું એણે શરૂ કર્યું લાગે છે. અનુષ્ઠાન, યાદ રાખજે. મારું ઘર વાડ વગરનું ખેતર નથી કે ગમે તે જાનવર એમાં ઘૂસી જાય. તું ઇચ્છે કે ન ઇચ્છે હવે અમૃતા આવે ત્યારે હું એનો ઉઘડો લેવાનો જ છું.' અનુષ્ઠાનના પપ્પાજીએ કહ્યું.

'કયા કારણસર તેનો ઊઘડો લેશો? એટલા ખાતર કે એ મને મળવા આવે છે ? એ મારી દોસ્ત છે. અને પપ્પા, મને દુ:ખ થાય છે તમારા મુખેથી 'મારું ઘર' શબ્દ સાંભળીને. શું આ ઘર મારું નથી ? પચ્ચીસ વર્ષ આ ઘરમાં આપણે સાથે વિતાવ્યાં, આપણે સહુએ સાથે મળી સુખદુ:ખ વેઠયા.. દીકરા તરીકે મારી આત્મીયતાની, પ્રેમની લાગણીની શું કશી કિંમત નથી ? મને મળવા આવનારે આપનો વિઝા મેળવવો પડે, એટલી હદ સુધી હું નગણ્ય છું ? એક જુવાન દીકરા તરીકે આ ઘર પર મારો કશો અધિકાર નથી ?' રોષભર્યા સ્વરમાં અનુષ્ઠાને પોતાનાં મમ્મી-પપ્પા આગળ પોતાનો બળાપો કાઢ્યો.

પરંતુ તેનાં મમ્મી વરદાદેવીએ કહ્યું : 'બેટા, તારા પપ્પાના શબ્દો ગાંઠે ના બાંધીશ. એમનું કહેવું એટલું જ છે કે આજનો જમાનો ખરાબ છે. અમીર પરિવારના યુવાનોને દંભી 

લોકો નાટક કરીને છોકરીઓની જાળમાં ફસાવતાં હોય છે. તારા પપ્પાના શબ્દો તને ચેતવવા માટે છે. આ ઘર તારું જ છે, આજે નહીં, હંમેશને માટે.'

એ વાતને બે-ત્રણ મહિના થઈ ગયા હશે. અમૃતા અનુષ્ઠાનના પપ્પાની હાજરીમા જ તેને મળવા આવતી. વિનયપૂર્વક વર્તતી. અનુષ્ઠાનના મમ્મી-પપ્પાનું ખૂબ જ માન જાળવતી. એટલે તેઓ પણ અંદરથી કૂણા પડયા હતા. જોકે, અમૃતા સાથે ઝાઝી વાત નહોતાં કરતાં, પણ ક્યારેય તો કહેતા કે અનુષ્ઠાન સાથે બહાર આંટો મારવો હોય તો મારી આવો. પણ અમૃતા ઇન્કાર કરતી એટલે એના પ્રત્યેના માનમાં અનુષ્ઠાનના મનમાં ઓર વધારો થયો હતો.

એક રવિવારે અનુષ્ઠાનના પપ્પા ઘરમાં કોઈને કશું કહ્યા વગર જ અમૃતાના બંગલે તેના પપ્પાને મળવા પહોંચી ગયા. અને કહ્યું, 'શેઠ, તમારી દીકરી અમૃતા લાખેણી છે, તેમ મારો દીકરો અનુષ્ઠાન પણ લાખેણો છે. આપની પુત્રી અમૃતા મારા પુત્રની નિકટની મિત્ર છે. બન્ને ખૂબ જ મર્યાદા જાળવીને એકબીજાને મળે છે. એટલે મારી ઇચ્છા છે કે આપણે બન્ને વેવાઈ બની સંબંધની ગાંઠ મજબૂત બનાવીએ.'

અને અમૃતાના પપ્પાએ અનુષ્ઠાનના પપ્પાનો પ્રસ્તાવ સહર્શ સ્વીકારી લીધો હતો... અને છ મહિનામાં બન્નેનાં ધામધૂમથી લગ્ન કરવાનું નક્કી થઈ ગયું હતું.

પણ એ પછી અમૃતા અનુષ્ઠાનને રોજ મળવાને બદલે ક્યારેક ક્યારેક મળવા જતી હતી. ફોન પર પણ વાત ટૂંકમાં પતાવી દેતી હતી. અનુષ્ઠાન સામેથી એના ઘરે જવાની વાત કરતો ત્યારે કોઈપણ બહાનું કાઢી અમૃતા તેને મળવાનું ટાળતી હતી. અને ઊડતી ખબર મળી કે અમૃતાએ ખાનગી રાહે અભિલાષ સાથે લગ્ન કરી લીધાં છે.

અમૃતાનું બદલાયેલું વલણ જોઈ અનુષ્ઠાનના પપ્પાનો ગુસ્સાનો પાર ન રહ્યો. એક દિવસ તેઓ ગુસ્સામાં અમૃતાના બંગલે પહોંચી ગયા. ત્યારે વોચમેને કહ્યું, 'અમૃતા મેડમ તો ગંભીર માંદગીમાં પટકાયાં છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.'

અનુષ્ઠાન અને તેના પપ્પા હોસ્પિટલ અમૃતાની ખબર જોવા ગયા. કેન્સર હોસ્પિટલનું બોર્ડ જોઈ અનુષ્ઠાનને ફાળ પડી. અમૃતા અર્ધ બેહોશીમાં બબડી રહી હતી.'મારી આંખો અનુષ્ઠાનને જોવા તડપે છે. એને બોલાવો, જલ્દી બોલાવો. પ્લીઝ ડૉક્ટર.'

અનુષ્ઠાનને આવેલો જોઈ અમૃતા એ તેને બે હાથે નમન કરતાં કહ્યું...

'મને માફ કરજે અનુષ્ઠાન, આપણી મૈત્રી અહીં સુધીની જ હતી. અલવિદા. હું તને વહાલી છું પણ ઇશ્વરે પણ મને વહાલી ગણી છે. ઇશ્વરની વ્યવસ્થા મને સમજાતી નથી. એ બળેલાંને કેમ બાળે છે ? અનુષ્ઠાન મને માફ કરજે.' અને અમૃતાએ સદા માટે આંખો મીંચી દીધી હતી.