Magazines

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જોખમકારક - બુદ્ધિચાતુર્ય પણ જરૂરી

By GS TEAM
21 Feb 20263 mins read
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જોખમકારક - બુદ્ધિચાતુર્ય પણ જરૂરી

- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

- એઆઈ ગ્લાસ તમારા ચહેરાને ઓળખી તમારૂ નામ, સરનામું, ડિગ્રી, વ્યવસાય, નોકરી વગેરેની માહિતી આપી શકે છે

હ વે વકીલો અને ડોક્ટરો પણ એઆઈની મદદ લેવા માંડયા છે. એઆઈની ક્ષતિ કોર્ટમાં જણાતા નામદાર કોર્ટે વકીલોને સુચના આપી છે કે તેમણે પોતાના બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ પણ સાથે કરવો. જીએસટીના અધિકારીઓને પણ જણાવાયું છે કે એઆઈ ગેરસમજ ઊભી કરે છે એટલે પૂરો અભ્યાસ કરીને જ નિર્ણય લેવો.

આજકાલ રોબોટ, ડ્રાઇવર વગરની કાર એવી અનેક ટેકનોલોજીની વાત થઈ રહી છે. આમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ પણ ઉમેરાયું છે. આ કૃત્રિમ બુદ્ધિથી અનેક પ્રશ્નોના ઉત્તર સરળતાથી મેળવી શકાય છે છતાં તમારે એની સાથે કુદરતી બુદ્ધિનો ઉપયોગ કરવો જ પડે છે. આ કૃત્રિમ બુદ્ધિ આપણાં જીવનમાં એવી સ્માર્ટલી ઘૂસી ગઈ છે ને કે આપણને એની ખબર પણ પડતી નથી. તમારા સ્માર્ટ ફોનમાં આ કુબુ જ હવે જવાબ આપે છે ટીવીમાં પણ આ કુબુ જ કામ કરે છે.

એક બાળકને તમે બધી વસ્તુ શીખવો અને મહેમાન આવે ત્યારે તમે બાળકને પૂછો તો બાળક જેટલું જાણે છે એટલું કહે છે. બસ આ કૃત્રિમ બુદ્ધિનું પણ એવું જ છે. જોકે કૃત્રિમ બુદ્ધિ ઉત્તરના આણાવાણા ગણી તમને ઉત્તર આપે છે. એના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ એટલે તમારે તમારી પોતાની બુદ્ધિ વાપરીને પણ તારણ કાઢવું પડે.

આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના ગેરફાયદા ધ્યાનમાં રાખવા જેવા છે. (૧) એનાથી તમે આળસુ બનો છો, શોર્ટકટ શોધો છો અને જવાબદારીમાંથી છટકો છો. (૨) તમારી પોતાની સર્જનશક્તિ ઓછી કરતા જાવ છો. (૩) તમારી પ્રાઇવેસીની ઘોર ખોદાય છે. (૪) તમે ક્યાં ગયા, શું ખાધું, કોની સાથે ફર્યા, ક્યા એડ્રેસ પર રહો છો એ બધું જ આ કુબુ આપી દે છે.

એઆઈથી ઓટોમેશન થવાથી અનેક લોકો નોકરી વગરના થઈ જાય છે. ફક્ત ચતુર સંશોધકો જ નોકરીમાં ટકી શકે છે. એઆઈ જુઠ્ઠી માહિતી ફેલાવી શકે છે. એઆઈ કોઈ ભૂલ કરે તો એને માટે જવાબદાર કોણ છે એ સ્પષ્ટ નથી.

વિશાળ એઆઈ મોડેલને તાલિમ આપવા નોંધપાત્ર એનર્જી ખર્ચાય છે. પ્રદુષણમાં પણ તેનો ફાળો નોંધવામાં આવ્યો છે.

તમારી ઈચ્છા હોય કે ના હોય, તમારા દૈનિક કાર્યક્રમમાં એઆઈ કંઈ ને કંઈ ભાગ ભજવે છે.

આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ હવે ચશ્માની અંદર પણ ગોઠવાય ગયું છે. મેટા નામની કંપનીએ રેબાનના સહયોગમાં અદ્ભુત ગ્લાસ બનાવ્યા છે. આ ચશ્મા પહેરીને તમે ફ્રેમ પરના કલીકથી સામી વ્યક્તિનો ફોટો લઈ શકો છો. ગુગલ એઆઈ ગ્લાસ કોઈપણ વ્યક્તિની માહિતી મેળવી શકે છે. એક રીતે કહીએ તો એઆઈ ગ્લાસ ઈન્ટરનેટ અને સોશ્યલ મિડીઆ પરની તમારી બધી જ બાબતો જણાવી શકે છે. આથી તમારી પ્રાયવેસી માટે આ ટેકનોલોજી જોખમકારક છે. એઆઈ ગ્લાસ તમારા ચહેરાને ઓળખી તમારૂ નામ, સરનામું, ડિગ્રી, વ્યવસાય, નોકરી તેમજ લિંક ડેઇન વગેરેની માહિતી આપી શકે છે. આ રીતે તમારી કોઈ બાબત ખાનગી રહેતી નથી અને એથી તમારો દુરૂપયોગ થઈ શકે છે. એટલે જ વડાપ્રધાને એક સંમેલનમાં એઆઈનો ઉપયોગ લોકકલ્યાણ માટે જ થાય એવો નિર્દેશ કર્યો હતો.