કંપનીઓના પર્સોનલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટસ માનવ સંસાધન વિકાસ ખાતાઓમાં ફેરવાઈ રહ્યા છે
મેનેજમેન્ટ - ધવલ મહેતા
કંપનીની અમૂર્ત (ઓબસ્ટ્રેક્ટ) મિલકત છે તે હવે જગતને સમજાયું છે. અત્યારના કંપની જગતમાં ઉત્પાદકતા, નફાકારકતા, કાર્યક્ષમતા વગેરે વિચારો ગૌણ બની ગયા છે
એચઆરએમનો ઉદય
ઇ.સ. ૧૯૭૦ પહેલા મોટા ભાગની ખાનગી અને જાહેર સાહસોની કંપનીઓમાં પર્સોનલ ડિપાર્ટમન્ટસ હતા. તેઓની મુખ્ય કામગીરી યોગ્ય માણસોની ભરતી કરવી, તેમને ખાતાકીય ટ્રેનિંગ અપાવવી, તેમને નોકરીની શરતો જણાવવી, બઢતી આપવામાં અન્ય ખાતાઓના વડાને મદદ કરવી, શિસ્તભંગના કેસોની તપાસ કરવી વગેરે હતા. કંપનીઓના ટ્રેડ યુનિયન્સ મજબૂત બન્યા પછી પર્સોનલ મેનેજમેન્ટના ખાતામાં ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સનું પણ નામ ઉમેરાયું. આ વધારાનું કામ કઠિન હતું અને છે.
તે માટે કંપનીના ઉપર્યુક્ત ખાતાની પાસે મજૂરોને લગતા સંખ્યાબંધ કાયદાઓની અને તેના અમલીકરણની જાણકારી લઈએ, લેબરને લગતા કાયદાઓની યાદી જોશો તો પણ તમને ચક્કર આવી જશે અને ખબર પડશે કે ભારતમાં જોઈએ તેટલું ઝડપી ઔદ્યોગિકરણ કેમ થતું નથી. વધારેે પડતા કાયદાઓ શ્રમિકોની બેકારી વધારે છે અને કંપનીઓને પણ નુકસાન કરે છે, ભ્રષ્ટાચાર વધારે છે. હવે કાયદાઓના ભયના કારણે કંપનીઓ કોન્ટ્રાક્ટ લેબરને વધુ પસંદ કરે છે આ પદ્ધતિ એટલી બધી વ્યાપક અને કંપનીપ્રિય બની છે કે જગતમાં આજે સપ્લાયચેઇન મેનેજમેન્ટની જાળ ફેલાઈ ગઈ છે. ચીન અને અમેરિકાની કંપનીઓ સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં અપ્રતિમ કુશળતા ધરાવે છે. વર્લ્ડ બેન્કનો છેલ્લો રિપોર્ટ જગતમાં સપ્લાય ચેઇન મેનેજમેન્ટના સાર્વત્રિક ફેલાવા વિશે છે અને તેને ઉત્પાદનનું વિશિષ્ટ સ્વરૂપ ગણે છે.
સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અપ ધ લાઇન અને ડાઉન ધ લાઇન બન્ને હોઈ શકે છે. અહીં તેનો ઉલ્લેખ એટલે કર્યો છે કે સપ્લાય ચેઇન મેનેજમેન્ટને કારણે પર્સોનલ મેનેજમેન્ટનું કાર્ય પ્રમાણમાં સહેલું થઈ ગયું છે. કેમ ? કંપની અમુક પાર્ટસ બનાવે છે તેના કારીગરો અને સુપરવાઇઝરો કોઈને ગણકારતા ના હોય અને મનસ્વી રીતે વર્તન કરતા હોય તો તેનો ઉપાય છે ચિંતા ન કરો આ વસ્તુનું ઉત્પાદન કોઈ ચાઇનીઝ, ભારતીય કે બાંગ્લાદેશની કંપનીને સોંપી દો તેમને આપણા પાર્ટસના સપ્લાયર્સ બતાવી દો અને આપણું પાર્ટસનું ઉત્પાદન બંધ કરી નાખો અને શ્રમિકો તથા સુપરવાઇઝરોને છૂટ્ટા કરી દો.
આવી સહુલિયત કંપનીના પર્સોનલ ડીપાર્ટમેન્ટને ત્રણ ચાર દાયકા પહેલા ન હતી. સપ્લાય ચેઇન મેનેજમેન્ટના ઉદ્ભવને કારણે ભારતના અને અન્ય વિકસતા દેશોના નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગોને ફાયદો થયો છે. જો કે હજુ ડાબેરીઓ તેને મૂડીવાદી શોષણનું સ્વરૂપ (નવા પ્રકારનો શાહીવાદ- ઇમ્પીરીયાલીઝમ) ગણે છે પરંતુ ગરીબ કે વિકસતા દેશોમાં તે રોજગારી ઉભી કરે છે તેને નજરઅંદાજ ના કરી શકાય.
ચોથી ઔદ્યોગિક ક્રાંતિ
ચોથી ઔદ્યોગિક ક્રાંતિએ માનવની સ્નાયુ શક્તિ કરતા બુદ્ધિ શક્તિનું મહત્ત્વ અને વળતર પુષ્કળ વધારી દીધા છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિ રોબોટિક્સ અને આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ તેમજ બાયોલોજીકલ ક્રાંતિ પર આધારીત હોવાથી પરંપરાગત ટેક્નોલોજીનું સંચાલન બહુધા રોબોટ્સ કરશે તેવી શક્યતા ઉભી થઈ છે. આ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. વૈશ્વીકરણે પર્સોનલ મેનેજમેન્ટના ડીપાર્ટમેન્ટને હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટમાં ફેરવી નાખ્યા છે.
તેટલું જ નહીં પરંતુ હવે ઉત્પાદન અને માર્કેટીંગની અને ફાયનાન્સની સમકક્ષ એચઆરએમનું સ્થાન ઉભું થયું છે. હવે કંપનીની સફળતા માટે ટેલન્ટ મેનેજમેન્ટ એટલે કે પ્રતિભાશાળી સ્ટાફની કંપનીમાં વરણી કરવી, તેને સાચવવો અને તેનો સતત વિકાસ થાય તેવા વ્યવસ્થા તંત્રનું નિર્માણ કરવું તે એચઆરએમનું મુખ્ય કાર્ય છે. તે રૂટિન કામ કર્યા કરશે પરંતુ હવે અગત્યના કાર્યો માનવીની ટેલન્ટનો વિકાસ થાય તેવી કંપનીની પોલીસીઝ ઘડવી પડશે.
કાર્યમગ્નતા
હવે કંપનીમાં કર્મચારીઓને માત્ર કાર્યસંતોષ (જોબ સેટીસ્ફેક્શન) મળે તે પૂરતું નથી ગણાતું હવે કંપનીના કર્મચારીઓનું સંધાણ કે કાર્યમગ્નતા વધે તે ગણાય. આ નવા કન્સેપ્ટને 'એમ્પ્લોઇ એંગેજમેન્ટ' કહેવામાં આવે છે. તેને કાર્યસંતોષ (જોબ સેટીસ્ફેક્શન) સાથે સંબંધ છે પરંતુ તે કાર્યસંતોષથી બહોળો વિચાર છે. એમ્પ્લોઇ એન્ગેજમેન્ટ એટલે કંપનીના કામમાં કર્મચારી નિમગ્ન થઈ જાય એટલું બધું એનું સેલ્ફ મોટીવેશન ઉભું થવું જોઈએ તેમાં પણ એચઆરડીની મુખ્ય ભૂમિકા જોઈએ. અલબત્ત કર્મચારીને કંપનીના કાર્યમાં કાર્યમગ્ન કરી દેવો જેથી તેને કામમાંથી છૂટવાના સમયનો પણ ખ્યાલ ના આવે અને કામ કરતો રહે તેવા કર્મચારીઓનું એન્ગેજમેન્ટ રૂપાળા નામ હેઠળ રેશમી શોષણ (સીલ્કી એક્સપ્લોઇટેશન) છે તે શક્યતા નકારી શકાય નહીં. કારણ કે સેલ્ફ મોટીવેશન ઇઝ ધ બેસ્ટ મોટીવેશન તે માટે વ્યક્તિ પર દબાણ ન ચાલે.
વ્યવસ્થા તંત્ર બદલો
કંપનીના સીઇઓ વ્યવસ્થા તંત્રના માળખાને બદલ્યા સિવાય એચ આર એમને બદલવાની આશા રાખશે તો નિષ્ફળ જશે. આલ્ફ્રેડ પી. સ્લોવાને ધૂમ ધડાકા સાથે જનરલ મોટર્સના કારખાનાને ડીવીઝનલાઇઝ્ડ સ્ટ્રક્ચરમાં ફેરવી નાખી આ અપ્રતિમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઉદ્યોગ ધંધામાં 'ટેલેન્ટ મેનેજમેન્ટ' કેન્દ્ર સ્થાને આવી ગયું છે. તે કાંઈ શબ્દવિલાસ નથી તે અંગેના આંકડા પણ આવી રહ્યા છે. દા.ત. જગતની સૌથી મોટી ૫૦૦ કંપનીઓની સ્ટેન્ડ્ડ એન્ડ પુઅરની યાદી પ્રમાણે) ૩૨ ટકા જેટલી કંપનીઓ નક્કર મુડી (ફેક્ટરી, યંત્રો વગેરે)માં રોકાણ કરતા પણ વધારે રોકાણ અમૂર્ત મૂડી (પેટન્ટસ, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટસ, માનવ સંશાધન વિકાસ)માં કરે છે તેમાં ગ્રાહકો સાથે નેટવર્કિંગ બ્રાન્ડઝ વગેરેમાં પણ રોકાણ આવી ગયું.
વળી જગતમાં પ્રતિભાશાળી વ્યક્તિઓની એટલી બધી માંગ છે કે જો તમે પ્રતિભાશાળી હો તો તમે કયા દેશના નાગરિક છો તેની કંપની ફિકર કરતી નથી. આલ્ફાબેટના વડા સુંદર પીચાઈ ભારતીય છે અને તેમને ૨૦૨૩ સુધીમાં ૨૪.૬ કરોડ ડોલરનું (પગાર અને અન્ય પર્કસ) સહિતનું વળતર મળશે. આ પહેલા ઇન્દ્રાણી નૂઈ વર્ષો સુધી પેપ્સીકો કંપનીના વડા રહી ચૂક્યા છે. હવે તો ઘણા ભારતીયો અમેરિકાની કંપનીઓના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ખરેખર સંકુચિત રાષ્ટ્રવાદ સામે વ્યક્તિગત પ્રતિભાનો વિજય છે. આની સામે ભારત વૈશ્વિક પ્રતિભા (દા.ત. રઘુરામ રાજન)ને સાચવી શકતું નથી.
ઉપસંહાર
અત્યારની કંપનીઓના વડાઓના મનમાં તેમજ ખાતાકીય વડાઓના મનમાં ધૂમ ધડાકાભેર નવો કન્સેપ્ટ ચાલી રહ્યો છે તે છે 'ઇનોવેશન્સ' અંગેનો છે. ઝડપભેર ઇનોવેશન્સ થયા જ કરે તેવી કંપનીઓ જગતમાં આગળ આવી રહી છે. જેમ કે, એમેઝોન અને સેમસંગ જ્યારે એક જમાનામાં સેલફોન ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રમાં નામાંકિત અમેરિકાની મોટારોલા અને ફીનલેન્ડની નોકિયા કંપનીઓ હાંસિયામાં આવી ગઈ છે. ૨૧મી સદીનો ગુરુમંત્ર 'ઇનોવેશન' છે. પરંતુ હજી શિક્ષણના ક્ષેત્રમાં તેનું પ્રદાન મોળું છે. આપણું શિક્ષણ ઇનોવેટિવ નહી હોવાથી ભારતના લોકો મોટે ભાગે ભારતની બહાર વધુ ઝડપી વિકાસ કરે છે.
જગતભરમાં કંપનીઓના એચઆરડીની ભૂમિકા વધુ બહોળી થઈ રહી છે. એચઆરડી ખાતું માનવ બુદ્ધિ અને માનવ કૌશલ અને માનવ પ્રતિભાને સંબંધિત ખાતું છે. તેનું મુખ્ય કાર્ય પ્રતિભાશાળી વત્તા સર્જનશીલ (ક્રીએટીવીટી), વ્યક્તિઓને કંપનીમાં ખેંચી લાવવાનું છે. કંપનીનું માળખું એવી રીતે ફ્લેક્સીબલ રાખવાનું છે કે, સર્જનાત્મક વ્યક્તિઓ તેમાં ટકી રહે અને વિકસતી રહે. માઓએ જુદા સંદર્ભમાં કહ્યું હતું તે આપણે અહીં યાદ કરીએ 'લેટ હન્ડ્રેડ ફ્લાવર્સ બ્લુમ.'