Magazines

વલ્લભભાઈનો અનોખો ઈંગ્લેન્ડ પ્રવાસ અને નિવાસ

By GS TEAM
20 Jun 20264 mins read
વલ્લભભાઈનો અનોખો ઈંગ્લેન્ડ પ્રવાસ અને નિવાસ

- સરદાર @150-હસિત મહેતા

- વલ્લભભાઈનું લંડનનું એ સરનામું હતું ૨૩,એલ્ડ્રિજ રોડ વિલાસ, લેડબ્રોક ગ્રોવ. આજે આટલા વર્ષે પણ વલ્લભભાઈના એ ૩૦-૩૫ મહિનાના નિવાસસ્થાનને અંગ્રેજ સરકારે ભારતના ગૌરવવારસાનું સ્થાન આપ્યું છે. 

- પોતાના અને કોઈપણના હેરિટેજ મૂલ્યોને, ગૌરવવારસાને સમજતી-જાળવતી અને દર્શાવતી આ સંસ્કૃતિએ આવા તો અનેક ભારતવીરોના સ્થાનિક નિવાસસ્થાનનને દર્શાવતી-જાળવતી તક્તીઓ લગાવીને આપણા માટે એક મૂલ્યવાન પ્રવાસધામ ખડું કરી દીધું છે.

બ રાબર મોટાભાઈની પેઠે, વલ્લભભાઈ પણ બધાથી લુપાઈછૂપાઈને મુંબઈથી ઈંગ્લેન્ડની આગબોટમાં ચઢ્યાં. આ અગાઉ તેમણે કદી સ્ટીમર જોઈ નહોતી. વળી વિલાયતી પોશાક તો એ જ દિવસે પહેર્યો હતો. ખુરશી-ટેબલ ઉપર છરી-કાંટાથી કેમ ખાવું તેનું જ્ઞાન પણ નહોતું. એક ગામડાના માણસ તરીકે તેમને ગોરી પ્રજા,સંસ્કૃતિ અને સભ્યતાનો સ્હેજેય ખ્યાલ નહોતો. આમ છતાં તેમની પાસે જે હતું તે અણમોલ હતું. ૩૬ વર્ષની પાકટવય, દસ વર્ષનો વકીલાતનો અનુભવ, યુવાનીકાળે પત્ની ગુમાવવાથી માંડીને મધ્યમવર્ગીય પરિવારના અનેક સંઘર્ષો, દ્રઢ નિશ્ચયશક્તિ અને અડગ મનોબળથી ભર્યાભર્યા વલ્લભભાઈ ઈંગ્લેન્ડની સ્ટીમર ઉપર ચઢ્યાં, ત્યારે તેઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય અને આવી પડનારી આપત્તિઓ વિશે સ્હેજેય સભાન નહોતા.

સ્ટીમરમાં એડન સુધીના તોફાની દરિયાને કારણે પહેલાં પાંચ દિવસ તો ઉલટીઓ અને તાવમાં વિત્યાં. જો કે ગુરુબંધુ વિઠ્ઠલભાઈએ મુંબઈથી નીકળતી વખતે જ તેમને કાઠીયાવાડના એક નાનકડા રજવાડાના ઠાકોરસાહેબની ઓળખાણ કરાવી હતી, તેમના સથવારાએ વલ્લભભાઈની સ્ટીમર  સફરને હળવી બનાવી હતી. સ્ટીમર એડન સુધીનો અરબી સમુદ્ર વટાવીને રાતા સમુદ્ર તરફ આગળ વધી ત્યારે દરિયો શાંત પડયો, તેથી ચારેક દિવસ પછી વલ્લભભાઈનું પેટ સાવ સાફ થઈ ગયું, હવે તેમને કંઈક ઠીક લાગવા માંડયું.

થોડાક સ્વસ્થ થતાં જ તેમણે પોતાની બેગમાંથી કેટલીક કાયદાની ચોપડીઓ કાઢી. એમાંથી તેમણે જસ્ટીનિયનના રોમન-લૉનો અભ્યાસ શરુ કર્યો, કારણ કે લંડન પહોંચીને જે પ્રથમ પરીક્ષા આપવાની હતી, તેમાં આ વિષય સૌ પહેલાં જ આવવાનો હતો. તેની પૂર્વતૈયારી રુપે વલ્લભભાઈએ સ્ટીમરમાંથી જ બૅરિસ્ટરીને પાસ કરવા માટે કમર કસી, અને એડનથી માર્સેલ્સ પહોંચે ત્યાં સુધીમાં રોમન-લૉનો વિષય પચાવી લીધો.

આખરે તેમનો દરિયાઈ પ્રવાસ પૂરો થયો. લંડન પહોંચ્યા ત્યારે પહેલાં તો પેલા સ્ટીમરના સાથી અને કાઠીયાવાડી દરબાર જોડે હોટલ સેસિલ (Hotel Cecil) પહોંચ્યાં, ત્યાં એકાદ દિવસ રહ્યાં પણ ખરાં. એ હોટલ મધ્યલંડનના સ્ટ્રેન્ડ(Strand)  વિસ્તારમાં આવેલી હતી. થેમ્સ નદીના ઐતિહાસિક કિનારે આવેલી આ હોટલ લંડનની સૌથી મોટી, પ્રભાવશાળી અને મોંઘી હોટલ હતી. તેનું બાંધકામ ૧૮૯૦થી ૧૮૯૬ દરમ્યાન થયું હતું. બરોક (Baroque)શૈલીના આ સ્થાપત્યના આર્કીટેક હતા પેરી અને રીડ(Perry & Reed). કુલ મળીને ૮૦૦ રુમો અને ૬૦૦થી વધુ લોકો એકસાથે જમી શકે એવો ભોજનખંડ (Dining Hall)વાળી આ હોટલ એટલી તો પ્રભાવશાળી અને વિશાળ હતી, કે ખુદ અંગ્રેજ સરકારે ૧૯૧૭ના પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેનો કબજો લઈ લીધો હતો, અને તેમાં રોયલ ઍરફોર્સ (RAF)ની ઓફિસ શરુ કરી દીધી હતી. ઈ.સ.૧૯૩૦માં આ હોલનો સ્ટ્રેન્ડ તરફનો  મુખ ભાગ (Strand Facade) સિવાય તમામ ભાગ તોડી પાડી તેને એક નવો જ નઝારો આપવામાં આવ્યો હતો. આ હોટલ અહીંના ખાસ જેઝ બેન્ડ (Jazi Band)થી ખૂબ પ્રખ્યાત હતી. 

આવી મોંઘીદાટ અને વૈભવશાળી હોટલમાં વલ્લભભાઈનો જીવ ગૂંગળાવા માંડયો. પેલા દરબારને એ પાલવે, પણ પોતાને તો ના પોસાય, એમ સમજીને બીજા જ દિવસથી વલ્લભભાઈએ પોતાને માટેની સસ્તી રહેવાની વ્યવસ્થા શોધવા માંડી. નસીબ જોગે તેમને લંડનના બેઝ વોટર એરિયામાં રહેતાં ગુજરાતી ભારતીય શ્રી જોરાભાઈ ભાઈબાભાઈ પટેલનો સંપર્ક થયો. એક પટેલે બીજા પટેલનો હાથ ઝાલ્યો, અને વલ્લભભાઈ હોટલ સેસિલથી છૂટીને જોરાભાઈને ઘેર પહોંચી ગયા. ત્યાં વળી બાજુમાં પરદેશીઓને રહેવા-જમવામાં મદદ કરતી એક બોર્ડર બાઈ મળી આવી. તેથી વલ્લભભાઈને હવે રહેવા-જમવાની વધુ નિરાંત થઈ અને તેમણે લંડનમાં રહેવાની એક કાયમી વ્યવસ્થા ગોઠવી દીધી.

વલ્લભભાઈનું લંડનનું એ સરનામું હતું ૨૩,એલ્ડ્રિજ રોડ વિલાસ, લેડબ્રોક ગ્રોવ.  (Aldridge Road Villas, Ladbroke Grove) આજે આટલા વર્ષે પણ વલ્લભભાઈના એ ૩૦-૩૫ મહિનાના નિવાસસ્થાનને અંગ્રેજ સરકારે ભારતના ગૌરવવારસાનું સ્થાન આપ્યું છે. લંડન ખાતે ૧૯૧૦થી ૧૯૧૩ દરમ્યાન, ૩૬ મહીનાના બૅરિસ્ટરીના અભ્યાસને માત્ર ૩૦ મહિનામાં પૂરો કરનાર વલ્લભભાઈ જે મકાનમાં રહ્યાં, તેની ઉપર ઈંગ્લીશ હેરીટેજ રાઉન્ડ બ્લ્યુ પ્લેક (Blue Plaque) લગાવીને લખવામાં આવ્યું છે કે "Greater London Council - SARDAR VALLABHBHAI JAVERBHAI PATEL - 1875-1950, Indian Statesman Lived here"

પોતાના અને કોઈપણના હેરિટેજ મૂલ્યોને, ગૌરવવારસાને સમજતી-જાળવતી અને દર્શાવતી આ સંસ્કૃતિએ આવા તો અનેક ભારતવીરોના સ્થાનિક નિવાસસ્થાનનને દર્શાવતી-જાળવતી તક્તીઓ લગાવીને આપણા માટે એક મૂલ્યવાન પ્રવાસધામ ખડું કરી દીધું છે.