Magazines

મનરૂપી મહામાયા અને મોહરૂપી અજ્ઞાનતાનું વિનાશક બીજ!

By GS TEAM
20 Jun 20263 mins read
મનરૂપી મહામાયા અને મોહરૂપી અજ્ઞાનતાનું વિનાશક બીજ!

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

- શ્રીસિદ્વકુંજિકા સ્તોત્રમાં તો એક આખો શ્લોક જગદંબાના બીજ-સ્વરૂપનું વર્ણન કરે છે

ઐંકારી સૃષ્ટિરૂપાયૈ હ્રીંકારી પ્રતિપાલિકા ।

ક્લીંકારી કામરૂપિણ્યૈ બીજરૂપે નમો।સ્તુતે ।।

શા માટે અહીં 'ઐં' બીજમંત્રને સૃષ્ટિરૂપા અર્થાત્ સૃષ્ટિને સ્વરૂપ આપનારો દર્શાવવામાં આવ્યો? મૂળ કથા શ્રીદુર્ગાસપ્તશતીમાં જ પ્રાપ્ત થાય છે, જેમાં મધુ અને કૈટભ નામના અસુરો ભગવાન વિષ્ણુના કાનના મેલમાંથી ઉત્પન્ન થાય છે. આ વિશે વિસ્તૃત ચર્ચા  આપણે ગતાંકમાં કરી ચૂક્યા છીએ. આ બંને અસુરોએ 'ઐં' બીજમંત્ર અર્ર્થાત્ વાગ્બીજની સાધના થકી ત્રિલોકમાં આધિપત્ય સ્થાપિત કર્યું.

ઊંડાણપૂર્વક ડોકિયું કરીએ તો સમજાય કે વાગ્બીજ થકી વિસ્તરતી અથવા ઉત્પન્ન થતી સૃષ્ટિનો અર્થ અહીં કેવળ ભૌતિક જગત નથી. સૃષ્ટિનો શાબ્દિક અર્થ આપણે ત્યાં જગત, વિશ્વ, બ્રહ્માંડ વગેરે થાય છેત પરંતુ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે 'ઐં' થકી સર્વપ્રથમ આંતરિક સૃષ્ટિનો વ્યાપ જોવા મળે છે. મનુષ્યની બુદ્ધિક્ષમતા એ તેનું આંતરિક વિશ્વ છે. કોઈપણ વસ્તુ અથવા સ્વપ્નનો જન્મ સર્વપ્રથમ તો મનુષ્યના ભાવવિશ્વ અથવા અંતરમનમાં થાય છે. જો આંતરિક ભાવવિશ્વને ઉન્નત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે, તો અકલ્પનીય પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. દરેક વિચારનો જન્મ સૌથી પહેલાં માણસના મગજમાં જ થાય છે. જો તેને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, તો અને તો જ તે ક્રિયામાં પરિવર્તિત થાય છેત અન્યથા માત્ર એક વિચાર રહી જઈને એ ફરી આંતરિક વિશ્વમાં ઓગળી જાય છે, મગજમાં જ પાછો વિલીન થઈ જાય છે.

ખરી રમત અહીંથી જ શરૂ થાય છે. દુનિયાની મોટામાં મોટી સકારાત્મક ઉપલબ્ધિ એ એક વિચારની દેન નીવડે છે અને વિશ્વયુદ્ધ પણ એક વિચારમાત્રથી જ સંભવ બની જાય છે. શા માટે વિજ્ઞાન એવું કહે છે કે એક સીરિયલ કિલરના મગજ પાસે એ ક્ષમતા હોય છે, જેના થકી એ ભલભલી ઉપલબ્ધિઓ પણ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ તેના મગજને જે પ્રકારના વિચારોરૂપી ખોરાક મળવો જોઈએ, વાતાવરણ મળવું જોઈએ એના અભાવે એ દુષ્કર્મ તરફ દોરાય છે.

કેટકેટલા કિસ્સા અને સમાચારોમાં આપણે જોઈએ છીએ કે અમુક અપરાધીઓ એવી એવી તરકીબો વાપરીને ગુના આચરે છે, જેની કલ્પના કદાચ અત્યંત બુદ્ધિશાળી મગજ ધરાવતાં લોકોને પણ નથી હોતી. આ કઈ રીતે શક્ય છે? આ સમસ્ત વિશ્વ યોગમાયાનું લીલાક્ષેત્ર છે. મનુષ્યએ ભલે યોગમાયાને છબી અથવા મૂર્તિ સ્વરૂપે દર્શાવ્યા હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે મનુષ્યનું મન જ યોગમાયાનું ખરું સ્વરૂપ છે.

જ્ઞાનિનામપિ ચેતાંસિ દેવી ભગવતી હિ સા ।

બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ ।।

(સપ્તશ્લોકી શ્રીદુર્ગાસપ્તશતી, શ્લોક ૧)

ભાવાનુવાદ : ભગવતી જગદંબા (મહામાયા)માં એટલું બળ છે કે તેઓ ભલભલા વિદ્વાનો અને જ્ઞાનીજનોને પણ મોહ અને અજ્ઞાનરૂપી અંધકારમાં ખેંચી શકે છે!

શાબ્દિક અર્થ વાંચીને સુજ્ઞાજનોને એવો વિચાર આવી શકે કે જો જગદંબા આખાય બ્રહ્માંડની જનની હોય, તો પછી એ પોતાના બાળકને શા માટે અજ્ઞાનતાની ઊંડી ખીણમાં ધકેલી દે? પરંતુ માર્મિક અર્થ એ છે કે અહીં મનુષ્યના મનને પ્રચંડ ઊર્જા અર્થાત્ મહાશક્તિની ઉપમા આપવામાં આવી છે. સારામાં સારો અને મોટામાં મોટો સાધક પણ પોતાના મનની વૃત્તિઓને લીધે અજ્ઞાનતાનો શિકાર બની શકે છે, એ વાતમાં કોઈ સંશય નથી. નાથ સંપ્રદાયના તપસ્વી ગુરુ મત્સ્યેન્દ્રનાથ આનું મોટું ઉદાહરણ છે. પોતાની કામ-વાસનાને વશ થઈને તેઓ કામરૂપ દેશમાં જ વસી ગયા અને ભોગવિલાસમાં રમમાણ થઈ ગયા. ગુરુ ગોરક્ષનાથ જેવા મહાન શિષ્ય તૈયાર કર્યા હોવા છતાં મત્સ્યેન્દ્રનાથ માયાના મોહમાં સપડાઈ ગયા. તો શું મા ભગવતીએ એમને આ ખીણમાં ધકેલ્યા? ના, એમની પોતાની સંસાર પરત્વેની આસક્તિ અને ક્ષણિક અજ્ઞાનતા આની પાછળ જવાબદાર હતાં. વાગ્બીજ થકી આ અજ્ઞાનતા દૂર થાય છે.

આ વિશે હજુ વિગતે આવતાં અંકે વાત કરીશું.