Magazines

મારી વેદના મારું સર્જન .

By GS TEAM
20 Jun 20267 mins read
મારી વેદના મારું સર્જન                                        .

- આજકાલ-પ્રીતિ શાહ

- ધનુજા માને છે કે લોકોના દ્રષ્ટિકોણમાં આજેય નોંધપાત્ર પરિવર્તન નથી થયું, પરંતુ તેમનાં બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. 

કે રળના તિરુવનંતપુરમમાં રહેતી એસ. ધનુજાકુમારી અંબાલામુક્કુના રવિનગરની સાંકડી ગલીઓમાં ફરીને ત્યાં વસતા લોકોના ઘરનો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરે છે. અડતાળીસ વર્ષની ધનુજા તેના ચહેરા પર ટેન્શનના કારણે ઉંમર કરતા મોટી વયની દેખાય છે, પરંતુ સાથે સાથે એના ચહેરા પર હંમેશાં ખુશનુમા સ્મિત પણ નજરે પડે છે. એનું કારણ છે અનેક સંઘર્ષો પછી મળેલી સફળતા! ધનુજાકુમારીનો જન્મ તિરુવનંતપુરમની ચેંગલચૂલા ઝૂપડપટ્ટીમાં થયો હતો. એ નાની હતી, ત્યારે તેના પિતાને દારુનું વ્યસન હતું અને માતા-પિતા વચ્ચે સતત ઝઘડા થતા રહેતા. તેથી તેને બે વર્ષ કોલ્લમની કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરવા મોકલી, તે ત્યાં રહીને અભ્યાસ કરતી હતી.

આ સ્કૂલમાં શિક્ષકો વિદ્યાર્થીઓને દરરોજ બનતી સારી અને ખરાબ ઘટનાઓ વિશે નોંધ લખવાનું કહેતા. બે વર્ષ પછી તે ચેંગલચૂલા પાછી આવી અને સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો, તો પણ તેની લખવાની ટેવ ચાલુ રહી. એ પોતાની મુશ્કેલીઓ, દુ:ખ કે આનંદની ક્ષણો વિશે લખતી. પછી તો શું પહેર્યું, શું ખાધું અને ક્યાં ગઈ હતી, તેને વિશે પણ લખવા લાગી. એણે નવમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. પંદરમા વર્ર્ષે તેના માતા-પિતાએ ધનુજાના લગ્ન ઓગણીસ વર્ષના સતીશ નામના યુવક સાથે કર્યા, જે કેરળનું પ્રસિદ્ધ વાદ્ય ચેંડા વગાડતો હતો. અઢાર વર્ષની ઉંમરે એ બે પુત્રોની માતા બની ચૂકી હતી. કૌટુંબિક સમસ્યાઓને કારણે સંતાનો સાથે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ આજે વિચારતાં એને લાગે છે કે નાની ઉંમરે લગ્ન અને પરિપક્વતાના અભાવે કુટુંબમાં થતી સમસ્યાઓને હલ કરી શકતી નહોતી. ત્રેવીસ વર્ષની ઉંમર સુધી બાળકની જેમ જ વિચારતી ધનુજા આજે કહે છે કે જો જીવનનો અંત આણી દીધો હોત, તો જીવનના આનંદનો ખ્યાલ ન આવત.

ધનુજા કહે છે કે તિરુવનંતપુરમમાં આવેલી ચેંગલચૂલા ઝૂંપડપટ્ટી અને તે વિસ્તાર વિશે સહુ જાણતા હતા. આ કોલોની એટલી કુખ્યાત હતી કે અહીંના બાળકોને સ્કૂલમાં પ્રવેશ મેળવવા મુશ્કેલી પડતી હતી. જો સ્કૂલમાં પ્રવેશ મળી જાય તો તેની સાથે ભેદભાવભર્યો વ્યવહાર કરવામાં આવતો હતો. તેના પુત્રને એક સ્કૂલમાં પ્રવેશ તો મળ્યો, પરંતુ તેઓ સતત એમ કહેતા કે ચેંગલચૂલાથી જે આવે છે તે મોટેભાગે અપરાધી માનસ ધરાવે છે. બનતું પણ એવું કે તે કોલોનીમાં કંઈ પણ થાય એટલે પોલીસને ફરિયાદ કરવી પડે અને તે લખવા માટે ધનુજાને જ બોલાવતા, કારણ કે તે વિસ્તારથી અને પ્રભાવક રીતે ફરિયાદ લખી આપતી. તે કહે છે કે એનાથી એની ભાષામાં ઘણો સુધારો થયો. ધનુજા સમાજમાં સક્રિય રીતે કામ કરતી. તે ઇચ્છતી હતી કે લોકો તેની કોલોની પ્રત્યે દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવે. 

કોલોનીમાં ધનુજા ઘણી વખત જાતિ, રંગ અને ધર્મના કારણે અનુભવવા પડતા ભેદભાવને કારણે ગુસ્સો પ્રગટ કરતી. ખાસ કરીને કેટલાક સામાજિક કાર્યકર્તાઓ તેમના પ્રોજેક્ટ લઈને આવતા, તેમને બધી માહિતી મળી જાય પછી ત્યાં રહેતા લોકોના જીવનમાં કંઈ રસ લેતા નહીં, એની સામે ધનુજાની નારાજગી હતી. એક દિવસ મલયાળમ લેખક પી. પી. સત્યન સાથે મુલાકાત થઈ ત્યારે તેમણે ધનુજાને કહ્યું કે આ બધી વાત ગુસ્સાથી કહેવા કરતાં તેને લેખિત સ્વરૂપ આપવામાં આવે તો વધુ અસરકારક બનશે. તે ઘણીવાર સાર્વજનિક રીતે ભાષણ પણ આપતી. એક વખત તેનું ભાષણ સાંભળીને જાણીતા લેખિકા વિજિલા ચિરાપ્પડે તેને પોતાના અનુભવોને પુસ્તક રૂપે પ્રકાશિત કરવા પ્રેરણા આપી અને 'ચેંગલચૂલાયિલ એંતે જીવિતમ્' અર્થાત્ 'ચેંગલચૂલામાં મારું જીવન' નામનું પુસ્તક ૨૦૧૪માં પ્રકાશિત થયું.

અત્યાર સુધીમાં આ પુસ્તકની પાંચ આવૃત્તિ થઈ છે. ૨૦૨૪માં તેનું આ પુસ્તક કન્નૂર યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ અને કાલીકટ યુનિવર્ર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમમાં સમાવેશ પામ્યું છે. પરિણામે એસ. ધનુજાકુમારી દરરોજ કામ પર જતી વખતે રાજભવન પાસેથી પસાર થતી હતી, તે તિરુવનંતપુરમ રાજભવનમાં તત્કાલીન ગવર્નર આરીફ મહંમદ ખાને ૨૦૨૪ના સ્વતંત્રતા દિવસે તેને રાજભવનમાં આવવાનું નિમંત્રણ પાઠવ્યું હતું અને 'પાવરફુલ લેડી' કહીને સંબોધન કર્યું હતું.

ધનુજા કહે છે કે, 'હું કોઈ કલ્પનાશીલ લેખિકા નથી. મારા જીવનમાં જે અનુભવ્યું છે તે જ લખ્યું છે. આ કદાચ સાહિત્યનું પુસ્તક નથી, પરંતુ મારા જીવનના અનુભવો છે.' આજે ચેંગલચૂલાનું નામ રાજાજીનગર થયું છે, પરંતુ આજે પણ તે ચેંગલચૂલાથી જાણીતું છે. આજેય ધનુજાકુમારી આ રાજાજીનગરમાં એક રૂમના ઘરમાં રહે છે અને કચરો એકત્રિત કરનારા સરકારી સંગઠન હરિત કર્મ સેનાની સભ્ય છે. ધનુજા માને છે કે લોકોના દ્રષ્ટિકોણમાં આજેય નોંધપાત્ર પરિવર્તન નથી થયું, પરંતુ તેમનાં બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. તે 'વિંગ્સ ઑફ વિમેન' નામના સંગઠનનું નેતૃત્વ કરે છે. એની પાસે ત્રણ હજાર પુસ્તકોની લાઇબ્રેરી છે દર મહિને મેડિકલ કેમ્પ, સમર ક્લાસનું આયોજન કરે છે. બીજા પુસ્તકની તૈયારી કરતી ધનુજાનું સ્વપ્ન છે કે ચેંગલચૂલામાં રહેતા દરેક વ્યક્તિને પોતાના નામનું મકાન હોય.

ચિંતા સ્વાસ્થ્યની, વાત વેક્સિનની

સદ ચક્રવર્તી કહે છે કે કોઈ પણ સ્ટાર્ટઅપ શરૂ કરવું અને ચલાવવું સહેલું નથી. આમાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે, પરંતુ કંઈક સારું કર્યાનો સંતોષ મળે છે

સિ દ ચક્રવર્તી ભારતમાં કમ્પ્યૂટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરીને અમેરિકાની મેરીલેન્ડ યુનિવસટીમાંથી ટેલિકોમ્યુનિકેશનમાં માસ્ટર્સ કર્યું. અમેરિકામાં પોતાની કંપની શરૂ કરી અને દસ વર્ષ ત્યાં રહ્યા. કેલિફોર્નિયામાં સિલિકોન વેલીમાં ઉચ્ચ પગાર સાથે નોકરી કરી, પરંતુ ૨૦૧૬માં તેઓ ભારત પાછા આવ્યા.  તેઓ નવી  ટૅક્નૉલૉજીનો કોઈ સમસ્યાના ઉકેલ માટે ઉપયોગ કરવા માગતા હતા. સંશોધન અને વિચારણાના અંતે એમણે ૨૦૧૬માં સ્ટેટવિગ સ્ટાર્ટઅપની શરૂઆત કરી. એમણે જોયું કે ખાસ કરીને વેક્સિન, ખાદ્યપદાર્થો અને ફાર્માસ્યુટીકલ્સનાં ઉત્પાદનોની કંપનીએ ઉત્પાદન કર્યા પછી ગ્રાહક પાસે પહોંચે ત્યાં સુધીની કોઈ માહિતી હોતી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક અંદાજ પ્રમાણે વિશ્વમાં પચાસ ટકા વેક્સિન નકામી થઈ જાય છે. એક વખત વાયલ ખૂલે પછી પૂરી ન વપરાય કે યોગ્ય તાપમાનમાં રસીને રાખવામાં ન આવે તો તે રસી નકામી બની જાય છે. 

રસીની સમસ્યાનો સીધો પ્રભાવ બાળકો પર પડે છે. દર પાંચ બાળકમાંથી એક બાળક સુધી રસી પહોંચતી નથી, તેથી તેઓ દરેક બાળક સુધી રસી પહોંચે તે માટે પ્રયત્નશીલ છે. તેઓ સિલિકોન વેલીમાં સોફ્ટવેર કંપનીમાં અદ્યતન ટૅક્નૉલૉજી ટીમમાં કામ કરતા હતા. તેથી તેમની ઇચ્છા હતી કે ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો. તેમને ખબર પડી કે ૨૫થી ૩૫ ટકા રસી તેના ઉપયોગકર્તા સુધી પહોંચે તે પહેલાં જ બગડી જાય છે. મહત્ત્વની વાત એ છે કે રસી બનાવવાની કિંમત કરતાં તેને પહોંચાડવાનો ખર્ચ એંશી ટકા વધુ હોય છે. તેમણે હૈદરાબાદમાં સ્ટેટવિગ સ્ટાર્ટઅપની શરૂઆત કરી. કારણ જણાવતા તેઓ કહે છે કે અહીં ભારત બાયોટેક અને અન્ય ઘણી કંપનીઓ રસી બનાવે છે. વિશ્વની ત્રીસ ટકા વેક્સિનનું ઉત્પાદન હૈદરાબાદમાં થાય છે.

સ્ટેટવિગ એક એવું પ્લેટફોર્મ છે જે બધો ડેટા રાખશે. ઉત્પાદકો, વિતરકો, સર્વિસ પ્રોવાઈડર્સ પ્રાદેશિક વિતરકો, સરકારી હોસ્પિટલો વગેરે એક પ્લેટફોર્મ પર આવશે અને કયા રોગ માટે રસી આપી, તારીખ અને ડોઝની માહિતી વગેરે ડેટા એમાં નોંધાશે. દરેક વાયલ પર ક્યૂઆર કોડ હશે અને યુનિક આઈડી તેમજ સિરિયલ નંબર હશે જેથી તે રસી કયા દેશમાં, કઈ જગ્યાએ જઈ રહી છે તેની ખબર પડશે અને સતત જાણકારી મેળવી શકાશે. રસી જ્યાં પહોંચાડવાની છે ત્યાં સુધી તેના પર સતત નજર રહેવાથી પારદર્શકતા આવશે. કોલ્ડ સ્ટોરેજમાં બેથી દસ ડિગ્રી સેલ્સીયસની વચ્ચે ટેમ્પરેચર જળવાવું જોઈએ, નહીં તો રસી બગડી જાય છે. આવી બાબતો પર ધ્યાન આપવાને કારણે લોકોમાં વિશ્વાસ વધશે.

ધ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ અર્થાત્ યુનિસેફ ઈનોવેશન ફંડ આપે છે. આ ફંડનો ઉપયોગ બ્લોકચેઇન ટૅક્નૉલૉજી દ્વારા વૈશ્વિક સમસ્યાના ઉકેલ માટે કરવાનો હોય છે. સમગ્ર વિશ્વમાંથી માત્ર છ કંપનીઓને પસંદ કરવામાં આવી અને તેમાં ભારતની એકમાત્ર કંપની સ્ટેટવિગ પસંદગી પામી. ૨૦૧૯થી સ્ટેટવિગે રસીકરણ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમનું લક્ષ એક જ છે કે સપ્લાય ચેઇન એવી બનાવવી કે વધુ ને વધુ બાળકો સુધી રસી પહોંચે. આજે સ્ટેટવિગ ઉત્પાદકો પાસેથી રસીનો સિરિયલ અને બેચ નંબર, તેની એકસ્પાયરી ડેટ અને કોલ્ડ ચેઇન ડેટા મેળવે છે. રાષ્ટ્રીય અને પ્રાદેશિક વિતરણ કેન્દ્રો અને રસી લેનાર બાળકનો બધો ડેટા પણ રાખે છે. સ્ટેટવિગને યુનિસેફ તરફથી માતબર ફંડ મળે છે. તે ઉપરાંત તેઓ ગ્લોબલ એલાયન્સ ફાર વેક્સિન્સ ઍન્ડ ઇમ્યુનાઇઝેશન (ગવી) અને સરકાર સાથે કામ કરે છે.ગવીને બિલ અન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ફંડ મળે છે. ગવી વિશ્વકક્ષાએ સૌથી મોટા રસીના વિતરક છે. કોવિડ પછી રસીકરણમાં જાગૃતિ આવી છે. સ્ટેટવિગે બે પ્રોડક્ટ બનાવ્યા છે - વેક્સિન લેજર અને બેબી બૂ. આ બંને રસી ઉત્પાદકોથી બાળકો સુધી રસી પહોંચે ત્યાં સુધી તેના પર સતત નજર રાખે છે. 

આનો એક ફાયદો એ પણ છે કે રસી લીધા પછી કોઈને આડઅસર થઈ હોય તો કઈ બેચમાં આ રસી બની હતી તેના વિશે માહિતી મેળવીને તેમાં શું ભૂલ થઈ હતી કે શું સુધારા થઈ શકે તેનો ખ્યાલ આવે છે. તેઓ આ ઉપરાંત વિમેન ઍન્ડ ચાઈલ્ડ વેલફેર, પીરીયડ, ન્યૂટ્રીશન પ્રોડક્ટ, દવાઓ અંગે પણ કામ કરે છે. અન્ય દેશોમાંથી આવતી દવાઓ અને અહીંથી જતી દવાઓ અંગે, તેના સ્ટોક વિશે, કિંમત વિશે જાણી શકે છે. હેલ્થકેર સપ્લાય ચેઇન તેમજ ખાદ્ય પદાર્થોને ટ્રેક કરીને ભોજન સુરક્ષાનું કામ કરે છે. તેઓ વાકોના પણ સંસ્થાપક છે. જેનો ઉદ્દેશ એઆઈના માધ્યમથી સ્વાસ્થ્ય સેવા અને દર્દીઓની સંભાળને વધુ સારી બનાવવાનો છે. સિદ ચક્રવર્તી કહે છે કે કોઈ પણ સ્ટાર્ટઅપ શરૂ કરવું અને ચલાવવું સહેલું નથી. આમાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે, પરંતુ કંઈક સારું કર્યાનો સંતોષ મળે છે, કારણ કે વેક્સિન મનુષ્યની જિંદગી બચાવે છે.