Magazines

બહુ થયું, ચાલો! હવે માનવતાનાં મંદિરોનું નિર્માણ કરીએ!

By GS TEAM
20 Jun 20265 mins read
બહુ થયું, ચાલો! હવે માનવતાનાં મંદિરોનું નિર્માણ કરીએ!

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- ધર્મગ્રંથો જે એક સમયે તાડપત્રો અને ભોજપત્રો પર લખાયેલા હોવાથી દુર્લભ હતા, તે આજે ડિજિટાઈઝેશનના કારણે અતિ સુલભ બન્યા છે. યુટયૂબ અને ટીવી ચેનલોના માધ્યમથી ભક્તિની ભાગીરથી હવે ઘરે ઘરે પહોંચી છે 

કો ઈ સંત પોતાના પંથનું મહિમાગાન કરે છે, કોઈ સંત પ્રાચીન ગ્રંથનો મહિમા કરીને સાર્થક જીવનનો પંથ બતાવે છે, કોઈ સંત માનવીને આધ્યાત્મિક ઉચ્ચતાનાં શિખરો બતાવે છે અને કોઈ સંત તો માનવધર્મનું આખુંય આકાશ બતાવે છે. એવું માનવધર્મનું આકાશ જોનારા સંત પોતાની આસપાસની ધરતીની વાસ્તવિકતાની સાથોસાથ શાસ્ત્રોની ગહનતા, શિક્ષણની મૂલ્યવત્તા અને માનવકલ્યાણની ભાવના પ્રગટાવતા રહે છે. આજે જ્યારે શિક્ષણની ભારે અવદશા થઈ છે, ત્યારે એક સંત પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ પ્રાચીન ગુરુકુળ શિક્ષણપદ્ધતિના પુનરુદ્ધારનું કાર્ય કરીને સર્વાંગી શિક્ષણ દ્વારા તેજસ્વી નવયુવાનોનું સર્જન કરી રહ્યા છે. 

ગુરુકુળમાં પવિત્ર વેદમંત્રોનું ગાન કરતા વિદ્યાર્થીઓ મળે તો સાથે એમબીએનો અભ્યાસ પણ થાય, એની પાછળ આ સંતની આગવી વિચારધારા છે અને એમના વિચારો એ એક અર્થમાં વર્તમાનયુગનું મોટું ચિંતનભાતું છે. આજના સમયમાં સંસ્કારસિંચન એ ગંભીર પડકાર બની ગયો છે અને એ સંદર્ભમાં માધવપ્રિયદાસજી સ્વામીએ કહેલી એક સત્ય ઘટના યાદ આવે છે, 

'એક સાધનસંપન્ન પરિવારનો પાંચ વર્ષનો બાળક આખો દિવસ હિંસક વીડિયો ગેમ્સ ૨મતો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે મોટો થઈને શું બનીશ, ત્યારે તેણે નિર્દોષ ભાવે કહ્યું કે તે 'આતંકવાદી' બનવા માંગે છે, કારણ કે તેની ગેમમાં તે બધાને મારી શકે છે. આ વાત સૂચવે છે કે આપણે બાળકોના રૂમમાં કે મનમાં કેવા આદર્શો સ્થાપિત કરીએ છીએ તેની સીધી અસર તેમના ભવિષ્ય પર પડે છે. માતા-પિતાએ માત્ર સુખ-સુવિધાઓ પૂરી પાડીને જવાબદારીમાંથી મુક્ત થવું ન જોઈએ. 

વળી તેઓ કહે છે, 'જો દાદા-દાદી કે વડીલો ઘરમાં ભગવાનની વાતો કરે કે નીતિમત્તાના પાઠ ભણાવે તો જ ઘર નાનકડું ગુરુકુળ બની શકે છે. નવી પેઢીને માત્ર જ્ઞાનની નહીં, પણ સાચા અને જીવંત આદર્શોની જરૂર છે. જે તેમને મુશ્કેલ સમયમાં સ્થિર રહેવાની પ્રેરણા આપે. જેમ ઘર ગુરુકુળ બને એમ શિક્ષણ સંસ્થાઓએ પણ ગુરુકુળ બનવું જોઈએ. 

પણ સવાલ એ જાગે કે શું માત્ર અભ્યાસ એ જ જીવનનું અંતિમ છે? તેઓ માત્ર સંકેત સૂચન કે સદ્ભાવ દાખવીને પોતાની વાત પૂર્ણ કરતા નથી, બલ્કે સર્જન કરીને એને સાક્ષાત્ રૂપે પ્રગટ કરે છે અને ત્યારે ધર્મનું સાચું કામ શું છે એ સંદર્ભમાં માધવપ્રિયદાસજી સ્વામીના હૃદયસ્પર્શી વિચારો સમજીએ. તેઓ કહે છે, 

'માનવજાતની સાચી પ્રગતિ માત્ર બાહ્ય વિકાસમાં નથી, પણ આંતરિક વિકાસમાં રહેલી છે. આંતરિક પરિવર્તન વિનાનો બાહ્ય વિકાસ અત્યંત ખતરનાક છે. મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇને પણ કહ્યું છે કે વિજ્ઞાન પરમાણુઓના ગુણધર્મો બદલી શકે છે, પણ માનવ મનની શૈતાનિયતને બદલવા માટે તો ધર્મને શરણે જ જવું પડે. દુર્ભાગ્યે, આજે ધર્મ સંસ્થાઓ પણ ધુમાડાના ગોટાઓથી ઘેરાયેલા અગ્નિ જેવી બની ગઈ છે. જો ધર્મ જગતમાં પણ દુન્યવી હરિફાઈઓ અને સત્તાના ખેલ શરૂ થાય તો માનવજાત નિરાધાર બની જાય. ઘડિયાળ બગડે તો પોસાય પણ ટાવર બગડે તે ન પોસાય અને બસના ડ્રાઇવરને આવતા ઝોલા મુસાફરો માટે જોખમી નીવડે છે.

વળી તેઓ કહે છે, ધર્મનું સાચું કામ માત્ર વિશાળ મંદિરો બાંધવાનું જ નથી, પણ માનવતાના મંદિરો બાંધવાનું છે. ધર્મનો ઉદ્દેશ્ય અનુયાયીઓના ઘેટાશાહી ટોળા ઉભા કરવાનો નથી, પણ મનુષ્યને સંસ્કારી બનાવી ગગન જેવો વિશાળ બનાવવાનો છે. ધર્મસ્થાનકોમાં જે લક્ષ્મી પ્રાપ્તિ થાય છે તે પ્રાણીમાત્રના અભ્યુદય માટે વા૫૨વી જોઈએ. ધર્મના અગેવાનોએ સંપત્તિના સંગ્રહ માટે લક્ષ્મણરેખા બાંધવી જોઈએ. ભક્તોએ આપેલી સંપત્તિ માત્ર બેંકની ફિક્સ ડિપોઝિટમાં સંગ્રહવા માટે નથી, પણ તેને સર્વ જીવોના હિત માટે વહેતી રાખવાની જરૂર છે. બંધિયાર વિરડાઓ જેમ ગંદા ખાબોચિયા બની જાય છે. તેમ ધર્મની સંપત્તિ જો સક્રિય ન રહે તો તે પોતાનો સાચો માર્ગ ગુમાવી દે છે. સાચો ધર્મ એ જ છે જે મનુષ્યનું આમૂલ પરિવર્તન કરે. 

આવા આમૂલ પરિવર્તનને માટે શિક્ષણને માધ્યમ બનાવીને ભારતીય ગુરુકુળ પદ્ધતિના પુનરુદ્ધારનો તેમણે પ્રયાસ કર્યો અને ગીરના જંગલની બાજુમાં કન્યા કેળવણી કાજે દ્રોણેશ્વર ગુરુકુળની સ્થાપના કરી. કુદરતી આફતના સમયે છપ્પન જેટલી શાળાઓનું નિર્માણ કર્યું અને એ રીતે વેદશાસ્ત્ર, સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના જતન માટે અત્યંત વિરલ કાર્ય કર્યું. વિશ્વનાં ૩૩ જેટલાં દેશોમાં નેવુંથી વધુ વિદેશયાત્રાઓ કરીને એમણે આપણને જાણે એ ઋષિવાણીનું સ્મરણ કરાવ્યું છે કે, 'સૂર્યની જેમ સતત કામ કરતા રહો, જેથી તમે અમૃતને પ્રાપ્ત કરી શકો.'

તેઓનું વેદોનું જ્ઞાન, સંસ્કૃત ભાષા પરનું પ્રભુત્વ અને વિચારોની વ્યાપકતા તો અજોડ છે. કોઈ સંત આજે વિજ્ઞાનનો જબરજસ્ત વિરોધ કરે છે, કોઈ વિજ્ઞાનની ભારોભાર હાંસી ઉડાવે છે, જ્યારે આ સંત તો કહે છે કે ટેકનોલોજીના માધ્યમથી ધર્મનો પ્રસાર અને શ્રદ્ધાનું સંરક્ષણ થઈ શકે છે. તેઓ કહે છે કે, 'વિજ્ઞાન અને ટેકનોલોજી આજે શ્રદ્ધાનાં કાર્યો માટે આશીર્વાદરૂપ બન્યા છે, જેના કારણે વિશ્વના કોઈ પણ ખૂણે બેઠેલો માણસ ઓનલાઇન માધ્યમથી ઈષ્ટદેવના દર્શન અને પૂજનનો લાભ લઈ શકે છે. એક સમયે મંદિરોમાં પાટોત્સવ દરમિયાન થતી ભીડ અને ધક્કા-મુક્કીને કા૨ણે બાળકો અને વૃદ્ધો માટે જોખમ રહેતું હતું, પરંતુ આજે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન અને ડિજિટલ માધ્યમોએ આ પરિસ્થિતિને ૧૮૦ ડિગ્રીએ બદલી નાખી છે.' 

આ રીતે તેમના એમના એક હાથમાં વેદ છે, તો બીજા હાથમાં 'વેબ' (ટેકનોલોજી) છે અને એટલે જ એ ટેકનોલોજીનો મહિમા દર્શાવતા એમણે માર્મિક રીતે કહ્યું, 'ધર્મગ્રંથો જે એક સમયે તાડપત્રો અને ભોજપત્રો પર લખાયેલા હોવાથી દુર્લભ હતા, તે આજે ડિજિટાઈઝેશનના કારણે અતિ સુલભ બન્યા છે. યુટયૂબ અને ટીવી ચેનલોના માધ્યમથી ભક્તિની ભાગીરથી હવે ઘરે ઘરે પહોંચી છે અને સત્પુરુષોની વાણી ગમે ત્યારે શ્રવણ કરી શકાય છે. આમ, ટેકનોલોજીના પ્રભાવથી ધર્મગ્રંથોનું સંરક્ષણ અને સત્સંગનો વ્યાપ અત્યંત સરળ બન્યા છે.'

એમની આ આધુનિક દ્રષ્ટિ એમના ગ્રંથરચના, યોગસાધના, ગૌસેવા અને સદ્ગુરુની વંદના ઉપરાંત એમના જીવનમાં પણ જોવા છે. એના એક માર્મિક પ્રસંગનું વર્ણન કરતા તેઓ કહે છે કે પ્રત્યેક કટોકટી વાસ્તવમાં આપણી અચાનક આવી પડેલી કસોટી સમાન હોય છે. કટોકટીઓ અનેક પ્રકારની હોઈ શકે છે, પરંતુ તેમાં સૌથી મોટી કટોકટી જાનનું જોખમ છે. વર્ષ ૧૯૯૭ની સાલમાં જ્યારે અમે દુબઈમાં સત્સંગ વિચરણમાં હતા, ત્યારે રણપ્રદેશમાં કાર રેસિંગના અનુભવ દરમિયાન આવી જ એક ભયાનક કટોકટી સર્જાઈ હતી. 

રેતીના ઊંચા ટેકરાઓ પરથી ગાડી જ્યારે ૮૦થી ૯૦ની સ્પીડમાં નીચે ઉતરતી હોય ત્યારે હૃદયના ધબકારા વધી જાય તે સ્વાભાવિક છે. આવી પળોમાં જ્યારે ગાડી હવામાં ફંગોળાઈ ત્યારે સીટ બેલ્ટ રક્ષા કવચ બનીને અમારી વહારે આવ્યો હતો. જો સીટ બેલ્ટ ન હોત તો ગાડીની છત સાથે માથું અથડાવાથી ગંભીર ઈજા કે મૃત્યુ પણ થઈ શકત. આ અનુભવ શીખવે છે કે વિજ્ઞાનના સાધનો અને નિયમોનું પાલન વિકટ સમયે જીવન બચાવવામાં કેવું મહત્ત્વનું સાબિત થાય છે. પરમાત્માની કૃપા અને સાવચેતીનો સમન્વય જ આવી કટોકટીઓમાંથી આપણને હેમખેમ બહાર લાવે છે. 

આમ સંતની દ્રષ્ટિનો વ્યાપ માનવીની શ્રદ્ધાથી માંડીને ધર્મભાવના સુધી, પુરાણોથી માંડીને વિજ્ઞાન સુધી, સાયન્સ ફિક્શનથી માંડીને પરમ સત્ય સુધી વિશ્વને જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યાત્મનો અનુભવ અર્ક આપીને જનજીવનમાં સાર્થક જીવનનું અમૃત વહેંચે છે.