Magazines

જીવતરના શૉમાં હાજરી-ગેરહાજરી બંને પર્ફોમન્સ છે

By GS TEAM
20 Jun 20263 mins read
જીવતરના શૉમાં હાજરી-ગેરહાજરી બંને પર્ફોમન્સ છે

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

એવું જોખમ હોય છે જેને તમે સ્વીકારી નથી શકતા, એવું જોખમ હોય છે જેને તમે નકારી નથી શકતા. 

- પીટર ડ્રકર

આ પણી જાતથી અજાણ રહી જવું, આપણી જાત ચકાસ્યા વિનાની રહી જાય તો તે આત્મહત્યા છે. તેથી જાતને જાણવા માટે બધા જ જોખમો-પડકારો ઝીલવાના હોય છે,  તેને નકારવાના નથી. આપણી જીવનયાત્રા દરમિયાન મારગમાં કોઈ સહયાત્રી ખોવાઈ જાય તે દુ:ખદ નથી પણ જો આપણી જાત ખોવાઈ જાય તો તે પીડાદાયક છે. જ્યારે આપણે સમાજને બદલે સ્વને આનંદિત કરીએ છીએ ત્યારે ખરા જીવન કે સર્જનનો પ્રારંભ થાય છે. અન્યને મળવાનું બંધ કરીએ ત્યારે જાતને મળવાનું, સાંભળવાનું અને જાણવાનું આરંભ થાય છે. ક્યારેક આપણા આદર-સન્માનનો આધાર આપણી હાજરી નહીં પણ ગેરહાજરી હોય છે. નેપોલિયન બોનાપાર્ટ કહેતા 'જો હું થિયેટરોમાં વખતો-વખત જોવા મળતો હોત  તો લોકો મને નોંધવાનું બંધ કરી દેત.' 

આપણી સર્જનાત્મકતાને ફરી શ્વાસ લેતી કરવી  હોય, તેને ઉર્જાવાન અને ઉલ્લાસમય  કરવી હોય તો એકાંત અને વિશ્રામ અનિવાર્ય છે. સ્ટીફન સાગમેઈસ્ટર નામનો મૂળ ઓસ્ટ્રીઅન પણ ન્યુયોર્કમાં સ્થિર થયેલ એક ગ્ર્રાફિક ડિઝાઇનર છે, તે વિશ્વવિખ્યાત છે. તે  દર સાત વરસે એક વરસનો વિશ્રામ લે છે. આ દરમ્યાન તે ટીવી અને દરિયા કિનારો  નથી માણતો પણ વધુ સર્જનાત્મક પ્રયોગો કરે છે. આ દરમિયાન તેનો  સ્ટુડિયો બંધ હોય છે અને તેના ગ્રાહકોને પણ તે મળતો નથી. તે વર્લ્ડ ક્લાસ કંપનીઓના કામ કરે છે. તેને અનેક એવોર્ડઝ  મળ્યા છે. બે વખત તો ગ્રામી એવોર્ડઝ મળ્યા છે. કદાચ, વિશ્રામ એ આળસ કે પ્રમાદ નથી પણ સર્જનાત્મક અવકાશ કે પાવક મોકળાશ છે. જ્યાં પ્રેરણા કે વિચાર જન્મે છે. તેની ઈચ્છા તો એટલી જ કે તેની ડિઝાઇન હૃદયને સ્પર્શે. તે માણસે  માણસ માટેની બનાવેલી ડિઝાઇન હોવી જોઈએ. તે કહે છે કે કોમ્પ્યુટરથી દૂર ચાલ્યા જવાનું કોઈ પણ બહાનું આવકારદાયક છે. તેનો  અનુભવ અફલાતૂન છે. સાત વરસ સારું કામ કરવું હોય તો એક વર્ષ પોરો લેવો. પેલો લોન્ગજંપ  રનર કૂદવા માટે પાછો જાય તેવું આ છે. સમાજ કે બજારમાં પણ આપણે આ સિદ્ધાંતને કામ કરતો જોઈએ છીએ. માંગ વધારવાની હોય તો અછત ઊભી કરો. સૌને દેખાતા-મળતા બંધ થશો તો સૌ તમારે વિશે પૂછશે. કોઈને નહીં મળો ત્યારે જાતને મળવાનું થશે. ગ્યુથે કહેતા, ચારિત્ર્ય જગત વચ્ચે અને પ્રતિભા એકાંતમાં ઘડાય છે. 

જીવતર એક એવો શો છે જેમાં તમારી હાજરી અને ગેરહાજરી બંને તમારું પર્ફોર્મન્સ છે. ક્યારેક બધા રૂટીન કે સમયપત્રકો વિખેરી નાખવાના હોય છે. બીબાઢાળ કે ઢાંચાઢાળ દિનચર્યા માણસને ઝોમ્બી(ઊંઘમાં ચાલતો માણસ) બનાવી નાખે છે. અને હા, સર્જક અને સર્જનાત્મક્તાનો શ્વાસ રૃંધી  નાખે છે.  નિકોલા જેન  હોબ્ઝ  એક અનન્ય યુક્તિ શીખવે છે. તે કહે છે કે  'મેં વિશ્રામ  લેવા માટે પર્યાપ્ત કામ કર્યું કે નહીં? તેમ પૂછવાને બદલે હવે હું સ્વયં પૂછું છું કે મારું અર્થપૂર્ણ  કામ કરવા માટે પર્યાપ્ત વિશ્રામ  લીધો કે નહીં?' સર્જન અને વિશ્રામ વિરોધાર્થી  શબ્દો નથી પણ એક જ ચૈતન્યની  બે અનિવાર્ય-અવિભાજ્ય અવસ્થાઓ છે.