Magazines

સમ્રાટ શાહજહાંને થાપ આપનારી ઝવેરીવાડની પોળો! .

By GS TEAM
20 Jun 20267 mins read
સમ્રાટ શાહજહાંને થાપ આપનારી ઝવેરીવાડની પોળો!                    .

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- મોડી સાંજે ભોજન લીધા બાદ કુટુંબના માણસો દિવેલના કોડિયાના અજવાળે રાતે વાતો કરતા. માતાપિતા બાળકોને કથા-વાર્તા સંભળાવતાં. બાળકો દિવેલને કોડિયે ભણતાં અને લેસન કરતાં.

જ માનાની રફતાર કેવી બદલાય છે! એક વાર અમદાવાદની પોળ રચનાએ ખુદ મુઘલ બાદશાહ શાહજહાંના સૈનિકોને પરાસ્ત કર્યા હતા. વાત છે ઈ. સ. ૧૭૨૭ની જ્યારે શહેનશાહ અકબરના દરબારમાં માનપાન પામેલા અને જહાંગીર જેને 'મામા'ના નામથી બોલાવતો હતો એવા અમદાવાદના શાંતિદાસ ઝવેરીની સંપત્તિને લૂંટવા માટે મુઘલ સમ્રાટ શાહજહાંના સૈનિકો ઝવેરીવાડમાં આવ્યા. શાંતિદાસ ઝવેરીએ ધન અને ઝવેરાત ભીંત અને ભોંયરામાં છુપાવ્યા અને તેઓ પોતે શાહજહાંના સૈનિકો આવે, તે પહેલાં તો ઝવેરીવાડમાં આવેલી પોળો ઓળંગીને ક્યાંયના ક્યાંય પહોંચી ગયા હતા! 

આમ અમદાવાદના પોળની રચનાની ભૂલભુલામણીમાં ખુદ શાહજહાં પણ થાપ ખાઈ ચૂક્યો હતો. કોઈ બહારની વ્યક્તિને ખબર જ ન પડે કે એની ગલી, ખડકી કે ડહેલુ ક્યાં છે? વળી એ ક્યાંનું ક્યાં નીકળે! એ સમયે ઝવેરીવાડની રચના એવી હતી કે જેમાં એક પોળમાંથી બીજી, ત્રીજી અને ચોથી પોળમાં જઈ શકાતું અને વચ્ચે છુપાઈ શકીએ એવી ગલીઓ આવતી હતી - જેથી એના જાણકારને ઝડપવા ભલભલાને માટે મુશ્કેલ બનતું હતું. આઝાદીના આંદોલન સમયે પણ પોલીસોને આ કોઠો ભેદવો મુશ્કેલ લાગતો હતો. 

એક સમયે આ પોળો એક અર્થમાં વિશિષ્ટ નગર સમાન અમદાવાદની આગવી ઓળખ ગણાતી હતી. એ પોળની એક નોખી સંસ્કૃતિ અને અનોખા એના માનવસંબંધ. આ પોળનો પ્રારંભ સલ્તનતકાળમાં થયો અને એ સમય દરમિયાન અમદાવાદમાં ધીરે ધીરે એક પછી એક પોળ શરૂ થતી ગઈ. ઇતિહાસ નોંધે છે કે સુલતાન મોહમ્મદ બેગડાના શાસનકાળ દરમિયાન અમદાવાદ શહેરમાં બોંતેર જેટલી પોળો હતી. એ પછીના ઈ. સ. ૧૬૭૨ના મુઘલ સમયમાં પોળોની સંખ્યા ૨૩૦ થઈ અને ઈ. સ. ૧૮૭૨માં એ વધીને ૩૬૫ થઈ. આજથી છ વર્ષ પહેલાં અમદાવાદની પોળોની નોંધણી કરવામાં આવી અને એવી કુલ ૬૫૦ પોળ નોંધાઈ હતી. એમાં સરેરાશ દરેક પોળમાં ૫૫ કુટુંબો રહેતાં હતાં. 

મજાની વાત તો એ છે કે પોળોમાં કદી રાજ્યનો પોલીસ ઘૂસી શકતો નહીં. પોળના મજબૂત દરવાજા પોળવાસીઓનું રક્ષણ કરતા હતા. દરેક પોળની આગળ તોતિંગ દરવાજો હોય, લાકડાનાં મજબૂત દરવાજામાં એક નાનું બારણું કોતરવામાં આવે અને દરવાજાની ઉપર આવેલા માળમાં રાત્રે ચોકીદાર ચોકી કરતો. રાત્રે કોઈ આવે તો આખો દરવાજો ખોલવાને બદલે એ નાનું બારણું ઉઘાડતો અને કોણ છે તેની બરાબર ચકાસણી કરીને એને પોળમાં પ્રવેશ આપતો. 

આ પોળમાં એના સંચાલન માટેની પંચાયત પણ હતી અને વળી દરેક પોળમાં ચોગાન હોય અથવા તો વચ્ચે ચોકઠા માટે ખુલ્લી જગા રાખવામાં આવતી. એક અર્થમાં કહીએ તો આ ચોગાન એ પોળવાસીઓનો કોમ્યુનિટી હોલ હતો. અહીં બાળકો જુદી જુદી રમતો ખેલતા હોય, લગ્નપ્રસંગે જ્ઞાતિજનો અહીં જમતા હોય, મૃત્યુ પ્રસંગે જમણવાર થતા હોય, કોઈ કીર્તનકાર, મદારી કે કથાકાર આવે તો એ આ ચોગાનમાં પોતાનો કાર્યક્રમ ૨જૂ કરી પોળવાસીઓનું મનોરંજન કરતા હોય. 

આ પોળોમાં લોકો બહાર ઓટલા પર બેસતા હોય. આ ઓટલો એ પોળોને માટે આખી દુનિયાનું સમાચારપત્ર. ઓટલા પર બેસીને દાતણ થાય, આવના૨ જનાર વચ્ચે વાતચીત થાય અને એ રીતે આ પોળોમાં એક આગવું ઓટલા કલ્ચર હતું. 

જાણીને આશ્ચર્ય થાય પણ ૧૯૨૦ પહેલાં અમદાવાદની એક પણ પોળમાં વીજળી નહોતી. રેડિયો, ટેલિફોન કે પંખા નહોતા. આજે સ્ટેન્ડિંગ કીચન છે, પણ એ સમયે જમીન પર બેસીને ચૂલા પર ૨સોઈ કરવામાં આવતી. વળી દરેક મકાનમાં પ્રવેશ કરતા પહેલાં ત્રણ-ચાર પગથિયાં હોય અને એને ઓળંગો એટલે ઓટલો આવે. આ પોળોની રચના આવી કે એના ઓટલાનાં ખૂણા પર શૌચાલયની વ્યવસ્થા હોય. ઓટલો આરામનું સ્થળ હતું અને ઓટલો ઓળંગો એટલે ખુલ્લો ચોક આવે. આ પોળ રચનાનાં સંદર્ભમાં જાણીતા ઇતિહાસવિદ્ મકરંદ મહેતા નોંધે છે કે, ઘરના હવા-ઉજાસની દ્રષ્ટિએ ખુલ્લો ચોક સમગ્ર ઘરના કેન્દ્રબિંદુની ગરજ સારતો, કારણ કે ચોકને અડીને પાણિયારું, ટાંકું, રસોડું અને પૂજા માટેની નાની ઓરડી આવતાં. 

ઘરમાં મંદિર પાસે પાણિયારું અને પીવા તથા નહાવા ધોવા માટેનું ટાંકું હતું. ટાંકામાં બારેમાસ સુધી ચાલે તેવું વરસાદનું પાણી પાઇપ મારફતે જમા થતું. આજે પણ કેટલીક પોળોમાં જૂના સમયનાં ટાંકાં સચવાયાં છે. ચોકની એક બાજુ મોટો ઓરડો આવ્યો હતો. ઓરડાની ભીંતની આજુબાજુ બે નાના ગોખ હતા. જ્યાં દીવા મુકવામાં આવતા. દીવાનો સીધો પ્રકાશ ચોક અને રસોડા સુધી પ્રસરતો હતો. 

મુઘલ સમયમાં બળતણ માટે કોલસાનો નહીં, પણ લાકડાનો ઉપયોગ થતો. ચૂલા ઉપર રોટલી, રોટલો, દાળ, ભાત, શાક રંધાતા વાર તો લાગે પણ ભોજનની સુગંધ આખા ઘરમાં પ્રસરતી. અનાજ, ઘી, તેલ, મીઠું, મરચું અને ખાંડ જેવી ચીજોના સંગ્રહ માટે નાનીમોટી કોઠીઓનો કોઠાર હતો. શિયાળામાં નહાવા માટે ગરમ પાણી જોઈએ; તેને માટે મોટા તપેલાનો ઉપયોગ થતો અને પાણી ચૂલામાં ગરમ થતું. 

મુઘલ સમયમાં પોળોમાં આવેલાં ઘરોમાં આજની જેમ આંખે ઊડીને વળગે તેવું ફર્નિચર નહોતું. સામાન્ય પોળવાસીઓના ઘરે લાકડાની એક- બે ખુરશીઓ તથા ટેબલ હતાં. પૈસાપાત્ર માણસો ફેન્સી ફર્નિચર વાપરતા અને હીંચકા પર ઝૂલતા. નીચે ભોંય ઉપર પાટલો ગોઠવીને જમવાનું. ડાઇનિંગ ટેબલો નહોતા. તાંબા-પિત્તળનાં વાસણોમાં ચૂલાને સહારે જમવાનું તૈયાર થતું. આજની જેમ ઇલેક્ટ્રિક લાઇટો નહોતી. દિવેલના કે કેરોસીનના કોડિયાથી કામ ચાલતું. રાત્રે ૮ વાગ્યા પછી પોળો અને તેમાં આવેલા ઘરોમાં અંધારું છવાઈ જતું. જ્યારે પોળની બહાર જવાનું થાય ત્યારે લાકડાની મશાલથી અજવાળું થતું. 

મોડી સાંજે ભોજન લીધા બાદ કુટુંબના માણસો દિવેલના કોડિયાના અજવાળે રાતે વાતો કરતા. માતાપિતા બાળકોને કથા-વાર્તા સંભળાવતાં. બાળકો દિવેલને કોડિયે ભણતાં અને લેસન કરતાં. પોળનાં દ્વાર રાત્રે બંધ થઈ જતાં અને મળસ્કે ઊઘડતાં. મોટા ભાગનાં ઘરોમાં એક અંધારો ઓરડો હતો. તે માસ્ટર બેડરૂમની ગરજ સારતો. સુવાવડ વખતે પણ અંધારા ઓરડાનો ઉપયોગ થતો હતો. મુઘલ યુગમાં નર્સ કે દાયણ નહોતી. કુટુંબની અનુભવી સ્ત્રીઓ દાયણું કામ કરતી. 

આ પોળ કલ્ચરની એક એવી ખાસિયત હતી કે એમાં એકબીજાના ઘરમાં શું ચાલે છે અથવા તો એ પોળવાસી કેવા છે એને વિશે સાચી-ખોટી ઘણી જાણકારી મળતી હતી, પણ એની સાથોસાથ સુખ-દુ:ખનાં પ્રસંગોમાં સહુ એક બનીને રહેતાં હતાં. પોળમાં સહકારનું વાતાવરણ હતું, જે લગ્ન અને મૃત્યુપ્રસંગનાં જમણવારોમાં જોવા મળતું હતું. પોળમાં વારંવાર જમણવારો યોજાતા. કોઈ માણભટ્ટ, કથાકાર કે કીર્તનકાર આવે તો આનંદમય વાતાવરણ ઊભું થતું. લગ્નનાં જમણવારોમાં સહુ એકબીજાને ઉપયોગી થતા, પણ વિશેષ તો મૃત્યુ સમયેની વિધિમાં સહુ કોઈ સામેલ થતા. 

ઇતિહાસ નોંધે છે કે ૧૬૩૦-૩૧ના દુષ્કાળ વખતે એકલા અમદાવાદમાં જ ત્રીસ હજાર લોકો મૃત્યુ પામ્યાં હતાં. આમ છતાં પોળમાં ઉલ્લાસ જોવા મળતો. પોળમાં કોઈનું મૃત્યુ થાય, ત્યારે એકેએક વ્યક્તિ એકઠી થઈ જાય. જો કોઈ ન આવે તો એને દંડ પણ કરવામાં આવતો અને એ સમયે અમદાવાદમાં જમાલપુર અને શાહપુર બે સ્થળે સ્મશાનઘાટ હતા. જ્યાં લાકડાની અને પાણીની સગવડ હતી. આ બંને સ્મશાનગૃહો સાબરમતી નદીના તટ પર આવેલા હતા. અવસાન પામેલી વ્યક્તિના કાનમાં 'શ્રીકૃષ્ણ શરમ્ મમ્'નો 

મંત્ર ફૂંકવામાં આવતો. થોડા સમયમાં બધા પોળવાસીઓ એકત્રિત થઈ જતા અને પછી 'રામ બોલો ભાઈ રામ' મોટેથી બોલીને નનામી લઈને નીકળતા હતા. આ સમયે પોળના ચોકમાં સ્ત્રીઓ જોરથી રડતી અને કૂટતી. મરસિયા ગાવામાં આવતા અને લગ્નનાં જમણવાર જેટલો જ મહત્ત્વનો પ્રસંગ મરણવારનો હતો. મૃત્યુ બાદ બારમા અને તેરમાની નાતો થતી. આ પોળ વિશે પ્રમોદ શાહ અને ચંદ્રકાન્ત કડિયાએ લખેલાં પુસ્તકોનું પણ સ્મરણ થાય છે. 

છેલ્લાં ત્રીસેક વર્ષમાં અમદાવાદની આ પોળોનું સ્વરૂપ બદલાયું છે, એના ઘણા નિવાસીઓ અમદાવાદની પશ્ચિમે બંગલામાં રહેવા ચાલ્યા ગયા છે અને પોળમાં પણ રહેવાસીઓ બદલાવાની સાથોસાથ કેટલાય નવા પરિવર્તનો આવ્યા છે. આ પરિવર્તનોનો ઇતિહાસ કોઈ લખશે ખરા?

મનઝરૂખો 

બેન્જામિન ફ્રેન્કલિન એ સાબુ અને મીણબત્તી બનાવનાર પિતાનાં ૧૭ સંતાનોમાંનું દસમું સંતાન હતા. માત્ર બાર વર્ષની ઉંમરે અભ્યાસ છોડીને એમના ભાઈના પ્રેસમાં શિખાઉ કારીગર તરીકે જોડાયા અને પછી આ વ્યવસાય અર્થે પહેલાં ફિલાડેલ્ફિયા અને ત્યાર બાદ લંડનમાં કામ કર્યું. બેન્જામિન ફ્રેન્કલિન પગ વાળીને બેસે એવો નહોતો અને એની જીભને વિરામ આપવામાં માનતો નહોતો, આથી એણે ચલણી નોટો છાપનાર તરીકેનું કામ શરૂ કર્યું. 

તરત જ એક દૈનિકનો પ્રારંભ કર્યો. તહેવારો અને મહત્ત્વના પ્રસંગોની માહિતી આપતું અને એ તારીખોની ખાલી જગામાં ઉદ્યમ અને ડહાપણનો મહિમા દર્શાવતી શિખામણો આપતાં કેલેન્ડર છાપવા લાગ્યો. 

આ વાચાળ યુવાન એક પછી એક કાર્યો કરતો રહેતો. એણે એક અગ્નિશામક વિભાગની સ્થાપના કરી. લેન્ડિંગ લાઇબ્રેરી ઊભી કરી અને એક અકાદમી પણ સ્થાપી, જે સમય જતાં પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં ફેરવાઈ. આવાં કેટલાંય કામો કરનાર બેન્જામિન ફ્રેન્કલિન પોતાની વાતને ખૂબ દઢતાપૂર્વક રજૂ કરતો અને સતત બોલીને બીજાઓ પર છાપ પાડવાનો પ્રયાસ કરતો. 

સામી વ્યક્તિની વાત શાંતિથી સાંભળવાને બદલે પોતાની વાત જ કરે જતો અને એથી કેટલાક લોકો એની વાચાળતાથી કંટાળીને એને સામેથી આવતો જુએ એટલે રસ્તો બદલી નાખતા અથવા તો રસ્તાને બીજે છેડે જતા રહેતા. એક વાર બેન્જામિન ફ્રેન્કલિનના મિત્રએ એને એની આ ક્ષતિ સમજાવી. એણે કહ્યું કે તમારી પાસે આગવી કાર્યશક્તિ હોવાથી આવી વાચાળતાનો આશરો લેવાની જરૂર નથી. તમારી વાચાળતા જ તમારા માટે અણગમો પેદા કરનારી બની છે. 

બેન્જામિન ફ્રેન્કલિને મિત્રની એ સલાહ સ્વીકારી અને એણે જીવનમાં મૌનનો મહિમા કર્યો. બીજાની વાત શાંતિથી સાંભળવાનું ધૈર્ય કેળવ્યું. પરિણામ એ આવ્યું કે બેન્જામિન ફ્રેન્કલિન વિજ્ઞાની તો થયો, પરંતુ અમેરિકાને સ્વતંત્રતા આપનાર કુશળ મુત્સદ્દી પણ બન્યો.