હમ તુમસે જુદા હો કે... મર જાયેંગે રો રો કે! : ઉદાસી પણ મૃત્યુનું કારણ હોય છે!

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- કોઈના ના હોવાનો ખાલીપો, કોઈ આઘાતનો શોક, કોઈના ચાલ્યા જવાની પીડા આ બધું દર્દ પણ દવા ખાસ ના જડે એવી બીમારી જ છે. પતિના વિયોગમાં અવસાન પામેલી વિશ્વવિખ્યાત ઈરાની સર્જકની વિદાય અને એમની કૃતિઓ આપણને જીવન વિષે શું શીખવી જાય છે?
અ મિતાભ બચ્ચનના પ્રતાપી પિતા કવિ હરિવંશરાય બચ્ચનના પ્રથમ પત્ની શ્યામાને એ ખૂબ પ્રેમ કરતા. પણ માત્ર ૨૪ વર્ષની વયે એ સમયે અસાધ્ય એવા ટીબીને લીધે એમનું મૃત્યુ થયું. કોઈ સંતાન નહોતું ને કવિ ખૂબ દુ:ખી થયા. વિષાદમય ચિત્તમાં એમણે ઘણા બેનમૂન કાવ્યો પણ લખ્યા. 'કહતે હૈ તારે ગાતે હૈ' પણ એમાંનું એક છે, જેમાં કવિ આસમાનના તારાઓને રાતના નીરવ અંધકારમાં રોતા સાંભળે છે. ચમક ને મધુર ગાયન દેવતાઓ માટે છે, પૃથ્વી પર માણસ તો હંમેશા દુખી થવા જ જીવે છે ને એટલે સવારની ઝાકળ તારાઓના આંસુ છે, એવો એમાં ભાવ છે. જો કે, પછી એમના જીવનમાં પંજાબી તેજી જીવનસાથી તરીકે આવ્યા. અને ધાર્યો પ્રેમ મળી જતા બેઉ સજોડે ખૂબ લાંબુ જીવ્યા. પણ એવું ના થાય એવા કોઈ ઉંમર કે જીવનના વળાંકે વિષાદ વ્યક્તિને ખતમ કરી નાખે. ખાસ કરીને સંવેદનશીલ ચિત્ત હોય ત્યારે ખાસ સાચવવા સંભાળવા જેવું !
ટાકોત્સુબો કાર્ડિયોમાયોપથી એવો શબ્દ સાંભળ્યો છે ? આ કોઈ કવિકલ્પના નહિ પણ સાબિત થયેલી મેડિકલ કન્ડીશન છે, જેમાં કોઈ સિરિયસલી ઈમોશનલ એવો આઘાત હૃદયના સ્નાયુઓને કામચલાઉ નબળા પાડી દે છે. અંગ્રેજીમાં ગ્રીફ કહેવાય એવા કોઈ સ્વજનના મૃત્યુના ઊંડા શોકને કારણે આ થઈ શકે છે. બ્રોકન હાર્ટ, યુ નો ! દિલ તુટીં જવાની વાતો ને ગીતો સાવ ખોટા નથી !
સાયન્સમાં પુરવાર થયું છે કે કોઈ સ્વજનને ગુમાવવાનો ઊંડો શોક માત્ર ભાવનાત્મક નથી હોતો. મગજ તેને એક શારીરિક જોખમ તરીકે નોંધે છે. પછી શરીરમાં કોર્ટિસોલ અને એડ્રેનાલિન જેવા હોર્મોન્સનું પ્રમાણ વધારી દે. હૃદયના ધબકારા વધી જાય. રોગપ્રતિકારક શક્તિ નબળી પડે. તમારી ઊંઘ હરામ થઈ જાય. આ સ્થિતિ જેટલી લાંબી ચાલે, શરીરને એટલો જ વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડે ! મગજ આ શોકને સ્ટ્રેસ તરીકે જુએ છે. જો આ તણાવ લાંબા સમય સુધી હળવો ન થાય, તો મનની સાથે શરીરની આંતરિક વ્યવસ્થા ખોરવાઈ જાય એવું બને, તો ક્રોનિક ઇન્ફલેમેશન કેટલાક કિસ્સાઓમાં મૃત્યુનું કારણ પણ બને ! દેહ, દિમાગ ને દિલ એકબીજા સાથે કનેક્ટેડ છે એમ તો.
હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે અત્યંત પ્રેમ એકમેકને કરતા હો એવા જીવનસાથી ગુમાવનાર વ્યક્તિઓમાં મૃત્યુનું જોખમ ૬૬% વધી જાય છે ! આ ખતરો જીવનસાથીના મૃત્યુ પછીના પ્રથમ ત્રણ મહિનામાં સૌથી વધુ હોય છે. ફ્રાન્સમાં રહેતા ૫૬ વર્ષના ઈરાની લેખિકા, ફિલ્મમેકર, આર્ટીસ્ટ ને એક્ટીવિસ્ટ નામે મરજાન સત્રાપી તો એમના સ્વીડીશ પાર્ટનર અને જીવનસાથી એવા લેખક અને અભિનેતા મટિયાસ રિપા સાથે પેરિસમાં ૩૦ વર્ષ જીવ્યા. મટિયાસે જ મરજાનની કથાઓના અંગ્રેજી અનુવાદો કર્યા ને એની ફિલ્મોમાં અભિનય પણ કર્યો.
૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ મટિયાસ રિપાનું ૫૩ વર્ષની વયે કેન્સરને લીધે નિધન થયું. ત્યારબાદના અઠવાડિયામાં સત્રાપીનું ઇન્સ્ટાગ્રામ એક પ્રકારની જાહેર શોકસભામાં ફેરવાઈ ગયેલું. દિવસો સુધી એ એક એક શબ્દ જ પોસ્ટ કરતા રહ્યા. જે અંતે આખું વાક્ય બનતું હતું : ફોર આઈ હેવ લોસ્ટ લવ ઓફ માય લાઈફ. આવી નિખાલસ, ઉત્કટ સંવેદનાની વાતો એ એમની કૃતિઓમાં લખતા. પણ આ વાસ્તવિકતા હતી. મજાકિયા સ્વભાવની બિન્દાસ લાગતી આ સ્ત્રી ભીતરથી ભારે લાગણીશીલ નીકળી. એ સાવ એકાંતવાસમાં ના સરકી પડી. એણે પ્રયાસ કર્યા. મટિયાસ અને મરજાન રિપા-સત્રાપી સિનેમા ફાઉન્ડેશન' પેરિસમાં ફિલ્મ-મેકિંગનો અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને મદદ કરવા માટે બનાવી. મરજાન સત્રાપીએ જ લખેલું કે 'દર્દને એવી વસ્તુમાં પરિવર્તિત કરવું, જે દર્દ કરતાં પણ વધુ સમય ટકી રહે !'
પણ એવો વિષાદ જે માણસની અંદર ઘર કરી જાય અને ક્યારેય બહાર ન નીકળે. જે ઔરત ઈરાની ઇસ્લામિક ક્રાંતિ, વતનથી ઉખડીને વર્ષોનો દેશનિકાલ અને પોતાની જિંદગીમાં અંતર સુધી ઘા આપતા જડસુ ધાર્મિક શાસન સામે અવાજ ઉઠાવવાના સતત બોજમાંથી બચી ગઈ હતી, તે એ પુરુષની ગેરહાજરી સહન ન કરી શકી જે આ બધામાં તેની પડખે ઊભો રહેલો ! કોઈ માંદગી ના હોવા છતાં શરીરથી સ્વસ્થ લાગતા. હમણાં એપ્રિલમાં જર્મની જઈને ડિપ્રેશનની સારવાર માટે એમણે પ્રયાસ પણ કરેલો. હમણા ૩ અથવા ૪ જૂન ૨૦૨૬ના રોજ ફ્રંેચ રાષ્ટ્રપતિ, હોલીવૂડ સ્ટાર્સ અને નોબેલ પ્રાઈઝ વિનર સાહિત્યકારો પણ જેમને અંજલિ આપે એવા મરજાન સત્રાપીનું નિધન થયું ત્યારે એમના નિકટ સ્વજનોએ માત્ર એક લીટીની મૃત્યુનોંધ આપી : શી ડાઈડ બીકોઝ ઓફ સેડનેસ !
હેપિનેસની આખી ઇન્ડસ્ટ્રી હોય એવા દૌરમાં કોઈ વિચારશીલ ને પૈસેટકે સુખી સેલિબ્રિટી માત્ર ઉદાસીને લીધે ગુજરી જાય એ જ ફિલ્મી લાગે. પણ પર્શિયન, અંગ્રેજી, સ્વીડિશ, જર્મન, ઈટાલીયન અને ફ્રેંચ ભાષાઓની જાણકાર મરજાન સત્રાપી ચિત્તમાં સતત ચૂવાકવાળા નળની જેમ ટપકતા દર્દની ભાષા ના ઉકેલી શકી. રાયન ગોસ્લિંગ સાથે 'વોઇસીઝ' ફિલ્મ બનાવનાર ડાયરેક્ટરને આ એકલતાના પડઘા ઘેરી વળ્યા. રોઝમંડ પાઈક સાથે મેરી ક્યુરીની લાઈફ પર 'રેડિયોએક્ટીવ' ફિલ્મ બનાવનાર નિર્દેશકને વેદનાના વિકિરણો ભરખી ગયા.
પણ મરજાન સત્રાપીનું સર્જન જાણ્યું હોય તો એવું ય લાગે કે આવી વ્યક્તિ તો કોઈ હથિયાર ને રોગથી ના મરે, માત્ર લાગણીથી જ મરે !
***
એન્જીનિયર પપ્પા અને ફેશન ડિઝાઈનર મમ્મીની દીકરી મરજાનનો જન્મ ૧૯૬૯માં ઈરાનના શહેર રશ્તમાં એક મોડર્ન લિબરલ વિચારધારા ધરાવતા પરિવારમાં થયો હતો. આ પરિવારે ડાબેરી અસરમાં આવીને અમેરિકન પપેટ બનતા જતા ઈરાનના શાહનો વિરોધ કર્યો હતો, પરંતુ અનેક વિચારશીલ ઈરાનવાસીઓની જેમ એમને ક્રાંતિના રેપરમાં વધુ કટ્ટર ઇસ્લામિક શાસન પકડાવી દેતા નિરાશ થયેલા. એના એક કાકા પર સોવિયેત જાસૂસ હોવાની શંકા રાખીને તેમને જેલવાસ ને મૃત્યુદંડ આપવામાં આવ્યો. જ્યારે ખૌમેની અને મુસ્લિમ ધર્મગુરુઓએ ૧૯૭૯માં ઈરાનની સત્તા સંભાળી અને હિજાબ ફરજિયાત બન્યો ત્યારે મરજાન લગભગ ૧૦ વર્ષની હતી. રાતોરાત પોતાની દુનિયા બદલાતી જોઇને એ બાળકી મૂંઝાઈ. શાળાઓમાં છોકરા-છોકરીઓને અલગ કરવા, માને હિજાબ ન પહેરવા બદલ રસ્તા પર ધમકાવવામાં આવે... મરજાન નવા વેશ અને વર્તનના નિયંત્રણો સામે બળવો કરવા લાગી. ૧૪ વર્ષની ઉંમરે, જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલે તેના ઘરેણાં જપ્ત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે પ્રિન્સિપાલને લાફો મારી દીધો !
ધાર્મિક શાસનમાં આવી મનસ્વી દીકરીની સુરક્ષાની ચિંતા કરતા માતા-પિતાએ તેને ઑસ્ટ્રિયાનાં વિએનામાં એક ઈરાની પરિવાર સાથે રહેવા મોકલી દીધી. ત્યાં એક સાવ અલગ દુનિયાના અનુભવથી તે દંગ રહી ગઈ. તે ડ્રગ્સ વેચતી થઇ, બેઘર થઇ અને બ્રોન્કાઇટિસથી લગભગ મરવાના વાંકે જીવતી હતી. ચાર વર્ષ વિતાવ્યા પછી, તેણે હાર માની લીધી, બુરખો પહેર્યો અને ઘરે આવી. ૧૯૮૯માં ઈરાન પાછા ફર્યા પછી, તેણે તેહરાનમાં આર્ટનો અભ્યાસ કર્યો. એક ઈરાક યુધ્ધમાં લડેલા સોલ્જર સાથે ૨૧ વર્ષની ઉંમરે લગ્ન કર્યા. પહેલા લગ્ન જલ્દી તૂટી ગયા અને છૂટાછેડા બાદ તે ફરી યુરોપ ગઈ. પેરિસ જતા પહેલા તેમણે ફ્રાન્સના સ્ટ્રાસબોર્ગમાં બીજી આર્ટ ડિગ્રી મેળવી.
આ બધું જ તેણે પાછળથી પોતાની ડાર્ક અને બ્લેક-એન્ડ-વ્હાઇટ નોવેલ્સમાં ઉતાર્યું, જે ૨૦૦૦ થી ૨૦૦૩ વચ્ચે ફ્રાન્સમાં કોમિક્સ સ્ટાઈલ ગ્રાફિક નોવેલ 'પર્સેપોલિસ' (ઈરાન પર્શિયા હતું ત્યારે રાજધાનીનું નામ ) તરીકે પ્રકાશિત થયું. 'પર્સેપોલિસ'ના પ્રકાશન સાથે, સત્રાપીએ ગ્રાફિક નોવેલના ફિલ્ડમાં ઝંડા ફરકાવી દીધા ! આર્ટ સ્પીગલમેનની 'માઉસ'થી પ્રભાવિત તેમની શૈલીમાં રાજકીય ઇતિહાસ અને વ્યક્તિગત સંભારણાનો અદભૂત સમન્વય હતો. નવલકથાની મુખ્ય પાત્ર 'માર્જી' નામની પછી ટીનએજર બનતી ટેણકીને ઈરાનના ઇતિહાસના સૌથી મુશ્કેલ વર્ષોમાંથી પસાર થતી દર્શાવવામાં આવી હતી. માર્જી એટલે જ મરજી. ફ્રી વિલ. એ પણ લેખિકાની જેમ ૧૯૬૯માં જન્મેલી.
'પર્સેપોલિસ' અમર ચિત્ર કથા જેવો માત્ર ચિત્રો સાથેનો ઇતિહાસ ન હતો, કે ડાયરાની માફક ઇતિહાસને રંગરોગાન કરીને આલીશાન બતાવવાનો પ્રયાસ પણ ન હતો. એ જખ્મોનું કળામાં રૂપાંતર હતું. ચિત્રો અત્યંત સાદા. કોઈ બાળકે દોર્યા હોય તેવા, પણ સંવેદના અફાટ. એક નાની છોકરી એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે વડીલો કેમ ડરેલા છે, સ્વતંત્રતાની પાંખો કોણ કાપે છે, સંગીતને શા માટે છુપાવવું પડે છે, કપડાં કઈ રીતે રાજકીય મુદ્દો બની ગયા છે, અને કેમ ક્યારેક મોટા થવાનો અર્થ એવો થાય છે કે તમે માણી શકો તે પહેલાં માસૂમિયત ગાયબ થઇ જાય !
'પર્સેપોલિસ' ઈરાની ઇસ્લામિક ક્રાંતિને માર્જીની નજરે જુએ છે. જે જિજ્ઞાસુ છે, જિદ્દી છે, રમૂજી છે, ગુસ્સાવાળી છે, સંવેદનશીલ છે અને જીવંત છે. તે રાજકારણને સમજાવવા માટે બનાવેલું કોઈ પ્રતીક નથી. તે એક એવી બાળકી છે જે એવી દુનિયામાં જવાબો માંગે છે જે તેને માત્ર ચૂપચાપ સવાલો વિના આજ્ઞાનું પાલન કરવાનું જ કહે છે. રાજકારણ હવે માત્ર એક ખ્યાલ નથી રહેતું. તે વર્ગખંડોમાં, પરિવારની વાતચીતોમાં, મિત્રતામાં, બેડરૂમમાં, કપડાંમાં, સંગીતમાં અને ખુદ બાળપણમાં પ્રવેશે છે. જ્યાં દરેક નાના ફેરફારમાં બહાર થઈ રહેલા મોટા બદલાવનો ભાર છુપાયેલો હોય ! જાણે ખોવાયેલું અંગત વિશ્વ કોઈ આંગળી પકડીને રમૂજ સાથે બતાવે છે.
એ કિતાબો બેસ્ટસેલર બનીને લાખો નકલોમાં વેંચાઈ. ઘણી પશ્ચિમી સ્કૂલોમાં એ મોડર્ન અસાઇનમેન્ટ બની ગઈ અને આધુનિક ઈરાનીઓના આંતરિક જીવનને દર્શાવતી સૌથી વધુ વંચાયેલી કૃતિઓમાં સ્થાન પામી. ૨૦૦૭માં આ સિરીઝ પરથી એક ફિલ્મ બનાવી, જે 'બેસ્ટ એનિમેટેડ ફીચર' માટે ઓસ્કાર માટે નોમિનેટ થઇ ! જેમાં એ ખુદ સહનિર્દેશક હતી. એનું બ્લેક-એન્ડ-વ્હાઇટ એનિમેશન જાણે ચાલતી-ફરતી સ્મૃતિઓ જેવું લાગતું હતું, જાણે પુસ્તકનાં પાનાં શ્વાસ લેતા હોય. તેમાં પુસ્તકના રમૂજ, વેદના અને ગુસ્સો પણ અકબંધ હતો. પરંતુ હવે તેમાં લય, મૌન, સંગીત અને એવી લાગણી હતી જાણે કોઈ તમારી સામે પોતાનું બાળપણ ફરીથી દોરી રહ્યું હોય. તેણે ફરી સાબિત કર્યું કે
લાઇવ-એક્શન જેટલી જ તાકાત અને વધુ આત્મીયતાથી એનિમેશન ઇતિહાસ, આઘાત, દેશનિકાલ, બળવો અને કોમળતાને રજૂ કરી શકે. એક નવલકથા તરીકે, 'પર્સેપોલિસ' એવી ડાયરી જેવી લાગતી હતી જેણે ખામોશ રહેવાનો ઇનકાર કરેલો. એક ફિલ્મ તરીકે, તે એવી લાગતી હતી જાણે એ ડાયરી ધબકતી શ્વાસ લેતી હોય !
લગભગ બે દાયકા બાદ, સત્રાપીએ ઈરાનના ઇતિહાસની વધુ એક તોફાની ઘટનાનું દસ્તાવેજીકરણ શરૂ કર્યુંં : ૨૦૨૨માં ૨૨ વર્ષીય કુર્દિશ મહિલા મહસા અમીનીના હિજાબ ના પહેરવા બદલ ઈરાની પોલીસ કસ્ટડીમાં મૃત્યુ બાદ ફાટી નીકળેલો અશાંતિનો માહોલ. વિરોધમાં સમગ્ર ઈરાનમાં મહિલાઓએ પોતાના હિજાબ ફગાવી દીધા, જે ૧૯૭૯ની ક્રાંતિ પછી દેશની સૌથી મહત્વપૂર્ણ સાંસ્કૃતિક રાજકીય ઘટના હતી.
આ વિષય પર સત્રાપીનું કામ ૨૦૨૪માં 'વુમન, લાઇફ, ફ્રીડમ' નામની અન્ય એક ગ્રાફિક બૂક સ્વરૂપે બહાર આવ્યું. એણે તેમાં કેટલાક ચિત્રો દોરેલા, પણ મુખ્યત્વે એક 'ડિરેક્ટર'ની ભૂમિકામાં હતા, જેમાં અન્ય કલાકારો, કાર્યકરો, શિક્ષણવિદો અને પત્રકારોનું કામ પણ સામેલ હતું. સત્રાપીએ બાળકોના અનેક પુસ્તકો અને અન્ય ગ્રાફિક નોવેલ્સ લખી હતી. 'ચિકન વિથ પ્લમ્સ' કાકાના મૃત્યુની વાર્તા હતી અને તેના પર પણ ફિલ્મ બની હતી. બીજી રચના 'એમ્બ્રોઈડરીઝ'માં ઈરાની મહિલાઓને બપોરની ચા પીતાંપીતાં પ્રેમ, સેક્સ અને પુરુષો વિશે ખુલ્લા મને ચર્ચા કરતી બોલ્ડ દર્શાવેલી. 'ધ લાયન વુમન ઓફ તેહરાન' ૧૯૫૩ના સીઆઇએ દ્વારા થયેલા બળવાથી લઈને ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિ સુધીની ઉથલપાથલમાં બે સખીઓની કહાની છે.
લગભગ એમની બધી કથામાં ઈરાનનું જીવન આવી જતું. મરજાનના દિલમાં દેશનિકાલનો ઘાવ ક્યારેય પૂરેપૂરો રૂઝાયો નહીં, ને ઈરાનીને બદલે યુરોપિયન થવાનો ડોળ પણ એણે કર્યો નહિ ! ઈરાનને જ એણે ઘર કહ્યું. પ્રતિષ્ઠિત ફ્રેન્ચ આર્ટ એકેડેમીમાં ચૂંટાવા જેટલી ફ્રેન્ચ છતાં એ લખતી કે પેરિસ ખૂબસુરત છે પણ અત્યાચારો અને ઇસ્લામિક નિયમોની જડતાની બદસુરતી છતાં તહેરાન જ દુનિયાની દુલ્હન છે!
ભલે એણે રિવોલ્યુશન, મેડનેસ, ઈન્ટેલીજન્સ કે ડેથની વાર્તાઓ કહી. એ વારંવાર એ પાત્રો પાસે આવતા જે જીવનની ધાર પર ઊભા હોય અને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હોય કે તેમણે શું ગુમાવ્યું છે, કયા સંઘર્ષમાંથી બચી ગયા છે અને પોતાની અંદર શું સાચવીને જીવે છે ! આપણા કુન્દનિકા કાપડિયા સાત પગલા આકાશમાં થકી ખુદ જીવંત પ્રેમી, પ્રકૃતિના કવિ, રસિક જીવનસાથી છતાં નારીવાદનો બુલંદ અવાજ લાગે એવું મરજાન સત્રાપીનું હતું. એનો નારીવાદ પુરુષ વિરોધી નહોતો, સ્ત્રીત્વ સમર્થક હતો. એણે કહેલું. 'અમારા શાસકો સમજી ગયા હતા કે જે સ્ત્રી સતત એ ચિંતામાં ડૂબેલી રહે છે કે તેનું પેન્ટ પૂરતું લાંબુ છે કે નહીં અથવા તેના વાળ ઢંકાયેલા છે કે નહીં, તે એ પૂછવાનું બંધ કરી દેશે કે તેના વિચારોની સ્વતંત્રતા ક્યાં ગઈ ? આવી સિસ્ટમમાં તમારા ખુલ્લા વાળ બતાવવા કે લિપસ્ટિક મેકઅપ કરવો એ પણ એક રીતે વિપ્લવ બની ગયેલો.'
અને પોતાના તમામ કામો દ્વારા તો ખરું જ પણ ૧૯૯૬માં લગ્ન કરેલા એવા પ્રિયજનની વિદાય પાછળના વિરહ થકી મરજાન સત્રાપીએ આપણને યાદ અપાવ્યું કે ક્યારેક, કોઈ વતન, કોઈ ઓળખ, કોઈ ઘટના, કોઈ સ્વાદ, કોઈ સંગીત અને કોઈ સ્વજનને યાદ રાખવું એ જ માણસોના અસ્તિત્વ ટકાવી રાખવાની રીત હોય છે. અને એટલે જ સ્મૃતિ આપણા નિયતિ સામેના પ્રતિકારનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે.
જુઓ ને આ યાદ કરીને જીવતા કર્યા ગુજરાતીમાં એક ઈરાની સર્જકને એમના ચાલ્યા ગયા પછી ! કોને ખબર છેલ્લે પણ એક વ્યર્થનું યુદ્ધ જોયા બાદ ફાઈનલી એમને એક ઘર મળ્યું હશે મુક્તિનું, અને ત્યાં એની પ્રતીક્ષા કરતા પિયુને જોઈ એનું દુ:ખ ઓગળ્યું હશે તુમ પુકાર લો, તુમ્હારા ઇન્તઝાર હૈની તડપ બાદ !
ફાસ્ટ ફોરવર્ડ
'તમે અમેરિકન છો, હું ઈરાની છું, આપણે એકબીજાને ઓળખતા નથી, છતાં આપણે સાથે બેસીને વાત કરીએ છીએ અને એકબીજાને પૂરેપૂરી રીતે સમજી શકીએ છીએ. તમારી અને તમારી સરકાર વચ્ચે જેટલો મોટો તફાવત છે, એટલો તફાવત તમારી અને મારી વચ્ચે નથી. અને મારી અને મારી સરકાર વચ્ચે જેટલું મોટું અંતર છે, એટલું અંતર તમારી અને મારી વચ્ચે નથી. અને જો સાચું કહું તો... આપણી બંનેની સરકારો તો લગભગ એકસરખી જ છે!'
(મરજાન સત્રાપી)








