ચોલાના એલ્બિસ્ટ્રીકા: અરુણાચલના પહાડોમાંથી મળેલા રંગબેરંગી પતંગિયા

- જગદીશચંદ્ર ભટ્ટ
- ભારતે વિશ્વને નવતર પ્રજાતિના પતંગિયાની ભેટ આપી : અરુણાચલ પ્રદેશના આ પતંગિયાંની પીઠનો રંગ બ્રાઉન (કથ્થઇ) છે: પતંગિયાની બંને પાંખની કિનારી સફેદ છે: સાથોસાથ બંને પાંખના છેડા પર સફેદ રંગનો પાતળો પટ્ટો અને ધોળાં ટપકાં છે
ભા રતના આંતરરાષ્ટ્રીય સ્તરના બટરફ્લાય બાયોલોજીસ્ટ ડો. કૃષ્ણમેઘ કુન્તે અને તેમની ટીમે અરુણાચલ પ્રદેશમાંથી વિશિષ્ટ પ્રજાતિના પતંગિયાની શોધ કરી છે. પતંગિયાની આ વિશિષ્ટ પ્રજાતિનું નામ છે ચોલાના એલ્બિસ્ટ્રીકા કુન્તે એન્ડ ખાન - ૨૦૨૬. ચોલાના અલ્બિસ્ટ્રીકાની શોધને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પણ મળી છે.
અરુણાચલ પ્રદેશના પહાડોમાં જોવા મળેલા સાવ જ નવતર પ્રજાતિના પતંગિયા ચોલાના એલ્બિસ્ટ્રીકા વિશેનું સંશોધનપત્ર આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત ઝૂટાક્સા જર્નલમાં પણ પ્રસિદ્ધ થયું છે.
ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસચ ર્(ટી.આઇ.એફ.આર.- મુંબઇ) ની સહયોગી સંશોધન સંસ્થા નેશનલ સેન્ટર ફોર બાયોલોજી સાયન્સ (એન.સી.બી.સી.- બેંગલુરુ) ના બટરફલાય બાયોલોજીસ્ટ ડો. કૃષ્ણમેઘ કુન્તેએ બેંગલુરુથી ગુજરાત સમાચારને જણાવ્યું છે કે ચોલાના એલ્બિસ્ટ્રીકા અરુણાચલ પ્રદેશમાંથી મળેલી સાવ જ નવી પ્રજાતિનું પતંગિયું છે. હાલના તબક્કે સમગ્ર વિશ્વમાં આ પતંગિયાંની ફક્ત ૧૦ પ્રજાતિ છે, જ્યારે ભારતમાં ફક્ત બે પ્રજાતિ છે. આમ ભારતના વિશિષ્ટ પ્રજાતિના ચોલાના એલ્બિસ્ટ્રીકા પતંગિયાંનો સમાવેશ સમગ્ર વિશ્વની પતંગિયાંની અદભુત અને રંગબેરંગી પ્રજાતિઓમાં થયો છે તે બાબત ગૌરવરૂપ બની છે.
ચોલાના એલ્બિસ્ટ્રીકાના વિશિષ્ટ સંશોધનકાર્યમાં મારી સાથે મુંબઇના ફહીમ ખાન અને ઉજ્જવલા પવાર પણ છે.
નવી પ્રજાતિનું ચોલાના એલ્બિસ્ટ્રીકા
અરુણાચલ પ્રદેશમાં ક્યાં જોવા મળ્યું ?
હિમાલય અને અરુણાચલ પ્રદેશના પર્વતોમાં વિશિષ્ટ પ્રજાતિનાં રંગબેરંગી પતંગિયાં હોય છે. અરુણાચલના ચોલાના એલ્બિસ્ટ્રીકા વિશે અમને ૨૦૨૫ના ઓગસ્ટમાં પ્રાથમિક માહિતી મળી હતી. અમારા સંશોધનકાર્ય દરમિયાન અરુણાચલ પ્રદેશના લોઅર દિબાંગ વેલીના માયોડિયા પાસ વિસ્તારમાં ચોલાના એલ્બિસ્ટ્રીકા જોવા મળ્યાં હતાં. આ પતંગિયાં લગભગ ૨,૬૦૦ મીટર જેટલી ઉંચાઇએ આવેલા માયોડિયા પાસ વિસ્તારમાં મોટા કદના પથ્થરોની દિવાલ પાસે રહે છે. આ પતંગિયાં અરુણાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં રહેતાં હોવાથી તેને માઉન્ટેન બટરફ્લાય્ઝ પણ કહેવાય છે. વિશ્વની તમામ પ્રજાતિનાં પતંગિયાં હંમેશાં સ્વચ્છ અને સૂર્ય પ્રકાશવાળા વિસ્તારમાં જ રહે છે. એટલે જ તો પતંગિયાં પર્યાવરણનાં રખેવાળ કહેવાય છે. ચોલાના એલ્બિસ્ટ્રીકાના આવા વિશિષ્ટ રહેઠાણને ધ્યાનમાં રાખીને અમે તેનું નેરો - બેન્ડેડ વોલ એવું ઉપનામ પણ રાખ્યું છે.
ચોલાના એલ્બિસ્ટ્રીકા પતંગિયાં વર્ષમાં ફક્ત જૂન અને ઓગસ્ટ મહિનામાં જ જોવા મળે છે. એટલે જ તો આ પ્રજાતિનાં પતંગિયાં વિશે માહિતી મેળવવી બહુ જ પડકારરૂપ કાર્ય ગણાય છે.
ચોલાના એલ્બિસ્ટ્રીકાની વિશિષ્ટતા કઇ કઇ છે?
ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રજાતિનાં પતંગિયાં વિશે ૩૩ વર્ષથી સંશોધનાત્મક અભ્યાસના કરતા ડો.કૃષ્ણમેઘ કુંતેએ રસપ્રદ માહિતી આપતાં કહ્યું હતું કે અમે આ પતંગિયાના ઘણા ફોટોગ્રાફ્સ લઇને તેની પાંખનો આકાર, કદ,રંગ સહિત વિવિધ પાસાંનો ગહન અભ્યાસ કર્યો. આમ તો પહેલી નજરે ચોલાના એલ્બિસ્ટ્રીક ા પ્રજાતિનાં પતંગિયાં સિક્કિમનાં ચોલાના માસોની કોમન્લી પ્રજાતિનાં પતંગિયાં ( જેને ચુંબી વોલ પણ કહેવાય છે) જેવાં જ લાગે. ચુંબી વોલનાં પતંગિયાંની પાંખમાંનાં ટપકાં થોડાંક મોટાં અને ચોરસ હોય છે. જ્યારે અરુણાચલ પ્રદેશનાં ચોલાના એલ્બિસ્ટ્રીકાની બંને પાંખમાંનાં ટપકાં નાનાં, સાંકડાં, અને આડાંઅવળાં હોય છે. આ તફાવત મહત્વનો બની રહ્યો છે.
અમારા ગહન સંશોધનાત્મક અભ્યાસ દરમિયાન સાબિત થયું કે અરુણાચલ પ્રદેશના આ પતંગિયાંની પીઠનો રંગ બ્રાઉન (કથ્થઇ) છે. તેની બંને પાંખની કિનારી સફેદ છે. સાથોસાથ બંને પાંખના છેડા પર સફેદ રંગનો પાતળો પટ્ટો અને ધોળાં ટપકાં છે. અમે આ તમામ પાસાંની માહિતી આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરી. સાથોસાથ અમારું સંશોધનપત્ર ઝૂટોક્સા જર્નલમાં પણ પ્રસિદ્ધ થયું. સમય જતાં અમારા ચોલાના એલ્બિસ્ટ્રીકા બટરફ્લાયના સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી.
હિમાલયમાં અને અરુણાચલ પ્રદેશમાં વિશિષ્ટ, વિશાળ, રંગબેરંગી જીવ સૃષ્ટિ છે. આમ છતાં આ જીવ સૃષ્ટિ વિશે બહુ જ ઓછું સંશોધન થયું છે. ચિંતાજનક બાબત તો એ છે કે પ્રદૂષણ, આબોહવામાં થઇ રહેલા અકળ ફેરફાર, વધી રહેલી ગરમી વગેરે પરિબળોને કારણે હિમાલયમાંનાં અને અરુણાચલ પ્રદેશમાંનાં સુંદર, આકર્ષક, રંગબેરંગી પતંગિયાંનાં રહેઠાણનો નાશ થઇ રહ્યો છે. સૃષ્ટિના આ અદભુત અને નાજુક સર્જનનું અસ્તિત્વ ટકાવી રાખવા તેની સુરક્ષા કરવી જરૂરી છે.








