Magazines

કુદરતની અકળ લીલા : પ્રાણ પરિવર્તનની અનોખી ઘટના

By GS TEAM
20 Jun 20265 mins read
કુદરતની અકળ લીલા : પ્રાણ પરિવર્તનની અનોખી ઘટના

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- પ્રાણ જ આ સમગ્ર જગત છે. બધા જીવિત પદાર્થો અંતે પ્રાણમાં જ પ્રવેશ કરે છે અને પ્રાણમાંથી જ ફરી ઉત્પન્ન થાય છે.'

 - છાંદોગ્ય ઉપનિષદ

 'પ્રાણસ્યેદં વશે સર્વ ત્રિદેવે યત્પ્રતિષ્ઠિતમ્ ।

ત્રણેય લોકમાં જે કંઈ સ્થિત છે તે બધું પ્રાણના આધારે ટકેલું છે.' 

- પ્રશ્નોપનિષદ

 'પ્રાણો હિ ભૂતાનામાયુ: । તસ્માદિદં સર્વં પ્રાણે પ્રતિષ્ઠિતમ્ । પ્રાણ જ સર્વ જીવમાત્રનું આયુષ્ય છે તેથી આ સમગ્ર જગત પ્રાણમાં જ સ્થિત છે.' - પ્રશ્નોપનિષદ

 પ્રાણો બ્રહ્મેતિ વ્યજનાત્ । પ્રાણાદ્વા એતદ્ભૂતાનિ જાયન્તે । યેન જાતાનિ જીવન્તિ । પ્રાણ જ બ્રહ્મ છે એવું જ્ઞાન પ્રાપ્ત થયું. પ્રાણમાંથી જ બધા જીવ ઉત્પન્ન થાય છે. અને પ્રાણ દ્વારા જ તેઓ જીવિત રહે છે...

- તૈતરિય ઉપનિષદ

 પ્રાણો વા ઇદમ્ સર્વમ્ । સર્વાણિ હ વા ઇમાનિ ભૂતાનિ પ્રાણમેવાભિસંવિશન્તિ । પ્રાણે એવાભ્યુદ્યન્તિ ।

પ્રાણ જ આ સમગ્ર જગત છે. બધા જીવિત પદાર્થો અંતે પ્રાણમાં જ પ્રવેશ કરે છે અને પ્રાણમાંથી જ ફરી ઉત્પન્ન થાય છે.' 

- છાંદોગ્ય ઉપનિષદ

 પ્રાણો વા આત્મા સર્વેષામ્ । પ્રાણેન હિ સર્વં ધાર્યતે ।

પ્રાણ જ સર્વ જીવોનો આત્મા છે કારણ કે દરેક વસ્તુ પ્રાણ દ્વારા જ ધારણ થાય છે.' 

- બૃહદારણ્યક ઉપનિષદ

ઇશ્વરની લીલા અપરંપાર અને અકળ છે. એના રહસ્યો અગમ અને અગોચર છે. ક્યારેક તે એવી ઘટના ઊભી કરે છે જે વાતની ઉદ્ધોષણા કરેછે. આ એક સમાન નામ ધરાવતી બે વ્યક્તિઓમાં આશ્ચર્યજનક રીતે થઈ ગયેલા પ્રાણ-પરિવર્તનની ઘટના છે. તારીખ ૨૨-૯-૧૮૭૪ના રોજ આ ઘટના બની. સોવિયેટ રશિયાના સાઉથ વેસ્ટમાં કઝાખિસ્તાનની સરહદ પાસે, યુરાલ નદી પાસે આવેલા ઓરેનબર્ગ શહેરમાં રહેતો ઇબ્રાહીમ ચારકો નામનો ધનવાન યહૂદી ગંભીર રીતે બીમાર પડયો. ડૉક્ટરોએ તેનો ટાઈફસ (Typhus) - સન્નિપાત પણ વકરી ગયો છે એવું નિદાન કર્યું. તેની નાડી તૂટવા લાગી, શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, શરીર ઠંડુ પડવા લાગ્યું. આ ઉપરથી એવો ખ્યાલ આવી ગયો કે તેનો અંતિમ સમય ચાલી રહ્યો છે. તેના કુટુંબીઓ અંતકાળે કરાતી ઇશ્વર-પ્રાર્થના પણ કરવા લાગ્યા. પણ તે વખતે એક અપ્રત્યાશિત ઘટના બની. એક પ્રકારે ચમત્કાર જ થયો. તેના શરીરમાં ફરીથી પ્રાણ આવી ગયા હોય એવું લાગ્યું. તેની નાડી ફરી ચાલુ થઈ ગઈ, હૃદય ધબકવા લાગ્યું. થોડી ક્ષણોમાં તો તેની આંખો પણ ખૂલી ગઈ. તે બધાની તરફ વિસ્મયભરી દ્રષ્ટિએ જોવા લાગ્યો. તેના હાવભાવ પરથી એવું લાગતું હતું કે તે તેની આજુબાજુએ રહેલા કોઈને ઓળખતો જ નહોતો. જાણે કે તે કોઈ અજાણી જગ્યાએ, અજાણ્યા લોકો વચ્ચે ના આવી ગયો હોય એ રીતે તે બધું જોતો હતો. ઘણાને એવું લાગ્યું કે તે મોતના મુખથી બહાર આવ્યો એટલે આવું કરી રહ્યો હશે!

થોડી પળો બાદ પરિસ્થિતિ વધારે વિમાસણ ભરી બની ગઈ. ઇબ્રાહિમ ચારકો બેઠો થઈને બોલવા લાગ્યો પણ તે શું બોલતો હતો તેની કોઈને ખબર ના પડી. તે જે ભાષામાં બોલતો હતો તે બધાને માટે અજાણી હતી. એ રીતે તેની આજુબાજુમાં રહેલા લોકો તેને જે પૂછી રહ્યા હતા, કહી રહ્યા હતા તેને તે સમજતો નહોતો. તેણે ઇશારાથી સમજાવ્યું કે તે બધા જે બોલી રહ્યા હતા તે તેને સમજાતું નહોતું. પછી એક રસ્તો કાઢવામાં આવ્યો. તેમણે તેને એક કાગળ અને પેન આપ્યા અને તેમાં કંઈ લખવાનું ઇશારાથી કહ્યું. ઇબ્રાહિમ ચારકોએ તરત જ સહેજ પણ અટક્યા વિના તેના પર થોડું લખાણ લખી કાઢ્યું. પછી ઘરના લોકોએ જુદી જુદી ભાષા જાણનારા વિશેષજ્ઞાોને તે કાગળ બતાવ્યો ત્યારે જાણ થઈ કે ઇબ્રાહિમે લેટિન ભાષામાં તે લખાણ લખ્યું હતું. તેણે જે લખાણ લખ્યું હતું તે એકદમ સ્પષ્ટ અને અર્થપૂર્ણ હતું. આ જાણ્યા પછી બધાનું આશ્ચર્ય બમણું થઈ ગયું કેમકે ઇબ્રાહિમ ચારકોને લેટિન ભાષા બોલતા-વાંચકા કે લખતા આવડતી જ નહોતી. છેલ્લા અડધા કલાકમાં તેને લેટિન ભાષા ક્યાંથી આવડી ગઈ?

આ વિચિત્ર રહસ્યમય બાબતનો ઉકેલ લાવવા ઇબ્રાહિમ ચારકોને સેન્ટ પિટ્સબર્ગ શહેરની મેડિકલ યુનિવર્સિટીમાં લઈ જવામાં આવ્યો. ત્યાં લેટિન ભાષાના નિષ્ણાત અને સંશોધક વિજ્ઞાની પ્રોફેસર ઓરલોએ તેના પર સંશોધન શરૂ કર્યું. ઇબ્રાહિમે પ્રોફેસર ઓરલો સાથે ખૂબ સારી રીતે સ્પષ્ટપણે લેટિન ભાષામાં વાત કરી અને પોતાની બધી વિગતો જણાવી. તેણે કહ્યું - 'હું કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં રહું છું. ન્યૂ વેસ્ટ મિન્સ્ટન જે વોઅર મેઈનલેન્ડમાં આવેલું એક શહેર છે. તેમાં મારું ઘર છે. મારે એક પત્ની અને એક બાળક પણ છે. મારું નામ ઇબ્રાહિમ ચારકો નહીં, ઇબ્રાહિમ ઉરહમ છે.' તેણે જણાવેલી બધી વિગતો નોંધી લેવામાં આવી.

થોડા દિવસો બાદ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના વર્તમાનપત્રોમાં એક વિચિત્ર ઘટનાના અહેવાલ છપાયા જેનો સંબંધ ઇબ્રાહિમ ચારકોની ઘટના સાથે જોવા મળતો હતો. એ દિવસ એટલે કે ૨૨-૯-૧૮૭૪ ના રોજ રશિયાના ઓરેનબર્ગ શહેરનો ઇબ્રાહિમ ચારકો નામનો એક યહૂદી બીમાર પડયો, બરાબર એ જ દિવસે કેનેડાના ન્યૂ વેસ્ટમિન્સ્ટરમાં રહેતો ઇબ્રાહિમ ઉરહમ નામનો વ્યક્તિ પણ બીમાર પડયો. તે થોડીવાર બેભાન રહ્યો પછી ભાનમાં આવી ગયો. જેમ ચારકોની બાબતમાં બન્યું હતું તેમ ઉરહમની બાબતમાં પણ બન્યું. તે લેટિનને બદલે યહૂદીઓની ભાષા બોલવા લાગ્યો હતો. તે તેની પત્ની અને બાળકને પણ ઓળખી શક્યો નહોતો. એટલામાં એક ઇબ્રાહિમ જેનો ચહેરો રશિયન અને યહૂદી જેવો હતો. ન્યૂવેસ્ટમિન્સ્ટરમાં રહેતા ઇબ્રાહિમ ઉરહમને ઘેર આવી પહોંચ્યો હતો તે યહૂદીઓની ભાષાને બદલે લેટિન ભાષા બોલતો હતો. તેણે ઇબ્રાહિમ ઉરહમની પત્નીને પોતાની પત્ની અને તેના બાળકને પોતાનું બાળક કહેવા માડયું હતું. તેણે એવી અનેક બાબતો જણાવી જે પતિ-પત્નીની અંગત બાબતો હતી. તે કુટુંબમાં બનેલી ઘટનાઓ વિશે પણ જણાવ્યું. બધાએ કહ્યું કે તેણે જણાવેલી બાબતો બિલકુલ સાચી છે.

આ વિચિત્ર ઘટના અત્યંત રહસ્યમય બની રહી. એક જ તારીખે, એક જ સમયે એક જ નામની બે વ્યક્તિઓ પૃથ્વીના એકદમ વિરૂદ્ધના છેડે બીમાર પડે અને મૃત્યુના સમયે એકના પ્રાણ બીજાના શરીરમાં પ્રવેશી જાય અને બન્નેના અસ્તિત્વ અને વ્યક્તિત્વનું પરિવર્તન થઈ જાય એ ભારે વિસ્મય ઉપજાવે એવી બાબત છે. ઇબ્રાહિમ ચારકોનું અસ્તિત્વ, અનુભવો, સ્મૃતિઓ અને વ્યક્તિત્વ ઇબ્રાહિમ ઉરહમમાં જતા રહે અને ઇબ્રાહિમ ઉરહમની એ બધી બાબતો ઇબ્રાહિમ ચારકોમાં પ્રવેશી જાય એ માન્યામાં ના આવે ચમત્કાર કહેવાય. અદ્ભુત બાબત એ છે કે પૃથ્વીના ગોળામાં ન્યૂવેસ્ટમિન્સ્ટર ઓરનબર્ગની સીધી રેખામાં આવે છે. ખાલી સમજવા માટે એવી કલ્પના કરાય કે જો કોઈ લાંબી ખીલી ઓરેનબર્ગમાં ખોસવામાં આવે તો તે ન્યૂવેસ્ટમિન્સ્ટરમાં નીકળે!કુદરતની કોઈ અકળ લીલા જેવી આ પ્રાણ-પરિવર્તનની ઘટના ભારે અચરજ ઉપજાવે તેવી છે.