Magazines

યાદોં મેં હૈ વો હી નશા જો મયખાનો મેં... .

By GS TEAM
20 Jun 20266 mins read
યાદોં મેં હૈ વો હી નશા જો મયખાનો મેં...                       .

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- ઈર્શાદ કામિલ આજકાલ ચર્ચામાં છે, 'મૈં વાપસ આઉંગા' માટે એમણે લખેલાં ગીતોને કારણે. બોલિવુડના આ ટોપ-ક્લાસ ગીતકાર વિશે માંડીને વાત થવી જોઈએ... 

ક શી દલીલબાજી કર્યા વગર એક વાત સૌ સ્વીકારે છે કે ઇમ્તિયાઝ અલીની ફિલ્મોમાં સ્ટોરી-સ્ક્રીનપ્લે-અભિનય જેટલું જ મહત્ત્વ ગીત-સંગીતનું પણ હોય છે. રાઇટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી, સંગીતકાર એ.આર. રહેમાન અને ગીતકાર ઈર્શાદ કામિલ - સાચ્ચે, ડેડલી કોમ્બિનેશન છે આ! આ ત્રિપુટીએ ધમાકેદાર શરૂઆત કરી હતી 'રોક્સ્ટાર' (૨૦૧૧)થી. આ ફિલ્મના ક્યા ગીતના વખાણ કરવા ને કોના ન કરવા? 'કૂન ફાયા કૂન', 'જો ભી મૈં', 'નાદાન પરિંદે', 'સાડા હક', 'તુમ હો'... તે પછી ત્રિપુટીએ ૨૦૧૪માં આલિયા ભટ્ટવાળી 'હાઇવે'માં સાથે કામ કર્યું ('ફટાકા કૂડી', 'માહી વે'). ત્યાર બાદ 'તમાશા' (૨૦૧૫, 'અગર તુમ સાથ હો', 'મટરગશ્તી', 'સફરનામા', 'તૂ કોઈ ઔર હૈ'), 'અમરસિંહ ચમકીલા' (૨૦૨૪, 'વિદા કરો') અને છેલ્લે આવી 'મૈં વાપસ આઉંગા', જે ગયા અઠવાડિયે જ રિલીઝ થઈ. 

'મૈં વાપસ આઉંગા'ના એક ગીતમાં ઈર્શાદ કામિલ લખે છે-

યાદોં મેં હૈ વો હી નશા જો મયખાનો મેં 

બદલે યે મૌસમ દિલ કે ગુલદાનોં મેં

ધીરે ધીરે રે મન ધીરે ધીરે... 

'મૈં વાપસ આઉંગા' ફિલ્મની આખી કહાણી જ થીજી ગયેલી સ્મૃતિ પર ઊભી છે. શરાબની જેમ યાદોનો પણ નશો ચડતો હોય છે. આ નશો અને યાદો સુખદ જ હોય તે ક્યાં જરૂરી છે? તે ઘાતક પણ હોઈ શકે છે. આ જ ગીતમાં આગળ ઈર્શાદ કામિલે, જાણે એમની કલમમાં ગુલઝારના આત્માએ થોડી ક્ષણો માટે પ્રવેશ કરી લીધો હોય તેમ, લખ્યું છે કે-

ફૂલોં કે ટહની પે તુને દિલ બનાયે થે

ધડકા થા જબ વો તો ટહની શર્માને લગી,

બૈઠી થી જિસ સીડી પે મૈં સાથ તેરે

રાતોં કો વો સીડી અબ ગુનગુનાને લગી... 

પ્રિય પાત્રની સાથે સમય વ્યતીત કર્યો હોય તે જગ્યા પણ સ્વતંત્ર અસ્તિત્વ ધારણ કરી લેતી હોય છે, જીવંત થઈ જતી હોય છે. ભલે ક્ષણો સાથે વીતાવી હોય, પણ પ્રિય પાત્રને બધ્ધેબધ્ધું શબ્દોમાં ક્યાં કહી શકાતું હોય છે? એવુંય બને કે હૃદયમાં કંઈક જુદું ચાલી રહ્યું હોય, પણ તે જ્યારે શબ્દોમાં વ્યક્ત થાય ત્યારે કશીક ભળતી જ અસર ઊભી થાય. ઈર્શાદ કામિલે 'રોકસ્ટાર'ના પેલા ગીતમાં લખ્યું છેને કે, 'જો ભી મૈં કહના ચાહું, બરબાદ કરેં અલફાઝ મેરે...' આ ગીત પાછળ એક સરસ કથા છે. આ ફિલ્મનાં ગીતો અને સંગીત તૈયાર થઈ રહ્યાં હતાં ત્યારે ઈર્શાદ કામિલે એક સ્વરચિત ગઝલ ઇમ્તિયાઝ અલીને વંચાવી હતી. આ ગઝલ એમણે પોતાના કોલેજકાળમાં લખી હતી. ગઝલનો અંત આ રીતે થતો હતો -    

તુમ જાતે હો સોચ ભી મેરી સાથ-સાથ ચલ દેતી હૈ, 

મેરે અંદર બૈઠા મૈં તબ ઔર કોઈ હો જાતા હૈ, 

ઇન લફ્ઝોં કે માયને કામિલ જાને કૌન બદલતા હૈ, 

મૈં કહતા હૂં કુછ, મતલબ કુછ ઔર હો જાતા હૈ.

ઇમ્તિયાઝ અલીએ આ સાંભળીને તરત કહ્યું, 'બસ, આવું જ કંઈક મારે જોઈએ છે. તમે ફક્ત આ શબ્દો સરળ કરી નાખો.' તેથી ઈર્શાદે કામિલે પછી 'રોકસ્ટાર'નું આ યાદગાર ગીત લખ્યું - 

જો ભી મૈં કહના ચાહું, બરબાદ કરે અલ્ફાઝ મેરે... (અલ્ફાઝ એટલે શબ્દ) મૈંને યહ ભી સોચા હૈ અક્સર / તૂ ભી મૈં ભી સભી હૈં શીશે / ખુદ હી કો હમ સભી મેં દેખેં / નહીં હૂં મૈં હૂં મૈં તો ફિર ભી / મુઝે પાના, પાના હૈ ખુદ કો / જો ભી મૈં કહના ચાહું, બરબાદ કરેં અલફાઝ મેરે... 

ઇમ્તિયાઝ અલી અને ઈર્શાદ કામિલે ફિલ્મી દુનિયામાં કરીઅરની શરૂઆત એક સાથે કરી હતી. 'સોચા ન થા' (૨૦૦૫) ઇમ્તિયાઝ અને ઈર્શાદ બન્નેની પહેલી ફિલ્મ - અનુક્રમે રાઇટર-ડિરેક્ટર અને ઈર્શાદે ગીતકાર તરીકે. 'સોચા ન થા'નું શૂટિંગ તો ૨૦૦૦ની સાલમાં શરૂ થઈ ગયું હતું, પણ તે રિલીઝ પાંચ વર્ષ પછી થઈ. દરમિયાન કરીના કપૂરવાળી 'ચમેલી' (૨૦૦૩) ફિલ્મ આવી ગઈ, જેમાં ઈર્શાદ કામિલનાં ગીતો હતાં. આમ, એમના બાયોડેટામાં 'ચમેલી' એમની પહેલી ફિલ્મ તરીકે નોંધાઈ. સુનિધિ ચૌહાણે ગાયેલું 'ચમેલી'નું આ ગીત તો આજે પણ લોકો ગણગણે છે - 'બહતા હૈ મન કહીં, કહાં જાનતી નહીં... ભારે રે મન કહીં આગે રે મન ચલા, જાને કિધર જાનું ના...' 

'ચમેલી'નાં ગીતો લખવા માટે ઈર્શાદ કામિલને ગણીને દસ હજાર રૂપિયા મળ્યા હતા. ફિલ્મની ઓપનિંગ ક્રેડિટ્સમાંથી એમનું નામ ઉડાવી દઈને છેલ્લે રોલિંગ ક્રેડિટ્સમાં ઝીણા અક્ષરે મૂકી દેવામાં આવ્યું હતું. 'ચમેલી' માટે થોડુંઘણું મહેનતાણું તો મળ્યા, બાકી ઐશ્વર્યા-સંજય દત્તવાળી ફિલ્મ 'શબ્દ'નાં (૨૦૦૫) ગીતો લખવા માટે તો ઈર્શાદને ફદિયું પણ પરખાવવામાં આવ્યું ન હતું. ઈર્શાદ પાસે હારીને-થાકીને-કંટાળીને મુંબઈ છોડીને પાછા પંજાબ જતાં રહેવાનો વિકલ્પ જ નહોતો, કેમ કે તેઓ બધાં પુલો બાળીને આવ્યા હતા. 

ઈર્શાદ મૂળ પંજાબના મલેરકોટલા શહેરના. એમણે પંજાબ યુનિવર્સિટીમાં પત્રકારત્વનો કોર્સ કર્યો હતો ને પછી હિન્દી સાહિત્યમાં પીએચડીની ડિગ્રી સુધ્ધાં મેળવી હતી. 'મૈં વાપસ આઉંગા' ફિલ્મનું 'મસ્કારા' ગીત જોયું તમે? થિયેટરમાં નહીં તો કમસે કમ યુટ્યુબ પર? આ ગીતનું શૂટિંગ મલેરકોટલામાં કરવામાં આવ્યું છે. આ શૂટિંગ વખતે ઇમ્તિયાઝ અલી ઇમોશનલ થઈ ગયા હતા. તેઓ કહે છે, 'મેં અને ઈર્શાદે કરીઅરની શરૂઆત એક સાથે, એક જ ફિલ્મથી કરી છે એટલે એના માટે મને વિશેષ લાગણી છે. એની આખી સફરનો હું સાક્ષી છું. 'મસ્કારા' ગીત શૂટ કરતી વખતે મારા મનમાં વારંવાર એ જ વિચાર આવતો હતો કે આ જ શહેરનો ઊગીને ઊભો થઈ રહેલો એક છોકરો વર્ષો પહેલાં કામ અને નામની શોધમાં મુંબઈ ગયો હતો... અને આજે મુંબઈથી ૨૦૦ માણસોનું આખું યુનિટ એણે જ લખેલા ગીતનું શૂટિંગ કરવા એના વતનમાં આવ્યું છે. આ આખી વાત જ મને ગજબનાક લાગતી હતી.'

'મૈં વાપસ આઉંગા'નાં ગીતો પહેલાં જ ધડાકે ન પણ ગમે. આમેય એ.આર. રહેમાને કંપોઝ કરેલાં ગીતોની આ લાક્ષાણિકતા છે. એ દારૂના નશાની જેમ ધીમે ધીમે 'ચડે' છે. આપણા કાનને, આપણી આંતરિક ભાવવિશ્વને આ ગીતોથી ટેવાતા થોડો સમય લાગે છે, પણ એક વાર આપણા સંવેદનતંત્રને ઝંકૃત કરી લે પછી આ ગીતો લગભગ કાયમી ધોરણે એનો હિસ્સો બની જાય છે. 'રોકસ્ટાર' રિલીઝ થઈ તે અરસામાં અમિતાભ બચ્ચને કોઈક જગ્યાએ લખેલું કે આજકાલ મારા ઓરડામાં અને કારમાં સતત 'રોકસ્ટાર'નાં ગીતો જ વાગ્યાં કરે છે! ઈર્શાદ કહે છે, 'હું 'રોકસ્ટાર'નાં ગીતો લખી રહ્યો હતો ત્યારે મારો અપ્રોચ ધંધાદારી ગીતકાર જેવો નહોતો. મારા મનમાં ડિરેક્ટર કે મ્યુઝિક કંપોઝરને ખુશ કરી નાખવાની ભાવના નહોતી. આ ગીતો લખીને સૌથી પહેલાં તો હું ખુદને રાજી કરવા, ખુદને સંતુષ્ટ કરવા માગતો હતો. મેં મારી ભીતર જોયું, હૃદય ફંફોસ્યું અને તેમાંથી આ ગીતો સર્જાયાં.'

ઈર્શાદ કામિલે, અલબત્ત, પોતાની કરીઅરમાં જરૂર પડયે 'ધંધાદારી ગીતો' પણ લખ્યાં છે, પણ એમનાં તમામ યાદગાર ગીતો પાછળનો અપ્રોચ વત્તેઓછે અંશે 'રોકસ્ટાર'ની પ્રોસેસ જેવો જ રહ્યો છે. બીજા મ્યુઝિક કંપોઝરોની વાત કરીએ તો, ઇમ્તિયાઝ અલી - ઈર્શાદ કામિલ - પ્રીતમની ત્રિપુટીએ પણ ચાલ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જેમાંથી પહેલી બે તો હિટ છે - 'જબ વી મેટ' (૨૦૦૭), 'લવ આજ કલ' (૨૦૦૯), 'જબ હેરી મેટ સેજલ' (૨૦૧૭) અને નવું 'લવ આજ કલ' (૨૦૨૦). 

ઈર્શાદ કામિલની લેટેસ્ટ ફિલ્મોની વાત કરીએ તો 'ધૂરંધર' (બન્ને પાર્ટ) અને 'સૈયારા'માં એમણે લખેલાં ગીતો છે. ફિલ્મનાં હીરો, હિરોઇનો, ડિરેક્ટરો અને લેખકોની સાથે સાથે ગીતકારો વિશે પણ માંડીને વાત થવી જોઈએ, ખરું? 

શો-સ્ટોપર 

ક્લાઇમેટ ચેન્જના મૂળમાં પુરૂષપ્રધાન માનસિકતા છે. પ્રકૃતિના વિનાશ માટે પુરૂષો જ સંપૂર્ણપણે જવાબદાર છે. 

- દિયા મિરઝા (અભિનેત્રી)