સંસાર રામાયણની વણલખી કથા, એક હતી તિથિ

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- એક ટેક્સી આવીને ઊભી રહી, એમાં ગોઠવાયું એક પાનખરનું વૃક્ષ અને વૃક્ષની વિખૂટી પડેલી વેલ જેવી તિથિ!
તિ થિની મમ્મી સ્વરાદેવી હંમેશા પોતાની પુત્રી તિથિને 'સાપનો ભારો' કહી એને જલદી સાસરે વિદાય કરી દેવા માટે તેમના પતિ વિનયકુમાર પર દબાણ કરતા હતા. પરંતુ તિથિના પપ્પા વિનયકુમારનું મન માનતું નહોતું. તિથિ એમની ખોટની દીકરી. દીકરાની જેમ જ એને ઉછરેલી, તિથિના જવાથી ઘર ખાલી થઈ જશે, દીકરીની ગેરહાજરી પોતાને કોરી ખાશે, એવી ચિંતામાં વિનયકુમાર તિથિ માટે વર શોધવાની ઉતાવળ નહોતા કરતા.
અને તિથિ ! એની ભૂરી ભૂરી આંખોમાં જાણે લાગણીના સાતેય સમંદર લહેરાતા હોય. ચંદનવર્ણી કાયા અને વેરીનેય વશ કરે એવું નિષ્પાપ સ્મિત પૂજાના ફૂલ જેવી પવિત્ર, નજાકતભરી અને સુંદર ! ઇશ્વરે તિથિને છૂટા હાથે સૌંદર્યનું દાન કર્યું હતું. જેવું સુંદરરૂપ તેવું જ ગરવું ગુણિયલ વ્યક્તિત્વ એ બધામાં ચાર ચાંદ લગાવે એવી એની સમજદારી ને સંયમ ! તિથિના પપ્પા વિનયકુમાર એટલે જ કહેતા કે 'કોઈ પરભવનું ઋણ ચૂકવવા દેવકન્યા રૂપે તિથિ મારા ઘરે દીકરી રૂપે અવતરી છે.'
તિથિના મમ્મી સ્વરાદેવી વિનયકુમારને કહેતા : ''બેસો બેસો હવે છાનામાના તમારી આ દેવકન્યાનો હાથ પકડવા કોઈ દેવપુત્ર નથી આવવાનો સમજ્યા. લાડ કરીને એને તમે ઢીંગલીને જેમ સાચવી છે, એટલે વર પણ એવો જ શોધજો કે જે એને 'શો-કેસ'''માં મૂકેલા નમૂનાની જેમ સાચવે. આમ સ્વરાદેવી વિનયકુમારને મહેણાં મારવાની એકપણ તક જતી કરતા નહોતા.
અને એક સવારે મુંબઈથી તેમના મિત્ર અશોકભાઈનો કોલ આવ્યો. એક અમીર પરિવારના પુત્ર રુઆબ માટે તિથિનો હાથ માગ્યાના સમાચાર એમને ફોનમાં જણાવ્યા ત્યારે વિનયકુમાર દોડીને પોતાની પુત્રી તિથિને ભેટી પડયા. સામે પક્ષે કશી જ માગણી નહોતી, તેમ છતાં વિનયકુમાર તિથિના લગ્ન પ્રસંગે મન મૂકીને તેને ચીજવસ્તુ, ભેટસોગાદો આપવા ઇચ્છતા હતા. વિનયકુમારે રુઆબને અમદાવાદ આવવાનું આમંત્રણ આપ્યું. રુઆબને જોયો ત્યારથી એમને એક પ્રકારનો સંતોષ થઈ ગયો હતો. રુઆબ શાંત, ગંભીર, મોહક વ્યક્તિત્વવાળો મોટા ઘરનો અમીર દીકરો હતો. એકનો એક પુત્ર એટલે લાડકોડમાં ઉછરેલો પણ રુઆબના પપ્પાએ તેના મનમાં ત્યાગ, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાના એવા સંસ્કારો રેડયા હતા કે એને સૌ 'આજ્ઞાંકિત બેટડો' કહીને સંબોધતા હતા.
રુઆબ અને તિથિની જોડી કેવી સરસ જામશે, એની કલ્પનાથી જ તિથિના પપ્પા વિનયકુમારની આંખો ભીની થઈ ગઈ હતી. સ્વરાદેવી પણ ભાવવિભોર બનીને કહેવા લાગ્યા : ''બસ, તિથિ અને રુઆબના સપ્તપદીના ફેરા પૂરા થાય એટલે મારી ભવયાત્રા પણ હું પૂરી થયેલી માનીશ.''
સ્વજનો અને જ્ઞાતિબંધુઓ જોઈને ખુશખુશાલ થઈ જાય એવા ઠાઠથી તિથિના પપ્પા વિનયકુમારે તિથિનો લગ્નોત્સવ ઊજવ્યો અને કન્યાવિદાય પ્રસંગે તેઓ પોતાના એક મિત્રને ઘેર ચાલ્યા ગયા. પોતાની આંખની કીકી સમાન પુત્રીને વળાવવાની તેમનામાં હામ નહોતી કન્યાવિદાય પછી વિનયકુમાર પોતાના મિત્રના ઘેર નાના બાળકની જેમ રડતા રહ્યા, ભૂખે-તરસે કલાકો સુધી !
સાસરેથી તિથિએ ફોન દ્વારા પપ્પાના સમાચાર પૂછ્યા...ત્યારે વિનયકુમાર ફોનની સામે જ બેઠા હતા, પણ ગળે ડૂમો ભરાઈ આવતાં વાત ન કરી શક્યા....સ્વરાદેવીએ ફોન લીધો. ઘરમાં સુખ-સાહ્યબીની રેલંછેલ છે, એવું તિથિના મુખેથી સાંભળીને તેમના આનંદની સીમા ન રહી.
એક મહિના પછી તિથિના મામા તેને પિયર તેડી લાવ્યા. ત્યારે તિથિના પપ્પા વિનયકુમાર પોતાની પુત્રીના મુખે સાસરિયાના સુખની વાતો મનભરીને સાંભળવા ઈચ્છતા હતા....પણ તિથિ ખુલ્લા દિલે વાત કરતી નહોતી. વિનયકુમાર તેને જવાબ આપવાનો આગ્રહ કરતા, ત્યારે તિથિ વતી સ્વરાદેવી જ જવાબ આપી દેતાં : ''જવાન દીકરી સાસરિયાં વિશે વાત કરતાં શરમાય, એટલું ય તમે ઘરડે ઘડપણ સમજતા નથી. હવે તિથિ કેવળ તમારી દીકરી નથી, કોઈકની પત્ની છે, કોઈકની પુત્રવધૂ છે, એટલું યાદ રાખો.''
અને તિથિના લાગણીઘેલા પપ્પા વિનયકુમારને પોતાની ભૂલ સમજાતી. સુખને ઘૂંટડે ઘૂંટડે પીતી કન્યાના સ્વપ્નલોક અંગે પૃચ્છા કરવાનો પોતાને અધિકાર ન જ હોવો જોઈએ, એમ વિચારી મૌન ધારણ કરતા.
તિથિનું બે-એક મહિના બાદ આણું કરવામાં આવ્યું અને ફરી પાછી ઘરમાંથી વાસંતી મહેક સરી ગઈ. પાનખરના બે વૃક્ષો વિશાળ બંગલામાં શ્વસતાં રહ્યાં.
તિથિનો ફોન નિયમિત રીતે આવતો હતો. નહોતી એ ભૂખી, નહોતી એ તરસી !... પણ એથી વધારે એકપણ શબ્દ ફોનમાં એ બોલી નહોતી. તિથિની મમ્મી સ્વરાદેવી એમ માનતા હતા કે દીકરી દામ્પત્યસુખમાં ગળાડૂબ છે એટલે ફોનમાં લાંબી વાત કરવાનું માંડી વાળે છે.
પણ તિથિના પપ્પા વિનયકુમારનું મન માનતું નહોતું. સદાય લાગણીભીના શબ્દો બોલનાર, પુત્રીના શબ્દો 'ખુશી સમાચાર' બનીને અટકી જાય એની કલ્પના પણ વિનયકુમાર કરી શકતા નહોતા કોણજાણે કેમ પણ વિનયકુમારને તિથિ તેના સાસરે ખુશ નથી એવું જ લાગતું હતું. ''તિથિ, હું મુંબઈ આવું છું.'' એવું મનોમન બોલતા. પણ સ્વરાદેવીનો વિરોધ એમને મુંબઈ જવામાં રૂકાવટ બનતો હતો.
તિથિને સરપ્રાઈઝ આપવા એક દિવસ ઘરે સ્વરાદેવીને પણ કહ્યા વગર, વિનયકુમાર મુંબઈ જવા ઊપડી ગયા. તેમણે તિથિને સ્ટેશનેથી ફોન કરીને કાર પણ ન મંગાવી. ટેક્સી દ્વારા સીધા જ પહોંચી ગયા રુઆબને બંગલે !
દરવાજા પાસેના એક વૃક્ષને વીંટળાયેલી સુકાઈ ગયેલી વેલને ખેંચાખેંચ કરતા માળીએ કહ્યું : ''સાહેબ હજી ઓફિસ ગયા નથી. અને મોટાસાહેબ શેઠાણી સાથે તીર્થયાત્રાએ ગયા છે.''
તિથિના પપ્પા વિનયકુમાર આ પ્રાથમિક સમાચારથી ખુશ થઈ ગયા. નવાંસવાં લગ્ન થયેલાં છે એટલે રુઆબકુમારને ઓફિસે જવાનું મન ન જ થાય.. વળી તિથિનાં સાસુ-સસરા નથી એટલે તિથિ પણ સંકોચ વગર દિલ ખોલીને પોતાની સાથે વાતચીત કરી શકશે...દીકરી સાથે નિરાંતે દસેક દિવસ રહીશ એવો વિચાર આવતાં આપોઆપ જ વિનયકુમારના મોં પર સ્મિત રેલાઈ ગયું.
નોકર કીચનમાં સાફસૂફી કરતો હતો એટલે તિથિ ઉપર હશે એમ માનીને વિનયકુમાર સીડી બાજુ વળ્યા, પણ એકાએક અટકી ગયા !
કોઈ ચીસો પાડીને બોલી રહ્યું હતું. ધ્યાનથી સાંભળતા વિનયકુમારને ખ્યાલ આવી ગયો કે અવાજ રુઆબકુમારનો જ હતો.
રુઆબ કહી રહ્યો હતો : ''તિથિ, તારામાં એટિકેટ જેવું કાંઈ છે કે નહીં ?
મેં તને પડી રહેવા માટે અલગ રૂમ આપી દીધો છે. પછી તેં શા માટે મારા રૂમમાં આવીને મને જગાડયો ? કોઈના રૂમમાં જતાં પહેલાં બારણે ટકોરા મારવા પડે એટલી પણ સેન્સ નથી તારામાં ! સાવ ગામડિયણ અને બેવકૂફ પત્ની મને ભટકાઈ છે. તારું આવું કન્ટ્રીટાઈપ માઈન્ડ હશે એવી મને તો ખબર જ નહોતી નહીં તો....કેવા મીઠાં સ્વપ્ન લઈને હું સૂઈ ગયો હતો ? તેં મારી સવાર બગાડી. તારો મનહુસ ચહેરો ઊઠતાંની સાથે જોયો એટલે કોણ જાણે આજનો દિવસ કેવો ગુજરશે ? તેં મારી સવાર બગાડી એની સજા તારે ભોગવવી જ પડશે. તું એમ માનતી હોય કે તારાં રૂપ અને સેવાથી રીઝીને હું મારી પ્રેમિકા મોહનાને ભૂલી જઈશ, તો તું ભ્રમમાં છે. મુંબઈમાં કન્યાઓની ખોટ નહોતી કે મારે તારા જેવી ગુજરાતના એક નાનકડા શહેરમાં રહેતી ગામડિયણ પર રીઝવું પડે. કુંવારાપણાનું લેબલ નિવારવા માટે જ તને આ ઘરમાં લાવવામાં આવી છે સમજી ?''
રુઆબ બોલ્યે જ જતો હતો અને તિથિ નીચું મોં રાખીને સાંભળતી હતી. તેની આંખોમાંથી વહેતાં અશ્રુ તેની સાડીના પાલવને ભીંજવી રહ્યા હતા. તિથિને રડતી જોઈને રુઆબ ઓર ગુસ્સે થયો. એ તાડૂકીને બોલ્યો : ''બસ રડવાનું બંધ કર મનહુસ. તારાં આંસુની મારા પર કોઈ અસર નથી પડવાની તારું નામ તિથિ કોણે રાખ્યું ? તારું નામ તો રુદાલી રાખવા જેવું હતું. જા જતી રહે અહીંથી તારું સડેલું મોં લઈને. અને હા, તેં જે ભૂલ કરી છે એની સજારૂપે ૨૪ કલાક માટે તારું ખાવા-પીવાનું બંધ. જા તારા રૂમમાં ચાલી જા.''
રડતાં રડતાં તિથિ બોલી : ''માળી કાકા કહેવા આવ્યા છે કે, અમદાવાદથી મારાં પપ્પા આવ્યા છે. તમે નીચે મળવા આવશો ?''
રુઆબે બરાડીને કહ્યું : ''ના હું નીચે નહીં આવું તેમને મળવા. તું જા મળ એમને મને પધરાવેલું આ બારદાન તેઓ પાછું લઈ જાય તો બહુ સારું. હું તારાથી મુક્ત થઈ જાઉં. તારા પપ્પા તારા જેવા જ સાવ કન્ટ્રીટાઇપ છે ? કોઈ કોઈના ઘરે જાણ કર્યા સિવાય એકાએક પહોંચી જાય એને શું કહેવાય ? તિથિ, હું તારાથી અને તારા પપ્પાથી કંટાળી ગયો છું. નાઉ ગો. અહીંથી ચાલતી પકડ.'' અને રુઆબે ધડાક કરતું રૂમનું બારણું બંધ કરી દીધું. તિથિનો રડવાનો અવાજ સાંભળીને વિનયકુમારનું હૈયું વલોવાઈ ગયું હતું. એમણે માળીને કહ્યું : ''ભાઈ, મારે માટે એક ભાડાની કાર લઈ આવને. તું સુકાયેલી વેલની લીલા ઝાડથી અલગ કરતો હતો ને ! મારે લીલીછમ વેલને સૂકા ઝાડથી અલગ કરીને લઈ જવાની છે. મેં તો માન્યું હતું કે મુંબઈના દરિયાનાં જ પાણી ખારાં હોય છે... પણ ''વિનયકુમાર આગળ ન બોલી શક્યા.''
અને ટેક્સી આવીને પોર્ચમાં ઊભી રહી...એમાં ગોઠવાયું એક પાનખરનું વૃક્ષ અને વૃક્ષથી વિખૂટી પડેલી વેલ જેવી તિથિ. આકાશનાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઘેરાયેલો ચંદ્ર.....વાતાવરણની ઉદાસીમાં વધારો કરી રહ્યો હતો. સંસાર રામાયણની વણલખી કથાઓ લખાય તો કદાચ કથાસરિત મહાસાગરે ય નાનો પડે !









