'ભુવન શોમ' આર્ટ ફિલ્મ નહીં, કોમેડી! .

- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
- 'એમાં એકપણ ગાયન નથી. ફાઈટ નથી, એ તો ઠીક, સ્ટોરી જેવું બી કંઈ નથી!' એટલે અમે ૧.૧૦ રૂપિયા ખર્ચવાનું જોખમ લેવાથી દૂર રહેલા....
'૭૦ ના દાયકામાં આવેલી અમુક 'ફ્રીક' (અનોખી, વિચિત્ર પ્રકારની) ફિલ્મોમાં 'ભુવન શોમ'ને પણ ગણવી પડે! કેમકે ૬૯માં જેને સેન્સર સર્ટીફિકેટ મળેલુ એ ફિલ્મ રખડતી ટીચાતી અમદાવાદમાં તો ૧૯૭૦માં જ આવેલી ઉપરથી આને હિન્દી સિનેમામાં આર્ટ-ફિલ્મોનો 'પાયો નાંખનાર' પહેલી ફિલ્મ ગણવામાં આવતી હતી!'
એક તો ફિલ્મ રિલીઝ થઈ ત્યારે છાપાંઓ અને મેગેઝિનોમાં તો જાણે શું યે 'મહાન કલાત્મક ફિલ્મ છે.' એવાં ઢગલા મોઢે વખાણો વાંચીને જ અમે તો ડરી ગયેલા! ઉપરથી અમારા પડોશીએ ભાંડો ફોડી નાંખ્યો કે 'એમાં એકપણ ગાયન નથી. ફાઈટ નથી, એ તો ઠીક, સ્ટોરી જેવું બી કંઈ નથી!' એટલે અમે ૧.૧૦ રૂપિયા ખર્ચવાનું જોખમ લેવાથી દૂર રહેલા (એ જ ભાવમાં સાદો ઢોંસો ખાઈ લેવો સારો.)
એ પછીનાં વરસોમાં તો અમે અઘરી અઘરી આર્ટ ફિલ્મો પણ સહન કરતાં શીખી ગયેલા. છતાં સંજોગોવશાત ભુવન શોમ જોવા મળી નહોતી. ત્રણેક વરસ પહેલા મોબાઈલમાં જ્યારે આ ખતરનાક ફિલ્મ અડફેટે ચડી ગઈ ત્યારે ખબર પડી કે બોસ, આ તો કોમેડી છે!
આખી વાતમાં લોચા બે હતા. એક તો સામાન્ય પ્રેક્ષકો માટે કોમેડી એટલે શું? તો ભાઈ, જ્હોની વોકર, મુકરી, મહેમૂદ, રાજેન્દ્રનાથ વગેરે જે બકૂનરી (મુરખચાળા) કરે તેને કોમેડી કહેતા હતા, વળી આ જ સામાન્ય પ્રેક્ષકોમાંથી કોઈએ પણ બાપ જનમારામાં પેલી કહેવાતી આર્ટ-ફિલ્મો તો જોયેલી જ નહીં? એટલે છાપાંના રિવ્યુ વાંચીને પોતે કલાપ્રેમી ગણાવવા માગતા હતા એવા બુદ્ધુજીવી પ્રેક્ષકોને આમાં ક્યાંય હાસ્ય દેખાયું જ નહીં!
બીજી બાજુ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં તો નેશનલ એવોર્ડ મળી ગયેલો! એટલે જે કહેવાતા ફિલ્મ વિવેચકો હતાં એમની તો હિંમત જ શી રીતે થાય એવું કહેવાની, કે યાર, આ તો બહુ ફની છે!
ઉલ્ટું, અંગ્રેજીમાં લખતા વિવેચકોએ આને ભારતીય સિનેમાની માઈલસ્ટોન આર્ટ ફિલ્મ કહીને ચગાવી મારેલી! એમાં ફિલ્મની હ્યુમર માટે કવીકી ટેકી રો અને અન-અપોલોજેટિક એવા અઘરા શબ્દો લખેલા!
આજે તમે યુ-ટયુબ ઉપર ભુવન શોમ જુઓ તો સમજાશે કે ભાઈ મૃણાલ સેન જેને ફની માનતા હશે, એ પણ બહુ જ કર્કશ અને વિચિત્ર પ્રકારનું હ્યુમર છે.
ફિલ્મ કોમેડી છે એ તો શરૂઆતમાં અમિતાભ બચ્ચનની કોમેન્ટ્રીમાં જ સ્પષ્ટ છે કે બંગાળના એક ખડૂસ, કડક અને સનકી સ્વભાવના આ રેલ્વે ઓફિસર કેટલા વિચિત્ર છે! ( આ બધુ સમજાવવા માટે કાર્ટુન એનિમેશન પણ છે.) પરંતુ ફિલ્મમાં એની આગળ પાછળ રેલ્વેના ધસમસતા પાટા, ટ્રેનની કાન ચીરી નાંખે એવી વ્હીસલ અને એટલા જ કર્કશ અવાજે વાગતા શાસ્ત્રીય સંગીતના ટુકડા નાંખ્યા છે કે બિચારો સીધો સાદો પ્રેક્ષક તો ગભરાઈને અદબ પલાંઠીના પોઝમાં જ આવી જાય!
સ્ટોરી પણ ફની તો ખરી! ઉત્પલ દત્ત (સોમ સાહેબ)ને અચાનક શિકાર કરવાની ચળ ઉપડે છે. એ સવારે ચાર વાગ્યાનું એલાર્મ મુકીને નીકળી પડે છે. એક ગાડાંવાળો ગામડીયો ઘડીકમાં ગાડું ફાસમફાસ ચલાવીને સાહેબના સ્પેરપાર્ટ ઢીલા કરી નાંખે છે, તો ઘડીકમાં ગાડું ધીમે ચલાવીને વિચિત્ર અવાજમાં ચાહે કોઈ મુઝે જંગલી કહે ગાય છે! (આ બધું ફની કહેવાય, મૃણાલ સેનના હિસાબે)
આગળ જતાં રસ્તા વચ્ચે એક કાળો પાડો જોઈને બળદિયા ભડકે છે! ગાડું અધ્ધર થઈ જાય છે! સાહેબ અને ગાડાવાળો ભાગમભાગ કરે છે! પાડો સાહેબની પાછળ દોડી દોડીને એમની પદૂડી કાઢી નાંખે છે! (સો ફની નો?)
પછી, વળી બીજો એક ગામડીયો શિકાર માટે ચિડીયા બતાડવાને બહાને સાહેબને શેરડીના ખેતરમાં (કચ્છમાં શેરડી ક્યાં ઉગતી હશે?) ગોળગોળ ફેરવ્યા જ કરે છે...
છેવટે એક હસમુખી ગામડીયણ યુવતી (સુહાસિની મુળે) સાહેબને શિકાર કરવા માટે લઈ તો જાય છે પરંતુ એ પણ પોતાનો ટપલીદાવ કરી લે છે. સાહેબનો સફારી સૂટ ઉતરાવીને ફાળિયું પાઘડી પહેરાવે છે. એકવાર તો ઝાડનાં ડાખળાં પકડાવીને સાહેબને ઝાડ બનવાનું કહે છે જેથી પક્ષીઓ ડરીને ઊડી ના જાય! (વેરી ફની)
આખરે ઉત્પલ દત્ત બંદૂકનો એક ધડાકો કરે છે. પણ એક બતક, ગોળીથી નહીં પણ ધડાકાના અવાજથી ડરીને તરફડતું ભોંયે
પડે છે! (હા.હા..હા...)
સુહાસિની કહે છે કે આ બતક તમે લઈ જાવ, એને પાળજો. પણ સાહેબ એ બતક પાછું આપી દે છે. છેલ્લે સાહેબ આ મજાના શિકારી વેકેશનથી એટલા મોજીલા બની ગયા છે (વિવેચકો એને માટે ઈમોશનલ ટ્રાન્સફોર્મેશન એવા અઘરા શબ્દો હજીયે લખે છે.) કે સાહેબ પોતાની કેબિનમાં એકલા એકલા નાચી રહ્યા છે! અને સરકારી ફાઈલનાં કાગળિયાં હવામાં ઉછાળીને હળવા થઈ ગયા છે! બસ, ધી એન્ડ!
ફિલ્મનો સૌથી મોટો ત્રાસ વિજય રાઘવ રાવનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે! એક તો એ ભાઈએ સરકારી ડોક્યુમેન્ટ્રીઓમાં જે મ્યુઝિકના પિસ બનાવ્યા હશે એ જ કાપીને અહીં ચિપકાવી દીધા છે. ઉપરથી, શી ખબર, સાઉન્ડ મિક્સર બગડી ગયું હશે કે કેમ, પણ દરેક મ્યુઝિક અચાનક (ચેતવણી વિના) કર્કશ અવાજે ચાલુ થાય! અને અચાનક ગમે ત્યાં કટ થઈ જાય છે! (આ પણ હ્યુમર હશે.)
છતાં આ આર્ટ ફિલ્મ હોવાનો ભ્રમ શી રીતે પેદા થાય છે? તો એનું એકમાત્ર કારણ છે, કે મહાજનની અદ્દભુત બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી! અમુક ફ્રેમો તો એટલી સુંદર છે કે આપણાથી વાહ! નીકળી જાય. પણ બોસ, અહીં જ લોચો થયો ને? ભુવન શોમને કોમેડી નહીં પણ ભારતીય હિન્દી સિનેમાની પહેલી આર્ટ ફિલ્મનું લેબલ લાગી ગયું!
પેલા તપન સિંહા પણ મનમાં ને મનમાં મગનું નામ મરી પાડયા વિના રાજી થતા હશે કે છોને બધા આર્ટ આર્ટ રમ્યા કરતા?
આજે તમે આ ફિલ્મ યુ-ટયુબમાં જોવાના હો તો ૧.૫૦ એટલે કે સેટિંગ્સમાં જઈને દોઢ ગણી સ્પીડમાં જોશો તો માથું નહીં દુ:ખે અને હા જોતાં જોતાં અનેક ઠેકાણે ફિલ્મ હસવા જેવી ના લાગે તો પૈસા પાછા!
લેખ પુરો કરતા પહેલાં બે સિરિયસ વાત... ૧૯૬૯માં આવેલી ગુજરાતી ફિલ્મ કંકુ ખરા અર્થમાં આર્ટ ફિલ્મ હતી. એને હિન્દી સિનેમામાં સાચી વાસ્તવવાદી ફિલ્મોની શરૂઆત અંકુર (૧૯૭૪)થી ગણાવી જોઈએ.
= ભુવન શોમ ને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડીરેક્ટર અને બેસ્ટ એક્ટર એમ ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા હતા.
= અમિતાભ બચ્ચનને તે સમયે ફિલ્મની કોમેન્ટ્રી બોલવા માટે ૩૦૦ રૂપિયાનો પુરસ્કાર મળ્યો હતો! જે બચ્ચન સાહેબની પહેલી ફિલ્મી કમાણી હતી!
= એનએફડીસી તરફથી ફિલ્મ બનાવવા માટે માત્ર બે લાખ રૂપિયાનું ફંડ મળ્યું હતું.
= ભુવન શોમ અને લગાનમાં ત્રણ સમાનતા છે! બન્નેમાં મુખ્ય પાત્રોનાં નામ ભુવન અને ગૌરી છે. બન્નેમાં સુહાસિની મુળે અભિનેત્રી અને અમિતાભ બચ્ચનનો વોઈસ ઓવર છે, અને બન્ને ફિલ્મોનું શુટિંગ કચ્છમાં થયું છે.








