આકારવાદી ઉપવનની ભીતરમાં ડોકિયું .

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- આપણાં બાળકોના ઉછેર સંદર્ભે પણ આપણે તેમને ઉપવનના છોડવા બનાવવાનો ઉમળકો રાખીએ છીએ તે કેટલા અંશે વાજબી છે તે અંગે વિચારવું ઘટે. પ્રત્યેક જીવ સ્વતંત્ર છે.
ન ગરની મધ્યમાં કેળવીને તૈયાર કરેલા બગીચામાં જોઈએ ત્યારે એ બગીચાનાં વૃક્ષો - વેલીઓ પાળેલાં પક્ષી જેવાં લાગે છે - તે વૃક્ષોને અને વેલીઓને પોતાની રીતે પ્રસરવાનો અધિકાર જ નથી? શિસ્તનાં આગ્રહી ઉપવનો વૃક્ષોનાં અને વેલીઓના ભીતરનો કેમ ખ્યાલ રાખતાં નહિ હોય? સ્હેજ રસ્તા ઉપર કદમ્બની ડાળ નમી, એ ઝુકેલી ડાળ ઉપર પક્ષીઓ કલરવ કરતાં એ કદમ્બની ડાળ નમ્રતાપૂર્વક પોતાનું દિલ ખોલવા ધારતી હશે પણ બીજે દિવસે માળી નામનો સંરક્ષક એ ડાળીના નમેલા અંશનો છેદ કરી ચાલ્યો જાય છે. ડાળીની ચીસ કોઈને નથી સંભળાતી. પેલાં પંખીડાં કપાયેલી ડાળ ઉપર બેસીને કલ્પાંત કરે છે તેમ છતાં આકારવાદી ઉપવન શિસ્તનો માનદંડ લઈ એ ડાળની વ્યથા આગળ મૌન ધારણ કરે છે. આકાર એટલે શું? નિરાકાર જે છે, તેની લીલાને આકાર આપનારા આપણે કોણ?
ગામની ભાગોળે ઘટાટોપ વડલાને ક્યાં શિસ્ત હતી? એ તો એની મેળે કેવો વ્હાલપૂર્વક વધી ગયો! વ્યાપી ગયો! એવું જ લીમડાનું, આંબાનું... કોઈ શિસ્ત નહિ. અનાયાસ વિકાસ આપણે આયાસપૂર્વકનાં આયોજનો કુદરતી પદાર્થો ઉપર પણ લાદવાનો પ્રયાસ કરીએ છીએ. એ કંઈ બરાબર ના કહેવાય. શહેરના ઉપવનની બોગનવેલ ઉપર માળીની કાતરના જે ઘા પડે છે તેની વ્યથા કોઈ સમજતું નથી. મ્હેંદીને હરોળમાં ઊભી રાખવા માટે માળી કાતરની બીક બતાવે છે રોજ. મૂળની ઈચ્છા મુજબ થડ થાય અને થડની મોજ વૃક્ષનાં ડાળપાન! પુષ્પો! એ પુષ્પોને પણ શિસ્તમાં જ રહેવાનું!
એક હરોળમાં ઊભેલા સૈનિકોની જેમ આપણે ઉપવનના છોડવાઓ પાસે અપેક્ષા રાખીએ છીએ. મ્હેંદી પાસે અપેક્ષા રાખીએ છીએ - સ્હેજ હરખભેર ડોકુ બહાર કાઢ્યું તો એનો છેદ કરવામાં આવે છે. માળીને પૂછ્યું - 'આવું કેમ કરે છે?' કહે છે,' ઉપરથી ઓર્ડર છે, હરોળમાં જ દેખાવાં જોઈએ.' 'એનો અમને પગાર મળે છે.' સારું દેખાય એ માનસિકતા માત્ર માણસનામાં જ હોય છે. માણસને જ સીધી લીટીમાં, દેખાવમાં, સૌંદર્ય સાધનાના દેખાડા હોય છે. કોઈ વનસ્પતિ કે છોડવા જુઓ તેમાં ક્યાં સરખાપણું છે! ખેતરમાં એક સાથે બિયારણ આપીને જે પાક તૈયાર થાય છે તે જોતાં એમ લાગે છે. એક જ બિયારણ, એક જ ખેતર, એક જ ખાતરપાણી તેમ છતાં ખેતરના છોડવે છોડવે નોખાપણું, ભિન્નત્વ જોવા મળે છે. એ નોખું વ્યક્તિત્વ જ એમની ઓળખ છે. કુદરતી રંગોની જેમ કૃત્રિમ રંગો પણ હોય, એ કૃત્રિમ રંગોનું આકર્ષણ પણ હોય. આંખને ગમે પણ ખરા, પણ એ કૃત્રિમ પુષ્પો ઉપર ભમરા આવવાની ભૂલ ના કરે. કવિ પ્રહલાદ પારેખે 'બનાવટી ફૂલોને' કાવ્યમાં એ જ વાત કરી છે. કૃત્રિમ આકારો અને કૃત્રિમ રંગો છાંટવાથી કંઈ કુદરતી ફૂલ નથી બની જતાં. ઉપવનોનું પણ એવું છે. વન-જંગલની કુદરતી અભિવ્યક્તિમાં ભલે કોઈને સૌંદર્ય ન દેખાય પણ પાળેલાં પક્ષી-પ્રાણી જેવાં ઉપવનોમાં કૃત્રિમ સૌંદર્ય હોય છે. ગામડાની ભોળી કન્યાના ચહેરા ઉપર જે સૌંદર્ય હોય છે તે બ્યૂટીપાર્લરમાં તૈયાર થયેલી કન્યાના ચહેરા ઉપર હોય ખરું? ચમક હોય, ચમક સૌંદર્યથી છળ છે.
આકારવાદી સાહિત્યનું પણ એવું છે - એમાંય આકારને જ મહત્ત્વ અપાય છે. પાત્ર, સંવાદ, પરિવેશની સાહજિકતાનો સંવાદ જોખમાય તો ભલે જોખમાય, સ્વરૂપ નિર્માણ થવું જોઈએ, આકાર બંધાવો જોઈએ. કળાવાદીઓના એક જૂથે ઉભું કરેલું સત્ય સનાતન સત્ય ક્યાંથી બની શકે? આકારવાદના આગ્રહીઓ કળાનો મહિમા કરવા જતાં કૃતિની અંદર રહેલા આત્માને દુ:ખી કરે છે, કોઈકવાર ઉત્તમ કળાકૃતિ નિર્માણ થઈ જાય, એમ તો જંગલમાં ઘણાં વૃક્ષો, ઘણા છોડ ઘણી વનસ્પતિ બેનમૂન સુંદર હોય છે. એમના સાંગોપાંગ રૂપમાંથી સૌંદર્ય નિખરતું હોય છે. એવું માણસોમાં પણ હોઈ શકે... આકારવાદીઓ આકારના શસ્ત્રથી કૃતિની કાયાનું મૂલ્યાંકન કરે છે. એટલે કૃતિના પ્રાણ તરફડે છે.
બોલી પણ સાહજિક છે - એ પણ વન, જંગલ, કુદરતની જેમ આદિમતાથી છલોછલ હોય છે, જ્યારે ભાષા બોલીના કેટલાંક તત્ત્વોને હણી નાખીને એક શિસ્ત ઊભી કરે છે. બોલીથી તમે ભાવપૂર્વક જેટલાં પ્રત્યાયન કરી શકો એવાં, એટલાં એ ભૂમિકાથી ભાષામાં સર્વદા શક્ય નથી, પણ વિકાસનો દોદરો અર્થ કરતા આપણે કૃત્રિમતાને સહારે ચાલ્યા જઈએ છીએ. માણસ પાસે સાહજિકતા ગુમાવવાની જેટલી ગુંજાઈશ છે એટલી બીજા કોઈ માનવેતર જીવમાં નથી. સાહજિકતા જ્યાં જ્યાં છેદાય છે ત્યાં ત્યાં કૃત્રિમતા દાખલ થઈ જ જાય છે. આપણી ગ્રામ સંસ્કૃતિ ઉપર જે કઠોરાઘાત થયો છે એના મૂળમાં પણ શહેરી સંસ્કૃતિ અને ભયાનક યાંત્રિકતા જ જવાબદાર છે. નગરજીવનની જીવનરીતિએ માણસની અસલિયતને કોરી ખાધી છે. માનવતા અને સંવેદના ઉભય સદ્ગુણોનું નિકંદન કાઢવા માટેનો તેણે કારસો રચ્યો છે.
આપણાં બાળકોના ઉછેર સંદર્ભે પણ આપણે તેમને ઉપવનના છોડવા બનાવવાનો ઉમળકો રાખીએ છીએ તે કેટલા અંશે વાજબી છે તે અંગે વિચારવું ઘટે. પ્રત્યેક જીવ સ્વતંત્ર છે. 'વૃક્ષ ચલે નીજ લીલા' એમ હોવું જોઈએ તેવું કહેનારા આપણે આપણાં સંતાનો ઉપર શા માટે આપણી ઈચ્છાઓ થોપવાનું બંધ નથી કરતાં? આપણે વન્યતાને નામશેષ કરીને ઉપવનો રચવા માંડયા છીએ પણ એનાં પરિણામો અંગે વિચાર્યું છે ખરું?








