Magazines

પિતા મૃત્યુ પછી જીવતા રહે છે .

By GS TEAM
20 Jun 20263 mins read
પિતા મૃત્યુ પછી જીવતા રહે છે                         .

- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા

લોગઇન :

અમે જેની ખાંધે વજન ફિકરોનું થઈ ફર્યા

બધે આયુર્માગે, જગની ગલીકૂંચી વિવિધમાં,

ચડાણે, ઊંડાણે શિરવિટમણાઓ થઈ ભમ્યા,

અમે લાવ્યા એ રે શરીર નિજ ખાંધે ઊંચકીને,

અહીં લાવ્યા એ રે શરીર નિજ ખાંધે જનકનું.

અને જેનાં હાડે પૂરવજદીધી પ્રાણસરણી

પુરાણી પોષાઈ વહી અમ મહીં કૌતુકવતી,

અમે આવ્યા એ રે નિજ જનકના હાડઢગની

પડી સાનીમાંથી અગનબચિયાં ફૂલ વીણવા.

ભરી વાળી સાની ધખ ધખ થતી ટોપલી મહીં,

અને પાસે વ્હેળો ખળળ વહતો ત્યાં જઈ જળે

ડબોળી, ટઢોળી, જરીક હલવીને દૂધ સમા

પ્રવાહે સ્વર્ગ ગાજલ થકી શકે તારક વીણ્યા!

વીણ્યા તારા, ફૂલો જગતનું બધું યે સુંદર વીણ્યું,

ન લાધે રહેજે, શિવ સકલ આજે મળી ગયું.

શમ્યા મૃત્યુશોકો, અમર ફરકંતી નીરખીને

પિતાનાં ફૂલોમાં ધવલ કલગી વિશ્વક્રમની...

- ઉમાશંકર જોશી

આ કવિતા પિતાના અવસાન પછીની એક એવી યાત્રાનું વર્ણન કરે છે, જેમાં પુત્ર માત્ર પોતાના પિતાનાં અસ્થિફૂલ વીણવા નથી જતો, પરંતુ જીવન, મૃત્યુ અને વારસાની ગહન સમજણ સુધી પહોંચે છે.

પિતા વિશે લખવું એટલે આકાશ શબ્દોમાં ઉતારવાનો પ્રયાસ કરવો. પિતા માત્ર ઘરના એક સભ્ય નથી હોતા, તેઓ ઘરની દીવાલોમાં રહેલો વિશ્વાસ હોય છે, પાયામાં પડેલો જુસ્સો હોય છે, બારણાં પર ટકેલો આધાર હોય છે અને સંતાનના મનમાં નિ:શબ્દ રીતે ઉભેલો એક પહાડ હોય છે.

આ કવિતામાં કવિ પોતાના પિતાનાં અસ્થિફૂલ વીણવા જાય છે. બહારથી જોવામાં આ એક સામાન્ય ક્રિયા લાગે. પરંતુ એ ક્ષણે પુત્રને સમજાય છે કે જે શરીરને તે ખભે લઈને અહીં સુધી આવ્યો છે, એ જ શરીરે ક્યારેક તેને ખભે લઈને દુનિયા બતાવી હતી. આજે ભૂમિકાઓ બદલાઈ ગઇ છે.

માણસ આખું જીવન પિતાના આશ્રયમાં જીવતો રહે છે, પરંતુ પિતાનું મહત્ત્વ ત્યારે સમજાય છે જ્યારે તેઓ ભૌતિક રીતે સાથે ન રહે. જીવતા પિતા ઘરમાં હોય ત્યારે તેમની હાજરી સામાન્ય લાગે છે. સવારની ચા, સાંજની વાતો, સલાહ, ઠપકો, ચિંતા બધું જ રોજિંદુ લાગે છે. પરંતુ એક દિવસ જ્યારે એ બધું અચાનક બંધ થઈ જાય છે, ત્યારે સમજાય છે કે આ સામાન્ય લાગતી બાબતો જ જીવનની સૌથી અસાધારણ સંપત્તિ હતી.

પિતા પ્રેમ વ્યક્ત કરવામાં કુશળ નથી હોતા. માતાનો પ્રેમ વરસાદ જેવો લાગે. જ્યારે પિતાને પ્રેમ ધરતીની અંદર વહેતા ઝરણા જેવો. તે દેખાતો નથી, પરંતુ સમગ્ર વૃક્ષને જીવતં રાખે છે. પિતા ઘણીવાર 'હું તને પ્રેમ કરું છું' નથી કહેતા. પરંતુ સંતાન માટે વધારાના કલાકો કામ કરે છે. પોતાની જરૂરિયાતો ઘટાડે છે, ચિંતાઓ છુપાવે છે અને સપનાઓનો ભાર પોતાના ખભે ઉપાડે છે. એ જ તેમનો પ્રેમ છે.

આ કવિતાની સૌથી સ્પર્શી જાય એવી વાત એ છે કે કવિ જ્યારે અસ્થિફૂલ વીણી રહ્યા છે ત્યારે તેમને માત્ર રાખ કે હાડકાં દેખાતાં નથી. તેમને એક આખી પરંપરા દેખાય છે. એ હાડકાંમાં તેમને પોતાના પૂર્વજોનો પ્રવાસ દેખાય છે. જે રક્ત આજે તેમની નસોમાં વહે છે, તે પેઢીઓની યાત્રાનું પરિણામ છે.

આપણે ઘણીવાર વિચારીએ છીએ કે પિતા આપણને શું આપી ગયા? ઘર? સંપત્તિ? શિક્ષણ? પરંતુ થોડું ઊંડું વિચારીએ તો સમજાય છે કે પિતાએ પોતાનાં વર્ષો આપ્યાં છે. પોતાનાં સપનાઓમાંથી ભાગ કાપીને આપણા સપનાઓમાં ઉમેર્યો છે.

જીવનમાં ઘણી એવી ક્ષણો આવે છે જ્યારે આપણે પિતાની વાત સાથે અસહમત થઈએ છીએ. ઘણીવાર તેમનો ઠપકો કઠોર લાગે છે. તેમની શિસ્ત બોજ જેવી લાગે છે. પરંતુ વર્ષો પછી સમજાય છે કે તેઓ આપણને રોકવા માંગતા નહોતા. તેઓ આપણને તૂટતા બચાવવા માંગતા હતા. જીવનની જે ઠોકરો આપણે આજે ટાળી શક્યા છીએ. તેમાં પિતાની દૂરંદેશીનો મોટો હિસ્સો હોય છે.

કવિતામાં જ્યારે કવિ અસ્થિફૂલને જળમાં ધોઈને નિહાળે છે ત્યારે તેમને તેમાં તારાઓ દેખાય છે. આ એક અદ્ભુત રૂપક છે. કારણકે સાચા અર્થમાં પિતા ક્યારેય મરતા નથી. તેઓ રૂપ બદલે છે.

મૃત્યુ શરીરનો અંત લાવે છે, સંબંધોનો નહીં. પિતા મૃત્યુ પછી પણ જીવતા રહે છે. તેઓ ઘરની દરેક વસ્તુમાં વસેલા રહે છે. જૂની ઘડિયાળમાં, તેમના ચશ્મામાં, લખાણમાં, ફોટોગ્રાફમાં અને સૌથી વધુ તો સંતાનના હૃદયમાં.

કદાચ તેથી જ કવિ અંતે મૃત્યુશોકથી મુક્ત થઈ જાય છે. તેમને સમજાઈ ગયું છે કે માણસનું સાચું અસ્તિત્વ શરીરમાં નહીં, પરંતુ તેમણે જીવેલા જીવનમાં છે. તેમણે આપેલા પ્રેમમાં છે. તેમણે વાવેલા સંસ્કારોમાં છે.

લોગઆઉટ

પ્રિય પપ્પા! હવે તો તમારા વગર,

મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર.

- મુકુલ ચોક્સી