ચિત્રાંગદા .

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
તા જેતરમાં 'ચિત્રાંગદા' નૃત્યનાટિકાની રજૂઆત થઈ. એમાં મુખ્ય પાત્ર ભજવનાર અભિનેત્રીનું જીવન વિવાદોથી ઘેરાયેલું છે. જોકે કલા મૂલવતી વખતે કલાકારના અંગત જીવનનું મૂલ્યાંકન કરવું આવશ્યક નથી. ભલે ઘાસતેલથી પ્રજ્વલિત થયું હોય, તોય અજવાળું આખરે અજવાળું છે.
ચિત્રાંગદાની કથા મહાભારતમાં ૧૩ શ્લોકમાં કહેવાઈ છે. પોતાની પ્રતિભાને બળે રવીન્દ્રનાથ ટાગોરે આ કથાવસ્તુ પરથી પદ્યનાટક રચ્યું, ત્યારે તેમની વય ૩૧ની હતી. ૭૫ની વયે તેમણે 'ચિત્રાંગદા' નૃત્યનાટિકા પણ રચી,જે આજ પર્યંત ભજવાતી રહી છે, અને જેનાં ગીતો લોકપ્રિય થયાં છે. 'ચિત્રાંગદા' પદ્યનાટકનો અનુવાદ નિરંજન ભગતે 'વનવેલી' છંદમાં કર્યો છે. ચાલો ટાગોરની ચિત્રાંગદા સાથે મુખોમુખ થઈએ:
બાર વર્ષનો વનવાસ પામેલો અર્જુન આવી ચડયો મણિપુર દેશે, જ્યાં તેણે જોઈ 'મુક્તલજ્જા, ભયહીના, પ્રસન્નહાસિની, ધનુર્ધારિણી, અશ્વારૂઢા' રાજકન્યા ચિત્રાંગદા, જે પુરુષવેશે વિહરતી હતી. મહાપાંડવને નિહાળી તેનામાં એકાએક સ્ત્રીત્વ જાગ્યું.
એ મૂર્તિ જોતાં એ જ ક્ષણે
મનમાં મેં જાણ્યું,
હું તો નારી
કુંવરીની પ્રણયયાચનાનો 'હું તો બ્રહ્મચારી વ્રતધારી' કહી અર્જુને અનાદર કર્યો. રાજકુમારીને પોતાની પુરુષસમોવડી કઠોર કાયા પર તિરસ્કાર ઊપજ્યો.
નારી થઈ પુરુષનું મન
જો ન જીતી શકી
વૃથા મારી વિદ્યા સર્વ
તેણે ઉગ્ર તપ આદર્યું. આખરે કામદેવ રીઝયા.
કરીશ હું સહાય તને શુભે!
વિશ્વજયી અર્જુનને જીતી બંદીરૂપે
લાવીશ હું એને તારી સામે
કામદેવે કન્યાને વાસંતલ વરદાન આપ્યું : 'સ્પર્શરસે કોમલકાતર, પ્રેમની કો કરુણાથી લેપાયેલો' દેહ થશે તારો, 'પરિસ્ફુટ કાયાતટે યૌવનનો ઉન્મુખ વિકાસ' થશે, પરંતુ માત્ર એક વર્ષ માટે. વાંસળીઓ વાજી ઊઠી. અર્જુન કંઈ બ્રહ્મચારી નહોતો, એ તો ભ્રમચારી હતો. સંમોહિત થઈ બોલ્યો :
શું અપૂર્વ રૂપ!
કોમલ ચરણતલે ધરાતલ કેમ
કરી નિશ્ચલ આ રહેતું હશે?
કામદેવ 'પંચશર' કહેવાય છે. હાસ્ય, અશ્રુ, આશા,ભય અને વિરહમિલનનાં પંચ શર (બાણ) સામે અર્જુને હથિયાર હેઠાં મૂક્યાં.
તમે તો હા ભાંગી નાખ્યું
વ્રત મારું!
ચન્દ્ર ઊગી જેવી રીતે
નિમેષમાં ભાંગી નાખે
નિશીથનો યોગગાઢ અંધકાર
અહીં ટાગોર શુષ્ક હઠયોગીઓ પર કટાક્ષ કરી લે છે. અંધકારને તેઓ 'યોગગાઢ' કહે છે. આવી જ તુલના કાન્તે 'વસંતવિજય' કાવ્યમાં કરી છે :
સૃષ્ટિ સૌંદર્યને જોતાં
કૈં રોમાંચ થયું હતું
ઘણા દિવસનું પેલું
યોગાંધત્વ ગયું હતું
અર્જુનની પ્રશસ્તિથી શું પ્રસન્ન થઈ પ્રમદા? ના રે. એણે તો નિ:શ્વાસ મૂક્યો :
ધિક્ પાર્થ, ધિક્!
શું છે મારી કને?
ક્ષણ મહીં સત્યભંગ કરી
અર્જુનને કરી રહ્યો
અનર્જુન કોને માટે?
હાય,મારો આ જે તુચ્છ દેહ
મને અતિક્રમી ગયો
ચિત્રાંગદા અર્જુનને રૂપ સુધી તો લાવી, હવે રૂપને પેલે પાર કેમ લઈ જવો? સૌંદર્ય મિથ્યા નથી. સત્ય સાધ્ય હોય તો સૌંદર્ય સાધન છે. આ છે ટાગોરનું જીવનદર્શન. ચિત્રાંગદાને પોતાનું મિથ્યારૂપ શોક્ય જેવું ભાસે છે, જે સ્પર્ધા કરે છે એની જ સાથે.
કઈ મહારાક્ષસીની સાથે
મને બાંધી દીધી
એની અંગસહચરી કરી..
કેવો અભિશાપ!
'ધ બ્યુટી એન્ડ ધ બીસ્ટ'નો નાયક બંદી હતો વિરૂપ કાયામાંત ચિત્રાંગદા બંદી છે અતિરૂપ કાયામાં. વર્ષ પૂરું થવા આડે હવે ઝાઝા દિવસો નથી.
બહુ દિન નથી પાર્થ!
જેટલા કૈં દિવસો છે
કુતૂહલે આશા છોડી
આનંદનું મધુ
નિ:શેષપણે પાન કરો!
આખરે આત્મઓળખની ઘડી આવી પહોંચી. વનવાસીઓ અર્જુન-ચિત્રાંગદા પાસે દોડતાં આવ્યાં : દસ્યુઓ ચડી આવે છે! રક્ષણ કરનાર રાજકુમારી તીર્થાટને ગઈ છે. અર્જુન આશ્ચર્યચકિત. રાજ્યની રક્ષક રમણી? વનવાસીઓ કહે, સ્નેહમાં માતા અને વીર્યમાં યુવરાજ છે. આયરની એવી કે ચિત્રાંગદા હવે આત્મભર્ત્સના કરે છે. 'એ તો અભાગિની! એ તો કુત્સિત ને કુરૂપ છે. નથી એની આવી બંકિમ ભૃકુટિ.' ઉમાશંકરે ઉચિત નોંધ્યું છે કે શિવજી બ્રહ્મચારી વેશે પાર્વતી સમક્ષ આત્મનિંદા કરે તેનાથી અહીં ઊલટી યોજના છે. નિર્ભત્સનાનો સૂર ઊંચો ચડે તેમ અર્જુન વધુ ને વધુ ચિત્રાંગદામય થતો જાય છે. તે કલ્પે છે રાજકન્યાને- વામ હસ્તે અશ્વરશ્મિ, જમણે ધનુષ્ય, અર્પતી અભયદાન પ્રજાને. ચિત્રાંગદા ચેતવે છે :
રાત્રિની આ ક્રીડાસહચરી
જ્યારે બને દિવસની કર્મસહચરી
એ શું સારું લાગે વીરજન કને?
પાર્થને પરમ ઔત્સુક્ય છે, દેવી, તું કયું રહસ્ય છુપાવી રહી છે? છેલ્લી રાત્રિએ ચિત્રાંગદાનું સ્વરૂપ પ્રકાશી ઊઠે છે. તે મિથ્યારૂપ ઉતારીને, અવગુંઠન ખોલીને કહે છે, 'હું છું ચિત્રાંગદા, રાજેન્દ્રનંદિની.' હું દેવી નથી, તો સામાન્ય રમણી પણ નથી. પૂજા કરી માથે રાખો તેવી નથી, તો અવહેલના કરી શકો તેવી યે નથી. પડખે રાખશો તો સંકટ સમયે સહાય કરીશ. ગર્ભમાં ધારણ કરેલું તમારું સંતાન પુત્ર હોય તો વીરશિક્ષા આપી તેને દ્વિતીય અર્જુન કરીશ.
આ સાંભળીને ધન્ય થાય છે અર્જુન, અને ભાવક પણ.








