વલ્લભભાઈના પત્ની ઝવેરબા ઈતિહાસના અંધારા ઓરડે જ પૂરાયા

- સરદાર @150-હસિત મહેતા
- વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ જેવા મહાપુરુષના પત્ની ઝવેરબેન ઉર્ફે ઝવેરબા નામનું એક ચરિત્ર, ઈતિહાસની ક્ષિતિજોમાં એવું તો ડૂબી ગયું છે, જેનું કોઈ ધૂંધળું રેખાચિત્ર પણ આપણે કલ્પી શકીએ તેમ નથી
એ વર્ષ હતું ૧૯૦૦નું, વલ્લભભાઈ માટે એ સમય હતો ઘરસંસાર માંડવાનો, કુટુંબનું ભરણપોષણ કરવાનો, લંડનમાં બરિસ્ટર થવા માટે નાણાં એકઠા કરવાનો અને વ્યવસાયિક જીવનને થાળે પાડવાનો.
એક સમયે તેમને ગુજરાતી ચોપડી ભણ્યાં પછી અંગ્રેજી ચોપડી ક્યાં ભણવા જવું તેની મુંઝવણ હતી. એક સમયે તેમને અંગ્રેજી ફાઈનલની-મેટ્રિકની પરીક્ષા ક્યાંથી આપવી તેની મૂંઝવણ હતી. એક સમયે તેમને મેટ્રિક થયા પછી ત્રણ વર્ષ એલ.એલ.બી. માટે ખરચવાની અવઢવ હતી. મૂંઝવણોની આવી દડમજલમાંથી પસાર થયા પછી આખરે તેઓ ડિસ્ટ્રીક્ટ પ્લીડરની પરીક્ષામાં પાસ થયાં. ત્યાં સુધીમાં તેમને પચ્ચીશી જુવાની બેસી ગઈ હતી. લગ્નને સાત-આઠ વર્ષ થઈ ગયા હતા, માથે કમાવવાનો તકાદો આવી પહોંચ્યો હતો. ગુરુબંધુ વિઠ્ઠલભાઈની ગોધરામાં જામેલી વકીલાતની પ્રેક્ટિસ ઉપર પોતાની નવી કેડી કંડારી શકાશે, એવા વિચારે તેમણે નડિયાદ છોડીને ગોધરા ઠરીઠામ થવાનો નિર્ણય કરી લીધો હતો.
આ વર્ષોમાં તેમનાં પત્ની ઝવેરબા તો પોતાના પિયર ગાના ગામે રહેતાં હતા. આમ તો વલ્લભભાઈ અને ઝવેરબાના લગ્ન ઈ.સ.૧૮૯૩માં થઈ ગયા હતા. ત્યારે વલ્લભભાઈની ઉંમર અઢાર વર્ષની અને ઝવેરબા બાર-તેર વર્ષના. પરંતુ ઝવેરબા હજુ પિયરમાં જ રહેતા હતા. હજુ તેમનું સાસરીયે આણું થયું નહોતું. કારણ કે પાટીદારી રિવાજ હિસાબે તેમની ઉંમર ઘણી નાની હતી.
પરંતુ સન ૧૯૦૦માં વલ્લભભાઈ પાકટ જુવાનીએ પહોંચી ગયા અને ઝવેરબાનું બાળપણ પણ પૂરું થયું. વલ્લભભાઈ માટે ઝવેરબાની પસંદગી તેમના મા-બાપ અને કાકા-કાકીએ કરી હતી. આમ તો વલ્લભભાઈના લગ્ન પોતાના છ ગામના ગોળમાં જ કરવાના હોય, પરંતુ ઝવેરબાના પિતાજી દેસાઈભાઈ પૂંજાભાઈ પટેલે બીજા કરતાં ઘણી વધારે રકમ પહેરામણીમાં આપવાની તૈયારી દાખવી હશે, એટલે ઘરના વડીલોએ વલ્લભભાઈને ગોળ બહાર ગાના ગામે પરણાવવાના બેન્ડવાજા વગડાવી દીધા હશે, તેવી ધારણા લખાયેલી છે.
શ્રી રાજમોહન ગાંધી પોતાના સરદારચરિત્રમાં સ્પષ્ટ રીતે લખે છે કે '(જેમ) વલ્લભભાઈ વિશે ભારત સરકાર સદંતર મૌન છે, તેમ આ વિખ્યાત પુરુષના પત્ની અંગે વલ્લભભાઈ વિશે લખાયેલાં સંખ્યાબંધ ગ્રંથોમાં તદ્દન મૌન પાળવામાં આવે છે.' આ શબ્દો અક્ષરશ: એટલા માટે સાચા છે કે આજદિન સુધી ઝવેરબાનો કોઈ ફોટો, તેમના ગાના ગામનું અસલના વખતનું મકાન, તેમના ખાનદાનનો પૂરતો પરિચય, તેમના નાક-નકશાનું વર્ણન, તેમની આદતો, વ્યવહારો કે પહેરવેશ..... એવું કશું જ ઉપલબ્ધ નથી. એમ જ જાણીએ કે આટલા મોટા મહાપુરુષના જીવનસાથી અંધારા ઓરડામાં જ રહ્યાં અને ત્યાં જ વિલીન થઈ ગયા.
આમ તો કરમસદથી ગાના સાવ નજીકનું ગામ. માંડ પંદરેક કિલોમીટરની દૂરી. ખેતી, ખેતમજૂરી અને પશુપાલન સાથે સંકળાયેલા આ નાનકડા ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર અને દૂધની ડેરીથી વિશેષ કાંઈ સગવડો નહોતી. ઈ.સ.૧૯૮૦ના દાયકામાં જ્યારે શ્રી રાજમોહન ગાંધીએ ગાના ગામે ઝવેરબાના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લીધી હતી, ત્યારે તેમને ગોરધનભાઈ પટેલ અને રાવજીભાઈ પટેલ નામના બે પરિવારજનો મળ્યાં હતા.
આ રાવજીભાઈના બાપા ચતુરભાઈ પટેલ અને ચતુરભાઈના પિતાજી મોતીભાઈ પટેલ. ઝવેરબા આ મોતીભાઈના સગા બહેન હતા. એમના પિતાજીનું નામ દેસાઈભાઈ પૂંજાભાઈ પટેલ. ગાના ગામમાં દેસાઈભાઈની ખેતી મોટી, શાખ પણ મોટી, કુટુંબકબિલો પણ વિશાળ. છતાં આવા સુખીસંપન્ન પરિવારમાં ઝવેરબા વિશેના કોઈ ફોટા કે સગડ સચવાયા નથી. આજથી ૪૦ વર્ષ પહેલાં રાજમોહન ગાંધીની મુલાકાત વખતે તેમને મળેલાં ૮૫ વર્ષના રાવજીભાઈ ચતુરભાઈ પટેલ અને તેમના મોટાભાઈ ગોરધનભાઈ ચતુરભાઈ પટેલ પાસે પોતાના દાદા મોતીભાઈના સગા બહેન ઝવેરબાનો સમ ખાવા પૂરતો ફોટો સુદ્ધાં નહોતો.
ગાના ગામે જઈને રાવજીભાઈ અને ગોરધનભાઈને રાજમોહન ગાંધીએ તેમને ઘણું ય કહ્યું હતું કે ઝવેરબા વિશે કંઈક કહો, એમનો સ્વભાવ કે દેખાવ જણાવો, તેઓ ઊંચા હતા કે નીચી કાઠીનાં, ગોરા હતા કે ઘઉંવર્ણા સ્વભાવે શાંત કે ગરમ..... સવાલોની આ ઝડી સામે રાવજીભાઈ તો માથું જ ખંજવાળતા રહ્યાં. તેમના ગુરુબંધુ ગોરધનભાઈ થોડીવાર ચૂપ રહ્યાં પછી, એટલું બોલ્યાં કે મેં કુટુંબમાં સાંભળ્યું છે કે ઝવેરબા બેઠી દડીના, ટૂંકી ઊંચાઈવાળા, ઉજળે વાને અને શાંત સ્વભાવે હતા. ધેટ્સ ઈટ. ઈતિહાસના આટલા લાંબા પટ ઉપર ઝવેરબાને નામે સચવાયેલાં આ ચાર શબ્દો સિવાય કાંઈ જ બચ્યું નથી.
વિતેલાં વર્ષોમાં કોઈની પાસે ઝવેરબાનો તો ઠીક, ઝવેરબાના મકાનનો કે એ મકાનના આંગણનો, જ્યાં વલ્લભભાઈ જાન જોડીને ગયા હતા, જ્યાં તેમણે અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફર્યા હતા, એ ઘર-આંગણનો ફોટો પણ સચવાયો નથી. ગાના ગામની એ વાસનદાસની ખડકી આજે ધડમૂળથી બદલાઈ ગઈ છે. દુ:ખદ બાબત એ છે કે હજુ વર્ષ ૨૦૧૫ સુધી વલ્લભભાઈનું આ સાસરાનું ઘર, ખડકી, બધું જ અસલના રૂપે જળવાયેલું હતું. તેના એ ઐતિહાસિક ગૌરવવારસાનું મૂલ્ય આપણી પ્રજા, સમાજ કે સરકાર સમજી શકી નહીં, અને તેથી ઝવેરબાના કોઈપણ સગડ કે સંવેદનના પગલાં બચાવી શકી નહીં. આજે એ અસલના મકાનને તોડી પાડીને, સિમેન્ટિયા રૂપે-રંગે શણગારીને, તેમાં રહેતાં રાવજીભાઈ ચતુરભાઈના પુત્ર મનહરભાઈ પટેલ પણ ઉપેક્ષાનો આ જ અફસોસ વ્યક્ત કરે છે.
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ જેવા મહાપુરુષના પત્ની ઝવેરબેન ઉર્ફે ઝવેરબા નામનું એક ચરિત્ર, ઈતિહાસની ક્ષિતિજોમાં એવું તો ડૂબી ગયું છે, જેનું કોઈ ધૂંધળું રેખાચિત્ર પણ આપણે કલ્પી શકીએ તેમ નથી.








