સ્વામી કરૂણાનંદ : એક ઉત્કૃષ્ટ કાપાલિકનો ભય સામે વિજય!

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- શ્રીયંત્ર એ માત્ર દેવી મા લલિતા મહાત્રિપુરસુંદરીની જ ઉપાસનાનું એક સશક્ત માધ્યમ નથી, પરંતુ સાથોસાથ કાપાલિક સાધનાનું પણ એક અભિન્ન અંગ છે
આ એ સમયની વાત છે, જ્યારે ઓમ સ્વામી માત્ર સત્યાવીસ વર્ષના હતા. ત્રીસ વર્ષની ઉંમરે એમણે સંન્યાસ ધારણ કરીને તૃતીય મહાવિદ્યા મા લલિતા મહાત્રિપુરસુંદરીનાં દર્શન કર્યા એના ત્રણ વર્ષ પહેલાંની ઘટના! અવારનવાર તેઓ ઉત્કૃષ્ટ તંત્ર-ઉપાસકો અને કાપાલિકો સાથે સત્સંગ કરતાં. વર્ષોથી એમના શહેર પટિયાલા (પંજાબ)માં સ્વામી કરૂણાનંદની પધરામણી થતી. દેખાવે તો તેઓ સામાન્ય સંન્યાસી જણાય, ભગવા વસ્ત્રો ધારણ કરે. દિવ્ય લલાટ અને પ્રચંડ તેજોમય મુખારવિંદ. જૂજ લોકોને એ વાતની જાણ કે તેઓ કોઈ સામાન્ય સંન્યાસી નહીં, પરંતુ એક મહાન કાપાલિક પણ હતાં.
ભગવાન શિવની તાંત્રિક ઉપાસના જ્યારે કપાલ અર્થાત્ માનવખોપરી સાથે કરવામાં આવે, તેને 'કાપાલિક સાધના' તરીકે ઓળખવામાં આવે છે; અને એ ઉપાસના કરનારને 'કાપાલિક' તરીકે! સ્વયં ઓમ સ્વામીને કૌલિક-કાપાલિક મંત્રોની દીક્ષા સ્વામી કરૂણાનંદ થકી પ્રાપ્ત થઈ હતી.
શ્રીયંત્ર એ માત્ર દેવી મા લલિતા મહાત્રિપુરસુંદરીની જ ઉપાસનાનું એક સશક્ત માધ્યમ નથી, પરંતુ સાથોસાથ કાપાલિક સાધનાનું પણ એક અભિન્ન અંગ છે. સર્વપ્રથમ શાક્તપંથનાં ઉપાસકો/અનુયાયીઓ શ્રીવિદ્યા સાધના થકી સમસ્ત શ્રીયંત્રની ૧૦૦થી વધુ શક્તિઓને પૂર્ણપણે જાગૃત કરે, એ પછી એ જ યંત્ર પર કાપાલિક સાધના કરવી સંભવ બને. શ્રીયંત્ર જાગૃત કરવા માટે એક વ્યક્તિને દરરોજના ત્રણ-ચાર કલાક લેખે લગભગ ચારથી પાંચ વર્ષનો સમય લાગી શકે. આજના સમયમાં બે-પાંચ હજાર રૂપિયામાં 'જાગૃત શ્રીયંત્ર' વેચવાનાં નામે જે ધુપ્પલ ચાલે છે, એવા ધંધાદારીઓએ શ્રીયંત્ર પર સુદીર્ઘ અને ઉત્કૃષ્ટ સાધનાઓ તો દૂર, પરંતુ વ્યવસ્થિત રીતે ૧૨૦ દિવસનું પુરુશ્ચરણ કર્યુ હોય છે કે કેમ એ પણ યક્ષપ્રશ્ન છે.
શ્રીયંત્રનાં નવ ત્રિકોણમાંથી જ્યારે પાંચ ત્રિકોણ અધોગામી હોય, અર્થાત્ નીચેની બાજુ કોણ ધરાવતાં હોય ત્યારે તેના પર દેવી મા લલિતાની શ્રીવિદ્યા સાધના સંપન્ન થઈ શકે; જેમાં ચાર ત્રિકોણ ઊર્ધ્વગામી (અર્થાત્ ઉપરની બાજુ કોણ ધરાવતાં) હોય છે. કુલ નવ આવરણોની વિભિન્ન અધિષ્ઠાત્રીઓ, ચક્રેશ્વરીઓ, નિત્યાઓ, યોગિનીઓ અને શક્તિઓના પૂજન બાદ શ્રીયંત્ર સંપૂર્ણપણે જાગૃત કરવામાં આવે છે.
ચારથી પાંચ વર્ષ સુધી શ્રીયંત્રને સંપૂર્ણપણે જાગૃત કર્યા બાદ જ તેના પર કાપાલિક સાધના સંભવ બને જેમાં ચાર ત્રિકોણ અધોગામી અને પાંચ ત્રિકોણ ઊર્ધ્વગામી હોય છે. આ પ્રકારની રચના શિવનાં લિંગને સૂચવે છે. સામે પક્ષે, જ્યારે પાંચ ત્રિકોણ અધોગામી હોય, એ પ્રકારની રચના યોનિસ્વરૂપ હોય છે.
કાપાલિક સાધના માટે એક માનવ-ખોપરી અને બે હાડકાંની આવશ્યકતા હોય છે, જેને જાગૃત શ્રીયંત્ર પર સ્થાપિત કરવામાં આવે છે અને મહાદેવની સાધના આરંભ થાય છે. આજના સમયમાં જે પ્રકારે આવી સાધનાઓને મેલી વિદ્યા સાથે જોડી દેવામાં આવી છે, તે વાસ્તવમાં આપણી અજ્ઞાનતા સૂચવે છે. આની પાછળ મોટેભાગે લેભાગુઓ અને 'ધંધાદારી તાંત્રિકો'એ ઊભો કરેલો ડર પણ જવાબદાર છે. હકીકત એ છે કે કાપાલિક સાધના એ ભગવાન શિવને પામવા માટેની એક સર્વોત્તમ અને સર્વોચ્ચ સાધના છે. ખરેખર તો દસ મહાવિદ્યાઓની સાધનાનું એક અભિન્ન અંગ કાપાલિક સાધના પણ છે.
કાપાલિક સાધના નિર્જન સ્મશાનમાં અડધી રાતે કરવાનું વિધાન તંત્રશાસ્ત્રોમાં આલેખાયેલું છે. સર્વપ્રથમ તો આ પ્રકારની સાધના મનુષ્યની ભીતર છુપાયેલાં ડરનો નાશ કરવાનું કાર્ય કરે છે. ૨૭ વર્ષનાં ઓમ સ્વામી (આજથી ૧૮ વર્ષ પહેલાં) પાસે સ્વામી કરૂણાનંદ થોડો સમય રોકાવા માટે આવ્યાં. તેઓ જ્યારે પટિયાલા આવે, ત્યારે ઓમ સ્વામી (પૂર્વાશ્રમમાં અમિત શર્મા)નાં ઘરે જ રોકાય, એવો સ્વામીજીનો આગ્રહ હોય.
કુતૂહલવશ, એક દિવસ ઓમ સ્વામીએ કરૂણાનંદજીને પૂછયું કે કાપાલિક સાધના કરવા માટે અડધી રાતે જ્યારે નગ્ન થઈને સ્મશાનમાં બેસવાનો વખત આવે, ત્યારે કશાયનો ભય લાગે ખરો?
જવાબમાં સ્વામી કરૂણાનંદે કહ્યું, 'હવે નથી લાગતો હોતો! પરંતુ શરૂઆતમાં આવું નહોતું. માત્ર ૧૯ વર્ષની ઉંમરે મારા ગુરુએ મને સૌપ્રથમ વખત ગિરનારનાં જંગલોમાં જઈને કાપાલિક સાધના કરવાનો આદેશ આપ્યો હતો... અને એ સમયે મને જે અનુભૂતિ થઈ હતી, એ હું ક્યારેય ભૂલી નહીં શકું!'
કેવી રહી સ્વામી કરૂણાનંદની પહેલીવહેલી કાપાલિક સાધના? કયા પ્રકારે એમણે પોતાના ભયનો સામનો કર્યો? જાણીશું આવતાં અઠવાડિયે.








