Magazines

લાલચને ઠુકરાવનાર બાદશાહનો પણ બાદશાહ છે!

By GS TEAM
19 Jul 20256 mins read
લાલચને ઠુકરાવનાર બાદશાહનો પણ બાદશાહ છે!

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- જીવનમાં સંયમની ભાવના એક અર્થમાં કહીએ તો લોભથી બચાવે છે. આને માટે કરવું શું જોઇએ ? આને માટે વ્યક્તિએ સંયમિત જીવનનું સાહસ કેળવવું પડે

તમારી વૃત્તિઓનું મુખ કઇ દિશામાં છે ? જો એ શુભ તત્ત્વ તરફ જોતી હશે તો તમે આપોઆપ શુભપ્રવૃત્તિ કરશો, ભલે તમારી આસપાસ ચોમેર અશુભ પ્રવૃત્તિ પ્રવર્તતી હોય

સં યમિત જીવન જીવવાની ઇચ્છા રાખનારે પોતાની વૃત્તિઓના આંતરજગતમાં ડોકિયું કરીને એનાં આંતરસંચલનો પારખવાં જોઇએ. અસંયમ ભણી દોરી જતી વૃત્તિઓનું કેવું લીલામય જગત છે ! ક્વચિત્ તો કષાયયુક્ત ચિત્તની વૃત્તિ જ દબાતે પગલે કેન્દ્રરૂપ બનીને જીવનની સર્વ પ્રવૃત્તિઓ પર પ્રભાવ પાથરતી હોય છે. ચિત્તમાં જો સત્યખોજની તીવ્ર જિજ્ઞાસા જાગે તો એ જીવનભર સત્યને પામવાનો અને તે માર્ગે પુરુષાર્થ કરવાનો પ્રયાસ કરશે. જો શૅરબજારમાં રળીને રાતોરાત ધનિક થવાની વૃત્તિ તરવરતી હશે, તો એની સઘળી પ્રવૃત્તિ દ્રવ્યોપાર્જનકેન્દ્રી બની રહે છે. સાધક હોય કે સામાન્ય માનવી હોય, સહુના જીવનકેન્દ્રમાં વૃત્તિ હોય છે. આ વૃત્તિ જ વ્યક્તિનું વિશ્વ રચે છે. જો એનામાં સંયમને પરિણામે સર્જાયેલી સદ્વૃત્તિ હશે તો એ સુંદર કલ્યાણકારી વિશ્વની રચના કરશે અને જો એનામાં દુર્વૃત્તિ હશે, તો એ સતત દુષ્ટ માર્ગોએ ચાલવાનું પસંદ કરશે.

સદ્-અસદ્ વૃત્તિની ઓળખ એ જ જીવનનું નિર્ધારણ કરનારી બાબત ગણાય. સંયમી વ્યક્તિની વૃત્તિ પરમ તત્ત્વની પ્રાપ્તિ તરફ અભિમુખ હોય તો એ પરમાત્મા પ્રતિ જવાનો પ્રયાસ કરશે. જો એની વૃત્તિ સ્થૂળ, પામર અને ક્ષુદ્ર ભાવનાઓમાં રમમાણ હોય, તો એ અશુભ કે અનિષ્ટમય કાર્યોમાં ડૂબેલી રહેશે. આથી ખરો પુરુષાર્થ તો આ વૃત્તિને કેળવવાનો છે અને એથી સંયમ એ જ જીવનનું કેન્દ્ર છે.

તમારી વૃત્તિઓનું મુખ કઇ દિશામાં છે ? જો એ શુભ તત્ત્વ તરફ જોતી હશે તો તમે આપોઆપ શુભપ્રવૃત્તિ કરશો, ભલે તમારી આસપાસ ચોમેર અશુભ પ્રવૃત્તિ પ્રવર્તતી હોય. તમારી શુભગામી વૃત્તિ તમને એ અનિષ્ટ પ્રવૃત્તિઓથી દૂર રાખશે. જો અશુભ પ્રવૃત્તિ તરફ મુખ માંડીને બેઠા હશો તો ગમે તેટલા શુભ સંયોગો હોય, તોપણ અશુભ કાર્યોમાં ડૂબેલા રહેશો.

અસંયમી વૃત્તિના વિશ્વમાં અશુભ વૃત્તિ તીવ્રવેગી છે અને શુભ વૃત્તિ મંદવેગી છે. અશુભ વૃત્તિમાં જનારી વ્યક્તિ એક પછી એક અશુભ કાર્યો ઝડપથી પૂર્ણ કરી શકે છે, પરંતુ એટલી ઝડપ કે ત્વરા શુભ વૃત્તિ ધરાવનાર પાસે હોતી નથી. અસંયમી વર્તન કરનાર કશુંય વિચાર્યા વિના પોતાના કાર્યમાં સતત આગળ ધપતો હોય છે, અવનવા દાવપેચ ખેલતો હોય છે; જ્યારે સંયમશીલ પ્રત્યેક બાબતનો વિચાર કરીને પગલું ભરતો હોય છે, તેથી એની ઝડપ કે તીવ્રતા ઓછી હોય છે. જેમ અશુભ પ્રવૃત્તિ કરનાર એને માટે આંધળી દોટ લગાવતો હોય છે, એ રીતે શુભ પ્રવૃત્તિ કરનારે પણ દોટ લગાવવાનો આગ્રહ સેવવો જોઇએ. ઘણીવાર શુભ પ્રવૃત્તિ કરનાર મંદ કે નિષ્ક્રિય હોય છે અથવા તો જનકવિદેહીની માફક તટસ્થ હોય છે. ખરેખર તો શુભ પ્રવૃત્તિ પણ સંકલ્પથી થનગનતી હોવી જોઇએ.

સંયમ પ્રતિ જીવનમાં સ્પષ્ટ વલણ અને આગ્રહ હોવાં જોઇએ. વ્યક્તિની ચેતના એ તરફ સતત ગતિશીલ હોવી જોઇએ. સંયમ અને અસંયમ વચ્ચે એક મહત્ત્વનો ભેદ એ છે કે સંમયહીન માનવી જેટલી ઝડપથી અશુભ કાર્યો કરે છે, એટલી ઝડપથી થાકી જઈને હતાશાનો ભાવ અનુભવે છે અને દિવસને અંતે એ વધુ વિકાર અને પારાવાર અજંપો અનુભવતો હોય છે.

અસંયમને માર્ગે જનારને ધીરે ધીરે સમજાવા લાગે છે કે એની વૃત્તિ અને લાગણી અવળે માર્ગે ગતિ કરે છે અને તેથી જ એના ફળસ્વરૂપે અન્ય પર ગુસ્સો કે દમન કરે છે. એ અસંયમને કારણે જીવનમાં અનાચારો અને અત્યાચારોમાં ઉમેરો કર્યે જાય છે. સંયમિત જીવન જીવનાર પોતાના શુભ કાર્યથી કદી કંટાળો કે થાક અનુભવતો નથી. શુભ વૃત્તિ કરનારની શક્તિ કદી નિચોવાશે નહીં. ગમે તેટલું કાર્ય કરો, તોપણ હતાશ થવાતું નથી, બલ્કે વધુને વધુ જીવંતતા અને ઉલ્લાસનો અનુભવ થાય છે. જીવનસાધકે પોતાની શુભ વૃત્તિને જાણીને એ માર્ગે જીવનપથનું નિર્માણ કરવું જોઇએ.

સંયમી સાધક વિચારશે કે આવે સમયે ઇશ્વર એને કઇ રીતે સહાય કરશે ? કારણ કે ઉચ્ચ ધ્યેય પ્રતિ લઇ જવાનું એણે તમારે માટે નિર્માણ કર્યું છે તો હવે એ જ તમારો રાહબર બનીને તમને રસ્તો બતાવશે જ. સંકટના સમયે એ જ તમને ધૈર્ય અને બળ પૂરું પાડશે. એ જ કસોટીકાળમાં તમારી વહારે ઊભો રહેશે. ઇશ્વરશ્રદ્ધા રાખનાર ઇશ્વરનો પોતાની જીવનનૌકાના નાવિક તરીકે ઉમંગભેર સ્વીકાર કરે છે. ભારતીય સંતોના જીવનમાં આવો અનુભવ જોવા મળે છે. નરસિંહ મહેતા કે મીરાંબાઈ હોય, એકનાથ કે તુકારામ હોય, રમણ મહર્ષિ કે પૂજ્ય શ્રીમોટા હોય - એ પ્રત્યેકને આનો અનુભવ થયો છે. એમણે ઇશ્વરમાં શ્રદ્ધા મૂકી અને ઇશ્વરે એમને સાથ આપ્યો.

'લાલચ બૂરી બલા' એ કહેવત કેટલી બધી યથાર્થ છે ! જૈન ગ્રંથોમાં આવતી મમ્મણ શેઠની કથા એ લોભ, લાલચ અને અસંયમી માનવીનું માર્મિક દ્રષ્ટાંત છે.

મમ્મણ શેઠ પાસે સોનાનો રત્નજડિત બળદ હતો, રાજા શ્રેણિક આખું રાજ્ય વેચી નાખે, તો પણ આવો સોનાનો રત્નજડિત બળદ બની શકે નહીં. આવો સોનાનો રત્નજડિત બળદ હોવા છતાં વધુ સોનાની આશાએ મમ્મણ શેઠ અમાવાસ્યાની અંધારી રાતે પ્રાણની પરવા કર્યા વિના કંઇ મળે એની પાણીના ઘૂઘવતા ઘોડાપૂર વચ્ચે શોધ કરતા હતા.

સંગ્રહવૃત્તિ અથવા પરિગ્રહની લાલસા માનવીના વિવેક અને ઇમાનને ઓલવી નાખે છે. 'અતિ લોભ એ પાપનું મૂળ છે' એ સૂત્ર કોઈપણ યુગ કરતાં આધુનિક સમયને માટે વિશેષ યથાર્થ છે. એક દ્રષ્ટિએ જોઇએ તો પ્રગતિ અને લોભ વચ્ચેની ભેદરેખા એટલી બધી ભૂંસાઈ ગઇ છે કે માણસ લોભને કારણે કાવાદાવા અજમાવીને પ્રગતિ કરે છે અને એ પોતે આચરેલા લોભને અને કરેલી કુટિલતાને ભૂલીને પોતાને 'પ્રગતિશીલ' માને છે. જેમ જેમ ભૌતિકતાનો અને પરિગ્રહ-પ્રદર્શનનો પ્રસાર થાય છે, તેમ તેમ લોભવૃત્તિ વધતી જાય છે અને તેથી આ લોભને કારણે વ્યક્તિ પ્રપંચ ખેલતાં અચકાતી નથી અને એની આ દુર્યોધનવૃત્તિ સ્વયંને અને સમગ્ર કુળને માટે સંહારક બને છે. વર્તમાન સંદર્ભમાં દેશના ધનને બરબાદ કરનારા ઉદ્યોગપતિઓ આનું જ એક રૂપ છે.

'ઍનરોન' અને 'વર્લ્ડકૉમ' જેવી અતિ ધનાઢ્ય કંપનીઓનો જરા વિચાર કરો. આ કંપનીઓ પાસે એક સમયે ધનની રેલમછેલ હતી અને 'ફૉર્ચ્યુન ૫૦૦' કંપનીઓમાં એમનું ગૌરવભર્યું સ્થાન હતું. એ ઉદ્યોગપતિઓને સર્વત્ર આદર સાંપડતો હતો, પરંતુ એમને લોભનું એવું ગ્રહણ લાગ્યું કે આખી કંપની એમના અતિ લોભને કારણે તૂટી ગઈ.

લોભવૃત્તિનો અસંયમ માણસને જંપવા દેતો નથી અથવા એમ પણ કહીએ કે એનો લોભ સતત વૃદ્ધિ પામતો રહે છે. શેખ સાદીએ કહ્યું છે કે 'માનવી જો લાલચને ઠુકરાવી દે તો બાદશાહનો બાદશાહ બની શકે છે, કારણ કે સંતોષથી જ માનવી હંમેશાં પોતાનું મસ્તક ગૌરવથી ઊંચું રાખી શકે છે અને લાલચથી દોડતી વ્યક્તિ સંતોષથી દૂર જતી જાય છે.'

આવી લોભવૃત્તિએ આજે માણસને લાલચુ બનાવી દીધો છે. અને એ લાલચ એવી હાનિકારક છે કે જ્યાં માનવી એના આત્મગૌરવને કે ઇમાનદારીને હોડમાં મૂકતાં અચકાતો નથી. આથી પરમ પ્રત્યે ગતિ કરનારે પહેલો ચોકીપહેરો તો લોભવૃત્તિ પર રાખવો પડે. લોભ પર ચોકીપહેરો આવશે એટલે આપોઆપ કેટલાંક અનિષ્ટોથી વ્યક્તિ દૂર રહેશે. પ્રપંચો એને નાપસંદ થશે અને એના હૃદયના ભાવોમાં પવિત્રતા જાગશે.

સ્વામી દયાનંદ સરસ્વતીની પ્રારંભિક સાધનાના દિવસોમાં એક સદ્ગૃહસ્થે આવીને કહ્યું કે 'મહારાજ, આપ મારા પર જરૂર પ્રસન્ન થશો, કારણ કે આપના માટે હું એક નવી લંગોટી લાવ્યો છું.' ત્યારે એના ઉત્તરમાં ભારતીય સંસ્કૃતિના મહાન ઉપાસક સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું, 'ભાઈ, તારી વાતથી હું પ્રસન્ન થયો નથી, પરંતુ અપ્રસન્ન થયો છું. આ એક જ લંગોટી ભારરૂપ છે, ત્યાં વળી નવી લંગોટીની નવી ઉપાધિ શા માટે? તારી ઉમદા ભાવનાનો સ્વીકાર કરું છું, પરંતુ લંગોટીનો નહીં, જેવી એ લાવ્યો તેવી જ પાછી લઇ જા.'

જીવનમાં સંયમની ભાવના એક અર્થમાં કહીએ તો લોભથી બચાવે છે. આને માટે કરવું શું જોઇએ ? આને માટે વ્યક્તિએ સંયમિત જીવનનું સાહસ કેળવવું પડે. 'મારે માટે આટલું બસ છે.' જે આટલું બસ છે એમ કહી શકે છે, એને કોઈના વશમાં રહેવું પડતું નથી કે કોઇની તાબેદારી સ્વીકારવી પડતી નથી. એના સંયમિત જીવનથી એ બારેમાસ પ્રસન્નતાનો અનુભવ કરે છે.