બેસુમાર જીવન સ્વયં કલા છે .

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
જ્યારે હું લખું છું ત્યારે સ્વયંને પણ હું ફરી ફરી સર્જુ છું.
જોય હરજો
જો કલાકાર કૃતિને અને કૃતિ કલાકારને પરસ્પર ન સર્જે તો જીવન આખું એક ખોટનો સોદો બની જાય છે. ખરો કલાકાર તો ખુલ્લામાં ખુલ્લી જતો હોય છે - પછી તે કલાકાર ઈશ્વર હોય કે માણસ !
જોન ફોરમેન નામનો એક અલૌકિક લેન્ડ આર્ટિસ્ટ છે. વેલ્સના પેમબ્રોકશાયરના મીલ્ફોર્ડ હેવનમાં વસે છે. તેની કલા-સામગ્રી પ્રાકૃતિક છે. : રેતી, પથ્થર, પર્ણો, શંખલા, છીપલા, રાખ, તૂટેલા કાચ, લાકડું વગેરે. તેના થકી તે અફ્લાતુન ચિત્રો-ડિઝાઇનો કરે છે. તે પણ પ્રકૃતિના વિશાળ કેન્વાસ પર. ક્યારેક નાનકડી કૃતિઓ તો ક્યારેક સો મીટરમાં વિસ્તરેલ કૃતિ. તે આ માટે અગાઉ ખાસ ડિઝાઇન નથી કરતો પણ તેની પ્રાકૃતિક સામગ્રીને સાંભળે છે-વાતો કરે છે પછી કૃતિ રચે છે. દરિયાઈ તટ પર કે વનમાં. તે આ રીતે અનિશ્ચિતતા અને અજ્ઞાત સાથે કામ પાડે છે. તે કહે છે 'ક્યારેક મને ખબર નથી હોતી કે કૃતિ કેવી બનશે ? પણ પ્રક્રિયા મને આંગળી પકડીને દોરી જાય છે.' અહંકાર અને બુધ્ધિ થકી સર્જન થાય કે આત્મા અને હૃદયથી સર્જન થાય તેમાં ચૈતન્ય અવસ્થાનો જ ભેદ છે.
તે કહે છે , 'મારું કામ જોઈને લોકોને ખુલ્લામાં નીકળી પડવાની ઈચ્છા થાય તો બસ!' આ રીતે તે સાધુ ચિત્ત સર્જક છે. બાકી જે કૃતિ દરિયા તટે કે વનમાં સર્જતા તેને પાંચ કલાક થયા હોય તે પળમાં ભરતી કે પવન થકી વિસર્જિત થાય છે. આ વિસર્જન તે સાક્ષી ભાવે જુએ છે. તેને મન લેન્ડ-આર્ટમાં 'લેટિંગ ગો' નામનું બૌદ્ધ ધ્યાન છે. બાકી લેન્ડ આર્ટ તો વાયુ, વર્ષા અને વરુણ સાથેની લડાઈ છે. તેની માટે જ્યારે તે ભાગદોડ અટકાવીને જાત પાસે બેસી જાય છે ત્યારે તે સર્જન થેરાપી છે-હિલિંગ છે. આવો સંયમી સર્જક, સાધક છે-સાધુ છે. તેના હાથમાં સર્જનની બધી સામગ્રી પૂજાની પવિત્ર સામગ્રી બની જાય છે. દેહ નશ્વર ભલે હોય પણ આત્મા તો શાશ્વત યાત્રી છે.
સહજ અને સરળને વહેતા અને વિખેરતાને પામી જવું અને તે પણ તેને કાયમી કરવાની કોઈ આશક્તિ વિના, તેના માલિક બનાવવાના કોઈ મોહ વિના. આવું સર્જન-વિસર્જન આત્મસાત કરવું તે ખરી પ્રાપ્તી છે. ક્ષણભંગૂરનો સ્વીકાર કરવો અને અપૂર્ણ જીવનની પૂર્ણ પળને કૃતિ બનાવવી તેવા સર્જનને સલામ છે. કદાચ, આપણે શું જોઈએ છીએ તે કરતાં પણ વધારે મૂલ્યવાન છે, આપણે તે શી રીતે જોઈએ છીએ. ઓસ્કાર વાઈલ્ડનું એક ઉજાસમય કથન છે, 'કલા વર્ગખંડોમાં શિખવાડવાની નથી. કોઈ કલાકાર તે શું સાંભળે છે તેના આધારે નથી બનતો પણ તે શું નિરખે છે તેના આધારે બને છે. ખરી પાઠશાળા શેરીઓ છે.' અર્થાત બેસુમાર જીવન જ કલા છે. ધબકે છે-ઝળહળે છે તે બધા સર્જક અને તે બધું જ સર્જન.









