Magazines

પત્રલેખનની સાથે પત્રનાશનું કામ ચાલતું રહ્યું!

By GS TEAM
19 Jul 20257 mins read
પત્રલેખનની સાથે પત્રનાશનું કામ ચાલતું રહ્યું!

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- કાગળ વાંચતાંની સાથે જ કાર્નેગી ઊકળી ઊઠયા. એક સામાન્ય ભૂલ બદલ આટલો સખત ઠપકો! કાર્નેગીએ એ મહિલાને સણસણતો જવાબ લખ્યો...

વ ર્તમાનયુગનું માનવજીવન અત્યંત આવેગશીલ બની ગયું છે. એ આવેગમાં વ્યક્તિ પોતાના ક્રોધ પર કાબૂ રાખી શકતો નથી. એ પોતાના નિકટનાં સ્વજનોની અથવા તો સંતાનોની ય હત્યા કરતા સહેજે અચકાતો નથી અને એ જ પ્રબળ આવેગને પરિણામે કોઈ વ્યક્તિ આત્મહત્યા પણ કરી લેતી હોય છે. આજનો બાળક એટલો આવેગશીલ બની ગયો છે કે ગેમિંગ માટે પિતા પૈસા ન આપે, તો પિતાનો જીવ લેતાં પણ અચકાતો નથી. આ વ્યક્તિ સ્વતંત્રના યુગમાં માનવીનું જીવન, માનસ અને આચરણ એ બધાં છેક સ્વચ્છંદતા સુધી પહોંચી ગયા છે. આજના યુગમાં દરેક વ્યક્તિ માને છે કે એના જીવન પર કોઈ બંધન હોવું જોઈએ નહીં. એક સમયે જે મર્યાદાઓને માન અપાતું હતું, હવે એ મર્યાદાને ફગાવી દેવાનું આંદોલન ચાલે છે. એક સમયે લગ્નના પવિત્ર બંધનનો મહિમા હતો, હવે લીવ-ઈન રિલેશનશિપની ગોઠવણ ચાલે છે. એમ કહેવાય છે કે દરેક વ્યક્તિને પોતાનું જીવન પોતાની મરજી પ્રમાણે, સ્વેચ્છાપૂર્વક ગાળવાનો અધિકાર છે. તમારા જીવનમાં બીજા કોઈની દખલ ન હોય અને બીજાના જીવનની તમારે પંચાત કરવાની હોય નહીં. પરિણામે આજે સહુ કોઈ અંગત સ્વાતંત્ર્ય મેળવવા ઝંખે છે અને અમેરિકા જેવો દેશ તો વ્યક્તિના અંગત સ્વાતંત્ર્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે, પરંતુ આમાં એક બાબત એ ભુલાઈ જાય છે કે સ્વાતંત્ર્ય સાથે અનિવાર્યપણે જવાબદારી જોડાયેલી હોય છે.

સમર્થ વ્યક્તિઓનાં જીવનમાં ગુસ્સો, અકળામણ કે પ્રબળ આવેગ જાગતો હોય છે, પરંતુ જો વ્યક્તિ જાગૃત હોય તો એ એનો પ્રબળ આવેગ આપત્તિરૂપ બનતો નથી. અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન વિશે કાર્નેગીએ એક રેડિયો-વાર્તાલાપ આપ્યો હતો અને તેમાં અબ્રાહમ લિંકનના જીવન અંગે એમનાથી એક ખોટી તારીખ રજૂ થઈ ગઈ. એક મહિલાએ આ રેડિયો-વાર્તાલાપ સાંભળ્યો અને કાર્નેગીની ભૂલનો ખ્યાલ આવ્યો. આ નારી કાર્નેગી પર તૂટી પડી. એણે પત્ર લખ્યો કે લિંકન જેવી મહાન વ્યક્તિ વિશે વક્તવ્ય આપતી વખતે તારીખની બાબતમાં બરાબર કાળજી લેવી જોઈએ. તમારામાં ચીવટનું કોઈ નામનિશાન જણાતું નથી. જો આવી સામાન્ય બાબતનો ખ્યાલ રાખી શકતા ન હો, તો હવે કૃપા કરીને વાર્તાલાપો આપવાનું બંધ કરશો.

કાગળ વાંચતાંની સાથે જ કાર્નેગી ઊકળી ઊઠયા. એક સામાન્ય ભૂલ બદલ આટલો સખત ઠપકો ! કાર્નેગીએ એ મહિલાને સણસણતો જવાબ લખ્યો. એની અભદ્ર ભાષા વિશે આકરી ટીકા કરી. એક નાની ભૂલને આટલું બધું મોટું સ્વરૂપ આપવા બદલ એ મહિલાનો ઊધડો લીધો. સાથોસાથ શિષ્ટતા અને સુરુચિ કોને કહેવાય તે વિશે લાંબું સંભાષણ લખ્યું. કાર્નેગી પત્ર બીડીને પોસ્ટ કરવાનો વિચાર કરતો હતો, ત્યાં કોઈ અગત્યનું કામ આવી જતાં પત્ર પોસ્ટ કરવાનો રહી ગયો.

બીજે દિવસે પત્ર મોકલવાનો વિચાર કરતો હતો, ત્યાં મનમાં થયું કે જરા ગુસ્સામાં ગઈ કાલે વધુ પડતું લખી નાખ્યું છે. એ મહિલાની વાત તો સાચી છે તો પછી મારે એની આવી સખત ટીકા કરતો પત્ર લખવાની જરૂર નથી. આથી અગાઉનો પત્ર ફાડી નાખીને નવેસરથી પત્ર લખવા બેઠા. હજી ગુસ્સો ઓગળ્યો નહોતો એટલે થોડાં ઠપકાનાં વચનો કઠોર ભાષામાં લખ્યાં.

ફરી કાગળ મોકલવાનો વિચાર કરતાં એમ થયું કે એ મહિલા શિષ્ટ લખાણ ન લખે તે સમજી શકાય, પરંતુ પોતે આવી અશિષ્ટ ભાષા લખે તે બરાબર નથી. આથી ફરી કાગળ ફાડી નાખ્યો ને નવેસરથી લખ્યો. આ રીતે પત્રલેખનની સાથોસાથ પત્ર-નાશ કરવાનું કામ ચાલતું રહ્યું. આખરે સાતમી વખત એણે પત્ર લખ્યો. એ પત્રમાં આ મહિલાનો પોતાની ક્ષતિ તરફ ધ્યાન દોરવા માટે આભાર માન્યો અને સાથોસાથ અવકાશે પોતાના ત્યાં આવવાનું નિમંત્રણ આપ્યું. થોડા દિવસ પછી એ મહિલા એન્ડ્રુ કાર્નેગીના ઘરે મહેમાન બનીને આવી. બંનેએ પરસ્પરને પ્રેમાદર આપ્યો અને એમની વચ્ચે લાગણીભર્યો સંબંધ બંધાયો.

આ રીતે આવેગ પ્રત્યે સમજદારી દાખવવામાં આવે તો તે અનિષ્ટકારી કે આઘાતજનક બનતો નથી, પરંતુ ઘણી વાર આવેગશીલ વ્યક્તિ વિવેકભાન ભૂલી બેસે છે. એનું આવેગભર્યું વર્તન અન્યને અતિ વિચિત્ર લાગે છે અને ઘણી વાર એ જીવનના સ્થૂળ ભાવોમાં ડૂબેલો રહે છે. નિકટના સ્વજનના અવસાન પછી એના દુ:ખને સમર્થ અને સબળ રીતે હૃદયમાં ધારણ કરનારા ઓછા હોય છે. મોટાભાગના તો એ આઘાતના ભાવોમાં વર્ષોનાં વર્ષો સુધી રડતા-કૂટતા રહે છે. આવે સમયે વ્યક્તિના વ્યક્તિત્વ પર એનો આવેગ પ્રભાવક બની જાય છે અથવા તો એ એનો સહુથી મોટો દુશ્મન બને છે.

જે આવેગની પ્રબળ લાગણી દ્વારા વ્યક્તિ પોતાનું ધ્યેય પૂર્ણ કરી શકે છે, એ જ આવેગ જો વિવેકહીન અને નિરંકુશ હોય એ અવરોધરૂપ પણ બનીને વ્યક્તિનો મુખ્ય દુશ્મન બની રહે છે. નિરંકુશ આવેગ એ અનિષ્ટકારી સ્વચ્છંદ ગણાય. શાસ્ત્રગ્રંથોમાં 'સ્વચ્છંદ-નિરોધ'નો મહિમા ગાયો છે. આત્મકલ્યાણ કરનારને માટે સ્વચ્છંદનિરોધ આવશ્યક શરત છે.

રહસ્યવાદી ચિંતક હેન્રી ડેવિડ થોરોએ એક ખેડૂત પાસેથી જમીન લીધી, પણ એ ખેડૂતની પત્નીએ કહ્યું કે, 'આપણાથી મોટી ભૂલ થઈ છે અને સસ્તાભાવમાં જમીન આપી દીધી છે.'ત્યારે હેન્રી થોડા વિચારમાં પડયા. એમણે વિચાર્યું કે, 'પોતે સાત્વિકતા અને માનવતા પર નિબંધ લખે છે, પણ હજી એમના ભીતરમાં બીજાને છેતરીને રાજી થવાની હિનવૃત્તિ સળવળાટ કરે છે, આથી પોતાના સ્વચ્છંદ પ્રત્યે જાગૃત થઈને હેન્રીએ પેલા ખેડૂતને બોલાવ્યો અને એને સસ્તેભાવે આપી દીધેલી જમીનનો દસ્તાવેજ એને પરત કર્યો.'

એ હકીકત છે કે આવેગો ઘણા ચંચળ હોય છે. સવારે ઊઠો ત્યારે મનમાં આનંદની લાગણી વહેતી હોય અને રાત્રે શયન કરવા જાવ ત્યારે મનમાં ઘોર ઉદાસીનતાનો બોજ છવાયેલો હોય. આવેગોના ગુરુત્વાકર્ષણને સમજવા જેવું છે. આવેગ જેટલો ઊંચે જાય છે એટલો જ નીચે પડતો હોય છે. અત્યંત લાગણીશીલ માણસો દુ:ખના ડુંગરા હેઠળ એટલા બધા દબાઈ જાય છે કે એમને જીવન વ્યર્થ લાગે અને આપણને એમ લાગે કે એ કંઈ આત્મહત્યા તો કરી બેસશે નહીં ને !

આવેગનો ઉછાળ વ્યક્તિને ઘોર હતાશા કે આત્મહત્યા તરફ દોરી જાય છે. આવેગશીલ વ્યક્તિઓ સતત આવેગોની તીવ્રતાથી ઘેરાયેલી હોય છે અને એ રીતે એમના જીવનને એક પછી એક આવેગમાં ડુબાડેલું રાખે છે. કેટલીક વ્યક્તિઓ તમને ફરિયાદ કરશે કે ઢીચણનો દુ:ખાવો બહુ રહે છે અને ઓપરેશન કરાવવું પડશે. હજી આ વાત પૂરી ન થઈ હોય, ત્યાં જ પોતાના દૂરના સગાના થયેલ અવસાન અંગે ડૂસકાં ભરવા લાગે છે અને એવામાં તરત જ એમના પ્રતિસ્પર્ધીને યાદ કરીને એમના પર આક્રોશ ઠાલવે છે, તો રામાની ગેરહાજરીમાં ખડકાયેલાં દુ:ખોની વેદના ઠાલવે છે.

આવેગ પ્રત્યે સમતોલ વલણ હોવું જોઈએ. ભગવાન બુદ્ધ જાતિભેદમાં માનતા નહોતા, પરંતુ એમણે એક ક્રોધિત યુવકને 'અસ્પૃશ્ય' કહ્યો હતો અને પછી સમજાવ્યું હતું કે ક્રોધનો આવેગ જાગે એટલે જીવનની એકાગ્રતાનો ભંગ થાય અને માનસિક હિંસા થાય. આથી ક્રોધિત માનવી અસ્પૃશ્ય છે. એ પછી એનો ઉપાય દર્શાવતા કહ્યું કે, 'એ યુવકે થોડો સમય સભાની બહાર ઊભા રહેવું પડશે.' એનું કારણ એ હતું કે સભામાં પ્રવેશ ન મળતા એ બહાર ઊભો હશે, ત્યારે પોતે કરેલા ક્રોધ વિશે વિચારશે અને એને પશ્ચાતાપ થશે. આમ જ્યારે પ્રબળ આવેગ જાગે, ત્યારે સૌથી વધુ જાગૃતિની જરૂર છે. જો વ્યક્તિ જાગૃત ન હોય તો એ આવેગ એના વર્તમાન અને ભાવિ જીવન પર આસન જમાવીને બેસી જશે અને સમય જતાં એને હતાશા, ડિપ્રેશન, ડાયાબિટીસ કે હાઈપ્રેશરનો શિકાર બનવું પડશે.

વર્તમાનયુગમાં સાંસારિક જીવનમાં કે વ્યવસાયિક કાર્યમાં માનવી આવેગશીલ બનતો જાય છે. આથી આપણા ચિત્તમાં આવતા આવેગો સામે સૌથી વધુ તકેદારી રાખવાની જરૂર છે, કારણ કે આ આવેગ જ આપણો સૌથી મોટો શત્રુ છે.

ક્ષણનો સાક્ષાત્કાર

સવાલ પૂછીએ આપણે આપણી જાતને કે વહેલી સવારે નિંદ્રાત્યાગ કરીને ઊઠીએ છીએ, ત્યારે ચિત્તમાં કેવાં ભાવ ઊભરાતાં હોય છે. કેટલીક વ્યક્તિ નિંદ્રાત્યાગ કરે તે પૂર્વે પલંગમાં જ કેટલુંય મનોમંથન કરતી હોય છે. રાતનાં સ્વપ્નો પૂરા થઈ ગયા પછી રાત્રિ અને સવારની વચ્ચેનાં મધ્યભાગમાં એ કંઈ કેટલાય ઉદાસીન વિચારો કરતો હોય છે. ક્યારેક એનું ચિત્ત જિંદગીના બોજની નીચે દબાઈ ગયું હોય છે, તો ક્યારેક એના ચિત્તમાં આવનારા દિવસોની ફિકર ઘુમતી હોય છે.

જ્યારે કેટલીક વ્યક્તિઓ નિંદ્રાત્યાગ કરે, ત્યારે એમના ચહેરા પર પ્રસન્નતા ઝળકતી હોય છે. ક્યાં તો પ્રભુ નામ-સ્મરણ હોય અથવા તો કોઈ પરમાત્મભક્તિ હોય. એ જાગે છે, ત્યારે એક પ્રકારની જાગૃતિ અનુભવે છે. એના મનમાં આવનારા દિવસ માટેનો આનંદ ઉછળતો હોય છે. પોતાના જીવનની સાર્થકતા માટેનાં પુરૂષાર્થનો એ વિચાર કરતો હોય છે. આમ વહેલી સવારે ઊઠતી વખતે માનવીનાં મનમાં આનંદની ભરતી છે કે પારાવાર શોકની ઓટ છે, એ જોવું જોઈએ. જો આનંદની ભરતી હશે તો એમાં ગતજીવન પ્રત્યેની કૃતજ્ઞાતા હશે. આનંદનો ઉત્સવ અનુભવતો હશે તો એ એના જીવનમાં પ્રભુકૃપાની જાહોજલાલીનો અનુભવ કરતો હશે. આપણા આનંદની ક્ષણો શોધવા માટે ક્યાંય બહાર ભમવાની જરૂર નથી. આપણા મનનાં ભીતરમાં એ વસેલી છે અને આપણું હૃદય એનો ધબકાર અનુભવે છે. એ આનંદને પામવા માટે આપણે આપણી સવારની મોજભરી ઉજવણી કરીએ.