Magazines

દરેક આર્ટિસ્ટ ચેસ પ્લેયર નથી હોતો, પણ દરેક ચેસ પ્લેયર આર્ટિસ્ટ ચોક્કસ હોય છે!

By GS TEAM
20 Jul 20257 mins read
દરેક આર્ટિસ્ટ ચેસ પ્લેયર નથી હોતો, પણ દરેક ચેસ પ્લેયર આર્ટિસ્ટ ચોક્કસ હોય છે!

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- ચેસના ગ્લોબલ રૂલ્સ બનાવવાનો જશ જેમને મળે છે એ સંસ્થા એફઆઈડીઈની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂરાં થયાં ને આજે ૬૦મો વર્લ્ડ ચેસ ડે ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારતની ખોજ એવી આ 'માઈન્ડ ગેમ' વિશે થોડું જાણીએ...

ચતુરંગ.

પ્રાચીન ભારતમાં આ એક પ્રકારની યુદ્ધકળા હતી. ચતુરંગ એટલે સૈન્યના ચાર અંગ - હાથી, ઘોડા, રથ અને પાયદળ. એ સમયના ભારતીય રાજાઓ સૈન્યમાં આ ચાર વિભાગ અવશ્ય રાખતા. હાથીઓનું દળ હોય, ઘોડેસવારો હોય, રથનો કાફલો હોય - જેમાં મહારાજા-રાજા, રાજકુમારો જેવા મહત્ત્વના લડવૈયાઓ સવાર હોય અને એક હોય ધરતી પર રહીને લડતા સૈનિકોનું દળ. વેદવ્યાસ રચિત મહાભારતમાં સૈન્યના આવા વિભાગોના વર્ણનો છે અને એ પહેલાંના મહાકવિ વાલ્મીકિએ રામાયણમાં પણ સૈન્યના આ ચાર અંગોના વ્યૂહનો પરિચય આપ્યો હતો. 'ચતુરંગિણી સેના' એવી ટર્મ પણ પ્રાચીન વર્ણનોમાં મળે છે. સેંકડો વર્ષો સુધી ચતુરંગ એટલે સૈન્યના ચાર અંગો.

મહાભારતકાળ પછીના બે-એક હજાર વર્ષમાં ચતુરંગિણી સૈન્ય વ્યૂહ વિસરાઈ ગયો. યુદ્ધોમાં એનો ઉપયોગ લગભગ બંધ થઈ ગયો. ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં થયેલા મહાન વ્યૂહરચનાકાર ચાણક્યએ એ વ્યૂહને ફરીથી જીવંત કર્યો. ચાણક્યના લખાણોમાં ચતુરંગની વ્યૂહનો વ્યાપક ઉલ્લેખ મળે છે. તેમણે ચંદ્રગુપ્ત મૌર્ય અને તેમના સૈન્યમાં વિવિધ ટૂકડીઓનું નેતૃત્વ કરતાં સેનાપતિઓને યુદ્ધનીતિ શીખવવા માટે ચતુરંગને રમતની જેમ બનાવી હોવાની એક થિયરી છે. લાકડાના વિશાળ મેજ પર ચાણક્યએ લાકડામાંથી બનાવાયેલા સૈન્યના ચાર અંગો - હાથી, ઘોડા, રથ અને પાયદળને ગોઠવીને યુદ્ધમાં તેનો કેવી રીતે વ્યૂહાત્મક ઉપયોગ કરી શકાય તે સમજાવ્યું હતું. એમાં વળી દુશ્મનના સૈન્યનો કેવો વ્યૂહ હશે એ મેજ પર લાકડાનું દુશ્મનનું સૈન્ય ગોઠવીને સમજાવતા. વર્ષો સુધી એ પદ્ધતિ ભારતમાં માત્ર યુદ્ધનો વ્યૂહ ઘડવા વપરાતી. રાજા-મહારાજાઓ કે તેમના સલાહકારો આ રીતે વિશાળ ટેબલ પર લશ્કરના ચાર અંગોને ગોઠવીને સ્ટ્રેટજી ઘડતા.

ચાણક્યના લગભગ હજારેક વર્ષ પછી ૬ઠ્ઠી સદીના ભારતમાં એક લશ્કરી રમત પ્રચલિત બની, જેમાં લશ્કરના ચાર મુખ્ય અંગો - હાથી, ઘોડા, રથ અને પાયદળના લાકડાના બનેલા ટૂકડા ગોઠવીને રમત રમાતી હતી. એને લશ્કરી વ્યૂહના નામ પરથી નામ મળ્યું - ચતુરંગ. ચાણક્યએ જે પદ્ધતિ લશ્કરનો વ્યૂહ સમજાવવા માટે અપનાવી હતી એને રાજા-મહારાજા-મંત્રી-દરબારીઓએ સમય પસાર કરવા માટે માઈન્ડ ગેમનું સ્વરૂપ આપ્યું હતું. તેનાથી નિરાંતનો સમય તો વીતાવી જ શકાતો હતો ને સાથે સાથે લશ્કરી વ્યૂહ પણ પાક્કો થતો હતો. આ જ રમત સૈકાઓ વીત્યા પછી ચેસના નવા નામે જગવિખ્યાત બની.

***

ભારતમાં ગુપ્ત સામ્રાજ્યનો સૂર્ય આથમવામાં હતો એ સમયે ચતુરંગની રમત રાજ દરબારોમાં ખૂબ લોકપ્રિય થઈ રહી હતી. એ જ અરસામાં વિદેશી આક્રમણખોરો ભારતમાં હુમલા કરવા માંડયા હતા. આ હુમલાખોરોના માધ્યમથી ચતુરંગની રમત પર્શિયા (આજના ઈરાન) પહોંચી અને ત્યાંથી આરબ દેશોમાં લોકપ્રિય થઈ. ભારતીય રમતમાં જે હાથી હતા એને આરબોએ બદલી નાખ્યા અને તેનું સ્થાન ઊંટને આપ્યું. એ જમાનામાં આરબો માટે હાથી અજાણ્યું પ્રાણી હતું. તેમના રોજિંદા જીવનમાં ઊંટ ખપમાં આવતા હતા. એ રમતને તેમણે શતરંજ કહેવાનું શરૂ કર્યું. ભારતમાં ચતુરંગ ટેબલ ગેમ હતી. આરબોએ તેને શેતરંજી પર બિછાવીને રમવાનું શરૂ કર્યું. કદાચ એટલે જ નામમાં ફરક પડયો હશે. એક મત એવોય છે કે પર્શિયન ભાષામાં 'ચ' અને 'ગ'ના ઉચ્ચારો ઓછા પ્રચલિત છે. તેના બદલે 'શ' અને 'જ' ઉચ્ચાર વધારે થાય છે એટલે નામ શતરંજ બની ગયું.

ભારતમાં જે ચતુરંગ હતી એમાં રાજા અને મંત્રીનું સ્થાન વચ્ચે રહેતું. ઘણી રમતમાં રાજા અને સેનાપતિને મધ્યમાં સ્થાન મળતું. રાજાની હિલચાલ મર્યાદિત હતી. કારણ કે યુદ્ધમાં રાજાની સુરક્ષા મહત્ત્વની રહેતી. જો દુશ્મનો રાજાને બંદી બનાવી લે તો યુદ્ધ પૂરું થઈ જતું. રાજાની સુરક્ષા સેનાપતિના શિરે રહેતીે. સેનાપતિને બધી જ તરફના હુમલા ખાળવાના રહેતા. એ રીતે ચતુરંગ રમતમાં પણ સેનાપતિને બધી તરફ હુમલાની પરવાનગી મળતી. આરબોએ મંત્રી કે સેનાપતિના સ્થાને વજીરને એ કામ સોંપ્યું. મધ્ય-પૂર્વના દેશોમાં રાજાની સાથે દરબારમાં એની બાજુમાં વજીરને માનભર્યું સ્થાન મળતું. આરબોએ શતરંજમાં પણ વજીરને એ માન આપ્યું.

પર્શિયામાં રાજાને શાહ કહેવાતા. રમતમાં જ્યારે દુશ્મન રાજા ક્યાંય જઈ શકે તેમ ન હોય કે કોઈની મદદ મળે તેમ ન હોય ત્યારે એનો પરાજય થયો મનાતો અને તેના માટેનો શબ્દ હતો - શાહ માત. એટલે કે રાજા હારી ગયા. આ રમત મધ્ય-પૂર્વમાં થઈને જ્યારે યુરોપ પહોંચી ત્યારે યુરોપે એનો ઉચ્ચાર કર્યો ચેકમેટ! ચેક-મેટ શબ્દો જુદા પાડીએ તો અંગ્રેજી અર્થ એવોય થાય કે (રાજાના) સહાયકોને ચેક કરો. સહાયકો મદદ કરી શકે એવી સ્થિતિમાં ન હોય અથવા તો એમની મદદથીય રાજા બચી શકે તેમ ન હોય ત્યારે રમત પૂરી થાય. 'શાહ માત'માંથી ચેકમેટ થયેલો શબ્દ નહીં, શતરંજને મોડર્ન ફોર્મેટ અને નામ યુરોપમાંથી મળ્યાં.

***

ભારતની પ્રાચીન યુદ્ધનીતિમાં મહિલાઓને સુરક્ષાના કારણથી યુદ્ધભૂમિમાં રખાતી નહી. એટલે રમતમાં રાણીને સ્થાન ન હતું. યુરોપમાં ૧૧મી-૧૨મી સદીમાં આ રમત પહોંચી ત્યારે શરૂઆતમાં તો વજીરનું સ્થાન એમનું એમ રહ્યું, પરંતુ ૧૪મી-૧૫મી સદીમાં જ્યારે રાજદરબારોમાં રમત લોકપ્રિય થવા માંડી હતી ત્યારે યુરોપમાં રાણીઓનું પ્રભુત્વ વધવા લાગ્યું હતું. રાણીઓના હાથમાં સત્તા રહેતી હતી એની સીધી અસર શતરંજમાંથી અંગ્રેજી નામ ચેસ બનેલી રમત પર પડી. યુરોપે ચેસ રમવાના નિયમોને વધુ વ્યવસ્થિત બનાવ્યા. ભારતમાં ચતુરંગ અને મધ્ય-પૂર્વની શતરંજમાં એક જ કલરનું બોર્ડ હતું. યુરોપમાં સામાન્ય લોકો પણ રમતને સમજી શકે તે માટે બ્લેક અને વ્હાઈટ રંગનું બોર્ડ બનાવ્યું.

૧૮મી અને ૧૯મી સદી સુધીમાં તો ચેસ બોર્ડનું ઉત્પાદન મોટાપાયે થવા માંડયું. પ્લાસ્ટિકની શોધ પછી તો નાની-મોટી સાઈઝના સેંકડો ચેસ બોર્ડ બનવા લાગ્યા. યુરોપ-અમેરિકાના સૈનિકોમાં આ માઈન્ડ ગેમ બેહદ લોકપ્રિય થઈ અને પછી આ જ ગેમ ભારતમાં નવા રૂપે-રંગે પોપ્યુલર થઈ. બહુ આગળનું વિચારી શકતા અને બુદ્ધિશાળી લોકો જ ચેસ રમી શકે એવીય માન્યતા દૃઢ બનવા લાગી. આ ગેમ સાધારણ રમત ન રહેતા ક્લાસની રમત બનવા માંડી. બુદ્ધિ કસવા માટે, ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ રમત રમવાની હિમાયત થવા માંડી.

વિશ્વયુદ્ધ પછી રશિયાએ ચેસનો સોફ્ટપાવર તરીકે ઉપયોગ કર્યો. સંયુક્ત રશિયાએ ચેસને બુદ્ધિમત્તા સાથે જોડીને એન્ટોલી કાર્પોવથી મિખાઈલ બોટવિનિક, ગેરી કાસ્પારોવ, મિખાઈલ તાલ, વ્લાદિમીર ક્રેમનિક જેવા સુપરસ્ટાર્સ ચેસ પ્લેયર્સ ક્રિએટ કર્યા. ભારતના મેન્યુ આરોન, વિશ્વનાથન્ આનંદ, પ્રવીણ થિપ્સેસ, દિવેન્દુ બરુઆ, અનુપમા ગોખલે જેવાં ચેસ પ્લેયર્સે પણ આ ગેમને પોપ્યુલર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. અત્યારે ગુકેશ ડી અને આર. પ્રજ્ઞાનંદ જેવા નવલોહિયા યુવાનો વૈશ્વિક સ્તરે ધમાકેદાર પ્રદર્શન કરીને ખ્યાતિ મેળવી રહ્યા છે.

***

આજથી ૧૦૦ વર્ષ પહેલાં એક સંસ્થા સ્થપાઈ, જેનું નામ છે - ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન. આ સંસ્થાએ ચેસના સર્વસ્વીકૃત નિયમો બનાવ્યા. સ્વિટ્ઝર્લેન્ડમાં હેડક્વાર્ટર ધરાવતી આ સંસ્થા સાથે ૨૦૩ દેશોના ખેલાડીઓ જોડાયેલા છે. આ સંસ્થાના મેનેજમેન્ટમાં રશિયાનો દબદબો રહેતો આવ્યો છે. સંસ્થાની સ્થાપના થઈ ન હતી ત્યારથી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ યોજાય છે. હવે ચેસ ફેડરેશન આ ઈવેન્ટ યોજે છે. અત્યારે ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપનો વિશ્વવિજેતા છે.

વર્લ્ડ વાઈડ ચેસને પોપ્યુલર બનાવવાનો જશ આ સંસ્થાને મળે છે. એને ૧૦૦ વર્ષ પૂરા થઈને ૧૦૧મું વર્ષ બેઠું છે ને તેના સ્થાપના દિવસ ૨૦મી જુલાઈને વર્લ્ડ ચેસ ડે તરીકે ઉજવવામાં આવે છે. એ ઉજવણી ૧૯૬૬માં યુનેસ્કોના સૂચનથી શરૂ થઈ હતી. આ વર્ષે ૬૦મો વર્લ્ડ ચેસ ડે ઉજવાઈ રહ્યો છે.

મોડર્ન મનોવિજ્ઞાન કહે છે કે ચેસ રમવાથી માનસિક સજ્જતામાં વધારો થાય છે. સ્માર્ટફોનનો ઉપયોગ વધવાથી બાળકોમાં અજંપો આવતો જાય છે ત્યારે તેમનામાં ધીરજનો ગુણ કેળવવા માટે ચેસ રમવાની સલાહ આપવામાં આવે છે. ચેસની રમત શ્રેષ્ઠ માનસિક કસરત છે. તેનાથી ધીરજ તો વિકસે જ છે, સાથોસાથ બુદ્ધિમત્તા ખીલે છે. ચેસ પ્લેયર્સ માટે કહેવાય છે : દરેક આર્ટિસ્ટ ચેસ પ્લેયર નથી હોતો, પણ દરેક ચેસ પ્લેયર આર્ટિસ્ટ ચોક્કસ હોય છે! 

મશીન અને માણસ વચ્ચે ચેસની સ્પર્ધા

૧૯૬૮માં અમેરિકન પ્રોગ્રામર રીચાર્ડ ગ્રીનબ્લેટ્ટે 'મેકહેક' નામનો કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યો ત્યારથી વર્ચ્યુઅલ ચેસ ચેલેન્જનો પાયો નખાયો. મશીન અને ચેસ ચેમ્પિયન્સ વચ્ચે સ્પર્ધાઓ શરૂ થઈ. છેક ૧૯૯૫ સુધી તો માણસનો હાથ ઉપર રહ્યો, પરંતુ એ પછી સ્થિતિ બદલાઈ ગઈ. ૧૯૯૬માં ઈન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશન (આઈબીએમ) દ્વારા 'ડીપ બ્લુ' નામનો કમ્પ્યુટર પ્રોગ્રામ વિકસાવવામાં આવ્યો. આ કમ્પ્યુટર પ્રોગ્રામે અત્યાર સુધીના ચેસ મશીનો જે કરી શક્યા ન હતા તે કરી બતાવ્યું. ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન રહેલા અને કેટલાક રેકોર્ડ ધરાવતા રશિયન ગ્રાન્ડમાસ્ટર ગેરી કાસ્પારોવની 'ડીપ બ્લુ' સામે હાર થઈ. તે સમયે બહુ ચર્ચાયેલા આ મુકાબલામાં ગેરીની હાર કોઈના માનવામાં આવે તેવી ન હતી. આ માઈન્ડ ગેમમાં સદીઓ સુધી માનવજાતનો દબદબો રહ્યો હતો. ૨૦મી સદીના અંતે પહેલી વખત માનવની બુદ્ધિ મશીન સામે ટૂંકી પડી હતી.