Magazines

પરમહંસ યોગાનંદે ક્રિયા યોગનો પ્રસાર કર્યો .

By GS TEAM
19 Jul 20255 mins read
પરમહંસ યોગાનંદે ક્રિયા યોગનો પ્રસાર કર્યો                         .

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- પરમહંસ યોગાનંદે ક્રિયાયોગ, ધ્યાન, આત્મ-સાક્ષાત્કાર કરી સંતુલિત જીવન કેવી રીતે પ્રાપ્ત કરવું તેની સાચી અને સરળ પ્રક્રિયા શીખવી છે

ભ ગવાન શિવના અવતાર રૂપ મનાતા મહાયોગી અને અમર ગુરૂ મહાવતાર બાબાએ યુગો બાદ ક્રિયાયોગ પુન: પ્રગટ કર્યો એનો જગતભરમાં પ્રસાર કરનાર યોગી પરમહંસ યોગાનંદ ગિરિનો જન્મ ૫ જાન્યુઆરી ૧૮૯૩માં ગોરખપુરમાં થયો હતો. તેમણે પશ્ચિમમાં ધ્યાન અને યોગનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. તેમણે ૧૯૨૦થી ૧૯૩૦ સુધી અમેરિકામાં રહી હજારો અમેરિકનોને ક્રિયાયોગ તરફ આકર્ષી શિષ્ય બનાવ્યા હતા. કેલિફોર્નિયામાં સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશિપ અને યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી હતી. એમની સૌથી પ્રસિદ્ધ કૃતિ ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી  (Autobiography of a Yog) - યોગી કથામૃત એક આધ્યાત્મિક કલાસિક બુક છે જે દુનિયાભરમાં લાખો લોકો દ્વારા વાંચવામાં આવે છે. પરમહંસ યોગાનંદે ક્રિયાયોગ, ધ્યાન, આત્મ-સાક્ષાત્કાર કરી સંતુલિત જીવન કેવી રીતે પ્રાપ્ત કરવું તેની સાચી અને સરળ પ્રક્રિયા શીખવી છે.

આધુનિક સમયમાં મહાવતાર બાબાજીના શિષ્ય લાહિડી મહાશય દ્વારા ઈ.સ. ૧૮૬૧ની આસપાસ પુનર્જીવિત કરાયો. તેમણે તેનું જ્ઞાન તેમના શિષ્ય યોગી યુક્તેશ્વર ગિરિને આપ્યું. તે પછી કલકત્તાથી ૧૨ માઈલ દૂર શ્રીરામપુરમાં આવેલા યુક્તેશ્વર ગિરિના આશ્રમમાં મુકુંદદાસ ભગવતીચરણ ઘોષ (યોગાનંદનું પૂર્વાશ્રમનું નામ) આવ્યા, તેમના શિષ્ય બન્યાં અને દીક્ષા બાદ યોગાનંદ નામ પ્રાપ્ત કર્યું ત્યારે તેમણે તેમને તેની સમજ આપી હતી.

પરમહંસ યોગાનંદ અનુસાર ક્રિયાયોગ એક સરળ મન:કાયિક પ્રણાલી છે જેના દ્વારા માનવ રક્ત કાર્બનરહિત થઈ ઓક્સિજનથી પ્રપૂરિત થઈ જાય છે. ઓક્સિજનના અણુ જીવનપ્રવાહમાં રૂપાંતરિત થઈ મસ્તિષ્ક અને મેરુદણ્ડના ચક્રોને નવશક્તિથી ફરીથી ભરી દે છે. પ્રત્યક્ષ પ્રબળ પ્રાણશક્તિ દ્વારા મનને નિયંત્રિત કરનારો ક્રિયાયોગ અનંત સુધી પહોંચવા માટે બધાથી સરળ, પ્રભાવકારી અને અત્યંત વૈજ્ઞાનિક માર્ગ છે. બળદગાડા જેવી ધીમી અને અનિશ્ચિત ગતિવાળા ધાર્મિક માર્ગોની સરખામણીએ ક્રિયાયોગ દ્વારા ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગને વિમાન માર્ગ કહેવો યોગ્ય કહેવાય. 

લાહિડી મહાશય દ્વારા શિખવાડાયો તેમ ક્રિયાયોગ પારંપરિક રૂપથી ગુરુ-શિષ્ય પરંપરાના માધ્યમથી જ શીખી શકાય છે. તેમણે સ્મરણ કર્યું કે ક્રિયાયોગમાં એમની દીક્ષા બાદ બાબાજીએ મને એ પ્રાચીન કઠોર નિયમો બતાવી નિર્દેશિત કર્યો જે ગુરુથી શિષ્યને સંચારિત યોગ કલાને નિયંત્રિત કરે છે. યોગાનંદ ક્રિયાયોગને વધુ સમજાવતાં કહે છે - એક ક્રિયા યોગી પોતાની જીવન ઊર્જાને માનસિક રૂપે નિયંત્રિત કરી શકે છે જેથી તે કરોડરજ્જુ પર આવેલા છ ચક્રો (કેન્દ્રો)ની આજુબાજુ ઉપર કે નીચે ફરતી રહે (મસ્તિષ્ક, ગર્ભાશય, ગ્રીવા, પૃષ્ઠીય, કમર, ત્રિક અને ગુદાસ્થિ સંબંધી સ્નાયુજાળ) જે રાશિ ચક્રોના બાર નક્ષત્રીય સંકેતો, પ્રતીકાત્મક લૌકિક મનુષ્યને અનુરૂપ છે. અર્થાત્ ક્રિયાયોગી એની પ્રાણ શક્તિને મેરુદંડના આજ્ઞા, વિશુદ્ધ, અનાહત, મણિપુર, સ્વાધિષ્ઠાન અને મૂલાધાર એ છ ચક્રો જે વિશ્વ પુરુષના પ્રત્યેક રાશિચક્રની બાર રાશિઓ સમાન છે એમાં માનસિક શક્તિ દ્વારા ઉપર કે નીચેની તરફ પ્રવાહિત કરે છે.

મનુષ્યના મેરુદંડની ચારેતરફ પ્રાણશક્તિની અડધી મિનિટની પરિક્રમાથી મનુષ્યના આધ્યાત્મિક વિકાસમાં સૂક્ષ્મ પ્રગતિ થાય છે. સામાન્ય ગતિથી જે ગતિથી જે આધ્યાત્મિકતા એક વર્ષમાં પ્રગટ થાય છે તે માત્ર અડધી મિનિટના ક્રિયાયોગથી સિદ્ધ થઈ જાય છે. જગતમાં નિરંતર વૈદ્યુતિક અને ચુંબકીય શક્તિઓનું વિકિરણ થતું રહે છે એની અનુકૂળ કે પ્રતિકૂળ અસર માનવીના શરીર પર પડતી રહે છે. યુગો પૂર્વે આપણા પ્રબુદ્ધ, પરમ જ્ઞાની ઋષિ-મુનિઓએ સૂક્ષ્મ શક્તિ કિરણોની પ્રતિકૂળ અસરોનો સામનો કેવી રીતે કરવો એનો ઉપાય જાણવા ઊંડું સંશોધન કર્યા બાદ એ રહસ્ય પ્રગટ કર્યું કે શુદ્ધ ધાતુઓમાંથી સૂક્ષ્મ પ્રકાશ કિરણો પ્રસ્ફૂટિત થતાં રહે છે જેમાં ગ્રહોની પ્રતિકૂળ અસરોને દૂર કરવાની પ્રચંડ પ્રતિશક્તિ રહેલી હોય છે. એ જ રીતે વિશુદ્ધ અને નિર્મળ રત્નોમાં પણ આવો પ્રભાવ હોય છે. એ સાથે અમુક વૃક્ષો, વેલીઓ, વનસ્પતિ રૂપ ઔષધિઓ પણ સહાયક બને છે. આ બધાને યોગ્ય રીતે ભેગા કરી પ્રાણશક્તિનો પ્રભાવ સૌથી વધારે પ્રમાણમાં પ્રચંડ કરી શકાય છે. આ કારણથી જ આપણા જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની શુભ અસર વધારવા કે અશુભ અસર ઘટાડવા જુદી જુદી ધાતુઓમાંથી બનાવેલ વીંટી કે પેન્ડન્ટમાં રત્નો જોડી, માદળિયા ધારણ કરવાનું કે શરીર પર વનસ્પતિ-ઔષધિઓ ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે એ કેટલું વૈજ્ઞાનિક છે.

પરમહંસ યોગાનંદજી કહે છે - સાડા આઠ કલાકમાં ૧૦૦૦ વાર કરેલો ક્રિયા યોગ એક દિવસમાં ૧૦૦૦ વર્ષ સુધી કરેલા યોગ જેટલું ફળ આપે છે. જો એક વર્ષ સુધી આ રીતે ક્રિયાયોગ કરતા રહેવામાં આવે તો ૩ લાખ ૬૫ હજાર વર્ષો સુધી કરવામાં આવે એટલી આધ્યાત્મિક પ્રગતિ કરાવી દે છે. પ્રાકૃતિક રીતે જે પ્રાપ્ત કરતાં દસ લાખ વર્ષો લાગી જાય ક્રિયાયોગી એ પરિણામ માત્ર ત્રણ વર્ષોમાં પ્રાપ્ત કરી લે છે. માનવીનું આયુષ્ય સામાન્ય સંજોગોમાં આશરે સોએક વર્ષ જેટલું જ હોય છે. પ્રવૃદ્ધ પ્રાણ શક્તિ અને આત્મશક્તિ પર આધારિત ક્રિયાયોગ થોડા સમયમાં પણ કેટલા બધા લાંબા સમય સુધી કરેલા યોગ જેવું પરિણામ આપી દે છે. એટલે જ બધા યોગોમાં ક્રિયા યોગ સર્વશ્રેષ્ઠ કહેવાયો છે. યોગાનંદજી કહે છે કે શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ ચોથા અધ્યાયના આરંભમાં કહે છે - 'આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો. સૂર્યે મનુને કહ્યો હતો. અને મનુએ ઈક્ષ્વાકુને કહ્યો હતો. એમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓ જાણતા હતા. તે યોગ લાંબાગાળા સુધી ભૂલાઈ ગયો હતો તે હું તને કહું છું.' પતંજલિનો ઇશારો યોગક્રિયા તરફ જ હતો કેમ કે તેમણે લખ્યું છે - ક્રિયાયોગ શારીરિક અનુશાસન, માનસિક નિયંત્રણ અને ઓમકાર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી થાય છે. ક્રિયા સાથે અનેક વિધિ-વિધાનો જોડાયેલા છે જે પ્રમાણિત રીતે ગીતા, યોગસૂત્ર, તંત્રશાસ્ત્ર અને યોગની સંકલ્પનાથી લેવાયા છે. લાહિડી મહાશયે મહાવતાર બાબાજી પાસેથી ૧૮૬૧માં ક્રિયાયોગની દીક્ષા લીધી તેનું, તેની પ્રક્રિયાનું અને તેના મહિમાનું વિસ્તૃત વર્ણન પરમહંસ યોગાનંદે તેમના પુસ્તક 'એન ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી'માં કર્યું છે.