ખુશાલીએ સંબંધોમાં નવું પ્રકરણ ઉમેર્યું

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- હું આવતીકાલમાં નહીં, આજમાં માનું છું. ઉપકારના દબાણ હેઠળ હું ખંજનભાઈને દબાવવા માગતી નથી' - ખુશાલીનું જીવનદર્શન
વિ રાટકુમારને બે પુત્રો. મોટો મંથન અને નાનો ખંજન. એક ગોઝારા અકસ્માતમાં વિરાટકુમારનાં પત્ની વ્રતિનીદેવી અને મોટા પુત્ર મંથનનું અવસાન થયું. મંથન એક મોટી કંપનીનો સીઈઓ હતો. નોકરીને હજી માંડ એક વર્ષ થયું હતું એન તેનું આકસ્મિક મૃત્યુ થયું.
વિરાટકુમાર ભાંગી પડયા હતા. એમને આશા હતી કે મંથન કમાતો થશે એટલે એમનું દેવું ભરાઈ જશે. પણ કુદરતને એ મંજૂર નહોતું. લોકડાઉન દરમિયાન એમનો બિઝનેસ બંધ પડી ગયો હતો. એટલે વિરાટકુમારને બહુ નુકસાન થયું હતું. પત્ની અને પુત્રના અવસાનના કારણે તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને તેઓ લકવાગ્રસ્ત થઇ ગયા હતા. નાનો પુત્ર ખંજન વિરાટકુમારની સેવા કરતો હતો. વિરાટકુમાર પથારીવશ હતા એટલે ખંજન નોકરી પણ કરી શક્તો નહોતો.
સગાંવહાલાં વિરાટકુમારની ખબર જોવા આવે ત્યારે ખંજનને વણમાગી સલાહ આપતાં : 'ખંજન, ક્યાં સુધી આમ જીવતી લાશ પાછળ સમય બગાડીશ ? તું એમબીએ છે, એટલે તને ગમે ત્યાં નોકરી તરત મળી જશે. લાગણીના પ્રવાહમાં તણાઈ જિંદગી વેડફાય નહીં. અને માન કે તારા પપ્પા લાંબુ જીવ્યા, તો તારી લગ્નની વય પણ પૂરી થઈ જશે. તું એક કામ કર, તારા પપ્પાની સેવા માટે એક માણસ રાખી લે. દવાના ખર્ચ માટે પણ તારે કમાવું તો પડશે ને!'
આવી સ્વાર્થ સલાહ આપનાર પર ખંજન સખત નારાજ થઇ જતો. અને કહેતો : 'પુત્રને માતાપિતાની સેવામાંથી પલાયન કરવાની સલાહ એ પોતે જ પાપ છે મહેરબાની કરી મને સ્વાર્થના પાઠ ના ભણાવશો.'
ખંજનના લકવાગ્રસ્ત પિતા વિરાટકુમાર બોલી શક્તા નહોતા અને લકવાને કારણે લખી પણ શક્તા નહોતા. એટલે ખંજનને ઘરની પરિસ્થિતિની કાંઈ જ ખબર જણાવી શક્યા નહોતા.
એવામાં ધીરધીરનો ધંધો કરનારે પૈસાની ઉઘરાણી માટે એક ગુંડાને મોકલ્યો. એણે ધમકીના સ્વરમાં પૂછ્યું : 'છોકરા, તારા બાપને કહેજે કે મનોહરશેઠનું દેવું એક મહિનામાં ચૂકવી દે. આ ઘર પણ મનોહરશેઠનું જ છે. અને તારા ભાઈ મંથનના મૃત્યુ બાદ તારા પપ્પાએ ભાડું આપવાનું જ બંધ કરી દીધું છે. પૈસા નહીં ચૂકવો તો તમને ઘરની બહાર તગેડી મૂકીશ. અને જો, સાંભળ, અપહરણના અમે એક્સપર્ટ છીએ. આ છેલ્લી ચેતવણી છે.' કહી ગુંડો વિદાય થઇ ગયો. ખંજનના પપ્પા વિરાટકુમાર આ બધું સાંભળતા હતા પણ બોલી શક્તા નહોતા. એમની લાચારી અને પુત્રનું અપમાન જોઈ તેઓ ધૂ્રસકે ધૂ્રસકે રડી પડયા હતા.
ખંજને એમનાં આંસુ લૂછી આશ્વાસન આપ્યું કે 'પોતે બધું જ કર્જ અદા કરી દેશે. ચિંતા ના કરશો.'
ખંજને પોતાનાં નિકટનાં સગાંવહાલાંને લોન માટે વિનંતી કરવાનું શરૂ કર્યું. સહુએ બહાનાં કાઢી લોન આપવાની અસમર્થતા દર્શાવી. એના કારણે મનોહરશેઠનું દેવું અદા થઈ શકે એમ હતું નહીં.
ખંજને વિચાર્યું કે હું જાતે જ મનોહરશેઠને મળી કંઇક રસ્તો બતાવવા વિનંતી કરું.
અને ખંજને મનોહરશેઠની પેઢી પર પહોંચી ગયો. ખંજનને જોઈ મનોહરશેઠ વિસ્મિત થઇ ગયા. છ ફૂટની ઊંચાઈ, ગૌરવર્ણ, વિશાળ લલાટ, કરુણા વરસાવતી આંખો, જોનારને વહાલું લાગે તેવું ખંજનનું વ્યક્તિત્વ હતું. મનોહરશેઠ ખંજનના વ્યક્તિત્વને જોઇને અંજાઈ ગયા હતાં. ખંજનના ચહેરા પર નિરાશાનું નામોનિશાન નહોતું. એમણે અંદરના રૂમમાં બેઠેલી પોતાની પુત્રી ખુશાલી જે પેઢીનો એકાઉન્ટ સંભાળતી હતી, તેને બોલાવતાં પહેલાં ખંજનના આગમનનું કારણ તેને મોઢે જાણવાની કોશિશ કરી. ખંજનના પિતા વિરાટકુમાર મનોહરશેઠના દેવાદાર છે અને તેમના ઘરનું ભાડું પણ ચૂકવી શક્યા નથી, તેવી માહિતી ખંજને આપી.
મનોહરશેઠે કહ્યું : 'જો બેટા, તારા પપ્પા વેપાર માટે નાણાંની જરૂર પડે ત્યારે તેઓ મારું જ બારણું ખખડાવતા. એમના જેવો ઇમાનદાર માણસ મેં મારી જિંદગીમાં જોયો નથી. મને હતું કે વેપાર નુકશાન જતાં તારો ભાઈ મંથન દેવું ચૂકવી શકશે. પણ કુદરતને એ મંજૂર નહોતું. મેં એમને ત્રીજી પાર્ટી પાસેથી ઘર ગીરો મૂકીને પૈસા અપાવ્યા. તારા પપ્પા એ રકમ કે વ્યાજ પણ ન ચૂકવી શક્યા. એટલે મેં તમારું ઘર વેચાતું લઇ લીધું અને ત્રીજી પાર્ટીને પૈસા ચૂકવી દીધા છે અને તારા પપ્પાને જ ઘર ભાડે આપીને મેં તાત્કાલિક રસ્તો કાઢી આપ્યો. પણ બેટા, ધીરજની પણ એક હદ હોય છે. અમે સરાફો દયાળુ બનીએ તો અમારે દેવાળું ફૂંકવાનો વારો આવે.'
'આમાં આપનો કશો અપરાધ નથી વડીલ. આપે જેટલી માનવતા દેખાડી એટલી પૂરતી છે. હું આપને વચન આપું છું કે હું હવે નોકરી કરીશ અને થોડા સમય બાદ બેંકલોન દ્વારા આપના પૈસા ધીરે ધીરે ચૂકવી દઈશ. આ સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.' ખંજનની આંખમાં આંસુ આવી ગયા.
મનોહરશેઠે ખંજનને આશ્વાસન આપતાં કહ્યું : 'જો બેટા, મારી પાસે તારી સમસ્યાનો વિકલ્પ છે. તારું અસાધારણ વ્યક્તિત્વ જોઇને તારી મદદ માટે હું તારી સમ્મતિની રાહ જોઉં છું. બસ તારી સમ્મતિ મળે, એટલે બધા જ રસ્તા ખુલ્લા.'
ખંજન મનોહરશેઠની વાત સમજી શક્યો નહીં. એણે કહ્યું 'વડીલ મારા વ્યક્તિત્વ અને દેવાની વસૂલાતને શો સંબંધ છે ?'
'સંબંધ છે બેટા, સાંભળ, મારી એકની એક દીકરી ખુશાલી જે મારી પેઢીની ભાગીદાર પણ છે તેના માટે હું પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા ઇમાનદાર યુવકની શોધમાં છું. જો તું મારી પુત્રી ખુશાલી સાથે લગ્ન કરવા તૈયાર થાય તો તારા પિતા વિરાટકુમારનું બધું જ દેવું માફ કરીને તારી મુશ્કેલીઓનો અંત લાવી દઉં. આ સોદામાં તારે કશું ગુમાવવાનું નથી.' હસતાં હસતાં મનોહર શેઠે કહ્યું.
મનોહર શેઠની વાતો સાંભળી બીજા રૂમમાં બેઠેલી તેમની પુત્રી ખુશાલી દોડી આવી. એણે કહ્યું : 'પપ્પા, મેં તમારી અને ખંજન વચ્ચેની વાતચીત સાંભળી છે. તમે લગ્નને સોદાનું રૂપ આપો છો, એની સામે મને નફરત છે. સ્વાર્થ સાધવા કરાયેલાં લગ્નો મારી નજરે કજોડાં છે. કોઇના પર ઉપકાર કરી તેનું શોષણ ના થાય. ભગવાને આપણને લક્ષ્મી આપી છે, એ માનવતાનું પોષણ કરવા આપી છે, કોઇના શોષણ માટે નહીં. હું ખંજનને મદદરૂપ થવા તૈયાર છું.'
'પણ એની ક્યાં ના છે. ખુશાલી તને ખંજન ગમે તો છે ને ? જો ગમતો જ હોય તો મારી ઓફર સ્વીકારવામાં તેને તો ફાયદો જ થવાનો છે.' મનોહર શેઠે કહ્યું.
'પણ મને વાંધો છે. લાચાર ખંજન તમારી વાત સ્વીકારવા તૈયાર હોય એમ લાગતું નથી. સ્ત્રી પુરુષના સંબંધોને પતિ-પત્ની બનાવવા સિવાયના અન્ય કોઈ સંબંધની વ્યાખ્યામાં ન સમવાય એવું કોણે કહ્યું છે ?' ખુશાલીએ કહ્યું.
'તો પછી તારી પાસે બીજો કયો વિકલ્પ છે ?
હું મારી પરસેવાની કમાણી વિરાટકુમાર અને તેમના દીકરા ખંજન પાછળ બરબાદ કરવા ઇચ્છ તો નથી. મારે ખેરાતી નથી બનવું મારે તો વિરાટકુમારના વેવાઈ બનવું છે.' મનોહરશેઠે કહ્યું.
'આપ ઇચ્છો છો તેવાં આપનાં અરમાન પૂરાં નહીં થાય પપ્પાજી. આપ વારંવાર કહો છો કે ભગવાને મને દીકરી તો આપી, પણ દીકરો ન આપ્યો. દીકરાની ખોટ આપને સતત સાલ્યા કરે છે. તો આપ ખંજનને જમાઈ તરીકે સ્વીકારવાને બદલે પુત્ર તરીકે જ સ્વીકારી લોને. ખંજનભાઈ તમે જ કહો મારી વાત ખોટી છે ?' ખુશાલીએ કહ્યું.
મનોહરશેઠ ચમક્યા. એમને લાગ્યું કે ખુશાલી માનસિક સંતુલન ખોઈ બેઠી છે અને ભાવાવેશમાં લવારો કરી રહી છે. એમણે ખુશાલીની વાત અધવચ્ચે જ કાપી નાખતાં કહ્યું : 'ખુશાલી, તારે ભાઈની જરૂર હોય પણ મારે રૂપિયાની જરૂર છે. તમે ભાઈ-બહેન બનો એમાં મને શો લાભ ? મારે તો મારી લહેણી રકમ સાથે લેવા દેવા.'
'પપ્પા, તમને લહેણી રકમની ચિંતા છે, પણ હિસાબમાં જોયું કે મારા ભાગે પચાસ લાખ જમા છે. ખંજનભાઈના પપ્પાનું દેવું માંડ સાત લાખની આસપાસ છે. આ રકમ મારે માંડવાળ કરવી છે. રક્ષાબંધન કાંઈ શ્રાવણ પૂનમે જ ઉજવાય એવું નથી. રક્ષાબંધન બહેનને જરૂર હોય અને રક્ષા માટે સાદ કરે એવી જ રીતે ભાઈને જરૂર હોય ત્યારે ભાઈ કેમ સાદ ના કરી શકે ? રક્ષાબંધન એ ભાઈ બહેન બન્નેને પરસ્પર ઠારવાની પ્રતિજ્ઞા છે. ખંજનભાઈ, તમે મને બેન તરીકે સ્વીકારશો ?' ખુશાલીએ કહ્યું.
ખુશાલીની ભાવના જોઈ ખંજન ગદગદ થઇ ગયો. એણે કહ્યું : 'કળિયુગમાં આપના જેવા ઇન્સાનો છે, માટે આ ધરતી ટકી રહી છે. મારું દેવું માફ કરીને મને ભાઈ તરીકે સ્વીકારવો એ આપનો મહાન ત્યાગ છે. હું આપને વંદન કરું છું. ખુશાલી દીદી.'
'પપ્પાજી, મેં મનોમન નક્કી કર્યું છે કે ખંજનભાઈ આવતીકાલથી આપણી પેઢીમાં નોકરી કરશે. એને તમારી લહેણી રકમ ચૂકવી આપશે. પછી જીવનભર અમે બન્ને ભાઈ-બહેન તમારી અને વિરાટ અંકલની જીવનભર સેવા કરીશું.' ખુશાલીએ મનોહર શેઠની લહેણી રકમ અંગેની મૂંઝવણ દૂર કરતાં કહ્યું.
'દીકરી, માણસ ભાવાવેશમાં હોય છે ત્યારે એની વિવેકશક્તિ ખોઈ બેસે છે. ખંજનના પપ્પાનું દેવું ચૂકવાઈ ગયા બાદ તે લગ્ન કરી લેશે, ત્યારે રાખડી તારો બચાવ નહીં કરે' - મનોહર શેઠે કહ્યું.
'હું આવતીકાલમાં નહીં 'આજ'માં માનું છું. ઉપકારના દબાણ હેઠળ હું ખંજનભાઈને દબાવવા માગતી નથી. તેઓ પોતાના નિર્ણય લેવા સદા સર્વદા આઝાદ છે. સંબંધ એ શાન બને એમાં એની સિધ્ધિ છે. ખંજનભાઈ, લાવો તમારો હાથ. તમારી બહેન ખુશાલી તમારી પ્રત્યેક પ્રસન્નતા માટે હાજર રહેશે - કહી ખુશાલીએ ખંજનના હાથે રાખડી બાંધી. મનહર શેઠે અંતે એ સંબંધ સ્વીકારી લીધો. અને લોનના સઘળા કાગળો ફાડી નાંખ્યા.'









